દ્વિતિય ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૧૦ – હેમલ વૈષ્ણવ 18


૧. પલટો

પુત્રના કુટુંબ સાથે પીકનીક પર જવાની ઈચ્છા મનમાં જ ધરબી દઈને નવનીતભાઈએ પુત્રને કહ્યું.. “બેટા, તમે લોકો જઈ આવો મને આમ પણ વ્હીલચેર સાથે તકલીફ પડશે”

…અને ટાઢા પાણીએ ખસ ગઈ એમ મનોમન બબડીને કારની ચાવી લેવા કી સ્ટેન્ડ તરફ જતાં પુત્ર રાકેશની બારીની બહાર નજર પડી. ફૂટપાથ પર પિતાની આંગળી પકડીને ચાલતું નાનું બાળક થાકી ગયેલું લાગતાં પિતાએ હળવે રહીને તેને તેડી લીધું હતું.

અચાનક રાકેશભાઈએ પિતા સામે જોઇને કહ્યું… “બાપુજી ચાલોને સાથે… વ્હીલચેરતો કારની ડેકીમાં ગમે તેમ કરીને સમાવી દેશું.”

૨. બાલિશતા

પોતાની વધતી ઉંમરને મેકઅપ હેઠળ છુપાવવામાં હમેશા સફળ રહેતાં મેઘનાબેન માટે બહેનપણીઓએ તેમની ચાલીસમી બર્થ ડે પ્રસંગે આપેલી સરપ્રાઈઝ પાર્ટી આઘાતજનક હતી. સમગ્ર પાર્ટી દરમિયાન તે થોડા અતડા અને ઉખડેલા રહ્યા.

પાર્ટીમાંથી પાછા ફરતાં એક બહેનપણી બીજીને કહી રહી હતી.. “કોણે કહ્યું મેઘનાને ચાલીસ થયા છે…?, હજી તો એ બાર વર્ષની છોકરીની જેમ રીસાઇ શકે છે.”

૩. સેકંડ કાંટો

પિતા અને બન્ને મોટા ભાઈની પેઢીમાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરવા છતાં હિરેન પિતાજીનો પૂરો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. પેઢીની નવી શાખાનાં ઉદઘાટન પ્રસંગે રાખેલી પાર્ટીનાં આયોજનમાં તેણે છેલ્લે સુધી દોડાદોડી કરીને કોઈ કચાશ ના રહી જાય તેની તકેદારી રાખી હતી. રાત્રે થાકીને લોથપોથ પડેલો હિરેન વિચારી રહ્યો હતો કે આમંત્રિત તમામ મહેમાનો શાનદાર પાર્ટીનાં વખાણ કરી રહ્યા હતાં ત્યારે હિરેનનો ઉલ્લેખ તો બાજુ એ રહ્યો, પિતાજી બન્ને મોટા પુત્રોની ગાથા ગાવામાંથી ઊંચા આવ્યા ન હતા.

અચાનક તેનો હાથ વાગી જતાં એલાર્મ ઘડિયાળ નીચે પડી ગયું અને સેકંડનો કાંટો તૂટીને છૂટો પડી ગયો હતો.જોકે કલાક અને મિનીટના કાંટાઓ વ્યવસ્થિત ફરી રહ્યા હતાં….

રીપેર કરવાને બદલે તૂટેલા કાંટાને કચરા ટોપલીમાં ફેંકતા હિરેન બબડ્યો, “આમ પણ નાહકની જ દોડાદોડી કરતો હતો…”

૪. દાઝેલી..

ઓછો દહેજ લાવનારી પહેલી પુત્રવધૂને બાળી નાખ્યા બાદ પોતાની વગ વાપરીને કેસને રફેદફે કરવામાં સફળ રહેલા કાંતિલાલ, ત્યાર પછી પુત્રને ઢગલો દહેજ લાવનારી શાલિનીને પરણાવવામાં પણ એટલા જ સફળ રહ્યા હતા. પુત્રી પલ્લવીના થનારા પતિ આજે ઘરે જમવા આવ્યા હતા અને રસ રોટલીના જમણ દરમિયાન કાંતિલાલ ભાવિ જમાઈની આગતા સ્વાગતામાં અછો અછો થઇ રહ્યા હતા.

જમાઈની થાળી સામે જોઇને તેઓ બોલી ઉઠ્યા.. “હાં.. હાં.. નીલેશ કુમાર, આ રોટલી તો જુઓ કોરેથી કેવી દાઝી ગઈ છે, ઉભા રહો નવી રોટલી મંગાવું છું. ભલા … દાઝેલી રોટલી તો ગળે ઉતરતી હશે..?

૫. જંગ

સમર વેકેશનમાં જમ્મુ કાશ્મીરનાં પ્રવાસે ગયેલા મિસ્ટર અને મીસીસ દેસાઈએ કારગીલ શહીદ સ્મારકની મુલાકાત લીધી. સ્મારક પાછળનાં ટોલોલીંગના હરિયાળા પર્વતોને આંખોથી પી રહેલાં મીસીસ દેસાઈ અહોભાવથી બોલી ઉઠ્યા… “અહીં કેટલી શાંતિ છે નહી..?, આપણે મુંબઈમાં તો લોકો જંગે ચડ્યા હોય તેવી દોડાદોડી અને ઘોંઘાટ…!”

૬. સંગમ

પત્ની સાથે દેવ પ્રયાગની યાત્રાએ ગયેલા મનહરભાઈ ઘાટ ઉપરથી અલકનંદા અને ભાગીરથીનો સંગમ જોઈ રહ્યા હતાં, મોબાઈલ રણકતા તેમના પત્નીએ જોયું કે મનહર ભાઈની ઉપરવટ જઈને પરજ્ઞાતિમાં લગ્ન કરેલી પુત્રી નિશીનો ફોન હતો. મનહરભાઈની ક્રોધિત નજર જોઇને પત્ની સમજી ગયા કે મનહર ભાઈ કોઈ કાળે પુત્રી સાથે વાત નહિ કરે. પતિથી દૂર જઈને તે ધીમા સાદે પુત્રી સાથે વાત કરવા લાગ્યા.

અલકનંદા અને ભાગીરથી, બંને નદીઓના અલગ અલગ રંગના પાણીનો સંગમ થઈને ગંગા એક નવા રંગ સાથે જ આગળ વધતી હતી. અને… મનહરભાઈએ દૂર ઉભેલી પત્ની તરફ ફરીને મોટેથી કહ્યું…
“નીશલીનો ફોન હોય તો કહેજે પપ્પા યાદ કરે છે.”

૭ ગૂંગળામણ

અમેરીકાના પ્રવાસે આવેલા સુમનભાઈએ ન્યુયોર્કનાં ટ્વિન ટાવરના મેમોરીઅલની મુલાકાત દરમિયાન મૃત વ્યક્તિઓના નામ કોતરેલી દીવાલ આગળ ઉભતાં યજમાન યોગેશભાઈને કહ્યું, “આપણો એક ફોટો આયાં પણ લઇ લ્યો… દેશમાં બધાને બતાવવા થાશે..”

પોઝ આપવાને મરક મરક હસતા ઉભેલા સુમનભાઈની વિશાળ કાયા પાછળ ઢંકાઈ ગયેલા કેટલાક મૃતકોના નામને… આત્માને… વર્લ્ડ ટ્રેડ સેન્ટરના કાટમાળ નીચે દબાઈ જતી વખતે થઇ હતી એથી વધારે ગૂંગળામણ કદાચ આજે થઇ..!

૮. દામ્પત્ય

“સાહેબ.. હું અને આ હીરેન છેલ્લા સાત વર્ષથી સાથે જ રહીએ છીએ, બસ કાયદેસર લગ્ન નથી કરી શક્તા એટલું જ…”

સમાજ કલ્યાણખાતાનાં અધિકારીને સમલિંગી જીવનસરણી જીવતો જતીન લોન પાસ કરાવવા સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો.

“અરે …. દાંપત્યજીવન તો વિશ્વાસ અને વફાદારી હોય, હું નથી માનતો તમારા લોકોમાં એ શક્ય થઇ શકે..”

..ટેબલ ઉપર પત્ની અને બાળકોના ફોટાની ફ્રેમને સરખી કરતાં અધિકારી સાહેબ બોલ્યા. ફોટાની બાજુમાં સાહેબનાં ઉંધા પડેલા મોબાઈલના સ્ક્રીન પર મેસેજ ઝબૂકી રહ્યો હતો .. “સોરી જાનુ, કાન્ટ મીટ ધીસ ઇવનિંગ… માય હસબંડ ઇસ કમિંગ હોમ અરલી.”

૯. નફફટ

લગ્નના અઢી વર્ષમાં જ વિધવા થયેલાં ગોમતીબેને એકલા હાથે ઉછેરેલા નરેશને આજે સાદાઈથી પરણાવીને એક મોટી જવાબદારી પાર પાડી હતી. મધુરજની ઉજવનાર દંપતી માટે ઉપરની મેડી સજાવવામાં આવી હતી અને ગોમતીબેનને નીચેનાં માળે મહેમાનો સાથે સૂવું પડ્યું હતું. રાતભર ઉપલી મેડીથી આવતા દબાયેલા હાસ્યના અવાજો તેઓ પ્રયત્ન છતાં અવગણી શક્યા નહી.

બીજી સવારે આંગણામાં પ્રણય ક્રીડામાં તલ્લીન શ્વાન યુગલને જોઇને અચાનક તેઓ ઉઠ્યા. કુતરાઓની પીઠ પર લાકડીનાં ઉપરાછાપરી ઘા કરીને ડેલી બહાર તગેડતા બોલી ઉઠ્યા… “સાલા નફફટ ક્યાંના…” અને ખૂણામાં લાકડી ફેંકતા તેમનાંથી એક અતૃપ્ત, અછડતી નજર મેડીની બંધ બારી તરફ નખાઈ ગઈ.

૧૦. અભિનય

નાટક બરાબર જામ્યું હતું.

એક્ટર અવિનાશના હાથમાં કંપી રહેલો ટેલીગ્રામનો કાગળ.. ટેલિગ્રામમાં પત્ની શેફાલીના મૃત્યુના સમાચાર.. એક્ટર અવિનાશનું ટેલિગ્રામ વાંચીને કાગળનું ડૂચો વાળીને ઘા કરવું… હ્રદય ચીરી નાખતું આક્રંદ… પડદો પડતાં જ તાળીઓનો ગગનભેદી ગડગડાટ.. સૌનો બસ એક જ મત… “અવિનાશ એટલે અભિનયનો બેતાજ બાદશાહ..”

શો ની સમાપ્તિ પછી સ્ટેજ પરનો કચરો સાફ કરતાં રામુએ કાગળનો ડૂચો ઉપાડીને ડસ્ટબીનમાં નાખ્યો. અને કચરા ભેગા થઇ ગયા કાગળમાં લખેલાં શબ્દો …”મિસીસ નિશા અવિનાશ શાહ… ઉંમર ૨૮ વર્ષ… ડાયગ્નોસીસ : મેલીગ્નનટ બ્રેઈન ટ્યૂમર.”

૧૧. મા

“મા” વિષય પર સાહેબ, શું વાર્તા લખી છે..!,

તમારી વાર્તાએ મારી તો આંખ ઉઘાડી નાંખી.. માનશો ? હું તો ગામડાંમાં વખતથી એકલી રહેતી મારી માને સમ આપીને મારી સાથે શહેરમાં રહેવા લઈ આવ્યો… ફોરેન રીટર્ન લેખક આશુતોષનો પ્રસંશક, ફોન ઉપર આભાર માની રહ્યો હતો.

પૈસા કમાવવા માટે પોતાની માને ભારતમાં એકલી છોડીને વર્ષો સુધી લંડન રહેલો આશુતોષ, માના હાર ચડાવેલા ફોટા સામે જોતાં બોલ્યો… “નસીબદાર છો ભાઈ, કે માં સાથે રહેવા આવી ગઈ, મારે તો….” આગળ તે બોલે તે પહેલાં ફોન અને અવાજ વચ્ચે ગળે બાજેલો ડૂમો આવી ગયો …

૧૨. અભિપ્રાય

બગીચામાં નિયમિત મળતી જાગૃત નાગરીકોની મંડળી આજે સાંપ્રત રાજકારણનો મુદ્દો “દેવાલય કે શૌચાલય” ઉપર ગરમાગરમ ચર્ચા કરી રહી હતી.

બગીચાની વાડની કોરે આછું પાતળું ભણેલાં મકા ભંગીએ તેની વહુ રૂડીને કહ્યું… “ઈ દેવાલયમાં તો આપડે જાઇ સીં તો સુધરેલું લોક કેવું કોચવાય સીં, શૌચાલય સાફ કરવાને તો ઈ લોક હોંશે હોંશે બોલાવ સીં. સરકાર માઈ બાપ ભલે સંડાસ જ બનાવે..” પછી ભગવાન વિરુદ્ધ બોલીને ગુનો કરી નાખ્યો હોય તેમ એ ચૂપ થઇ ગયો .

– હેમલ વૈષ્ણવ

સાંપ્રત વિષયો, હકારાત્મક સંદેશ, નખશીખ કારીગરી ભરી સર્જનાત્મક્તા અને વિષયવૈવિધ્ય સદાય હેમલભાઈની માઈક્રોફિક્શનનું જમાપાસું રહ્યું છે. સ્પર્ધામાં દ્વિતિય વિજેતા થયેલ હેમલભાઈની આ સુંદર માઈક્રોફિક્શન આજે પ્રસ્તુત કરી રહ્યો છું ત્યારે આ નવા સ્વરૂપને વિકસાવવામાં પાણીસિંચન કર્યાનો આનંદ જરૂર છે. આશા છે વાચકમિત્રોને પણ આ ગમશે. અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ તેની ગરિમા વધારવા બદલ હેમલભાઈનો આભાર, તેમની કલમને શુભકામનાઓ..


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “દ્વિતિય ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૧૦ – હેમલ વૈષ્ણવ