
શ્રેયા ઉઠી ત્યારે નિશાળે પહોંચવામાં મોડું થઈ ગયેલું. બાજુમાં માને સુતેલી નહિ જોઈને ખ્યાલ આવી ગયો કે આજે તે મોડી ઉઠી છે. મા તેને ક્યારેય ઉઠાડતી નહિ. એ માને સમયસર ન ઉઠાડવા માટે ફરિયાદ કરતી તો મા કાયમ તેને કહેતી કે, ‘હા, પણ હવે... કેટલીવાર ફરિયાદ કરીશ? તું મારો રાજા દીકરો છે. તને મારે વહેલી ઉઠાડીને પાપમાં નથી પડવું. બાળકોને ઊંઘમાંથી ઉઠાડીએ તો બ્રહ્મહત્યાનું પાપ લાગે.’ આ કારણે જ શ્રેયા જાતે ઉઠતા શીખી ગયેલી. તેને મોડું થયાનું ભાન થતા જ તેણે પલંગ પરથી રીતસર ઠેકડો માર્યો.