ગોવાના દરિયાને જોઈને પોતાના ભૂતકાળને વાગોળતો મનોજ નિરાશ હતો, દુઃખી હતો. એ પોતાની જાતને ભૂલી જવા અહીં આવ્યો હતો. કોલેજના પુરુષ – સ્ત્રી મિત્રો સાથે ગોવા આવવાનું, મસ્તી, વોટરરાઈડ્સ, રાત્રે ક્લબમાં ડાન્સ અને ચાર દિવસના એ મતિભ્રમ જીવન પછી ફરી એન્જીનીયરિંગ કોલેજની એ જ નીરસ જિંદગી, એ જ જર્નલ્સ અને ડ્રોઈંગ્સ, વર્કશોપ અને પ્રેક્ટિકલ્સ, બધું જ સામાન્ય હતું.
લગભગ દર સેમીસ્ટરના અંતે એ ગોવા આવ્યો હતો. પણ આ વખતની વાત અલગ હતી, આ વખતે એને થઈ રહેલ ચચરાટ અને ગુમાવ્યાની લાગણી સાવ અજાણી હતી, ધસી આવતા અને કિનારાની રેતીમાં વિખેરાઈ જતાં દરિયાના મોજાંને જોતો એ બેસી રહ્યો. એનું આખુંય મિત્રમંડળ જાણતું હતું કે એ ધ્વનિને પ્રેમ કરતો હતો, ગાંડપણની કોઈ પણ હદ વટાવી જવા એ તૈયાર હતો, એના સ્ત્રી મિત્રોમાં સૌથી વધુ સુંદર, બિન્ધાસ્ત, નિખાલસ એવી એની કોઈ મિત્ર હોય તો એ હતી ધ્વનિ. એના માટે મનોજ રાત રાતભર જાગ્યો હતો. એના એક સ્મિતે મનોજના દિવસો સુધરી જતા, એકલામાં કલાકો એ ધ્વનિ સાથે વાતો કરતો, કંઈકને એ તરંગી લાગ્યો હતો, પણ પ્રેમીઓ કોને તરંગી નથી લાગતા?
છતાંય મહત્ત્વની વાત એ હતી કે ધ્વનિનો એ બાબતમાં વિચાર તદ્દન અલગ હતો. તેને પ્રેમ બિનવ્યવહારુ લાગતો હતો, મનોજને તેણે કહ્યું હતું, ‘હું તો પ્રેમમાં માનતી જ નથી, શરીરની જરૂરતોની બુરખો પહેરેલી માનસિકતા એટલે પ્રેમ. બાળકનું સ્મિત, સ્ત્રીની સુંદરતા અને પુરુષની બુદ્ધિ – શક્તિ, એ ત્રણ જ દુનિયાના અંતિમ સત્યો છે, બીજું બધુંય છદ્મવેશી, પ્રેમ અને વેવલાવેડા ફિલ્મોમાં સારા લાગે, પ્રેમ પ્રેમ કરીને કોઈકની પાછળ લટક્યા કરવું એનાથી મોટી મૂર્ખામી કોઈ નથી….’અને પછી સહાનુભૂતિપૂર્વક બોલી હતી, ‘તું ખૂબ સરસ છે, હેન્ડસમ છે, સ્માર્ટ છે અને આઈ એમ શ્યોર કે તું જેને પણ મેળવશે તેને ખૂબ ખુશ રાખશે, યૂ આર વન વુમન મેન. બટ સોરી – હું પહેલેથી જ કમિટેડ છું.’
‘એક વાત પૂછું? તારે એનો જવાબ આપવો જરૂરી નથી પણ તેં એક ક્ષણ માટેય કદી પ્રેમ કર્યો છે?’ મનોજે તેને પૂછ્યું.
ફરી શું જવાબ આપવો તેની ગડમથલમાં ધ્વનિ થોડીક ક્ષણો ખોવાઈ ગઈ અને બોલી, ‘લવ શબ્દથી મને નફરત છે. એ બધા ઈન્ફેચ્યુએશનના સજાવેલા નામ છે. માણસે પ્રેક્ટિકલ બનવું જોઈએ. પ્રેમ એ કોઈ કરન્સી નથી, એનાથી ઘર ચાલતું નથી, મકાન, ગાડી, બેંક બેલેન્સ, ઘરેણા એ પ્રેમથી આવતા નથી.’ એક ઊંડો શ્વાસ લઈને મનોજની સામે જોઈ એ બોલી, ‘આઈ એમ ગેટિંગ એન્ગેજ્ડ ટુ સંદીપ નેક્સ્ટ વીક, નવી મુંબઈમાં એના ફાધર પી.આઈ છે અને લગ્ન પછી મને વેલ ફર્નિશ્ડ અને સેટલ્ડ જિંદગી મળશે. એ પોતાનો બિઝનસ શરૂ કરવાનો છે, ડિગ્રી તો એના માટે એક નાનકડું પગથિયું જ છે. પૈસા અને પાવર બંને એ ફેમિલીમાં છે. બી પ્રેક્ટિકલ મનોજ. થોડોક પગભર થા, કમાવાનું અને ભેગું કરવાનું શરૂ કર પછી આ બધા વેવલાપણા કરજે. તું પ્રેક્ટિકલ બનીશ તો ઘણું પામી શકીશ.’
‘તું સાચી હોઈશ, પણ તેં મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો!’
‘નો, મેં કદી પ્રેમ નથી કર્યો. સોરી પણ તેં ખોટી જગ્યાએ….’
‘છોડ યાર, પ્રેમ ઈન્ફેચ્યુએશનથી ઘણો આગળ છે, પણ એ સમજવા પ્રેક્ટિકલ ન હોવું એ પહેલી શરત છે…’
‘સા’બ, ચના જોરગરમ?’
નાનકડા ફેરિયાના અવાજે મનોજ યાદોની તંદ્રામાંથી બહાર આવ્યો. ખરીદી થઈ અને પેલો છોકરો જતો રહ્યો એટલે એ કિનારાના બાર તરફ આગળ વધ્યો, એકલતા ભાંગવા અને ધ્વનિની યાદોને દૂર ભગાડવા એ નશાને સહારે ગયો, કલાકો પસાર થયા, અંધારું ઉતરતું રહ્યું, ગોવાનો એ દરિયા કિનારો ધીરે ધીરે ખાલી થતો રહ્યો. ધ્વનિને ભૂલવા મથતો મનોજ કેટલું ગટગટાવી ગયો એ અંદાજ તેને પણ ન રહ્યો, પૈસા ચૂકવીને ઉભો થયો અને પોતાની હોટલ તરફ જવા પગ ઉપાડ્યા. બીચ પર થોડુંક ચાલવું પડે તેમ હતું. એ નશામાં લથડિયાં ખાઈ રહ્યો હતો.
બે એક પગલાં આગળ વધ્યો કે પડતાં પડતાં બચ્યો. ફરી ઊભો થયો તો તેની તરફ આવી રહેલી એક છોકરી તેને દેખાઈ. તેણે મનોજ તરફ એક સ્મિત કર્યું, મનોજે પણ તેનો ઉત્તર સ્મિતથી જ આપ્યો.
‘યૂ નીડ હેલ્પ?’
‘નો, આઈ કેન મેનેજ.’
‘નોટ એવરીથિંગ.’
‘વ્હોટ ડુ યુ…’
તેની આંખોમાં મનોજને એક અનોખું તોફાન દેખાયું, એક આમંત્રણ વંચાયું જેના લીધે પ્રશ્ન તેના મોઢામાં જ રહી ગયો. એણે મનોજને આંખ મારી અને લુચ્ચું હસી. મનોજની નજીક આવી અને કહે, ‘ઓલ યુ નીડ ઈઝ અ ગુડ કમ્પની. શું કહે છે? ફક્ત પાંચ હજાર.’
તેણે હાથ લંબાવ્યો, અગમ્ય લાગણીને વશ થઈને મનોજે તેનો હાથ પકડ્યો. એણે મનોજના ખભે પોતાનું માથું મૂકી દીધું, હવાની લહેરખી આવી અને તેના વાળ મનોજના ચહેરાને આવરી રહ્યા, તેમાંથી આવતી માદક સુગંધે મનોજને મદહોશ કરી દીધો. વાળ ત્યાંથી હટાવવાનો કોઈ પ્રયત્ન તેણે ન કર્યો, ઉલટું એ પણ મનોજની વધુ નજીક આવી, તેના ચહેરા પર ઝૂકી રહી. મનોજને ઉધરસનો એક નાનકડો હુમલો આવ્યો અને બંને દૂર થઈ ગયા.
ફરી તેનો હાથ પકડીને મનોજ હોટલ તરફ ચાલ્યો. હોટલમાં પ્રવેશ્યા એટલે પેલી છોકરીએ તેનો હાથ છોડી દીધો અને રિસેપ્શન તરફ આગળ વધી. એ દાદરા તરફ આગળ વધ્યો ત્યાં તો રિસેપ્શન પર વાત કરીને એ દાદરા પર પહોંચી ગઈ. બંને રૂમમાં પહોંચ્યા, દરવાજા બંધ થયા અને અસંતૃપ્ત ઇચ્છાઓ, રૂમનો સમગ્ર વિસ્તાર, લાગણીઓ અને અંધારું જાણે એક બીજા સાથે એકાકાર થઈ ગયાં.
સવાર પડી. મનોજે તેને પૈસા આપ્યા. છોકરીએ પોતાનો નંબર મનોજના મોબાઈલમાં નાંખી આપ્યો. એ ગઈ અને મનોજ ફરી એકલો પડ્યો. એ બીચ તરફ ચાલ્યો, તેના મનમાં ચાલતી ગડમથલમાં ગઈ રાતનો પેલો પ્રસંગ ઉમેરાયો. એનો ચહેરો તો તેણે છેક સવારે જોયો, રાતની કોઈ વાત યાદ નહોતી. ધ્વનિ તરફના પોતાના પ્રેમને તેણે છેતર્યો છે એમ તેનું મન તેને કહેવા લાગ્યું.
ચારેક કલાક પછી ફરી એણે પેલી છોકરીને ફોન કર્યો અને થોડી જ વારમાં એ પહોંચી પણ ગઈ. હજુ તો સાંજ પણ થઈ નહોતી. મનોજે તેને ત્યાં જ બેસવા કહ્યું અને બંને સાથે બેઠાં, નશામાં મનોજે પોતાના નિષ્ફળ પ્રેમની વાત તેને કહી.
‘યુ નો… અમારી પાસે કોલેજીયન કરતા મેરીડ લોકો વધારે આવે છે. અરેન્જડ મેરેજ વાળા, લવમેરેજ વાળા. ‘
‘તું ‘પ્રથમ નજરના પ્રેમ’ માં માને છે?’
અચાનક આવેલા આ સવાલથી છોકરી થોડીક ક્ષણ ચૂપ રહી, ‘પ્રેમમાં નિષ્ફળ થયેલા લોકો માટે આ સવાલથી મોટો કોઈ ડંખ નથી.’
‘તેં મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો.’
‘અમારા ધંધામાં દરેક છોકરીને એક કહાની હોય છે, માતાપિતા ખૂબ ગરીબ છે – ભાઈ બહેનને ભણાવવાના છે વગેરે એ ખૂબ સામાન્ય વાર્તા છે, પણ તને હું સાચું કહીશ. મેં જેને પ્રેમ કર્યો એણે જ મને છેતરી. એક સાધનની જેમ મારો ઉપયોગ કર્યો અને અહીં લાવીને સરેઆમ…. એ કાંટાને કાઢવા મેં મારો પોતાનો ઉપયોગ કર્યો, તેનો કાંટો કાઢી નાંખ્યો. પણ હું ખરેખર એક વસ્તુ બનીને રહી ગઈ. આજે હું જે કાંઈ છું એ પ્રેમને લીધે જ… પણ તોય એ લાગણીને ભૂલવી શક્ય નથી.’
‘હું તો પૂછતાં જ ભૂલી ગયો… તારું નામ…’
‘પૂજા. પણ તારા માટે ધ્વનિ…’ અને એક શરારતી સ્મિત તેના ચહેરા પર ફરકી ગયું.
‘વ્હોટ?’
‘ગઈકાલે તું મને પણ એ જ નામે બોલાવતો હતો. અમારે તો માણસે માણસે નામ બદલાય છે.’
‘હા, હું એને કદી નહીં ભૂલી શકું.’
‘પ્રેમ એક જ વખત થાય છે – એ પછીની બધીય મૃગતૃષ્ણાઓ… રેતીના ઝાંઝવા… તને થશે કે રોજ શરીર વેચવાવાળી તને પ્રેમ શીખવે છે. ‘
‘ના, યુ આર અન અમેઝિંગ બ્યૂટીફુલ ગર્લ.’
‘તો લગ્ન કરી લે મારી સાથે.’ બોલીને એ ખડખડાટ હસી પડી, એ હાસ્ય ક્ષુલ્લક હતું એ બંનેને ખબર હતી છતાંય એ હાસ્યની નિરર્થકતા તેના અસ્તિત્વને નકારી શકી નહીં.
ફરી એ જ હોટલ, અંધકાર, સવાર, પૈસા અને છૂટા પડવું. મનોજ ગોવાથી હવે મુંબઈ આવી ગયો, પણ પૂજા સાથે તેનો સંપર્ક યથાવત રહ્યો, બંને થોડીક મિનિટો જ વાત કરતા પણ એમાં મનોજને અજબની શાંતિ મળતી, જાણે ધ્વનિએ તેને અપનાવી લીધો ન હોય ! તે નોર્મલ થઈ ગયો, અભ્યાસમાં ધ્યાન આપવા લાગ્યો, તેના ચહેરા પર હાસ્ય પાછું આવ્યું અને કેમ્પસ ઈન્ટર્વ્યુમાં તે સિલેક્ટ પણ થઈ ગયો. નોકરી જોઈન કરતા પહેલા તે ફરી ગોવા આવ્યો, ગઈ મુલાકાતને લગભગ આઠેક મહિના થઈ ગયેલા. ફરી તેણે પૂજાને ફોન કરીને બીચ પર બોલાવી અને તેની સાથે બેઠો.
‘પૂજા, તને ખબર છે, મારી જિંદગી તેં બદલી દીધી છે.’
‘સરસ, તને જોઈને આનંદ થયો.’
‘પૂજા, થોડુંક વિચિત્ર લાગશે પણ એક વાત કહું?’
એ એકીટશે જોઈ રહી. એને ખબર હતી કે કઈ વાત ઉચ્ચારાવાની છે.
‘આઈ લાઈક યુ, પ્રેમમાં નિષ્ફળ બે હૈયા મળે એથી વધુ સારું શું હોઈ શકે? તે દિવસે તેં કહેલી વાત પર મેં ખૂબ વિચાર કર્યો, ચાલ લગ્ન કરી લઈએ.’
‘મનોજ…’
‘પ્લીઝ ના ન કહીશ. તારા ભૂતકાળને ભૂલવા હું તૈયાર છું, તું મારું ભવિષ્ય છે.’
‘એ સમય મારા માટે ક્યારનોય વીતી ગયો છે, મનોજ, તારા પ્રેમને એટલો સસ્તો ન કરીશ કે એ મારા જેવી દરેકને માટે સહજ બની રહે. અને હવેથી મને મળવાનો કે ફોન કરવાનો પ્રયત્ન કરીશ નહીં. પ્રેમ શબ્દ અમારા ધંધા માટે પણ આપઘાત જ છે.’
‘પૂજા, આઈ કાન્ટ લિવ વિધાઊટ યૂ.’
‘તેં ધ્વનિને પણ કદાચ આવું જ કહ્યું હશે? આજે તું તેના વગર જીવે જ છે ને! તારો પ્રેમ સાચો હતો કે….! બાય.. ગુડલક’
એ જતી રહી.
મનોજ પૂજાની યાદોને ત્યાં જ ખંખેરવાનો પ્રયત્ન કરીને ગોવાથી મુંબઈ જતી ટ્રેનમાં એ ચડ્યો, પોતાની બર્થ શોધી, બેગ ગોઠવીને બેઠો અને થોડી જ વારમાં સામે એક ખૂબસૂરત યુવતી આવી મનોજની સામેની બેઠક પર ગોઠવાઈ, ટ્રેન શરૂ થઈ અને બારીમાંથી આવતા પવને તેની લટ ઉડી, એણે મનોજની સામે જોઈને સ્મિત કર્યું અને મનોજે પણ…
– જીજ્ઞેશ અધ્યારૂ
ગુજરાતી વાર્તાઓના સામયિક ‘મમતા’ના મે ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલી મારી વાર્તા ‘મૃગતૃષ્ણા’ આજે અહીં પ્રસ્તુત કરી છે. આ વાર્તા લગભગ બે વર્ષ પહેલા લખાઈ હતી, અક્ષરનાદના ડ્રાફ્ટમાં ખૂબ લાંબા સમયથી પડી રહેલી અને એક કે બીજા કારણે પ્રસિદ્ધ ન થઈ શકી. શંકા હતી કે આ પ્રકારની કૃતિ વાચકો સમજી કે સ્વીકારી શક્શે ખરાં? આપણી વાર્તાઓ જીવનની ‘હકીકતો’ કરતા ‘આદર્શ’ની વધુ નજીક હોય છે, અને એવી હકીકતોને નિરુપવાનો પ્રયત્ન ક્યાંક બૂમરેંગ તો સાબિત ન થાય ને! આ જ પ્રકારના અનેક સવાલોનો ઉત્તર મેળવવા એ શ્રી મધુરાય સાહેબને ‘મમતા’ માટે પાઠવી હતી. મને આનંદ છે કે તેમણે આ વાર્તાને પ્રસ્તુત કરવા યોગ્ય ગણી. આશા છે અક્ષરનાદના વાચકોને પણ તે ગમશે. આપના પ્રતિભાવની અપેક્ષામાં…
બિલિપત્ર
Too much good fortune can make you smug and unaware. Happiness should be like an oasis, the greener for the desert that surrounds it.
– Rachel Field
મજા આવી ગઈ… વાસ્તવિક, સચોટ અને સુંદર…. તમે કેમ બહું લખતા નથી???
નમસ્તે જીજ્ઞેશભાઈ,
તમારી વાર્તા વાંચીને આનંદ થયો.
એકદમ આધુનિક વાર્તાની લાક્ષણિકતા ધરાવતી તમારી આ વાર્તા, વાર્તાના દરેક તત્વોને સારી રીતે ઉપાડીને ચાલી છે.
ઉત્તમ આધુનિક વાર્તા.
પ્રેમ શબ્દની પવિત્રતા જાળવીને લખાયેલી આ ટૂંકી વાર્તા એટલાં માટે ગમી કે, માનવજીવનની એમાં ભારોભાર વાસ્તવિકતા પણ છે. અહીં પૂજાની અને મનોજની તૃષ્ણામા ભારોભાર વેદના નથી, પણ પ્રેમનો વેદ છે. ડૂબતા માણસને તણખલું મળે. અને એ તણખલું દરિયાવ દિલમાં દેવનું સ્થાપન બને એ પ્રેમના માર્ગે જ શક્ય છે. ધ્વનિના પ્રેમને સહેજ પણ આંચ નહી આવવા દીધી એ પણ મનોજ અને મનોજના પ્રેમની મહાનતા છે.
અંતની છણાવટ અદભૂત. ગમી. આખર તો વિખરાઈ કે નાસીપાસ થવાના આરે આવેલા હૈયાઓને પોતપોતાની ચોગઠ મળી જવી એનો આનદ અનેરો છે. ધ્વનીની પુંજા જ મનોજને ધોરીમાર્ગ આપી ગઈ એવું લાગ્યા વિના નથી રહેતું.
આ વાર્તા વાચવા ખાસ અનુરોધ એટલાં માટે કરું છું. કે એમાં નોખા કરતાં કંઈક અનોખું છું.
ધન્યવાદ જીગ્નેશભાઈ…..!
રસમંજન
ખરેખર સત્ય ઘટના જ લાગે છે. લેખક ને ધન્યવાદ.
કંઈ જ વધારાનું કહેવું નથી .. શબ્દો નથી.. બસ્. મસ્ત મજા આવી ગઈ જિજ્ઞેશભાઈ આવી જ સુંદર વાર્તાઓ લખતા રહો અને અમને તેનો આસ્વાદ કરવાતા રહો…
વાર્તામાં આવતા ત્રણ ત્રણ વળાંકોથી વાર્તા જીવંત બની છે. જીવન પણ વળાંકોથી ભરેલું છે, જીવન કયારે કયાં વળાંક લઇ લેશે કોઇ જાણતું નથી !
મૃગતૃષ્ણા..શેીર્ષકને ઉજાગર કરતેી સરળ અને સહજ શૈલેીમાં લખાયલેી સુંદર વારતા માટે અભિનંદન.
Good story
Sarash varta, aavi vartao aapva no have chhochh na rakhso please.
Good one!
હમણાં જોયેલ ‘રાની’ ફિલ્મ યાદ આવી ગઈ.
exciting story very good learning point to understand LOVE.
પ્રેમ એક ભીતરની પ્રસન્નતાની લાગણી છે. તે ભાવના અને હૃદયનાં સંવેદનોની આહ્લાદક અભિવ્યક્તિ છે જે અવ્યક્ત હોય તો પણ અંદર એક પ્રકારનો આનંદ છવાયેલો રહે છે. આપણે ત્યાં પ્રેમને કામ અથવા વિષયનાં સંદર્ભમાં જ જોવામાં આવે છે અને ખાસ કરીને સ્ત્રી અને પુરુષના પ્રેમપૂર્ણ મૈત્રીભર્યા સંબંધોને પણ. બહુ નજીક આવવાથી શરીર વચ્ચે આવી જ જાય છે તેથી જ બધી તૃષ્ણા મૃગતૃષ્ણા બની રહે છે. આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે કદાચ આ જ પાસું મનમેળ થવા નથી દેતું. આ ટૂંકી વાર્તામાં સ્ત્રીના બે સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. સ્ત્રીનો પ્રેમ એટલે સમર્પણ એવું સમાજમાં સર્વસ્વીકૃત છે. તન-મનથી અને કદાચ ધનથી પણ પૂરેપૂરું સમપર્ણ. પુરુષ માટે પ્રેમ એટલે ચાહવું. ચાહવું એટલે ઇચ્છવું એવો પણ અર્થ થઇ શકે. સાથ નિભાવવો એવો વણલખ્યા પ્રેમની પૂર્વશરત બની બેસે છે. પ્રેમની સુંદરતાને પુરુષ કે શરીરનાં સૌન્દર્ય સાથે ન સરખાવવો જોઈએ. હિંદુ સંસ્કૃતિને અનુરૂપ જીવનસાથી એટલે જીવનભર સાથ નિભાવે તે. પરંતુ એક બ્યક્તિ બીજી બે કે વધુ વ્યક્તિઓ સાથે જીવનભર સાથ નિભાવી ન શકે એવી ગર્ભિત કે સ્પષ્ટ સમજણ પણ તેમાં આવરી લેવામાં આવી છે. ધ્વનિ અને પૂજા સાથે મનોજનો વ્યવહાર પ્રેમની વ્યાખ્યામાં આવતો નથી…તેથી તે મૃગતૃષ્ણા બની રહે છે. પ્રેમમાં આપવાનું હોય, અપેક્ષા ન હોય. પૂજા અને ધ્વનિની અપેક્ષાઓમાં પૈસો જ છે. મનોજનું પાત્ર પ્રેમનું વિશ્લેષણ કરવા કે સમજવા સમર્થ નથી. તે પોતાનાં વિચારોને અનુરૂપ પાત્ર ઝંખતો નાયક છે. એવી નાયિકા ન મળતાં તેની હતાશા તેને દેવદાસ બનતો અટકાવી જીવનના પથ પર આગળ લઇ જાય છે…પરંતુ એકલો જાને રે…એકલા ચલો… એકલા ચલો… એકલા ચલો, તારી હાક સાંભળીને કોઈ ન આવે તો એકલા ચલો…એવી મનોસ્થિતિમાં પ્રેમ ઠાલો શબ્દ લાગે છે. પૂજાનું પાત્ર પ્રેમને આપઘાત માને છે, તેણે જયારે પહેલાં પ્રેમ કર્યો હતો ત્યારે તેની મનસ્થિતિ એવી ન હતી. ધ્વનિ પ્રેમને વેવલાવેડા માને છે… પ્રેમથી વાસ્તવિકતાનો સામનો થઇ શકતો નથી એ સમજદારીની વાત છે. આખરે પ્રેમ હૃદયની લાગણી છે બુદ્ધિ કે તર્કનો વિષય નથી. પ્રેમમાં સંબંધ અને સંબંધમાં પ્રેમ અલગ બાબત છે. ઈશ્વર, પ્રકૃતિ, દેશ, પશુ-પ્રાણી, રમત-ગમત વગેરે પ્રત્યે ઉત્કટ પ્રેમ વિષે વિચારવાથી પ્રેમની વિશાળતાનો પરિચય થાય છે. પરણ્યા પહેલાં અને પરણ્યા પછીનાં પ્રેમના સમીકરણો સાવ અલગ હોય છે! પણ પ્રેમ ગણિત કે ગણતરી નથી. આધ્યાત્મિકતામાં પ્રેમ છે પણ પ્રેમમાં આધ્યાત્મિકતા હોય તો તેથી બધાનું કલ્યાણ થાય છે, જીવન મંગલ બને છે. પ્રેમનો અર્થ અને અર્થસભર પ્રેમ માટે તો …’તાબે તાઈ હોક…’ અસ્તુ. – હદ.
ખરેખર ગમી અને ત્યાર ના આધુનિક સમાજના દર્પણ સમી વાર્તા
liked it…
જિગ્નેશ અધ્યારુનિ આ વાર્તા સમ્પુર્ન કલાક્રુતિ બનિ શકિ ચ્હે , કારનકે
૧ શૈલિ સરલ , વ્યવહારુ , અને લક્ષ્યવેધિ રહિ
૨ ભાશાપ્રયોગ વિશયવસ્તુન્ે અનુરુપ
૩ ચર્ચાસ્પદ મુદ્દો ખુબ જ બારિક એતલે વિચારનિય – મનનિય
૪ ખુબ જ નાજુક રિતે ગહન વિશયનિ માવજત થૈ હોવાથિ વાર્તા મજબુત જદબેસલાક આકાર ધારન કરિ શકિ
૫ આસ્વાદિય – અભિનન્દનિય વાર્તા’ હર હર મોદિ’ ના ભવ્ય પ્રસન્ગે આપવિ અએ ધન્યવાદને પાત્ર – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા
શ્રેી જીજ્ઞેશભાઈ,
સુંદર, અતિસુંદર્ વાર્તાના યથાયોગ્ય શિર્ષકને અનુરૂપ. સરસ મનોવ્યથા યક્ત કરી છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા – તા. ૧૯.૦૫.૨૦૧૪