Yearly Archives: 2018


દેવોને દુર્લભ : છાશ – ગોપાલ ખેતાણી 35

છાશ, ઘોરવું અને લચ્છી; આ ત્રણેય કાકા-બાપાના ભાયું. પણ છાશ જ્યેષ્ઠ સંતાન… કોનું? તે દહીંનું જ ને વળી. શું? એ રે’વા દેજો બાપલિયા… દૂધ તો છાશના દાદા થાય! આપણે છાશ પર ચિત્ત ચોંટાડીયે.

મારો અને છાશનો સંબંધ બહુ જૂનો. એમ માનોને કે, જમણવારમાં હજુ કેટરર્સપ્રથા દાખલ નહોતી થઈ તેટલો જૂનો. મોસાળ પક્ષમાં જ્યારે પણ લગ્નપ્રસંગ હોય ત્યારે મને અને મારા મામાના દીકરા જયને છાશ અને પાણી પિવડાવવાની ફરજ સોંપાતી. અમે બહું હરખાતા. પિરસણિયા તરીકે જે ફ્રેશર જોઈન થાય ત્યારે આ ફરજ અપાય એ અમને પછીથી જાણવા મળ્યું. ભિખારી ભોજનપ્રથા એટલે કે બુફે જમણ શરુ થયું ત્યારે અમને પાણી અને છાશના કાઉન્ટર અપાતાં. અફસોસ કે પિરસણિયા અને કાઉન્ટર સંભાળવામાં પ્રમોશન મળવાનું હતું ‘ને કેટરર્સપ્રથા શરુ થઈ ગઈ. પણ અમે પ્રસંગો દરમિયાન છાશ પિવડાવીને ઘણાંના હૈયા ઠાર્યા છે. (થોડામાં ઘણું!)


પતિ-પત્નિ અને ખરીદીપુરાણ – ધવલ સોની 4

‘વાહ શું વાત છે, ભાભીએ જલ્દી ટ્રેનિંગ આપી દીધી.’ અને મિત્રોના ટોળા વચ્ચે ઠઠ્ઠામશ્કરીનો ભોગ બનતાં પુરુષને પહેલા તો જવાબ દેવાની ઈચ્છા થઈ આવે પણ મેચ શરું થતાં પહેલા ઓપનીંગ ખેલાડીને કોચ સૂચનાઓ આપે તેમ ઘરેથી નીકળતાં પહેલા પત્નીશ્રી તરફથી આપવામાં આવેલી સૂચનાઓ યાદ આવી જાય. ‘મારે ઢગલો કામ બાકી છે. વહેલા આવજો, પાછા ભાઈબંધો સાથે પંચાત કરવા ઉભા ન રહી જતાં.’ અને મિત્રોના યોર્કર સામે બેટ ઘૂમાવવાની ઈચ્છા હોવા છતાં પુરુષે ધીરે રહીને સામેથી જ વિકેટ છોડી દેવી પડે.

જવાબ આપ્યા વગર ભાગી જતાં મિત્રને જોઈને મશ્કરી કરનારાં મિત્રોને વધારે પાનો ચડતો હોય છે પણ તેમના પાનાંપક્કડ તેમની જ પત્નીઓની સામે અલરેડી કટાઈ ચૂક્યા હોય છે. સોસાયટીના નાકે મળતાં મિત્રોના ટોળા લગ્ન પછી પોતાના અનુભવોનું ભાથું એકબીજા વ્હેંચીને તેમાંથી નીકળવાનો માર્ગ શોધતાં હોય તેવા લાગે. જો કે કરોળિયાના જાળામાંથી નીકળવાનો માર્ગ હોય શકે પણ પત્નીની પક્કડમાંથી નીકળવાનો માર્ગ કોઈ પુરુષ પાસે ન હોઈ શકે.


ટ્રેનની દુનિયા – પરાગ મ. ત્રિવેદી 7

સમગ્ર બ્રહ્માંડમાં અનેક ગ્રહો છે, પણ પૃથ્વીની પોતાની એક અલગ ગોળ દુનિયા છે. તેમ પૃથ્વીની ગોળ દુનિયામાં ટ્રેનની પોતાની અલગ દુનિયા છે. તે જો કે ગોળ નહિ પણ લંબચોરસ છે, તે વાત જુદી છે.

ટ્રેનમાં દરેક દેશના, ધર્મના, જ્ઞાતિના, અમીર-ગરીબ, કાળા-ધોળા, ટિકિટવાળા-ટિકિટ વગરના એમ બધા જ પ્રકારના માણસો મુસાફરી કરી શકે છે.


તલ્લાક.. તલ્લાક.. તલ્લાક.. – કુલદીપ લહેરુ 21

બેલ વાગતા જ દરવાજો ખોલવા મુનિઝા રસોડામાંથી ઉતાવળે દોડી. ડાઇનિંગ ટેબલનો પાયો પગના પંજા સાથે અથડાયો અને એ નીચે પટકાઈ. ત્યાં સુધીમાં અનસ વીસેક વખત બેલ વગાડી ચૂક્યો હતો. ધીમે-ધીમે દુ:ખાવા સાથે એ ઉભી થઈ અને દરવાજો ખોલ્યો. એને હતું કે આજે અનસ રોજની જેમ નહીં વર્તે. દુકાનનો થાક અને ગુસ્સો એના પર નહીં ઉતારે. પણ..

“કેમ આટલી વાર લાગી દરવાજો ખોલતા? કંઈ પડી જ નથી શૌહરની! આખો દિવસ ગધેડાની માફક દુકાને વૈંતરું કરવાનું અને ઘરે પણ તું શાંતિ લેવા ન દે. મળી ગયો હશે કોઈ.. ફોન પર ચોંટેલી હશે વાતો કરવામાં એની સાથે.


રણ વચાળે નિશાળ! – કલ્પેશ પટેલ 6

નવાગામમાંથી માંડ પંદરેક મિનિટ ઉત્તરમાં ચાલીએ એટલે ભૂમિ બદલવા લાગે… નવાગામ તો લીલું, તળમાં પાણીય ચિક્કાર. પણ આગળ જઈએ એટલે પાણી દુર્લભ. સામું જ ખિરસરા ગામ ઊભું છે. ડુંગરાળ પટ પર છૂટાં છવાયા ખોરડાં. ગામ ડુંગર પર છે અને બે પાંચ ઘર વધારે હશે એટલે એને મોટા ખિરાસરા કહેતા હશે! નાના ખિરાસરા નીચાણમાં છે. વીસેક ખોરડા હોય તો હોય. મોટા ગામમાં મુસલમાન વસ્તી. નાના ખિરસરામાં આયરો. એ લોકો હિન્દુ હોવાનો ગર્વ લે, પણ નાતમાં એવી એમની આબરૂ નહીં. છેવાડાનું ગામ ને જરા પછાત. મોટા ખિરસરા પહેલવહેલું જોયેલું ત્યારે ‘શોલે’નું રામગઢ સાંભરી આવેલું. પરિચય કરાવવા આવેલા શિક્ષકે કહ્યું, ‘અંજારનું ગણો તોયે ને ગુજરાતનું ગણો તોયે આ છેલ્લું ગામ!’


નવરસમાં ઝબોળાયેલી માઈક્રોફિક્શન – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક 14

માણસ સ્વાદ માણી શકે તે માટે ઈશ્વરે એની જીભ પર વિવિધ ૬ જગ્યાએ સ્વાદેન્દ્રિયો આપી. માણસ ઈશ્વરથી બે ડગલાં ઉપર ઉઠ્યો, અને પોતાની અલ્પમતિ મુજબ સાહિત્યને વિવિધ રીતે માણી શકે તે માટે ૯ રસ તેણે સર્જ્યા. વિવિધ પુસ્તકોમાં આ નવ રસની વિગતે સમજ આપવામાં આવી છે. કોઈ એક વાનગીમાં બધા જ સ્વાદ આવી શકે ખરાં? અથવા કોઈ એક જ પદાર્થને અલગ અલગ રીતે સજાવી ૬ સ્વાદ મેળવી શકાય ખરા? આ તો જોકે પાકશાસ્ત્રનો વિષય છે, પણ સાહિત્યક્ષેત્રે રસની વાત નીકળે ત્યારે આ વાત ઉદભવે. ‘સર્જન’ ગ્રુપમાં અપાયેલ એક પ્રોમ્પટને નવ રસમાં ઝબોળીને અહીં પ્રસ્તુત કરાયો છે. એક જ વિષય પર બ્રેઈન સ્ટોર્મિગ કરીને જ આ રીતે રજૂ કરી શકાય. માણીએ નવ રસમાં ઝબોળાઈને પીરસાયેલો પ્રોમ્પટનો રસથાળ….


એક અપીલ – ધ્રુવ ભટ્ટ 9

૯૨ વર્ષે મેડિકલ કારણોસર બ્રેઈનસ્ટ્રોક આવે તે શક્યતા છે, છાપાએ અને અહેવાલ તૈયાર કરનારાઓએ આટલા નીચા ન ઉતરવું જોઈએ. ભગત સાહેબની માંદગીને વિવાદમાં ઘસેડનારાઓને સાહિત્યકાર ગણવાથી પણ હું દૂર રહીશ. ભગત સાહેબ પીડામુક્ત થાય તેવી પ્રાર્થના. હું સાહિત્યની ગણાતી હોય તેવી બધી જ સંસ્થા વિખેરીને સાહિત્યને સ્વાયત્ત અને મુક્ત કરી દેવા ભલામણ કરું છું. નવયુવાનોને વિનંતિ કરું છું કે ક્યાંય સંસ્થા સાથે જોડાય નહીં.

– ધ્રુવ ભટ્ટ


વન ડે માત્રમ – કુલદીપ લહેરુ 17

ઘરે જઈ, બાકી બચેલા ત્રણ ઝંડા કારમાં લગાવીને એ બહાર જમવા નીકળ્યો. એક નાનકડા ચાર રસ્તા પર વચ્ચે કાર ઊભી રાખીને પાનના ગલ્લે ત્રિરંગી પાનનો ફોટો પાડી ફેસબૂક પર અપલોડ કર્યો. સવારની પોસ્ટમાં થયેલા લાઇક અને કોમેન્ટ જોતા-જોતા ગલ્લાવાળાને પાન બાંધી આપવાનું કહ્યું. ચીંકીએ કોમેન્ટ કરી હતી,”Happy Independence Day!” એ ગૂંચવાઈ ગયો કે ૨૬ જાન્યુઆરી એટલે ’રિપબ્લિક ડે’ કે ’ઇન્ડિપેન્ડન્સ ડે’!? અચાનક એના એક કાને ગાળ સાંભળી. વચ્ચે પાર્ક કરેલી કારને લીધે ચાર રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.


ગામડાની ગરિમા – મથુર વસાવા 6

ઘણાખરા લોકો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને સામેની વ્યક્તિને ‘તું તો સાવ ગામડિયો જ છે, ના સુધરે’ તેવો શબ્દપ્રયોગ કરતા હોય છે પણ ગામડિયો શબ્દમાં દેશનો ખજાનો છે, અને ગામડા થકી જ શહેરનું હદય ધબકતું હોય છે. કરિયાણાની દુકાનમાં આપણે બાસમતી ચોખાનો ભાવતાલ પૂછીએ છીએ તે બાસમતી ચોખા ગામડાનાને પ્રતાપે છે. બાસમતી ચોખાના એક એક દાણા પાછળ ખેડૂતની અઢળક પરિશ્રમના ટીપાં હોય છે. વિવિધ પ્રસંગોના ભોજન સમારંભમાં બત્રીસ પ્રકારની વાનગીઓ આરોગીએ છીએ તે પણ ખેડૂતના પ્રતાપે જ હોય છે. એક એક વાનગીમાં ખેડૂત જીવે છે. ખેડૂત વિનાની દુનિયા કલ્પી શકાય તેમ નથી. તેના વિના કેટકેટલું ખૂટી પડે? આથી જ તેને ધરતીનો તાત કહેવામાં આવે છે.


અસ્તવ્યસ્ત – દુર્ગેશ ઓઝા 7

‘અજય પાછો કહેતો પણ નથી કે અત્યારે ઘર બંધ હશે! ક્યાં ગયો હશે એ, ને ઘર અત્યારે કેમ બંધ? સારું થયું મારી પાસે ઘરની વધારાની ચાવી છે, નહીંતર તો..! ‘ એક દિવસ પિયરથી વહેલી ઘેર આવી ગયેલી રાશિએ આમ વિચારી ઘર ખોલ્યું, ને અંદર જઇ જૂએ છે તો..આ શું?! એના પોશ એરિયામાં આવડો વિશાળ ડ્રોઈંગ રૂમ બીજા કોઈ ઘરમાં ન્હોતો. એ જ જો આવો ઢંગધડા વગરનો હોય તો તો એની આબરૂનાં ચીંથરાં જ..!


પુસ્તક સમીક્ષા ‘કસ્તૂરી કી તલાશ’ – ડૉ. સુરેન્દ્ર વર્મા; ભાષાંતર: હર્ષદ દવે 1

રેંગા એક એકત્રિત કરેલ શ્રુંખલાબદ્ધ કાવ્ય છે. આ બે કે બેથી વધારે સહયોગી કવિઓ દ્વારા રચાયેલી એક કવિતા છે. રેંગા કવિતામાં જે રીતે બે અથવા બેથી વધારે સહયોગી કવિ હોય છે તે જ રીતે તેમાં બે અથવા બેથી વધારે છંદ પણ હોય છે. પ્રત્યેક છંદનું સ્વરૂપ એક ‘વાકા’ (અથવા ‘તાંકા’) કવિતા જેવું હોય છે. આ રીતે રેંગા કેટલાયે (ઓછામાં ઓછા બે) કવિઓ દ્વારા રચિત વાકા કવિતાઓના સંચયનું સાધારણ સંયોજન કરીને બનાવવામાં આવેલી એક શ્રુંખલાબદ્ધ કવિતા છે.


કૃષ્ણનાં અંતિમ રહસ્યો – પ્રકાશ પંડ્યા 4

કનિક બોલ્યા, “એ વાતની તો મને અને જગતમાં સૌને જાણ છે, તમારા સર્વનાશનો શાપ અને તમે તે શાપ સ્વીકાર્યો છે. મને એ વાતનો આનંદ છે કે તમે સમર્થ હોવા છતાં એક માતાને વળતો શાપ ન આપ્યો. આ તમારો પસ્તાવો છે કે બીજુ કંઈ તેની મને ખબર નથી, પણ તમે એ શાપ સ્વીકારીને તમારું નિમિત્ત નક્કી કર્યું એ સારી વાત છે. મનુષ્યનો અવતાર લીધો છે તો મરવું તો પડશે. નામ તેનો નાશ છે, ઉલટાનું ગાંધારીએ તો તમારો રસ્તો સરળ કરી આપ્યો.”

“બરાબર આચાર્ય, મને એ ગમ્યું. તેમણે તેમનો ઊભરો મારી ઉપર કાઢ્યો. જો આ આક્રોશ તેમણે મનમાં દબાવી રાખ્યો હોત તો પૃથ્વી પર ભૂચાલ આવી જાત અને ઘણો અનર્થ સર્જાત. મેં પણ માનવસહજ ભૂલ તો કરી જ છે. ધર્મયુદ્ધમાં કોઈ એકને જીવતો રાખવાની જરૂર હતી. મારા મનમાં તેનું નામ પણ નક્કી હતું. વસ્ત્રાહરણ વખતે વિકર્ણે ધર્મની વાત કરી હતી.”


વિશ્વ પુસ્તકમેળો, દિલ્હી : એક અવલોકન – જીજ્ઞેશ અધ્યારૂ 10

પહેલા જ ખંડમાં હિન્દી પ્રકાશકોનો ભયાનક મોટો જમાવડો હતો. ઑથર્સ કોર્નર પર પુસ્તક વિમોચનની તૈયારીઓ થઈ રહી હતી, જાણીતા પ્રકાશકોના સ્ટૉલ પર ભીડ હતી. એક પછી એક પ્રકાશકોના સ્ટૉલ પર ફરતો રહ્યો અને તેમના સ્ટૉલની અનેરી સજાવટ, પુસ્તકોની ગોઠવણી, વિવિધતા, વિષયોની તાજગી, કેટલાક સદાબહાર પુસ્તકોની અવનવી પ્રત જોતો રહ્યો. મુખ્ય ગેટથી જે આખી ભીડ મારી સાથે આવેલી એ સામેના અંગ્રેજી પુસ્તકોના ખંડ તરફ વળી ગઈ હતી, એટલે આ ખંડમાં એની સરખામણીએ ઓછા લોકો હતા. હિન્દી પ્રકાશકો સિવાય અહીં વિવિધ ધાર્મિક પુસ્તકો અને ગુરુઓ – બાબાઓના સાહિત્યના સ્ટૉલ પણ હતા. કેટલાક ઈ-પુસ્તકોના અને ઑડિયો પુસ્તકોના સ્ટૉલ પણ હતા. મને ઘણાં સ્ટૉલ ગમી ગયા, પણ તેમાં અમુક નોંધપાત્ર સ્ટૉલ અને તેમના પુસ્તકો વિશે લખ્યા વગર રહી શકીશ નહીં.


પ્રસંગ કથાઓ – ગોવિંદ શાહ 5

૯૩ વર્ષનો વૃદ્ધ નર્સીંગ હોમમાં દાખલ થવા આવે છે. નર્સીંગ હોમમાં નવા દાખલ થતાં માણસોને પહેલાં તેમની રૂમ બતાવવામાં આવે છે. અને તેમને અનુકૂળ હોય તો રહેવાની વ્યવસ્થા થતી હોય છે. આથી નર્સીંગ હોમનો કર્મચારી આ વૃદ્ધને લઈને રૂમો બતાવવા લઈ જાય છે. રૂમોમાં જુદાજુદા પ્રકારની સગવડો હતી તેથી વૃદ્ધ જે રૂમ નક્કી કરે તે રૂમ આપી શકાય.

કર્મચારી એક રૂમ ખોલીને બતાવવા અને રૂમની સગવડો વિષે કંઈ વાત કરે તે પહેલાં વૃદ્ધ રૂમ જોતા પહેલા જ બોલી ઉઠે છે – ‘બહુ જ સુંદર.’..


વેસ્ટવર્લ્ડ (ટી.વી. શ્રેણી) : કલ્પના અને હકીકત વચ્ચેનો પ્રદેશ – જીજ્ઞેશ અધ્યારૂ 2

માણસના મનમાં શું ભંડારાયેલું છે? જો સમાજના, સભ્યતાના, કાયદાના, સંબંધોના, જીવનનિર્વાહના કે એવા કોઈ પણ બંધન ન હોય તો માણસ કેવો હોય? એનો અસલી ચહેરો, એનું ખરું સ્વરૂપ કેવું હોય? એવું જ હોય જેવું અત્યારે છે? કદાચ અત્યારે પણ કામનાઓ, વિકૃતિઓ, ઈચ્છાઓ બળવો પોકારીને મનનો કબજો લઈ લે છે, અને કદાચ સંજોગો ઈચ્છાઓને કચડીને રોજીરોટી કમાવા કે કુટુંબના ભરણપોષણ માટે, કચડાયેલી ઈચ્છાઓ સાથેની જિંદગી જીવવા મજબૂર કરી દેતી હોય છે, અને એટલે જ રોજેરોજ છાપામાં આપણે નિતનવા સમાચારો જોઈએ છીએ.. પણ બંધનો વગરનું જીવન કેવું હોય? બંધનો વગરના માણસની જરૂરીયાતો શું હોય? ઈચ્છાઓની પૂર્તીનો? માણસની અંદરનો જાનવર જાગે અને સર્વાઈવલ ઑફ ધ ફિટેસ્ટના સિદ્ધાંત મુજબ બળિયાઓ રાજ કરે કે પછી માણસ વધુ સંતુષ્ટ, વધુ પરીપક્વ બનીને ઉભરે? આવા અને એથીય વધુ વિચારપ્રેરક તત્વોને પોતાનામાં સમાવીને એક અનોખા વિશ્વના દ્વાર આપણી સમક્ષ ખોલતી એક અદ્રુત ટેલિવિઝન શ્રેણી એટલે વેસ્ટવર્લ્ડ, ટી.વી. શ્રેણીઓમાં અનેક સાવ વાહિયાત, નકામી અને ખોટા સંદેશા આપી જતી હોય છે, તો કેટલીક તો એથીય ખરાબ, કોઈ મતલબ વગરની નકરો ટાઈમપાસ જ હોય છે, પણ વેસ્ટવર્લ્ડ એમાં ખૂબ મોટો અપવાદ છે.


ઉગ્રસેનની વાવડી : ફિલ્મોથી પુનર્જીવન પામેલો ઈતિહાસ 7

દિલ્હીમાં અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા કનોટપ્લેસથી તદ્દન નજીક, મુખ્ય એવા રાજીવચોક મેટ્રો સ્ટેશનથી દોઢ કિલોમીટરના અંતરે, હેલી રોડ પર સ્થિત ઉગ્રસેનની વાવડી / બાંવડી દિલ્હી અને આસપાસના ભૂતિયા સ્થળોમાં પ્રમુખ ગણાય છે. ઈન્ડિયા ગેટ અને જંતર મંતરથી સાવ નજીક આવેલી આ વાવ ફિલ્મ પી.કેમાં આમિર છુપાય છે એ જગ્યા તરીકે દર્શાવાયેલી જેના લીધે એ ખૂબ પ્રસિદ્ધ થઈ, પણ એની મૂળ ઓળખાણ ભૂતવાવ તરીકેની છે. દિલ્હીના ઐતિહાસિક સ્મારકોમાં તે સ્થાન પામે છે અને ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ દ્વારા તેની જાળવણી કરાય છે. સવારના સાતથી સાંજના છ સુધી અહીં પ્રવેશ નિઃશુલ્ક છે. હેલી રોડ પરની નાનકડી ગલીના રસ્તે જવાતું હોઈને વાવ સરળતાથી શોધી શકાય એમ નથી. અમે ગૂગલ મેપના ઉપયોગથી એ શોધી. એ પહેલા હેલી રોડની ગલીનું વાતાવરણ પણ અનોખું છે. અહીં ગલીમાં કોઈ મોટા ટોળા કે શોરબકોર વગર એક શોર્ટફિલ્મનું અને એક એડવર્ટાઈઝનું શૂટિંગ થઈ રહ્યું હતું. એ વટાવીને અમે આગળ વધ્યા તો એક વળાંક પછી ડાબા હાથે આવે છે ઉગ્રસેનની બાવડીનું પ્રવેશદ્વાર જે કોઈ જેલના પ્રવેશદ્વારની જેમ સળીયાવાળા દરવાજાઓનું બનેલું છે. બે’ક ચોકીદારો તદ્દન નિસ્પૃહ ભાવે અહીં બેઠા હોય છે. પરિસરમાં પ્રવેશ પછી અને વાવમાં પગથીયા દ્વારા પ્રવેશ કરતા પહેલા જમણી તરફ પુરાતત્વ વિભાગે પથ્થર પર કોતરેલ નકશો અને સૂચનાઓ છે, ડાબી તરફ આ વાવ વિશેની માહિતી દર્શાવાઈ છે.