રંગીલો રાજા – ગોપાલ ખેતાણી 10


એ છે દરિયાનો રાજા. રંગીલો છે એનું નામ. જેવું એનું નામ એવા જ તેના વેશ. દરિયાની ખારી ખારી હવા તેના વાળ ના બગાડે એટલે તે રંગબેરંગી કપડા માથા પર વીંટાળે. સૂરજદાદાને ચિઢવવા પાછો ગોગલ્સ પણ પહેરે. મગર, વ્હેલમાછલીઓ, શાર્ક, ડોલ્ફીન, નાની માછલીઓ, કાચબા, સાપ, ઓક્ટોપસ, બતક અને પેલા પેંગ્વીન પણ રંગીલાને બહુ માન આપે અને પ્રેમ કરે. રંગીલો સદાય પોતાના આ મિત્રોના સુખ દુઃખમાં સાથે રહે.

અચાનક એક દીવસે એક કાચબી રડતાં રડતાં રંગીલા પાસે આવી.

“શું થયું કંચન કાચબી? કેમ રડે છે?” રંગીલા રાજાએ પ્રેમથી પૂછ્યું.

કંચન કાચબીએ રડતાં રડતાં કહ્યું, “રંગીલા રાજા, અમારા કુટુંબના સ્વજનો ચેન્નાઈ ફરવાં ગયેલા. એક મહીનો થઈ ગયો. તેમના કોઈ સમાચાર નથી.”

થોડી વારમાં પેંગ્વીન આવ્યા. એ પણ રડવાં લાગ્યાં

“શું થયું પિન્કી પેંગ્વીન? તમારું પણ કોઈ ચેન્નઈ ફરવાં ગયું હતું?” રંગીલા રાજાએ તેમને પણ પ્રેમથી પુછ્યું.

“ના ના રંગીલા રાજા, અમે તો એટલે રડીએ છીએ કે અમારા ઘરનો બરફ ઓગળી રહ્યો છે. હવે અમારું ઘર બચશે કે કેમ?” પિન્કી પેંગ્વીને ચિંતા કરતાં કહ્યું.

ત્યાં તો બતક આવીને રડવાં લાગ્યાં.

“તમને શું થયું બકુલ બતક?” રંગીલા રાજાને ચિંતા થઈ.

“રંગીલા રાજા, આ જુઓ ને પાણી પીને અમારા છોકરાંઓના પેટ બગડી ગયાં. અમારા ડોક્ટર ડોનાલ્ડ ડક અને અંકલ સ્ક્રુઝ કહે છે કે દરીયાનું પાણી પ્લાસ્ટીક અને અન્ય કચરાને લીધે દુષીત થઈ ગયું છે. એટલે હવે આ છોકરઓના ઓપરેશન કરી તેમના પેટમાંથી કચરો પેટમાંથી બહાર નીકાળવો પડશે.”

માછલીઓ પણ બકુલ બતકની આ સાંભળીને દેકારો કરવા લાગી “સાચી વાત, સાચી વાત, અમારા પણ પેટમાં દુખવા લાગ્યું છે.”

રંગીલા રાજાએ કહ્યું “શાંત રહો શાંત રહો. હું કંઈક કરું છું.”

એણે તો વ્હેલમાછલીને સીટી મારી. વ્હેલમાછલીએ મોઢું ખોલ્યું એટલે રંગીલા રાજા એમનાં મોંમાં બેસી ચેન્નઈ ગયાં. ચેન્નઈના દરિયાકિનારે જોયું તો ક્રુડ ઓઈલ ઢોળાયું હતું. દરીયામાં અને કિનારે ઘણા કાચબા મરી ગયાં હતાં.

રંગીલા રાજાએ આર્કટીક જઈને જોયું તો બરફ પિગળી રહ્યો હતો. ચેન્નઈથી આર્કટીક જતાં વચ્ચે દરીયામાં જોયું તો પ્લાસ્ટીકનો કચરો, ક્રુડ ઓઈલ, કાળો કાદવ, ગંદકી ઠેર ઠેર ફેલાયેલી હતો. રંગીલો રાજા હવે ગુસ્સે થયો. તેણે કંઈક વિચાર્યું અને વ્હેલમાછલીને મોરીશીયસ જવા કહ્યું.

રંગીલા રાજાએ મોરીશીયસ આવીને અમેરિકા, ભારત, ચાઈના અને સાઉદી અરેબીયાની બોટોનું અપહરણ કર્યું. બધાં લોકોને પોતાના રાજ્યમાં લાવ્યો. હોટેલમાં ઉતારો આપ્યો અને કહ્યું કે ગભરાશો નહીં.

રંગીલા રાજાએ બધાને એક હોલમાં બેસાડ્યા. પછી બધાંને કાચના ગ્લાસમાં પિવાનું પાણી આપ્યું. પાણી એટલું ગંદુ કે બધાંએ ના પાડી. રંગીલા રાજાએ કહ્યું કે “આવું પાણી દરીયામાં અમારા બતક, માછલી, મગરને રોજ પીવું પડે છે, તમારે લીધે.!”

પછી બધાને બીજા રુમમાં લઈ જમીન પર બેસવા કહ્યું. તે રુમમાં બહુ કાદવ હતો. બધાંએ ના પાડી એટલે રંગીલા રાજાએ કહ્યું કે “અમારા કાચબા ભાઈઓ આવા કાદવમાં જ તરફડીને મરી ગયાં, તમારે લીધે.”

પછી ફરી બધાંને ત્રીજા રુમમાં લઈ અંદર જવાનું કહું તો હીટરની ગરમી એટલી બધીં કે બધાં એ અંદર જવાની ના પાડી. રંગીલા રાજાએ કહ્યું કે “તમે એટલી બધી ગરમી ઉત્પન્ન કરી છે કાર, સ્કુટર ચલાવીને; કોલસા તથા અન્ય કચરો સળગાવીને; સીગારેટ બીડીઓ ફુંકી ફેંકીને; જંગલોનો નાશ કરીને કે અમારા પેંગ્વીનભાઈઓના ઘરનો નાશ થઈ રહ્યો છે, તમારે લીધે.

બધાં સુન્ન થઈ ગયાં.

”બોલો હવે શું કરીશું?” રંગીલા રાજાએ કરડાકીથી પુછ્યું.

બધાંએ રડતાં રડતાં રંગીલા રાજાને કહ્યં, ”અમે બધાં અમારે દેશ જઈને અમારા લોકોને સમજાવી આ બધું રોકીશું. દરીયાદેવની સફાઈ હાથ ધરીશું. અમારા બાળકોને પણ સમજાવીશું. વૃક્ષારોપણ કરીશું, વાહનોનો ઉપયોગ ઓછામાં ઓછો કરીશું, બીડી સિગારેટ બંધ કરાવીશું, પ્રદૂષણ ઘટાડીશું જેથી તમારા દેશની પ્રજા શાંતીથી જીવી શકે.”

રંગીલા રાજાએ ખુશ થઈ બધાંને મોતીઓની માળા આપી છોડી મુક્યા. તો મિત્રો, તમે શું કરશો કે જેથી રંગીલા રાજાની પ્રજા એટલે કે કાચબા, માછલી, મગર, પેંગ્વીન, બતક, ઓક્ટોપસ વગેરે શાંતીથી જીવી શકે અને ખાઈ-પી શકે?

– ગોપાલ ખેતાણી
gopalkhetani@gmail.com


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “રંગીલો રાજા – ગોપાલ ખેતાણી