સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : સાહિત્ય લેખ


શાશ્વત ગાંધી – ગાંધીવાણી 2

ભાઈ દાદાચાનજી,

તમારા ૨૩મા કાગળનો આ ઉત્તર છે. બાબાને વિશેની મારી સ્થિતિ સ્પષ્ટ કરવા ઇચ્છું છું. કોઈથી બીજાને ઈશ્વરદર્શન કરાવાય છે એમ માનવામાં મને ઘણો સંકોચ છે. હદય ‘ના’ પાડે છે. પણ જ્યારે બાબા એવો દાવો કરે છે ત્યારે હું કહું, ‘તમે મને ઈશ્વર દર્શન કરાવો તો ઉત્તમ.’ જે કહે કે મેં ઈશ્વરદર્શન કર્યાં છે, તેણે કર્યાં જ છે, એમ માનવું જ જોઈએ એવું કાંઈ નથી. ઈશ્વરદર્શન કર્યાનું કહેનારા ઘણાતો ભ્રમમાં પડેલા જોવામાં આવ્યા છે. ઘણાને સારુ તો એ કેવળ પોતાના મનના પડઘા હોય છે. ઈશ્વરદર્શન એટલે કોઈ બાહ્ય શક્તિનું દર્શન, એવું તો હું માનતો જ નથી. કેમ કે ઈશ્વર તો આપણા બધામાં વસે જ છે, એમ મારી માન્યતા છે. પણ તેને કોઈક જ હદયથી ઓળખે છે. બુદ્ધિથી ઓળખવું બસ નથી. આ દર્શન કોઈ કોઇને ન કરાવી શકે એમ મને લાગ્યા કરે છે.


લિન્ડા બેનન અને એનો દીકરો ટિમી – ડૉ. જનક શાહ અને ભારતી શાહ 7

લોકો કહેતા હોય છે કે વિકલાંગ વ્યક્તિ સામાન્ય માનવીની જેમ કાર્ય નથી કરી શકતી, કારણકે તેઓને તેમ કરવામાં તેમની નબળાઈ તેમને નડતી હોય છે. ના, એવું નથી, એક મા પોતે વિકલાંગ હોય છતાં, ગમે તેટલી તકલીફ ભોગવતી હોય છતાં તે પોતાના બાળકને જે કેળવણી આપે છે તે શ્રેષ્ઠ હોય છે. પોતાના બાળકો માટેની સમસ્યાઓનો ઉકેલ લાવી જિંદગી આનંદથી જીવવા માટે કાબેલ બનાવે છે.

આ વાતને આત્મસાત કરનાર છે બે હાથ વગરની માતા! જેણે પોતાના જેવા સંતાનના જીવન જીવવાના અભિગમને કેવું કેળવ્યું તે જાણીશું તો આપણા હાથ બન્નેને સલામ કરવા અચૂક ઊંચકાઈ જશે! ચાલો, હાથ વગર જન્મેલ, ફક્ત પોતાના પગની મદદ વડે દાંતને બ્રશ કરતા, નહાતા, ખાતા અને કમ્પ્યૂટરની ગેમ રમતાં મા-બેટાની જિંદગીમાં એક ડોકીયું કરી લઈએ.


મઠારેલું સાહિત્ય – પી. કે. દાવડા 13

ઓગણીસમી સદીના અંત સુધી હિન્દુસ્તાનમાં સાહિત્યના પુસ્તકો છાપવાની સુવિધા ઉપલબ્ધ ન હતી.

અઢારમી સદી પછીના સાહિત્યની થોડી હસ્તપ્રતો મળી આવી છે, નરસિંહ-મીરાંના સમયની હસ્તપ્રતો પણ ઉપલબ્ધ નથી. જે કંઈ હસ્તપ્રતો ઉપલબ્ધ છે, એ અલગ અલગ હસ્તાક્ષરોમાં હોવાથી અન્ય લોકોએ સાચવી રાખવા લખી રાખી હોય, અથવા કોઈએ લહિયાઓ પાસેથી લખાવી અને સાચવી રાખી હોવાનો સંભવ છે. એ સમયનું સાહિત્ય, જે મુખ્યત્વે ભક્તિ સાહિત્ય હતું, એ કંઠોપકંઠ સચવાયેલું હતું, જે વીસમી સદીમાં છાપવાની સેવાઓ ઉપલબ્ધ થયા બાદ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થયું. આને કારણે આજે આપણે જે નરસિંહ – મીરાંની રચનાઓ વાંચીએ છીએ, એ નરસિંહ – મીરાંની મૂળ રચનાઓ કરતાં ખૂબ જ અલગ છે.


કથક નૃત્યનું ભાવદર્પણ : ઠૂમરી – સ્વાતિ અજય મહેતા

લલિત ગાયનનો એક પ્રકાર ઠૂમરી ગાયનક્ષેત્રના જેટલો લોકપ્રિય છે તેટલો જ ઉત્તર ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલી કથકમાં પણ અતિ લોકપ્રિય અને તેના અતૂટ હિસ્સા સમાન છે. આ વાતની કથક પ્રેમી રસિકોને વિશેષ રૂપથી જાણ હોય જ. યોગાનુકૂલ પરિવર્તનોની દરેક કલા પર અસર આવતી જ હોય છે. કાલાંતરે કથક નૃત્યપ્રયોગોમાં પણ માત્ર મનોરંજનની ભાવનામાંથી બહાર નીકળી, તેનું પ્રાચીન મંદિર સ્વરૂપ તથા તેના અભિનયની અદાકારીને પૂર્ણ રીતે ખીલવવામાં ‘ઠૂમરી’નું બહુ અમૂલ્ય યોગદાન છે. કથક નૃત્યમાં નર્તનના ત્રણે ભેદો નૃત્ત, નૃત્ય અને નાટ્ય, ત્રણે અંગોનું સમૃદ્ધ અને વૈભવી સ્થાન છે અને એ દ્રષ્ટિએ કથક સંપૂર્ણ શુદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે. ભારતીય પરંપરામાં નર્તન ક્રિયાના ત્રણે ભેદોમાં નાટ્યને રસાશ્રિત, નૃત્તને તાલલયાશ્રિત અને નૃત્યને ભાવાશ્રિત મનાયાં છે. ધનંજયે ‘દશરૂપક’ માં લખ્યું જ છે એ માન્યતાથી નૃત્યનું મુખ્ય કાર્ય ભાવોનું પ્રદર્શન છે.


આસક્તિ, સુવર્ણની બેડી! – રાધેશ્યામ શર્મા 2

જગતમાં જેટલી પ્રેમ કથાઓ છે ત્યાં રૂપની, સૌષ્ઠવની, આકારની, સૌંદર્યની બોલબાલા છે.

વિજાતીય આકર્ષણનું સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે. સજાતીય ખેંચાણોમાં પણ દેહનું, પૌદ્દ્ગલિક પિંડનું પ્રભુત્વ હોય છે. પ્રથમ, આકર્ષણ શરીરથી શરૂ થઈ માનસિક અને બૌદ્ધિક ભૂમિકા સુધી પહોંચે છે. આંતરિક સૌંદર્યનું પ્રકર્ષણ, કદર તો મોડેથી થાય. પ્રથમ તો પ્રેમી અને પ્રેમિકાનાં અંગોપાંગનાં લયહિલ્લોલ અને નજાકતની કવિતા પર જ સ્નેહની કથાનો પાયો મંડાય છે.


વિશ્વ માતૃભાષા દિવસ – ભરત કાપડીઆ 10

વિશ્વ માતૃભાષા દિવસ ગઈકાલે હતો, એના ઉપલક્ષમાં શ્રી ભરતભાઈ કાપડીઆનો આજનો લેખ વિચારતા કરી મૂકે એવો છે.


આ પપ્પા એટલે? – ડૉ. હાર્દિક યાજ્ઞિક 13

આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા…

આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને એ કેટેગરી માટે નૉમીનેટ કરી જ નથી.


હાટમાં સરકાર – કાનજી પટેલ 1

રવિવારે હાટનો દિવસ. છોકરીઓ ઘોઘંબા હાટમાં વસ્તુઓ લઈ ચાલી. ગાતી ગાતી નીકળી. આખી વાટ મધના રેલા પેઠે ગીત રેલાતું હતું:

ઝાડે ઝાડે જગ નોંતર્યા રે, નોંતર્યું વનરાવન
પંખીડું વિવા કરે
કાગડાની કોટે કંકોતરી રે, નોંતરું દેવાને જાય
પંખીડું વિવા કરે


શરબતમાંના વધારાના લીંબુને દૂર કરો – અનુ. ભરત કાપડીઆ 7

મને હજીયે એ દિવસ યાદ છે, જયારે મેં પહેલી વાર લીંબુ શરબત બનાવ્યું હતું. મેં તેમાં જરૂર કરતાં પાંચગણું લીંબુ નીચોવી નાખ્યું હતું. બહુ મોટો ધબડકો થયો. મારે ગમે તેમ કરી એમાં સુધારો લાવવો હતો.

હવે એ ખાટા પ્રવાહીમાંથી લીંબુનો રસ ઓછો કરવો હતો. તો જ એનો સ્વાદ પીવા લાયક થાય. પણ, આહ, એ તે કેમ બને ! કેટલીયે બાબતો ક્યારેય થઇ ન થવાની નથી.


નવા રસ્તાની ખોજમાં.. – દિનેશ જગાણી 3

આજે વહેલી સવારે ચાલીને પાછો ફરતો હતો ત્યારે ચાલતા જતા લોકો નું એક ટોળું સામે મળ્યું. આગળ જતાં બીજા લોકો પણ મળ્યા. પછી ખબર પડી એ બધા અંબાજી ચાલતા જતા યાત્રિકો હતા. બે દિવસ પછી પોષી પુનમ હોઈ આ યાત્રિકો અંબાજી જઇ રહ્યા છે. એવું કયું તત્વ છે જે આટલી વહેલી સવારે, જ્યારે બીજા લોકો પથારીમાંથી બહાર નીકળવા વિચાર કરતા હશે ત્યારે આ લોકોને આટલી ઠંડીમાં પોતાના બધા કામ બાજુ પર મૂકી ચાલી નીકળવા પ્રેરિત કરતું હશે?

ત્યાર બાદ તો આખા રસ્તે એ યાત્રિકો અને યાત્રા સબંધી વિચારો આવતા રહ્યા. વહેલી ધુમ્મસ ઓઢેલી સવાર, રસ્તાની બંને તરફ ના લીલા ખેતરો.. પૂર્વ દિશામાંથી ફેલાયેલો આછો પ્રકાશ અને યાત્રિકો ના ચાલ્યા ગયા બાદ એકલા પડી ગયેલા રસ્તા પર ચાલતો હું.


શૅર ધ લોડ – આરોહી શેઠ 8

હમણાં થોડા સમયથી ઍરિયલ ઈન્ડિયાની જાહેરાત આવે છે. શૅર ધ લોડ. ખૂબ જ સરસ અને પ્રેરણાદાયક જાહેરાત છે. એક પિતા પોતાની પુત્રીના ઘરે જાય છે અને જુએ કે પોતની લાડકવાયી કેટલી મોટી થઈ ગઈ છે. ઘરના બધા કામ સંભાળે છે સાથે નોકરી પણ કરે છે, તેનો પતિ પણ નોકરી કરે છે! ..ફક્ત નોકરી જ કરે છે.


વેકેશન.. – શૈલેશ પંડ્યા 6

આજથી વેકેશનનું હસતું રમતું છેલ્લાં દોઢ મહિનાથી ઊછળતું-કૂદતું, ખીલતું ને આંગણને ખીલાવતું ફૂલ હવે કરમાઈ જશે. મામાનું ઘર હવે ખાલી ખાલી લાગશે.. આપણા સૌરાષ્ટ્રમાં તો વેકેશનનો મહિનો એટલે મામાનો મહિનો.. ભાગ્યેજ કો’ક ઘર એવું હશે કે જેના બાળકો વેકેશનમાં મામાને ઘરે ના ગયા હોય..


કાશ્મીરની સમસ્યાની ભીતરમાં – પી. કે. દાવડા 20

બ્રિટનની એટલી સરકારે હિન્દુસ્તાનને આઝાદી આપવાનો નિર્ણય લીધા પછી, એની પુર્વ તૈયારી રૂપે ઓગસ્ટ ૧૯૪૬ માં વાઈસરોય લોર્ડ વેવલના વડપણ નીચે સંપૂર્ણપણે હિન્દુસ્તનીઓનું પ્રધાનમંડળ નિમ્યું. એ પ્રધાનમંડળમાં જવાહરલાલ નહેરૂ, લીયાકાતઅલીખાન, વલ્લભભાઈ પટેલ, આઈ. આઈ. ચુંદરીગર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુર રબ નસ્તાર, મૌલાના આઝાદ, સી. રાજગોપાલાચારી, ડો. જહોન મથાઈ, ગઝનફરઅલી ખાન, સરદાર બલદેવસિંગ, જગજીવનરામ, સી. એચ. ભાભા. અને જોગેન્દ્રનાથ મંડલ મંત્રીઓ હતા. કુલ ૧૪ પ્રધાનોમાંથી ચાર મુસ્લીમ હતા.


આજ દિવાળી, કાલ દિવાળી – ગોપાલ ખેતાણી 20

“દિવાળી” – આ શબ્દ કાને પડતાં જ રંગબેરંગી આભાનું મનોવિશ્વ દરેકના મનમાં આકાર પામે છે. એ કલ્પના આબાલ-વૃદ્ધ, ગરીબ-તવંગર વચ્ચેના ભેદભાવ નથી જોતી.

અત્યારે દિવાળી એટલે ઓનલાઈન બજારોના સેલની જાહેરાતોથી ધમધમતું બજાર. અત્યારે દિવાળી એટલે શોપીંગ મોલમાં જ ઉઠાવાતો આનંદ. દિવાળી એટલે રજાઓ છે તો ઘરને તાળા મારી બહાર નીકળી જવાની તક. ઘરે હોય તો મહેમાન આવશે ને?!! કોણ નાસ્તા બનાવવાની અને પરોણાગત કરવાની લપ કરે. રજા આવી છે તો બહાર ફરી લઈએ, નિરાંત તો ખરી.


ઋતુકલ્પ : પ્રેમની મોસમ બારેમાસ.. – દિનેશ દેસાઈ 5

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે “ગીતાંજલિ” મહાકાવ્યમાં લખ્યું છે કે “પ્રકૃતિના વિવિધ રંગ-રૂપ આપણને પ્રેમ શીખવે છે. પ્રકૃતિને ચાહ્યા વિના આપણે નિતાંત પ્રેમની અનુભૂતિ કરી શકીએ નહીં.”

ખરેખર પ્રકૃતિ અને પ્રેમનો ગાઢ નાતો છે. વિક્રમ સંવત અનુસાર કાર્તિક – કારતક મહિનાથી આસો મહિના સુધીના બાર મહિના અનુસાર ઋતુકલ્પનો વૈભવ આપણને માણવા મળે છે. મોસમના આ ગુચ્છ પોતપોતાના અંદાજમાં આપણને જાણે પ્રેમનો સંદેશ આપે છે. પ્રકૃતિનું સૌંદર્ય આ દરેક મોસમમાં જુદો જુદો મિજાજ પ્રગટ કરે છે. પ્રેમની મોસમ તો બારે માસ જામતી હોય છે. પ્રકૃતિ સ્વયં પ્રેમનું પ્રતીક બની રહે છે.


ગાંધી, નેહરૂ અને સરદાર – પી. કે. દાવડા 5

૧૯૪૦ સુધી આઝાદીની લડતના ત્રણ મુખ્ય નાયક હતા ગાંધી, નેહરૂ અને સુભાષ. ૧૯૩૯માં સુભાષબાબુને કોંગ્રેસ સાથે મતભેદ થતાં તેમને કોંગ્રેસ પ્રમુખપદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા, અને ૧૯૪૧ માં તો એ છૂપી રીતે દેશ છોડીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ટોચના ત્રણ નેતાઓમાં ગાંધી, નેહરૂ અને સરદારના નામ હતા. સ્વભાવે નહેરૂ સ્વપનશીલ અને આદર્શવાદી હતા, જ્યારે સરદાર પરિસ્થિતિનો તાગકાઢવામાં પાવરધા અને વાસ્તવવાદી હતા. ગાંધીજી બન્નેના સ્વભાવથી સારી રીતે વાકેફ હતા, અને એમને બન્નેની મદદની જરૂર હતી.


આઠ વૃત્તિઓ શિક્ષકની અષ્ટભુજા છે – મોરારિબાપુ 5

સમાજમાં શિક્ષકોને ભરપૂર આદર મળવો જોઈએ. જે સમાજ શિક્ષકને આદર આપવાનું ભૂલી જાય છે તે સમાજનું ભવિષ્ય જોખમાય છે. અને શિક્ષક આદરને બરાબર લાયક હોય તે પણ એટલું જ જરૂરી છે. સમાજના આદરમાટે લાયકાત સિદ્ધ કરવા માટે શિક્ષકે આઠ પ્રકારની વૃત્તિઓ કેળવવી પડશે. જે શિક્ષકમાં આ આઠ વૃત્તિઓ હશે તે અવશ્ય લોકાદર પામશે અને આદર્શ શિક્ષક બનશે તેમાં શંકા નથી.


ઘનના ઢગલામાં ખોવાયેલું બાળક – રણછોડ શાહ 3

બાળઉછેર એ પ્રત્યેક મમ્મી – પપ્પાની ફરજ છે. બાળકના જન્મ બાદ તેનો વ્યવસ્થિત, યોગ્ય અને સંપૂર્ણ ઉછેર થાય તે જવાબદારી સ્વીકારવાની તૈયારી સાથે જ બાળકને જન્મ આપવો જોઈએ. આપણને આપણી વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ વધુ મહત્ત્વની અને અગત્યની લાગતી હોય તો સંતાનપ્રાપ્તિની આશા – અપેક્ષામાંથી દૂર રહેવું બધુ સલાહભર્યું તેનો અર્થ એવો નથી કે જીવનમાં સંતાનના આગમન બાદ વ્યક્તિએ પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપવું નહીં. પરંતુ સંતાનના વિકાસના ભોગે કારકિર્દી, પૈસા, પ્રતિષ્ઠા મળતાં હોય તો બેમાંથી કોને અગ્રતાક્રમે રાખવું તે મમ્મી – પપ્પાએ સાથે બેસીને નિરાંતે વિચારી નિર્ણય લેવો જોઈએ. નહીં તો અવિકસિત, અર્ધવિકસિત અથવા બળવાખોર સંતાનોના વડીલો તરીકે સમાજમાં ઓળખાવાની તૈયારી રાખવી જોઈએ.


દુનિયાનું પ્રખ્યાત પેઈન્ટીંગ મોનાલીસા.. – પ્રવીણ શાહ 1

મોના લીસાના પેઈન્ટીંગ (ચિત્ર) વિષે કોણે નહિ સાંભળ્યું હોય? ઘણાએ તો એ અસલી ચિત્ર જોયું પણ હશે. એ પેઈન્ટીંગ અત્યારે પેરીસના લુવ્રે મ્યુઝીયમમાં જોવા મળે છે. આ ચિત્ર એ એક સ્ત્રીનું પોર્ટ્રેઈટ છે. ઇટાલિયન ચિત્રકાર લીઓનાર્ડો દ વિન્ચીએ તે દોરેલું છે. આ ચિત્ર દુનિયાના સૌથી વધુ લોકોએ જોયેલું અને સૌથી વધુ જાણીતું છે. એના વિષે સૌથી વધુ સાહિત્ય લખાયેલું છે.

લીઓનાર્ડો દ વિન્ચી મહાન ચિત્રકાર હતો. એણે આ ચિત્ર ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં ઈ.સ. ૧૫૦૩થી ૧૫૦૬ વચ્ચેના સમયગાળામાં દોર્યું છે. એવું કહેવાય છે કે લીઓનાર્ડોએ લીસા ગેરારડીની નામની સ્ત્રીને સામે મોડેલ તરીકે બેસાડીને આ ચિત્ર તૈયાર કર્યું છે. આ સ્ત્રી એક ગૃહિણી હતી.


ગુજરાતી ભાષાનું ઘટતું પ્રભુત્વ… – પરમ દેસાઈ 27

ઉપરનાં સંવાદો જરા.. પચતા નથી, નહીં ? બીલકુલ સાચી વાત છે. તમે આવા જ બીજા પણ ઘણા સંવાદો આધુનિક લેખકો – લેખિકાઓનાં પુસ્તકોમાં વાંચ્યા જ હશે. અલબત્ત, મારો હેતુ એ લેખકો – લેખિકાઓની કલમને ટોકવાનો નથી(!) પણ, મારી વાત તમારી સમક્ષ મૂકવાનો છે.

ઉપર મૂકેલા સંવાદોથી તમને એવું નથી લાગતું કે આ ‘આપણી’ ભાષા નથી? એનો લ્હાવો, એનો રંગ, એનો રોમાંચ એમાંથી લુપ્ત જણાય છે. હું તો એને ગુજરાતી ભાષાનું રીતસરનું ‘ખૂન’ કહું છું. તમે જે કહેતા હો, જે માનતા હો એ માનજો!


જય સોમનાથ – કંદર્પ પટેલ 5

હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીના સંગમ પર બિરાજમાન શિવ જ્યોતિર્લિંગ. સૌરાષ્ટ્રનો પ્રભાસ ભાગ પાસે નૈઋત્ય દિશાથી અરબી સમૃદ્ર નમન કરી રહ્યો છે, ત્યાં સાક્ષાત સોમનાથ મહાદેવ બિરાજમાન છે. ‘સૌરાષ્ટ્રે સોમનાથ’નું આગવું મહત્વ છે. સૌથી વિશાળ શિવલિંગ – જેનું રક્ષણ અગાધ સમુદ્ર કરે છે. સીધા દક્ષિણ ધ્રુવ સુધી જઈ શકાય તેવા દિશાસૂચન સાથેનો બનસ્તંભ સમગ્ર પૃથ્વીને જોડીને રાખતો ન હોય ! સતયુગમાં ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં શ્રવણીકેશ્વર અને દ્વાપરયુગમાં શ્રીગલેશ્વર નામે જાણીતા ભગવાન સોમનાથ.


છેલ્લા વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન – પી. કે. દાવડા 12

સામાન્ય માણસ લોર્ડ માઉન્ટબેટન વિશે આટલું જ જાણે છે કે એ હિન્દુસ્તાનના છેલ્લા વાઈસરોય હતા, એમણે હિન્દુસ્તાનના બે ટુકડા કરીને આઝાદી આપી અને એમના પત્ની અને નહેરૂ વચ્ચે પ્રેમનો સંબંધ હતો.

ઈતિહાસનો ઊંડો અભ્યાસ કરીએ તો હકીકત કંઈક અલગ છે. માત્ર ૪૭ વર્ષની વયના આ છેલ્લા વાઈસરોય એમની અગાઉના અનેક વાઈસરોય કરતાં હિન્દુસ્તાનના વધારે હિતેચ્છુ હતા. ભલે લંડનમાં બેઠેલી અંગ્રેજ સરકારે, હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવાનો નિર્ણય લઈ લીધો હોય, પણ એ નિર્ણયનો અમલ બીજો કોઈ  અંગ્રેજ વાઈસરોય આટલી સજ્જનતાથી ન કરત.


સંતૂરવાદન – સ્નેહલ મુઝુમદાર 4

‘સંતૂર’ શબ્દનું સ્મરણ થતાં જ કાશ્મીરનું શાહી સૌંદર્ય આપણા મનમાં ચિનાર વૃક્ષ બનીને ઝૂમી ઊઠે છે અને દાંડી અડક્યાના વહેમથી જન્મેલો રણતઝણતકાર પર્ણપર્ણ બનીને વેરાઈ જાય છે. સંતૂરની બે દાંડીઓ એકબીજાની શોક્ય નહીં પરંતુ સખી બની તાર પર પા પા પગલી પાડે છે ત્યારે હરખપદૂડા તારો એવો થનગનાટ કરે છે કે ન પૂછો વાત. ચિનાર વૃક્ષોની દૂરસુદૂર સુધી ફેલાતી હારમાળા, એ હારમાળામાં સંતાકૂકડી રમતી માર્દવ અને માધુર્ય વડે મત્ત બનેલી પવનલહર, ડાલ સરોવરમાં વિહાર કરતા શિકારાઓમાં વિવિધરંગી ફૂલોની છાબ ગોઠવતી કોઈ મહાશ્વેતા કે કાદંબરી, પેલે પાર ગગન જોડે જુગલબંધી કરવા સાજ મેળવતા નગાધિરાજનાં હિમાચ્છાદિત શૃંગો… નિસર્ગશ્રીનો આ નિનાદ નજાકત બનીને નીતરે છે જ્યારે કોઈ સિદ્ધહસ્ત સંતૂરવાદક છેડે છે સંતૂરનો શતતંત્ર મિજાજ. આજના આ કોલાહલ, કકળાટ અને કાગારોળના કળિયુગ અને કળયુગમાં પણ સંતૂરે પોતાનું, શરમાળ કહી શકાય એટલી હદે સૌમ્ય એવું સ્વરસૌંદર્ય જાળવી રાખ્યું છે.


રઘુવીર ચૌધરી – વિનોદ ભટ્ટ 9

પન્નાલાલ, પેટલીકર ને પીતાંબરનો માત્ર એક- એક શબ્દમાં જ પરિચય આપતાં રઘુવીરે લખ્યું કે પન્નાલાલ એટલે કોઠાસૂઝ, પેટલીકર એટલે તાટસ્થ્ય અને પીતાંબર એટલે ઉત્સાહ. પણ રઘુવીરને આ રીતે એક જ શબ્દમાં ન બાંધી શકાય. ઓછામાં ઓછા છ શબ્દ તો વાપરવા જ પડે; તો જ એના વ્યક્તિત્વનો થોડોકેય અણસાર આવી શકે. મારે મન રઘુવીર એટલે અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ. (છ શબ્દો પૂરા). આ પ્રકારનો આત્મવિશ્વાસ ઘણા લોકોમાં મોડોમોડો આવતો હોય છે. જ્યારે રઘુવીર ચૌધરી નાના હતા અને રઘુવીરને બદલે રઘજીભાઈ ચૌધરી હતા, ત્યારનો તેમનામાં આ જ આત્મવિશ્વાસ છે.


વડોદરાના વિદ્યાપ્રેમી મહારાજાએ શરૂ કરેલી સંસ્થા.. – દીપક મહેતા 2

રાજા – મહારાજાઓ રાજ મહેલો બંધાવે, હાથી ઘોડા પાળે, જર ઝવેરાત એકઠું કરે, પણ હસ્તપ્રતો સંઘરે ખરા? સંસ્કૃત હસ્તપ્રતો ભેગી કરવાનો શોખ બહુ ઓછા રાજવીઓને હતો. તેમાનાં એક તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. પોતાના રાજ્યમાં અનેક મૂલ્યવાન હસ્તપ્રતો ઠેર ઠેર વેરાયેલી પડી છે એ વાત જાણી. આવી હસ્તપ્રતો ભેગી કરવાનો અને તેમને છપાવીને પ્રગટ કરવાનો નિર્ણય તેમણે કર્યો ૧૮૯૩માં. આ માટે તેમણે ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝની શરૂઆત કરી.


સંદર્ભ ગ્રંથોની આવતીકાલ.. – દીપક મહેતા 4

કોઈ અંગ્રેજી શબ્દનો સાચો સ્પેલિંગ કે અર્થ જાણવો હોય તો તમે શું કરશો? અંગ્રેજી ડિક્શનરીના પાનાં ઉથલાવશો. ભારત કે અમેરિકા કે ટિમ્બકડુ વિષે કોઈ માહિતી જોઈતી હોય તો તમે શું કરશો? જરૂરી રેફરન્સ બુક હાથમાં લેશો. ડિક્શનરી, એનસાઇક્લોપીડિયા, થિસોરસ, ડિરેક્ટરી જેવા ગ્રંથો મુદ્રણની શોધ થઈ તે પહેલાં પણ હયાત હતા જ. પણ ત્યારે એમનું સ્વરૂપ હસ્તલિખિત હોવાને કારણે એમનો પ્રચાર બહુ ઓછો હતો. મુદ્રણ આવ્યું અને સાથોસાથ આ પ્રકારનાં પુસ્તકોનો પ્રસાર-પ્રચાર વધતો ગયો એટલું જ નહીં તેનું વૈવિધ્ય પણ વધતું ગયું. મોટા ભાગનાં પુસ્તકો સળંગ વાંચવા માટે હોય છે, જ્યારે રેફરન્સ બુક્સ – સંદર્ભ ગ્રંથો સળંગ વાંચવાં માટે સામાન્ય રીતે નથી હોતા, પણ જ્યારે જરૂર ઊભી થાય ત્યારે માહિતિ મેળવવા માટે ઉપયોગમાં લેવાતાં હોય છે.


અત્યાર સુધીની શ્રેષ્ઠ હિન્દી ફીલ્મો કઈ કઈ? – યાસીન દલાલ 10

૧૯૩૧ થી ૨૦૧૪ના લગભગ ૮૫ વર્ષના ગાળામાં એક વર્ષની સરેરાશ એકસો ફિલ્મ ગણીએ તો લગભગ છ હજાર હિંદી ફિલ્મો બની હશે. આટલા સમયમાં હિંદી સિનેમાએ ક્યા કયા સીમાસ્તંભો આપ્યા, અને કઈ સ્વર્ણસિદ્ધિઓ મેળવી, એનો હિસાબ થવો જરૂરી છે. છ હજારમાંથી ઓછામાં ઓછી ૬૦ ફિલ્મો તો એવી હશે જ, જે આપણે વારંવાર જોઈ શકીએ અને માની શકીએ. અને, આ ૬૦માંથી એવી કઈ ૧૦ ફિલ્મો છે, જે આપણી શ્રેષ્ઠમાં સ્થાન પામે અને વિશ્વની ઉત્તમ ફિલ્મોની પંક્તિમાં સહેલાઈથી બેસી શકે? જો કે કેટલાક વિવેચકો આમિરખાનની ‘લગાન’ ને પણ શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં મૂકે છે. આ ફિલ્મ ચોપરાની, ‘નયા દૌર’ની નકલ હતી એ જુદી વાત છે.


અથડામણ, મથામણ અને માથાકૂટ – પી. કે. દાવડા 7

સંબંધોમા અથડામણ થવી સ્વભાવિક છે. દરેક વ્યક્તિને લાગે છે સામાવાળાની ભૂલ છે, અથડામણ માટે એ જ જવાબદાર છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે અથડામણ થવા માટે બે જણ જરૂરી હોય છે. અથડામણ દરમ્યાન આપણી શું ભુલ છે એ સમજી શકવું થોડું અઘરૂં છે. આપણી અંદરની ક્રોધ, અદેખાઈ, તિરસ્કાર વગેરે લાગણીઓ આપણને એ ભુલ સમજતાં રોકે છે.


આદર્શ શિક્ષક કેવો હોય? – ડૉ. સંતોષ દેવકર 5

કૈલાસ ગુરુકુળ ખાતે પૂ. મોરારિબાપુએ સદ્ભાવના પર્વમાં માસ્તરનો અર્થ આ રીતે આપેલો : ‘જે મા ના સ્તર સુધી જઈને ભણાવે તે માસ્તર.’ મા જેવું વાત્સલ્ય, મા જેવો પ્રેમ અને મા જેવું વર્તન જે શિક્ષકનું હોય તેને માસ્તર કહી શકાય. ખરેખર તો આ ત્રણેય પૈકી એક પણ ગુણ જે શિક્ષકમાં ન હોય તેને ‘ માસ્તર ‘ કહેવો અપરાધ ગણાવો જોઈએ. પીટીસી કે બી.એડ્. નું ર્સિટફિકેટ મળી જવા માત્રથી શિક્ષક થઈ જવાતું નથી. “બાળકને જોઈ જે રિઝે, રિઝે બાળક જોઈ તેને, હૃદય-હૃદયના વંદન તેને.” આવું સાબરકાંઠા જિલ્લાના જ્ઞાાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર ઉમાશંકર જોશી લખીને ગયા. માત્ર ડીગ્રી ધારી શિક્ષકો નહિ પણ પ્રેમ, લાગણી અને સહાનુભૂતિથી છલકાતાં હૃદયવાળા શિક્ષકોની આવશ્યકતા છે.


બોર્ડ એકઝામ્સ – ઓલ ઈઝ વેલ! – પરમ દેસાઈ

વર્ષ દરમિયાનનાં વાંચનનું રિવિઝન કરવા બેઠો ત્યારે મન કઈ કેટલા વિચારોથી ઘેરાયેલું હતું. એને આશ્વાસન આપવા વાળી એક માત્ર વાત હતી – દસમાની, એટલે કે એસ. એસ. સી. પરીક્ષા આપ્યાની. એ આપી હતી એટલે હું મનને વારંવાર એજ આશ્વાસન આપ્યા કરતો કે “દસમાની આપી છે, વાંધો નહીં આવે…”

છતાં મન તો એની ધૂનમાં વિચાર મિશ્રિત ડર ફેલાવ્યે જ જતું હતું. મનને આજ સુધી કોઈ જાણી નથી શક્યું! ખેર, મનમાં તુમુલ યુદ્ધ જામ્યું હતું. એવું તે તુમુલ કે ભારત-પાકિસ્તાન જ જોઈ લો! મન અને હ્યદય, બંને એક બીજા સામે ઘર્ષણબાજી ઉપર ઊતરી આવ્યા હતાં.