નવા રસ્તાની ખોજમાં.. – દિનેશ જગાણી 3
આજે વહેલી સવારે ચાલીને પાછો ફરતો હતો ત્યારે ચાલતા જતા લોકો નું એક ટોળું સામે મળ્યું. આગળ જતાં બીજા લોકો પણ મળ્યા. પછી ખબર પડી એ બધા અંબાજી ચાલતા જતા યાત્રિકો હતા. બે દિવસ પછી પોષી પુનમ હોઈ આ યાત્રિકો અંબાજી જઇ રહ્યા છે. એવું કયું તત્વ છે જે આટલી વહેલી સવારે, જ્યારે બીજા લોકો પથારીમાંથી બહાર નીકળવા વિચાર કરતા હશે ત્યારે આ લોકોને આટલી ઠંડીમાં પોતાના બધા કામ બાજુ પર મૂકી ચાલી નીકળવા પ્રેરિત કરતું હશે?
ત્યાર બાદ તો આખા રસ્તે એ યાત્રિકો અને યાત્રા સબંધી વિચારો આવતા રહ્યા. વહેલી ધુમ્મસ ઓઢેલી સવાર, રસ્તાની બંને તરફ ના લીલા ખેતરો.. પૂર્વ દિશામાંથી ફેલાયેલો આછો પ્રકાશ અને યાત્રિકો ના ચાલ્યા ગયા બાદ એકલા પડી ગયેલા રસ્તા પર ચાલતો હું.