સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


ગુલમ્હોર મ્હોર્યા એટલે.. (વસંતગઝલ) – રમેશ પારેખ 9

વસંત આવી અને ગુલમ્હોર મ્હોર્યા એટલે કવિહ્રદયમાં પણ અનન્ય સ્પંદનો ઉદભવવાના શરૂ થયાં, છાપરાં રાતાં થયા અને રસ્તા મદમાતા થયા, બે આંખો વચ્ચેના સંવાદમાં દ્રશ્યો ગવાતા હોય એવી ભાવવિભોર કલ્પના, અણીયાળો વાયુ વાય તેના લીધે ઉઝરડાતા મનની વાત તથા શબ્દકોશો અને શરીરકોષોની પેલે પારના પર્વો ઉજવવાની વાત તો ફક્ત રમેશ પારેખ જ આ સહજતાથી કરી શકે. ર.પા ની આ જ વિશેષતાઓએ તેમની ગઝલના અનેક ચાહકો તેમની રચનાઓને ફરી ફરીને રસપૂર્વક માણે છે. વસંતના વૈભવ તથા માનવજીવન પર તેની અસર દર્શાવતી પ્રસ્તુત ગઝલ આપણી ભાષાની વસંતઋતુને લગતી કૃતિઓમાં શીર્ષસ્થાન પર શોભે છે.


સિલ્લક સુંદર શ્યામ… – સ્નેહલ મઝુમદાર 9

શ્રી સ્નેહલ મઝુમદાર સાથેની ઓળખાણ તદ્દન પ્રોફેશનલ, તેઓ અમારી કંપનીમાં એક્સ્ટર્નલ ઑડીટર તરીકે આવે, મારે તેમને અથવા તેમના સ્ટાફને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવાની અને સાઈટ પર ફેરવી રિપોર્ટ આપવાનો. પણ મારી તેમની સાથે પહેલી ઓળખાણ કાંઈક અજબ અંદાઝમાં થઈ.

કંપનીનું કદાચ પ્રથમ ઑડીટ ચાલતુ હતું ત્યારે મીટીંગમાં જરૂરી ડેટા લઈ આવવા મને કહેવાયું અને હું આવ્યો એટલે તેમની સાથે ઓળખાણ કરાવતા અમારા ચીફ ઑપરેટીંગ ઑફીસરે કહ્યું, “મીટ હીમ, હી ઈઝ જીજ્ઞેશ અધ્યારૂ, હી હેન્ડલ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટીવીટીઝ હીયર” પણ મઝુમદાર સાહેબ મારા નામ પર જ અટકી ગયેલા, તેમની યાદશક્તિની ખાસીયત કહો કે ગમે તેમ, એકાદ મિનિટ પછી પૂછી બેઠા, “નવનીત સમર્પણમાં પેલો શિયાળબેટ વિશેનો લેખ તમારો હતો?” હવે આશ્ચર્ય પામવાનો વારો મારો હતો. તે પછી તો ઓળખાણ વધી, હવે ક્યારેક ગીરમાં સાથે જવાના તેમના પ્રસ્તાવને પણ અમલમાં મૂકવો છે. એક મિત્રના સંગ્રહમાંથી મળી આવેલી તેમની જ આ રચના પ્રસ્તુત કરતા આનંદ થાય છે. શ્રી સ્નેહલ મઝુમદાર સંતુર વિશે પણ સારુ જ્ઞાન ધરાવે છે, શાસ્ત્રીય સંગીતની તેમની અને અમારા ચીફ ઑપરેટીંગ ઑફીસરની ગહન ચર્ચાઓના તો અમે અનેક વખત સાક્ષી રહ્યા છીએ. કૃષ્ણભક્તિ અને અકાઉન્ટ વિભાગનો અનોખો સુમેળ ધરાવતી તેમની આ રચના આજે પ્રસ્તુત કરી છે.


ગુજરાત ગૌરવગાન.. (બે ગીત) – જીજ્ઞા ત્રિવેદી 10

આજે ગુજરાતના જન્મદિવસે પ્રસ્તુત છે ભાવનગરના ગઝલકાર શ્રી જીજ્ઞાબેન ત્રિવેદીની કલમે પ્રગટ થયેલ બે સુંદર ગુજરાત – ગુજરાતી ગીત, ગુર્જરગીરાના ગૌરવગાન કરતા અને તેની ભાતીગળ પ્રકૃતિ તથા અનેકતામાં એકતાનો સંદેશો આપતી સંસ્કૃતિના દર્શન તો આ ગીતમાં થાય જ છે, સાથે સાથે એક સુરક્ષિત, સુવિકસીત અને સુનિયોજીત એવા ભવિષ્યની કલ્પના પણ અહીં સુપેરે વ્યક્ત થઈ છે. ગુજરાત રાજ્ય અને ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરતાં આ ગીતો ખરેખર ઉમદા છે. પ્રસ્તુત ગીત અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જીજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર.


‘જીવા’ રદીફ સાથેની ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 10

અક્ષરનાદ પર જેમની સુંદર ગઝલો સતત પ્રસ્તુત થાય છે એવા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા શ્રી રાકેશભાઈ હાંસલિયાનો સંપર્ક થયો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. ‘જીવા રદીફ ધરાવતી લગભગ સાત રચનાઓમાંથી ચાર અહીં પ્રસ્તુત છે. ‘જીવ’ને અને એ રીતે સ્વને સંબોધીને લખાયેલ આ ગઝલો સાંગોપાંગ સુંદર, અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદ પર રાકેશભાઈની આ પહેલી પ્રસ્તુતિ છે એ માટે તેમનું હાર્દિક સ્વાગત તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ફૂલ જેમ ફોરમતી ધરીએ… – મકરન્દ દવે 6

સુખ અને આનંદ વચ્ચેની એક ખૂબ પાતળી ભેદરેખાને ઓળંગવી એ આપણા સૌ માટે એક પ્રાણપ્રશ્ન છે. ભૌતિક કે અન્ય સુખોને આનંદ સમજી લેનારાને એની પાછળ જીવનના અમૂલ્ય વર્ષો ખર્ચ્યા પછી, એને પ્રાપ્ત કરવા આકરી કિંમત ચૂકવનારને આખરે એમાંથી આનંદની પ્રાપ્તિ નથી થતી ત્યારે જીવન એવા વળાંક પર આવીને ઉભું હોય છે કે જ્યાંથી પાછું વળીને જોતા આનંદની અનેક ક્ષણ સુખ માટેના સાધનોની પ્રાપ્તિમાં રોળાઈ ગયેલી દેખાય છે, આનંદની એ જથ્થાબંધ ક્ષણોને માણવા સુખ માટેના સાધનોને જતા કરવાનું સૂચવતું આ ગીત સાંઈ મકરન્દની આપણી ભાષાને અનોખી ભેટ છે.


જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

સત્વશીલ, ભાવસભર, મર્મભેદી અને સાત્વિક સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે નિ:શુલ્ક ‘જાહેરાત મુક્ત’ ગુજરાતી ઈ-પુસ્તક પ્રકાશન યોજના હેઠળ જ્યાં અત્યાર સુધી 42 ઈ-પુસ્તકો પ્રસ્તુત થઈ ચૂક્યા છે એવી અક્ષરનાદની ઈ-પુસ્તક યોજનાને બહોળો આવકાર મળ્યો છે. કાવ્ય આસ્વાદ ખૂબ વાંચન, ચીવટ અને વિચારપ્રવૃત્તિ માંગી લેતું ક્ષેત્ર છે. મનપસંદ કાવ્યો અને તેમનો સુંદર આસ્વાદ – એવા અનેક કાવ્યોના રસાસ્વાદની જુગલબંધીને ઉદયનભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં બખૂબી પ્રસ્તુત કરી છે. એક બેઠકે વાંચવુ અને પૂર્ણ કરવું ગમે તેવું આ પુસ્તક અક્ષરનાદને ઈ-સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાની તક અને પરવાનગી આપવા બદલ ઉદયનભાઈનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ 16

શ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચના આજે પ્રસ્તુત છે, પ્રથમ કૃતિમાં તડકાને વિષયવસ્તુ બનાવીને તેની સાથે કરાયેલ સુંદર પદ્યરચના હોય, બીજી કૃતિમાં એકાંતને એ જ રીતે રચનાનો મુખ્ય વિષય બનાવીને કરાયેલું સર્જન હોય કે ઈશ્વરને પામવાનો પ્રયાસ કરવામાં તેને ક્યાં ક્યાં શોધવાનો પ્રયત્ન કવિએ કર્યો છે એનું મનોહર વર્ણન હોય, દેવિકાબેનની ત્રણેય રચનાઓ પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ત્રણ વિવિધરંગી પદ્યરચનાઓ.. – મનોજ શુક્લ 8

રાજકોટ જીલ્લામાં ન્યાયાધીશશ્રીના અંગત મદદનીશ તથા અંગ્રેજી લઘુલિપિજ્ઞ શ્રી મનોજભાઈ શુક્લની ભાવઉર્મિઓ તેમના વ્યવસાય ક્ષેત્રથી અલગ સાહિત્યગંગામાં તેમના પદ્યસંગ્રહ ‘લઈ ખિસ્સામાં તડકો’ દ્વારા ગીત, અછાંદસ અને ગઝલ જેવા વિવિધરંગી કાવ્યપ્રકારોમાં અભિવ્યક્ત થાય છે. રાજકોટની સાહિત્યિક અભિગમની સંસ્થા ‘વ્યંજના’ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. અનેક સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રસિદ્ધ થઈ છે. કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે તેમ, ‘સાહિત્યમાં સમાયેલ સહિત કે જેનો વ્યાપ અણુ પરમાણુથી બ્રહ્માંડ અને વ્યક્તિ, વ્યક્તિથી સમષ્ટિ સુધી અનેક તત્વો, ભાવો, તેની પ્રકૃતિ અને પ્રવૃત્તિના સ્થિત્યંતરો અનેકવિધ રીતે અભિવ્યક્ત થયા કરતાં હોય તે મેં મારા હોવાપણાની ક્ષુલ્લકતા સાથે ચાલતી સતત પ્રક્રિયામાં જે મન, હ્રદયને સ્પર્શી અને વ્યક્ત થવા મથ્યું અને જે થયું તે આ, અહીં થયું.’ આ પહેલા પણ તેમની ત્રણ રચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત કરી હતી, આજે આ સંગ્રહમાંથી વધુ એક વખત ત્રણ વિવિધરંગી રચનાઓ પ્રસ્તુત કરી છે.


ત્રણ ગઝલ.. – સંકલિત 5

મને ખૂબ ગમતી એવી ત્રણ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. શ્રી નટવર વ્યાસ, શ્રી આદિલ મન્સૂરી અને શ્રી સુધીર પટેલની એવી આ ત્રણેય રચનાઓ અપ્રતિમ છે, સુંદર છે. પ્રથમ રચના સ્વપ્નની સૃષ્ટી છે. સાતેય શેર એક જ વિષય – સ્વપ્ન – ને આવરીને વણાયા છે. બીજી ગઝલ આદિલ મન્સૂરી સાહેબની ‘હજી બેઠો થઉં છું ઉંઘમાં જ્યાં આંખ ચોળીને’ અને ત્રીજી કર્મનો સિદ્ધાંત તથા ધ્યેયની પ્રાપ્તિ માટેની સરળતમ રીત બતાવતી શ્રી સુધીર પટેલની કૃતિ છે, અને આજનું બિલિપત્ર પણ મને એટલું જ પ્રિય છે.


અગ્નિકન્યા – મહેન્દ્ર ચોટલિયા 4

અગ્નિકન્યા એટલે દ્રૌપદી, દ્રૌપદી વિશેના અનેક પુસ્તકો વાંચવામાં આવ્યા છે, અને તેના પાત્રવિશેષ પ્રત્યે મને અનેરૂ ખેંચાણ છે. એ જ દ્રૌપદીના મનોભાવોનું સુંદર આલેખન એટલે શ્રી મહેન્દ્ર ચોટલિયાની પ્રસ્તુત અછાંદસ રચના. શ્રી ધૃવભાઈ ભટ્ટની ‘અગ્નિકન્યા’ નામની ૧૯૮૮માં પ્રસિદ્ધ થયેલી નવલકથાની શરૂઆત પહેલા પ્રસ્તુત થયેલ આ અછાંદસ રચના મને ખૂબ સ્પર્શી ગઈ, એ જ અહીં ઉદધૃત કરી છે.


પ્રણવબોધ.. (ઈ-પુસ્તક ડાઉનલોડ) – પ્રસ્તુતિ મહેન્દ્ર નાયક 4

જગદગુરુ આદ્યશઙ્કરાચાર્ય ભગવાને મુમુક્ષુઓ માટે એક સૂત્રરૂપ નિબંધ લખ્યો છે. આ નિબંધ માણ્ડૂક્ય ઉપનિષદ્ ને આધારે લખાયો છે.

“माण्डूक्यमात्रमेवालं मुमुक्षुणां विमुक्तये” અર્થાત એકમાત્ર માણ્ડૂક્ય ઉપનિષદ જ મુમુક્ષુઓની મુક્તિ માટે પર્યાપ્ત છે તેમ જ એ મુક્તિના સાધન, બ્રહ્મ અને આત્માના ભેદનું જ્ઞાન છે. તેથી આ નિબંધ સૂત્રરૂપ હોવા છતાં અધિકારીના બ્રહ્માત્મૈક્ય બોધ માટેનું પૂર્ણ સાધન છે. આ જ કારણે મુમુક્ષુ પરમહંસ સંન્યાસીઓ આનો નિત્ય નિયમથી અભ્યાસ કરે છે, અને એના અભ્યાસના ફળ સ્વરૂપ આત્મસાક્ષાત્કાર કરીને કૃતાર્થ થઈ જાય છે.

માણ્ડૂક્ય ઉપનિષદમાં ઓઙ્કાર (પ્રણવ)ની વ્યાખ્યા વડે બોધ કરાવવામાં આવ્યો છે. પ્રસ્તુત નિબંધ પણ એ જ સ્વરૂપે હોવાને કારણે પ્રણવની મદદથીજ બોધનું સાધન બને છે. આજથી અક્ષરનાદ પર આ પુસ્તક ડાઊનલોડ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. એ માટે જાઓ અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં


ચાર સુંદર ગઝલો.. – જિતેન્દ્ર પ્રજાપતિ 9

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની નવીન અને સુંદર ગઝલરચનાઓ હવે લગભગ બધા મુખ્ય સામયિકોમાં દર મહીને સ્થાન પામે છે. અક્ષરનાદની સાથે જેમની ગઝલરચનાની વેલ વિકસી છે તેવા જિતેન્દ્રભાઈની ઉપરોક્ત ચાર ગઝલરચનાઓ શબ્દસૃષ્ટિ સામયિકના માર્ચ ૨૦૧૩ના અંકમાં પ્રસ્તુત થઈ છે. મર્મસભર વાતો સાથેની છંદબદ્ધ ગઝલો જિતેન્દ્રભાઈની આગવી વિશેષતા છે જે આ ચારેય ગઝલોમાં સુપેરે વ્યક્ત થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ચારેય ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


બે ગીત.. – ગની દહીંવાલા 5

ગની દહીંવાલા માટે અમૃત ઘાયલ કહે છે, “ભવિષ્યમાં જ્યારે પણ ગુજરાતી કવિતાનું સમગ્રતયા મૂલ્યાંકન થશે ત્યારે ઈતિહાસે ગનીભાઈની સચ્ચાઈ અને શક્તિની નોંધ નાછૂટકે લેવી પડશે. શેર કહેવાની અને સમજવાની એનામાં ગજબની સૂઝ છે.” ગનીભાઈની ગઝલથી તો મોટાભાગના ગઝલરસિકો સુપેરે પરિચિત હશે જ પરંતુ તેમના બે ગીત આજે પ્રસ્તુત કર્યા છે. આંગણે ઝડપથી ઉગે એવો છોડ વાવવાની વાત વાલમને કહીને નાયિકા કયો અર્થ સારે છે એ સમજવું મુશ્કેલ નથી. તો બીજું ગીત તો જાણે લોકગીતની કક્ષામાં આવે… મીઠો અને મઘમઘતો રણકો કેટકેટલા સ્વરૂપોમાં અભિપ્રેત થઈ શકે છે તેનું અનોખું ઉદાહરણ આ ગીત આપે છે.


ઈશ્વરના બગીચામાં.. – સચિત રાઉત-રોય 2

મૂળે ઉડિયા ભાષાના રચનાકાર સચિત રાઉત-રોયની કૃતિનો અંગ્રેજી અનુવાદ અને તે પછી તેમાંથી ગુજરાતી અનુવાદ થયો જે અત્રે પ્રસ્તુત કરાયો છે. કવિ સંસારને ઈશ્વરનો એક બગીચો જાણે છે અને તેમાં પતંગીયું બનીને જીવી જવા માંગે છે, સુંદરતાનો, વૈભવનો, ફૂલોનો, મધનો અને ઉડવાનો આનંદ માણવા તેમનું હૈયું જાણે પતંગીયુ બનીને ફૂલ પર ઉડા ઉડ કરી મૂકે છે. સુંદર રચનાનો એટલો જ સુંદર અનુવાદ ખરેખર નમણી રચના છે.


ત્રણ કાવ્યો.. – પન્ના નાયક 7

‘વિદેશિની’ ના નામે કાવ્યો લખતા શ્રી પન્નાબેન નાયકના કાવ્યોનું સંકલન કરીને શ્રી સુરેશભાઈ દલાલે ‘કાવ્ય-કોડિયાં’ અંતર્ગત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં, એ સંગ્રહમાંથી આજે ત્રણ અનોખા અછાંદસ અહિં પ્રસ્તુત કર્યા છે.


તુલસી ક્યારો.. – નિનુ મઝુમદાર 5

સાહિત્યમાં જેમને વ્રજ, અવધિ મૈથિલી, બંગાળી, ભોજપુરી અને ગુજરાતી કાવ્યનો અભ્યાસ જેમને સાંપડ્યો છે અને સંગીતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બંગાળનું લોકસંગીત અને રાગદારીનો સારો અભ્યાસ જેમને સાંપડ્યો તેવા શ્રી નિનુ મઝુમદારની ઉપરોક્ત રચના ‘તુલસી ક્યારો’ અનોખી છે. તેમના ૧૯૬૬માં પ્રસિદ્ધ થયેલ સંગ્રહ ‘નિરમાળ’ માંથી આ રચના લેવામાં આવી છે. વિરહગ્રસ્ત એવી નાયિકા તુલસીક્યારે પાણી સીંચે છે અને વ્હાલમની વાટ જુએ છે. તુલસીક્યારાને લક્ષમાં રાખીને વિરહની અભિવ્યક્તિ કરતા આ કાવ્યની રચના અદભુત છે.


સાજન, થોડો મીઠો લાગે.. – હરિન્દ્ર દવે 9

ગઈકાલે દૂરના એક સગાંના લગ્નમાં મહુવાથી સોમનાથ જતા રસ્તામાં અસંખ્ય લગ્નો થતાં, જાન જતી અને આવતી જોઈ અને આજે પણ અસંખ્ય યુગલો લગ્નના પવિત્ર બંધનમાં એકબીજાનો હાથ ઝાલીને બંધાશે, જીવનભર સાથે ચાલવાના વચન સાથે પ્રેમનો એક નવો અધ્યાય શરૂ થશે. આ સમયે એ સર્વે નવપરણિતોને શ્રી હરિન્દ્ર દવેનું ઉપરોક્ત ગીત, ‘હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે; તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક ક્યાંક દીઠો લાગે !’ મદદરૂપ થશે.


અંતર્યાત્રા – વિજય જોશી 6

શ્રી વિજયભાઈ જોશીની પ્રસ્તુત અછાંદસ રચના તેમના જ એક અંગ્રેજી કાવ્યનો ગુજરાતી અનુવાદ છે. માણસ બ્રાહ્યજગતમાં તો અનેક યાત્રાઓ કરે છે, પરંતુ આંતરજગતમાં યાત્રા ક્વચિત જ થતી હોય છે. સૌથી મહત્વની યાત્રા અંતર્યાત્રા જ હોય છે પણ તેનો માર્ગ ભાગ્યે જ કોઈને ખબર હોય છે, સાચા પથ અંગેનું માર્ગદર્શન અને એ આખીય યાત્રા સ્વત્વની ખોજ છે. આવી જ વિચારસરણી સાથેની યાત્રા કરતા વિજયભાઈની આ કૃતિ ખરેખર સુંદર અને મર્મસભર છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


માણસ – જીજ્ઞા ત્રિવેદી 19

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક વધુ ગઝલ. આશા – નિરાશા, સંભવ – અસંભવ જેવા અંતિમોની વચ્ચે ઝૂલતી જિંદગીની વાત તેઓ અહીં સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે.


શિયાળુ સાંજ – રાજેન્દ્ર શાહ 4

૨૮ જાન્યુઆરી ૧૯૧૩માં કપડવંજમાં જન્મેલા શ્રી રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના એક આધારસ્તંભ છે. તેમના અનેક પ્રચલિત કાવ્યસંગ્રહો જેવા કે ધ્વનિ (૧૯૫૧), આંદોલન (૧૯૫૧), શ્રુતિ (૧૯૫૭), મોરપીંછ (૧૯૬૦), શાંત કોલાહલ (૧૯૬૩), ચિત્રણા (૧૯૬૭), ક્ષણ જે ચિરંતન (૧૯૬૮), મધ્યમા (૧૯૭૭), ઉદગીતિ (૧૯૭૮) સત્વશીલ અને છતાંય વિપુલ સંખ્યામાં તેમણે કરેલા કાવ્યસર્જનની સાક્ષી પૂરે છે. કલ્પનાની કલમે સૌઁદર્ય નિહાળતી નજરે તેમણે આલંકારિક રીતે કરેલું શિયાળાની સાંજનું વર્ણન આહ્લાદક અને સૌંદર્યસભર છે. શિયાળાની સાંજે પ્રણયગોષ્ઠી કરતા યુગલની આ સૌંદર્યપ્રચૂર વાત ખૂબ સુંદર રીતે મૂકાઈ છે. પ્રસ્તુત રચના લોકમિલાપ દ્વારા પ્રસિદ્ધ કાવ્યકોડિયા અંતર્ગત શ્રી રાજેન્દ્ર શાહના કાવ્યોના જયન્ત પાઠકે કરેલા સંકલનમાંથી લેવામાં આવ્યું છે.


વિપિન પરીખના કાવ્યકોડીયાં – (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

અક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ની શ્રેણી સર્જક અનુસાર હવે એક પછી એક પ્રસ્તુત થશે. આ શ્રેણીમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આશા છે આ ઈ-પુસ્તક અક્ષરનાદના વાચકોની ક્ષુધાને સુંદર રીતે પરીતૃપ્ત કરી શક્શે.


મૈત્રી એટલે… – મેહુલ બૂચ 7

મૈત્રી વિશેની અસંખ્ય રચનાઓ આપણા સાહિત્યમાં ઉપલબ્ધ છે, તેમાંથી ઘણી આપણા અંતરને રણઝણાવી જાય એવી સક્ષમ અને સુંદર કૃતિઓ છે. પરંતુ મેહુલભાઈ બૂચની પ્રસ્તુત કૃતિ તેનો એક સાવ અનોખો, સહજ અને છતાંય અર્થપૂર્ણ આયામ રજૂ કરે છે. પોતાના અભિનયથી અને અસરકારક અને ભાવવહી અવાજથી અનેકોના હ્રદય જીતનારા મેહુલભાઈની કલમ આવા સુંદર સર્જનો પણ કરી શકે છે એ વાતનો પુરાવો આ કૃતિ આપે છે. તેમના તરફથી આવા સર્જનો સતત મળતા રહે એવી અપેક્ષા સાથે અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


વસંતગીતો.. – સંકલિત 3

હમણાં થોડાક દિવસ પહેલા એક સહકર્મચારીને પૂછેલું, આપણી ઋતુઓ કઈ? તેમને ખબર નહોતી. આમ પણ હવે શિયાળો, ઉનાળો અને ચોમાસુ પણ રહ્યાં નથી. શિયાળામાં વરસાદ પડે છે અને ચોમાસામાં ગરમી, આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત કઈ રીતે યાદ આવે? અત્યારે કઈ ઋતુ ચાલે છે એનો જવાબ આપવામાં પણ ઘણાં માથું ખંજવાળશે. જો કે વસંતપંચમી અધધધ લગ્નોને લીધે ઘણાંયને ખ્યાલ હશે, પણ એ વસંતવૈભવને લીધે નહીં, લગ્નોને લીધે. પણ આપણે તો, વસંતને હજુ વાર છે પણ, શિશિરમાંથી વસંત તરફ જઈ રહ્યાં છીએ એ વાતને ધ્યાનમાં રાખીને વસંતગીતો-કાવ્યો માણીએ.


બે કાવ્યરચનાઓ – રાજેન્દ્ર શાહ 2

લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય કોડિયાં અંતર્ગત ત્રણેક સંપુટમાં વિવિધ કવિઓની ચૂંટેલી રચનાઓનું સંકલન કરીને નાનકડી પુસ્તિકા સ્વરૂપે બહાર પાડવામાં આવ્યા હતાં. આ પ્રકાશન ૧૯૮૦થી શરૂ થયું દસ કવિઓનો એક એવો નાનકડો સંપુટ સંપાદિત કરાયેલો, પ્રથમ સંપુટનું શ્રી નિરંજન ભગતે, દ્વિતિય સંપુટનું શ્રી સુરેશ દલાલે તથા ત્રીજા સંપુટનું જયંત પાઠકે સંપાદન કરેલું. પ્રસ્તુત સંકલન અને સંપાદન શ્રી જયન્ત પાઠક દ્વારા ત્રીજા સંપુટમાં કરાયું છે. બંને કાવ્યરચનાઓ સબળ અને સ્વયઁસ્પષ્ટ છે. પ્રસ્તુત કાવ્યકોડિયાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની તક અક્ષરનાદને મળી છે એ બદલ સૌનો આભાર.


વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 7

વાચકોની પદ્યકૃતિઓ મૂકવાનો અવસર લાંબા સમયથી મળ્યો નહોતો અને મોટી સંખ્યામાં કૃતિઓ અક્ષરનાદને મળે છે એ જોતા આજે વાચકોની કાવ્ય રચનાઓમાંથી પસંદ કરીને ચાર કૃતિઓ અહીં મૂકી છે. શ્રી બાલકૃષ્ણ સોનેજી, શ્રી સુરેશ લાલન, શ્રી કિંજલ્ક વૈદ્ય અને શ્રી રાજેશ ભટની કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે આ પ્રથમ કૃતિઓને આપનો પ્રેમ તથા પ્રોત્સાહન મળશે અને આ મિત્રો હજુ વધુ સુગ્રથિત તથા સચોટ સાહિત્યસર્જન કરી શક્શે. આ ચારેય મિત્રોનો અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આભાર.


મા અને પ્રેમિકા.. – કિરીટ દુધાત 4

મા વિશેની અનેક રચનાઓ આપણા સાહિત્યને અનેરી આભા બક્ષે છે. માતાની મહિમાનું ગાન કરતી કૃતિઓ હોય કે તેના પ્રેમને સરળતાથી સહજરીતે વ્યક્ત કરતી ‘આંધળી માનો કાગળ’ જેવી કૃતિ હોય, એ દરેક રચના હ્રદયને એ સ્નેહનો અહેસાસ કરાવતી રહે છે. શ્રી કિરીટ દુધાતની એવી જ એક સુંદર કૃતિ આજે અહીં પ્રસ્તુત છે, માતા અને પ્રેમિકા વચ્ચેની સરખામણી તો નહીં, પણ તફાવત તો દર્શાવે જ છે.


પ્રલંબ લયની બે સુંદર ગઝલ – જિતેન્દ્ર પ્રજાપતિ 3

ગઝલકાર શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અક્ષરનાદના એક આગવા રચનાકાર છે. લગભગ બે વર્ષથી તેમની રચનાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આપણી ભાષાના એક સમર્થ અને સિદ્ધહસ્ત ગઝલકાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને લગભગ બધા જ અગ્રગણ્ય ગુજરાતી સામયિકોમાં તેમની ગઝલો પ્રસ્તુત થતી રહે છે એ ખૂબ આનંદની વાત છે. ગઝલરચનામાં મુશ્કેલ ગણાય એવી પ્રલંબ લયની ગઝલરચના એ તેમની આગવી ખાસીયત છે જેને અનેક સમર્થ ગઝલકારોએ વખાણી છે. આજે પ્રસ્તુત છે તેમના રચનાસાગરમાંથી પ્રલંબલયની બે સુંદર રચનાઓ. અક્ષરનાદને સદાય પોતાની રચનાઓ પ્રસ્તુત કરવાના માધ્યમ તરીકે પસંદ કરવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


સંકલ્પ કરવાનો આનંદ…. – સુભાષ ભોજાણી 11

આ જગતમાં ઘણાં બધા નાની મોટી સામાજીક કે અન્ય જવાબદારીઓમાંથી પસાર થતા જ હોય છે. તેમાં ઘણાં પ્રશ્નો સામે આવે છે, વિકલ્પો સામે આવે છે. આમ કરવું, તેમ કરવું – શું કરવું ને શું ન કરવું પણ લોકો એ વિશે ઉંડાણપૂર્વક વિચાર કરીને તેને અનુસરવામાં ઢીલાશ દાખવતા હોય છે. ચાલે છે તો ચાલવા દ્યો.. એક નજીકનું ઉદાહરણ સૂઝે છે, મારા એક મિત્રના નજીકના સંબંધીની આવડત અને હોંશીયારી જોઈને ભલભલા અંજાઈ જાય. તેમની પાસે ભણતર છે, આવડત છે, શારીરીક ક્ષમતા છે પરંતુ તેમના ઘરનું વાતાવરણ સહાયક નથી. વિગતે વિચાર કરતા સમજાયું કે જો આ માણસને જરૂરી પાર્શ્વભૂમિકા, જરૂરી મનોબળ આપવામાં આવે તો તે સફળતાની સીડી સડસડાટ ચડવા સક્ષમ છે, દેખીતી રીતે તેમાં તેનો કોઈ વાંક નથી, વાંક આસપાસના નકારાત્મક વાતાવરણનો છે. આપણા દેશમાં એવા કેટલાય લોકો છે જેમને ઘણું બધું કરવું છે, જીવનમાં ખૂબ આગળ વધવું છે પરંતુ…. આ પરંતુ પછી ઘણા બધા કારણો હોઈ શકે છે જે તમે તમારા અનુભવ કે મંતવ્યને આધારે જોડી શકો.


વડોદરા નગરી… – બાલમુકુન્દ દવે 1

વડોદરા નગરની અનેક વિશેષતાઓ, ભૌગોલિક પરિદ્રશ્ય અને એ સાથે સંકળાયેલી કવિના અધ્યયનકાળની અનેરી યાદો, તેમણે કરેલા તોફાનો અને એ સમય દરમ્યાન ઘટેલા પ્રસંગો આંખો સમક્ષ તરવરી ઉઠે છે જેને કવિ ખૂબ સહજ રીતે પ્રસ્તુત કાવ્યમાં વણી લે છે. વડોદરામાં મારો અધ્યયનકાળ પણ કાંઈક આવો જ વીત્યો છે, તેમના વર્ણનોથી ક્યાંય વધુ શરારતો અમે અહીં કરી છે, શાળા – કોલેજની એ યાદો એક અણમોલ નજરાણું છે, જેને કવિ શ્રી બાલમુકુન્દ દવે ખૂબ સુંદર રીતે શબ્દસ્થ કરી શક્યા છે. પ્રસ્તુત રચના લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય-કોડિયાં માંથી સાભાર લેવામાં આવી છે.