અક્ષરનાદ ઈ-મેલની સાથે સાથે… – સંકલિત 2
અક્ષરનાદની દરેક પોસ્ટ, દરેક પ્રસ્તુતિની નીચેના ભાગમાં ઈ-મેલની સગવડ રાખી છે જેથી આપ મિત્રોને આપને ગમતી કૃતિ વિશે જણાવી શકો. એ સુવિધાનો અત્યાર સુધી 3000 થી વધુ મિત્રો ઉપયોગ કરી ચૂક્યા છે, એ કૃતિ વિશે જણાવતા તેની સાથે વિશેષ સંદેશ પણ મૂકી શકવાની સગવડ રાખી છે, એ પૈકીના કેટલાક સંદેશાઓ અહીં મૂક્યા છે. પિતાએ પુત્રીને, પતિએ પત્નીને, પુત્રીએ પિતાને, એક મિત્રએ બીજા મિત્રને, વાચકે લેખકને, પિતાએ દીકરાને, વહુએ સસરાને…. એમ વિવિધ સંબંધોના સમીકરણમાં શબ્દોની ખોટ અક્ષરનાદના પ્રસ્તુત લેખો પૂરી શક્યા એથી વધુ સંતોષની વાત બીજી કઈ હોઈ શકે? આ ઈ-મેલનો લોગ લગભગ દર વર્ષે સાફ કરતો હોઉં છું અને તેમાં જોવાનો કે વિચારવાનો પ્રયત્ન આજ સુધી કર્યો નથી, પરંતુ આજે એ ઈ-મેલની યાદી જોતા જોતા તેની સાથેના અમુક પ્રતિભાવો સ્પર્શી ગયા. નામ સાથેના પ્રતિભાવો અહીં ઓળખ જાહેર ન થાય એ હેતુથી મૂક્યા નથી, અન્યથા હજુ ઘણાં હ્રદયસ્પર્શી પ્રતિભાવો જોવા મળ્યા હોત.