સાહિત્યકાર મુજબ સંગ્રહ... : Original Poetry

Original poetry on aksharnaad.com blog


સંબંધોની પેલે પાર – ડીમ્પલ આશાપુરી 7

એકમેકને ઓગાળી દઈએ આરપાર, બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ. શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ, ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ…. આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ ….. આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ ….. પછીતો ના ફરીયાદો, ના વિનંતિ, આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ …… વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત, વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ, તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને ‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ,…. ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ **************** મારી અંદર વરસે છે તું મારી અંદર વરસે છે ધોધમાર તું પ્રણયનાં એ પહેલા વરસાદસમ તું આજ રાધાનો કા’ન મને ફિક્કો લાગે વાલમ એવા કા’ન ની ઈચ્છાનું કારણ થઈ તું, મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું. જો ! આ ઝાકળભીનો સ્પર્શ એક તારો ભીંજવે મારા યુગો અનેક એવા મનની તૃષ્ણાઓનો પિયુષ તું મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું. – શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી ( શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી તરફથી સ્નેહ અઠવાડીયામાં પ્રગટ કરવા માટે મળેલી આ બે રચનાઓ ખૂબ ઉર્મિસભર છે અને પ્રેમમાં મગ્ન એવા એક હ્રદયની લાગણીઓ ખૂબ સરસ શબ્દોમાં કહી જાય છે. આ રચનાઓ અધ્યારૂ નું જગતને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર. )


દીકરીઓનો દબદબો – જીગ્નેશ અધ્યારૂ અને વિકાસ બેલાણી 11

  સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી. હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી. – જીગ્નેશ અધ્યારૂ દીકરી વિષે શું ને કેટલું લખવું? મારા અને મારી પત્નીના, અરે મારા આખાંય કુટુંબના પ્રેમનું, સ્નેહનું કેન્દ્ર એટલે મારી “દીકરી”. જે સૂવે તો અમારી દુનિયા પૂરી થાય અને ઉઠે તો શરૂ થાય એવી મારી દીકરી વિશે લખવું એટલે મારો પ્રિય વિષય. સ્નેહ અઠવાડીયા માટે તેનાથી, દીકરીઓથી સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે? તેના વિશે લખેલી એક નાનકડી ગઝલ અહીં મૂકી રહ્યો છું. હોશ અને હાશ મારા, હૈયું ને શ્વાસ તું, દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ ઉગતા ન સૂરજ ને ઉગતા ન તારલા દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું તારાથી ગૂંજે આ જીવન કલકલ, દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ, દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા દીકરી છે કાફીયા ને જીવન ગઝલ  – જીગ્નેશ અધ્યારૂ **************************************************************************** હીર મારી આંખોનો ઉજાસ, મારા હ્રદયનો ધબકાર હીર હીર મારી નસોમાં વહેતું લોહી, મારા સ્નેહનો સાગર હીર, હીર મારો શ્વાસોચ્છવાસ, મારી ચેતનાનું બળ હીર, હીર મારો પડછાયો, મારી ઉર્મીનું ગીત હીર, હીર મારી ખુશીઓનું નંદનવન, મારા મોહની માયા હીર, હીર મારા શબ્દોની સાંકળ, મારા સર્જનનો સાર હીર હીર મારું પ્રિય સ્વજન, મારા નિત્યસ્મરણ ઇશ હીર, હીર મારા સ્નેહવૃક્ષનું ફળ, મારી લાગણીનો છોડ હીર. ( હીર તેમની પુત્રીનું નામ છે. ) આ રચના મેં મારી ઈચ્છાથી લખી નથી, એક દિવસ અમારી સાઈટ પર મારી વહાલી દીકરી “હીર” મને […]


પ્રભુ ! તું અને દરીયો & સુખનો ફોટો – જીગ્નેશ અધ્યારૂ 4

( મિત્રો, આજે મારી બે ગઝલ અત્રે મૂકી રહ્યો છું. સામાન્ય રીતે મારી ગઝલો સાંભળીને મિત્રો કહે છે કે નકારાત્મક વિચાર ગઝલોમાંય ઝળકે છે. પરંતુ મારા હિસાબે હકારાત્મક વિચારો ત્યાંથી જ ઉદભવી શકે. પ્રથમ ગઝલ પ્રભુ અને દરીયા વચ્ચેનું સંયોજન દર્શાવવાનો પ્રયત્ન છે. ચાર વર્ષથી દરીયા કિનારે રોજ સવારે ઉભો રહી અફાટ સાગરને જોઈ, હવે ગઝલોમાં દરીયો આવી જ જાય તેમાં શું નવાઈ? અહીં મેં પ્રભુની વૈશ્વિકતા અને “મારો ઈશ્વર / અલ્લાહ / પ્રભુ” એવાં વાડાઓમાં રહેતા આપણે એ બે વચ્ચે થોડોક ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી ગઝલમાં અનાયાસ જ આંસુ અને દુઃખોની વાત થઈ ગઈ છે. પરંતુ તેમાંય હિંમત ન હારવાની ક્ષમતા દેખાડવાનો પ્રયત્ન છે. (જો કે એક મિત્રએ એમ પણ કહ્યું કે શિકાર થયેલા હરણનાં છેલ્લા ચિત્કાર જેવી આ ગઝલ છે.) આપના દરેક પ્રકારના પ્રતિભાવોનું સ્વાગત છે. ) 1. પ્રભુ ! તું અને દરીયો તું જુએ જો મારી આંખોમાં તો, તારી આંખોમાં મને દેખાય દરીયો. ને જેવો ફેરવું હું નજરુંય તુજથી, બની ઝાંઝવા વહી જાય દરીયો઼. પ્રભુ ! તારી ગલીમાં હું ચોમેર ભટક્યો, તોયે મને ક્યાંયે ન દેખાય દરીયો. ને જોયું જો ભીતર જરી અમથું નમીને, બની લાગણી મુજથી ઉભરાય દરીયો. ઠેરવું જો મારો તો એમેય થાય મને, કિનારે ક્યાં કદી રોકાય દરીયો. પણ મારા માંથી જેવો અમારો કરું તો, કિનારા છોડી કદી ક્યાં જાય દરીયો. એક અડગ આશ ને પૂરો વિશ્વાસ પછી, અર્જુનના બાણે ભલે વીંધાય દરીયો. ખારો તો ખારો ભલે પીધો પીવાય નહીં, બની નદી ઠેર ઠેર પૂજાય દરીયો.   2. સુખનો ફોટો આંસુઓના ઉભરાતા દરીયાને ભોંઠો પાડવો છે, દુઃખ ઉભું રહે, મારે સુખનો ફોટો પાડવો છે. […]


હું અને ઢળતો સૂરજ – જીગ્નેશ અધ્યારૂ 5

શું તું મને ચાહે છે? મેં તેને પૂછ્યું .. લાગણીમાં ભીંજાયેલા શબ્દોથી, અને એવા જ ઘેલા પ્રત્યુત્તરની હાર્દીક અપેક્ષા સાથે, પણ અચાનક “ના” સાવ કોરોધાકોર શુષ્ક ઉત્તર, એક રસ્તો ને બે ફાંટા, અને પછી વર્ષોનું લાંબુ મૌન. પણ પણ આજે આટલા વર્ષે જીવન સંધ્યાના અંતિમ પડાવો પર તું અને તું જ યાદ આવે છે. એક ટીસ ઉઠે છે, કે જો તું હોત તો મારા કોમ્પ્યુટરના વોલપેપરની જેમ તારા હાથમાં હાથ લઈને દરીયા કિનારે ડૂબતા સૂરજની સાક્ષીએ સંતોષનાં ઓડકાર લઈને જીવી શક્યો હોત પણ…. હું એકલો છું બસ એકલો અધૂરો તારા વગર ખૂબ અધૂરો સાવ નિરાધાર હજીય રાહમાં… અને સૂરજ જઈ રહ્યો છે… અસ્તાચળ તરફ શું ચંદ્ર ઉગ્યા વગર જ રાત થઈ જશે?  – જીગ્નેશ અધ્યારૂ


પહેલી ઉત્તરાયણ – જીગ્નેશ અધ્યારૂ 12

ઘણાંય વર્ષો પહેલા એક ઉત્તરાયણે મિત્રોના ટોળાં વચ્ચે બધાને અવગણીને વડીલો અને સંબંધીઓને છોડીને ફક્ત પ્રેમને ખાતર મારી ફીરકી પકડીને તું ઉભી હતી, એ તારી પહેલી હિંમત આપણો પ્રેમ પતંગ ખૂબ ચગ્યો બે હાથ અને એક દોરી બે પંખી અને એક આકાશ બે હૈયા અને એક શ્વાસ એ યાદ છે? હું જીવનભર તારી દોરી સાચવીશ એ તારૂં કહેલું વાક્ય મને હજીય યાદ છે અને મારા જીવનની દોરીને તેં કદી ગૂંચવાવા નથી દીધી કપાવા નથી દીધી ” WELL MANAGE ” કરી છે તે બદલ મારા જીવનસાથી, આ ઉત્તરાયણે “થેન્ક્યુ” કહી દઊં તો તને ખોટું તો નહીં લાગે ને?  – જીગ્નેશ અધ્યારૂ


આ સમાજને – જીગ્નેશ અધ્યારૂ

આખરે ક્યાં સુધી હું આમને આમ જ જીવ્યા કરું? અને જોયા કરું મૂંગો થઈને ગૂંગળાતું બાળપણ જ્યાં ત્યાં ખોરવાતુ ને ખોટે રસ્તે દોરવાતું યૌવન, ને અપમાનોની આગમાં ભારે ઠુંઠવાતું ઘડપણ. ક્યાં સુધી હું જોયા કરું તમારા નિર્દય દેખાડા ભેદભાવના નગ્ન તમાશા માણસ માણસના રક્તના પ્યાસા એકને માથે, એક ખાસડે એકને આશા, એક નિરાશા ક્યાં સુધી હું જોયા કરું કે તમે કોઈના નથી મતલબના સાથી છો ને ઘોર સ્વાર્થી છો ક્યાં સુધી હું આમ જ જોયા કરું ને વિચાર્યા કરું, ક્ષણે ક્ષણે મરું કે હું ય તમારામાં થી જ એક છું.


અંતિમ પ્રયાણ – જીગ્નેશ અધ્યારૂ

સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા સુખભર્યા જીવતરના સોનેરી સોણલા ઉઘાડી આંખોમાં અધૂરા રહી ગયા બે ચાર ડચકાં, છૂટતા શ્વાસો અણદીઠાં સ્વપ્નો અધૂરી આશો મનના ઉમંગની અણકહી વાતો ચાલ્યા અમે ને એ બધાં રહી ગયા સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા મોટાં રુદનને ક્યાંક આંખોમાં પાણી જીવનની લીટીને ઘણી લાંબી તાણી પણ સુખની એકેય ક્ષણને ન માણી એ ક્ષણોના સરવાળા, ભાગાકાર થઈ ગયા સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા


મારા નાનપણાના મિત્રો – જીગ્નેશ અધ્યારૂ 5

બાળપણ એ એક અણમૂલ ભેટ છે, અને તેમાંય શાળાની શરૂઆતના વર્ષોમાં કરેલા તોફાન, ખાધેલા માર અને ગોઠીયાઓ સાથે માણેલી મજા….એનાં તોલે તો કાંઈ ન આવી શકે. અમે નાના હતા (પહેલાં કે બીજા ધોરણમાં) ત્યારે ( પોરબંદરમાં ) મારા ઘરથી પાંચ મિનિટ ચાલીને જવાય એટલા અંતરે આવેલી કડીયાપ્લોટની શાળાએ જતાં. ત્યાં ખૂબ મસ્તી કરતા, વાર તહેવારે માર ખાતા અને છતાંય આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિનો અનુભવ કરતાં. મારા બાળગોઠીયાઓને મારી તેમની પાટીની પેન ઝૂંટવી ખાઈ ગયાની ફરીયાદો સાંભળી મારી માતાને આવી ફરીયાદ ન આવે તે દિવસે કાંઈક અડવું અડવું લાગતું, તો રીસેષમાં શાળાએથી ભાગી કબડ્ડી રમવા કે ચોપાટી પહોંચી ફરવા જતા…..આ સમયના મિત્રો હવે ક્યાં પહોંચી ગયા એ ખ્યાલ નથી…કોઈ સંપર્ક નથી, પણ સ્મૃતિઓમાં આજેય એ “FRESH PAIN “ની જેમ સચવાયેલા છે…અને રહેશે…..અચાનક જ આ મિત્રોની યાદ આવી અને આ કવિતા લખાઈ ગઈ…..આશા છે આપને ગમશે…  ————-> હતા સદા જે સંગાથે, તે સ્મરણમાં રહી ગયા, વર્ષોના વહાણાં સહેજે, ક્ષણોમાં વહી ગયા, ખૂબ વધ્યા ઓછાયા અને ફૂલી ફાલી એકલતા, મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. માટી ફેંદતા સાથે સાથે, રમતા સાથ લખોટી, હું ખેંચતો ચડ્ડી કદીક, તું ખેંચે મારી ચોટી, પાટી પેન ને ચમચમ સોટી, લંગોટી રહી ગયા, મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. ચોપાટીએ ઘર ઘર રમતા, ગાતાં ગીત મજાનાં શાળાએથી ભાગી જાતા, કેવા છાના માના ઝાડુ વેલણે બરડે દીધા, લીસોટા રહી ગયા મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. રાજુ ને હીતુ, રેખુ ને ભાનું, શોરથી આવી, ભાગતા છાનુંમાનું છાનામાના જીવનમાંથી, ક્યાં તમે સરી ગયા મારા બાળપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. સ્મરે છે હજી બાની આંગળી, પકડી લીધો મારગ, જીવનભર સાચના રસ્તે થયા ન કદી […]


કહી રહ્યો છું – જીગ્નેશ અધ્યારૂ 6

સૂકી આંખો, છૂપા મર્મને, કળવા મથી રહ્યો છું, શું તે મુજને પ્રેમ કરે? ખુદને પૂછી રહ્યો છું. શ્વાસે શ્વાસે, આજ અંતરે, તુજને ભરી રહ્યો છું, વધી રહ્યો છું તારામાં ને, ખુદમાં ઘટી રહ્યો છું. તને પામવા, સ્વ ભૂલીને આગળ વધી રહ્યો છું, સપ્તપદીના સાતે વચનો, મનમાં રટી રહ્યો છું. તારી આંખે આ જીવનના, સ્વપ્ન સેવી રહ્યો છું મારા થાઓ ફક્ત આટલી વાત હું કહી રહ્યો છું. – – જીગ્નેશ અધ્યારૂ (લખ્યા તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૦૮)


પ્રેમ પ્રપોઝલ – જીગ્નેશ અધ્યારૂ 8

હૈયે થઈ છે ભારે હલચલ મનડું જાણે ઝરણું કલકલ તારા પ્રેમના પરમ ઉજાસે અંતર મેળે, ઉમંગો છલછલ તારી તલબ ને તારા વિચારો વેરણ નિંદ્રા, સપના હરપલ તારી ઝુલ્ફો, તારૂ આંચલ તારા કાતિલ નયનો નિર્મલ મનડાની આ વાતો છાની જાણે બસ, તારો પ્રેમી પાગલ જીવનનો સાથ, હાથોમાં હાથ કેમ મૂકુ મારી પ્રેમ પ્રપોઝલ  – જીગ્નેશ અધ્યારૂ


લાગણી – જીગ્નેશ અધ્યારૂ

કોઈના વગર કોઈ ઝૂરી ઝૂરી ને મરતુ નથી કોઈનો હાથ પકડીને કોઈ ભવસાગર તરતું નથી સ્વાર્થ ના સગા સહુ પૈસો જ છે પરમેશ્વર પૈસા વગર તો લોહી પણ લોહીને સાંભરતુ નથી નફરતના બીજ વાવીને દુઃખનો પાક લણીને આંખોમાં નફરત ભરીને કોઈ સુખી થતુ નથી…  – જીગ્નેશ અધ્યારૂ


તારો વિરહ – જીગ્નેશ અધ્યારૂ

ના હોય વિશ્વાસ તો મારા હૈયાને પૂછો તમ વિરહમાં એ હીબકા ભરીને કાં રુવે, સંભાળો આંખોને, ચેપ તો તમને ય છે નહીંતર અમને ચોરી ચોરી કાં જુએ? લાગણી તો મનમોજી, આંખો ના રસ્તે, તર્ક થી ક્યાંય જુદેરૂ,  ભવિષ્ય એ જુવે, વીતક ને હોઠો પર કેમ કરી લાવું હું ? પડ્યા ભૂવા ઊંડા તો ય આંખો ના સૂવે… મિલન નું માત’મ કે જુદાઈના જખ્મો પાણી ખૂટ્યા છે હવે આંખોના કૂવે, પ્રેમ ના પ્રમાણમાં, સાથની ઊતરાણ માં હૈયુ ભલે કકળે પણ આંખો ના રુવે   – જીગ્નેશ અધ્યારૂ


લખી શક્યો – વિકાસ બેલાણી

રાતોમાં જાગીને હું, ઊજાગરા લખી શક્યો, સાથે જોયેલા આપણા શમણા લખી શક્યો, તન્હા હતું વાતાવરણ, એમાં તારો વિરહ આંસુ નીતરતી આંખ થી હીબકાં લખી શક્યો પ્રશ્નો લખી શક્યો, હું વિષાદો લખી શક્યો, મથ્યો ઘણું’યે તોય ના ઊતર લખી શક્યો બધું લૂંટાવી તારા પર, એક વાત જાણી કે, થયો બરબાદ જે ક્ષણમાં, પ્રણયને ઓળખી શક્યો ઊતાર્યું છે ‘રૂષભ’ આખું હ્રદય, મેં શાયરીમાં જો છતાં પણ વાત ક્યાં છાની’યે કોઈપણ લખી શક્યો ?  – વિકાસ બેલાણી ‘રૂષભ’


મારુ ઘર… – જીગ્નેશ અધ્યારૂ 3

ગમ થી દૂર, તમ થી નજીક મનનું સંગીત, મહેકતુ નગર જીવનનો રસ, લાગણીનો કસ, દુઃખ આઘુ ખસ, આ મારુ ઘર આતમને સંગ, અંતર ઊમંગ જીવનના રંગ, સુખનું નગર, આશા પતંગ, હૈયુ વિહંગ હિંમતની જંગ, છે મારુ ઘર આશાઓ તારી, મૂડી છે મારી સપનાઓ સઘળા, લાંબી ડગર હીંમતનો હાથ, સંઘર્ષોનો સાથ જીવન સંગાથ, આ મારુ ઘર દુઃખોની ઘાત, નિરાશાને હાત.. હિંમતનો સાથ, જીવનપથ પર મારો શ્વાસ, મારી આશ, તારો વિશ્વાસ, આ મારું ધર  – જીગ્નેશ અધ્યારૂ


રાહ પર… – વિકાસ બેલાણી

  કરવો જ હોય તો તું કરી નાખ રસ્તો, અડચણ ઉકેલી નાખ મંઝીલ ની રાહ પર, પછી જ મળશે એવું માને છે હ્ર્દય મારું, ઇશ્વર હંમેશા હોય છે શ્રધ્ધાની રાહ પર, ભલે રસ્તો છે એક આપણો; વિચારો ભલે અલગ, છતાં’ યે પ્રેમ ક્યાં કર્યો છે કોઇ ભેદભાવ પર? લખું છું ઇશ્કને; જામો ભરું છું હું મહોબતનાં, નશો મારી ગઝલને છે હ્રદયની બાદશાહત પર! મીટાવી દો ‘રૂષભ’ અસ્તિત્વ એના પ્રેમ ની પાછળ, વફા સાબીત થઇ શકશે ફકત તારી શહાદત પર !  – વિકાસ બેલાણી


પ્રેમનો સ્વિકાર કરો – જીગ્નેશ અધ્યારૂ

કાંઈ નહીં તો મારા પ્રેમનો સ્વિકાર કરો, હું ક્યાં કહું છું કે તમેય મને પ્યાર કરો? જીવન નૈયા સંસાર સાગર માં તરતી મૂકો, હમસફર બનવાના મારા સપના સાકાર કરો. રસ્તો છે રાહમાં, ધબકે છે હૈયુ આહ માં તમે કેમ હજીય ભવિષ્યના વિચાર કરો? મંઝીલોને પણ છે તલાશ આપણી, સાથી ચાલો પગલા પાડો ને સુખી સંસાર કરો ઘણાય સાથી બનવા હશે તૈયાર તમારા પણ વિચારો બધાનાં મનમાંથી તડીપાર કરો સાતે જનમનો નાતો તમ સાથે મારે બાંધવો મારી જીવન બગીયામાં બાગે બહાર કરો.  – જીગ્નેશ અધ્યારૂ   Jignesh Adhyaru


ચાલશે નહીં – વિકાસ બેલાણી

કોઇ તો વાત એમના દિલમાં ભરી હશે, નહીંતર કદી’યે ઊંઘ આ વેરણ બને નહીં! શબ્દો કદાચ હોઠથી પાછા વળ્યા હશે; ગાલે શરમનાં શેરડા અમથા પડે નહીં! સપનાંમાં આવીને કહી દો તો’ય ચાલશે, કોઇ રસમ સંકોચની ત્યાં આવશે નહીં! ગુલાબ લઇને આવો તો એટલું વીચારજો; ફોરમ નહીં આપો તો અસર આવશે નહીં! પ્રત્યક્ષ કરવાની છે આ વાતો ‘રૂષભ’ બધી, સંતાઇને જોયાં કરો એ ચાલશે નહીં!  – વિકાસ બેલાણી Vikas Belani


પ્રેમની બાજી – જીગ્નેશ અધ્યારૂ

તારી ‘હા’ કે ‘ના’ પર છોડી દીધું જીવન, અને તરતજ સુખોની ધાત થઈ ગઈ હજી તો મેં મારા મનને સમજાવ્યુ ય નો’તું, મુફલીસોની ચર્ચામાં મારીય વાત થઈ ગઈ. મંઝીલ વગરનો રસ્તો ને સાહીલ વગરનો દરીયો, સુવાસ વગરના ફૂલ જેવી ઔકાત થઈ ગઈ ખુદા પર થી ય ઊઠી ગયો છે ભરોસો જ બાદલ, કે પ્રેમમાં પડ્યા ને બાજી મ્હાત થઈ ગઈ. – જીગ્નેશ અધ્યારૂ


મળતી નથી – વિકાસ બેલાણી

આંસુઓ લુછી શક્યો ; બધા ઝખમ લુછી શક્યો ; પણ શું કરું કે દિલમાંથી એક વાત એ હટતી નથી, જેને મેં મારા હ્ર્દય માં લાવીને સ્થાપી દીધી, કોઇ ખૂણે એમના દિલમાં જગા મળતી નથી, એમના રડવા વિશે પણ લાખ પ્રશ્નો થઈ શકે! એ કદી કારણ વિના આંખોને ભિંજવતી નથી, એ હવે નાંખે ગરમ નિઃશ્વાસ મારા નામ પર..! એટલે નિરાંતની નીંદર હવે મળતી નથી, છે રસમ જુદી ‘રૂષભ’,છે લાગણીના સ્વર જુદા! ને કોઇ પણ છેડે લકીરો હાથની મળતી નથી!!  – – વિકાસ બેલાણી ‘રૂષભ’ Vikas Belani


નીકળી પડું – વિકાસ બેલાણી

 કોઇ સાંજે આંખ મિંચી દઉં અને, હું ગગન ની રાહ પર નીકળી પડું!  ‘શ્વાસ’ ને યાદો ભલે રહેતી અહીં, સંબંધો પણ છોડી ને નીકળી પડું! કોઇ રસ્તે મન પછી મુંઝાય ના, આંખ મા અંધાપો લઇ નીકળી પડું! હું અવાજોથી ડરું છું એટલે, મૌન ની આગોશ મા નીકળી પડું! ક્યાં ‘રૂષભ’ હારી જવાની બીક છે? સાવ નિર્જન માર્ગ પર નીકળી પડું!  – વિકાસ બેલાની ‘રૂષભ’


સપનાઓનો ભાર – જીગ્નેશ અધ્યારૂ 1

મને મારા જ સપનાઓનો હવે ભાર લાગે છે અંતને આવતા કેમ આટલી વાર લાગે છે. શૂન્યતા ફેલાઈ છે સધળા સંબંધોમાં આજકાલ સ્વાર્થ ને લોભનો વસ્યો, પરિવાર લાગે છે. સુખોની સીમા ઘટીને સપનામાં રહી ગઈ દુઃખોનો ક્ષિતિજની પાર, વિસ્તાર લાગે છે. હસીએ છીએ જરીક, સુખી માને છે દુનિયા કાયમ રડાવવાનો તમને અધિકાર લાગે છે એક ખભોય નથી જ્યાં રડી લઊં “બાદલ” દુઃખનો પ્યાદો નસીબને વફાદાર લાગે છે.   – “બાદલ”  (જીગ્નૅશ અધ્યારુ.)


પ્રેમ તારો – જીગ્નેશ અધ્યારૂ 3

પ્રેમ તારો હું પામી શકીશ કે નહીં? તારો સાથ જીવનભર મેળવી શકીશ કે નહીં? જોયા સપના સાથે જીવવા મરવાના એ બધા સાકાર કરી શકીશ કે નહીં? લખ્યા છે જે પત્રો હૈયુ નીચોવીને એ બધા તને આપી શકીશ કે નહીં? વિચારોમાં જે તને હજારોવાર કહ્યું છે તે હકીકતમાં કહી શકીશ કે નહી? અંતરંગ ઓરતા ને સોહામણા શમણાં તારી આંખોમાં પ્રેમ મેળવી શકીશ કે નહીં? આજ કાલ કરતા દીવસો અનેક ગયા હવે તો તું મારી વેલેન્ટાઈન બનીશ કે નહી? – જીગ્નેશ અધ્યારૂ


આંસુ કહે છે… – જીગ્નેશ અધ્યારૂ 3

કહે છે તમારી પાંપણની ધારે લટકી રહેલુ આંસુ કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? સુખમાં હતા સાથે તો દુઃખમાંય સાથે રહીશું, વહેંચી છે ખુશી તો સઘળા દુઃખ પણ સાથે સહીશું, કહે છે ખુશીના ખેપીયા, બેવફા ન થાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? હૈયાના આ હાલાતોનું ચીરહરણ અમે કરીશું, ને ખુશીના ખયાલોનું ભરણ પોઅણ અમે કરીશું, કહે છે અંતરના ઓરતા, આમ ન હારી જાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? વિશ્વાસનો વિષય છે, ભલે દુઃખનો સમય છે, ખુશી હો કે ગમ, આંસુઓની વિજય છે, વાચા તમારી લાગણીઓને આખરે દઈ જાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? – જીગ્નેશ અધ્યારૂ


મારી રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ 1

મલકાઇને તમે જ્યારે પણ હસો છે, મારા અંતર મનમાં તમે જ વસો છે, તમને શું ખબર વગર પીધે ચઢી જાય એવો તમે નશો છો… * * * * લજામણી નું ફૂલ છું, અડો ને સંકોચાઉં છું, બસ તમે જ મારી સામે જુઓ તો શરમાઉં છું, તમે મને જોઇ હસો છો કે, એ મારા હૈયાનો ભ્રમ છે?? હાસ્યને તમારા પ્રેમ સમજીને ભરમાઉ છું. * * * * * મને થાય છે કે હવે તો તને કહીજ દઉં કે મારી ઉદાસ રાતોનું કારણ મારા સઘળા પ્રેમનું તારણ અને મારા હૈયાનું બંધારણ તું જ છે.. જે સપનાઓમાં પોતાને એકલો જ જોતો હતો તેમાં તારો સાથ પૂરવા વાળી હાથોમાં મારા હાથ આપવા વાળી અને જીવનપથ પર સાથ આપવા વાળી તું જ છે… શું મળશે મંઝીલ માં જો સફર માં તું નથી જ્યાં સુધી તું છે, જીવવાની ચાહ છે, મિલનની મંઝીલ ને ભરોસાની રાહ છે, નહીં તો બધે સ્વાર્થનો દાહ છે. જ્યાં જુઓ ત્યાં બધે મતલબનો માર છે, જાણીતાઓના અજાણ્યા કાવતરાનો ભાર છે, સાથની છે ચાહ જીવનના અંતિમ શ્વાસ સુધી ચાહતની આશાજ જીવનનો આધાર છે.


ચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ 3

 તારી સાથૅ… ચાલ જઈએ પ્રણયના રસ્તે, કોઈ પણ ચાહત વિના, મળશે ક્યાંથી જીવનની મંઝિલ, તારી મુહબ્બત વિના, પ્રણયનો પંથ કાંટાળો છે, બસ તારો જ સથવારો છે, વિશ્વાસનું વહાણ, પ્રણયનો દરીયો, સંદેહોની સંગત વિના. અરમાનોનો ભાર લઈને ચાલી શક્યું છે કોણ? ચાલને હલકા થઈને જઈએ નાહકની હસરત વિના, સમજણની હદથી ઘણે દૂર આવી ગયા છીએ, દુઆ કબૂલે છે ખુદા પણ હવે, લમ્હા એ ઈબાદત વિના.  – જીગ્નેશ અધ્યારૂ


બે કવિતાઓ – સંકલિત 1

નામ – અજ્ઞાત જેની સાથે જોડાયુ હતું એ નામ જાણીને શું કરશો તમે? નાહકની અમારા જ હિસ્સાની વેદના અનુભવશો તમે. બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાં નથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે આંખોમાં આશ, ફેફસામાં શ્વાસ લઇ હજી બેઠો છે જીવન તો ગયુ એનું, મરણ સુધારવા કરગરશો તમે. મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ કબુલ રાખજો પ્રેમ ન કરતાં, નહી તો મારી જેમ રઝળશો તમે * * આશ… – અલ્પેશ શાહ્ આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી માણી લે હર એક પળ તું આજે આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી


મારી બે રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ

મારી રચનાઓ…… [1] આંખોની ભાષા એક આંખ માં તારુ સપનું, બીજી આંખ માં આંસુ, આંસુ ના દરીયામાં, તારા સપનાં તાણી જાશું. એક આંખ માં સૂનૂં હૈયું, બીજી આંખ માં મેળો, સપ્તપદી ની કોરે કોરે, ફાડે ભવનો છેડો. એક આંખ માં ભવનો સાથ, બીજીમાં જાકારો, કાલે દીધેલા સાથના વચનો, આજના ઇનકારો એક આંખ માં મારું નામ, બીજીમાં બીજાનું, આખુંય જીવન એક આંખ માં…મારે કાં જીવવાનું. [2] કેવી રીતે ?… કેવી રીતે જીવું તારા વિના એ તું જ મને સમજાવ… ફોરમ વિનાના ફુલ નો રસ્તો તું જ મને બતાવ…. શ્વાસ મા તું, મન માં તું, ને હૈયામાં પણ તું…. તારા વિનાની ધડકનનો ધબકો તું જ મને સંભળાવ… આજે ભલે તું ભુલી ગઇ છે, મારા પ્રેમની વાતો, શમણાંઓ ની રાતો ને એ હૈયાના હાલાતો, કેમ કરીને ભુસુ હૈયું, તું જ મને શીખડાવ… તારા વગરના જીવતરનો મર્મ તું જ મને સમજાવ… આજે ભલે તું ભુલી ગઇ છે, પ્રણયના એ રંગો આંખો માં આખોનું વસવું, સ્નેહ નીતરતા સંગો કેમ કરીને રોકું મનને, તું જ મનને ભરમાવ… તારા વિના મારા જીવતર ને, તું જ જીવી બતાવ… કેવી રીતે જીવુ તારા વિના એ તું જ મને સમજાવ… નહીં તો આખર અંત નો રસ્તો, પ્લીઝ મને પકડાવ…. – જીગ્નૅશ અધ્યારુ