આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨) 2


પુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી

પ્રકરણ ૨ : આજથી હું દેવને અર્પણ!

કેવી વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઇ હતી! ત્રણેય નિર્દોષ માણસોથી ભૂલ થઇ હતી. એ પણ જ્ઞાની હતા તેવા માણસોથી. માટે જ કહ્યું છે કે ‘માણસ માત્ર ભૂલને પાત્ર’. આપણે તો એ પણ જાણીએ છીએ કે સાચ ને નહીં આંચ. પરંતુ રેણુકાએ ખોટો વિચાર કર્યો અને સાચું બોલી. એ સાંભળી ઋષિ જમદગ્નિએ ક્રોધિત થઈને અનુચિત આદેશ આપ્યો. રેણુકાને સજીવન કરીને પરશુરામે પિતાશ્રીના આદેશનો ભંગ કર્યો. ખરેખર, સંજોગો સામે માનવી લાચાર હોય છે.

રેણુકા સજીવન થઇ. તે ઊભી થઇ. તેનું મન હજી અપરાધભાવમાંથી મુક્ત થયું નહોતું. તેને ખ્યાલ આવી ગયો કે તેના શિરચ્છેદ બાદ શું બન્યું હતું. પોતાની સામે પુત્ર રામને જોઈ તે થોડી લજ્જિત થઇ. તેણે સંકોચ સાથે પુત્રની પણ ક્ષમા માગી. પણ ઋષિનું રૌદ્ર સ્વરૂપ અને તેમની ત્રાડ ”રામ, આ ક્ષણે જ તારા પરશુથી તારી માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ.’ સાંભળી તે ભાંગી પડી હતી. તેણે અપૂર્વ સંકલ્પ કરી લીધો હતો. અને રેણુકાએ દેવી ક્ષમાપન સ્તોત્રનું હૃદયપૂર્વક રટણ શરુ કર્યું: (જુઓ: પરિશિષ્ટ-૩)

આહવાનં ન જાનામિ ન જાનામિ તવાર્ચનમ
પૂજન ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર|
અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ
તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ મહેશ્વર||

* * *

યાનિ કાનિ ચ પાપનિ જન્માંતર કૃતાનિ ચ
તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણા પદે પદે||

રેણુકા હવે પૂરેપૂરી સ્વસ્થ અને શાંત થઇ ગઈ હતી. ક્ષમાપન સ્તોત્ર ગાવાથી સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું હતું. જમદગ્નિ ઋષિ અને પરશુરામ પણ શાંત થઇ હાથ જોડી બેસી ગયા હતા, તેઓ પણ મનોમન ક્ષમાપન સ્તોત્રનું રટણ કરવા લાગ્યા હતા. જયારે રેણુકાએ આંખ ખોલી. રામ સ્વાભાવિકપણે ઉઠીને બહાર નીકળી ગયો.

રેણુકા તનથી સ્વસ્થ થઇ હતી છતાં મનથી અસ્વસ્થ હતી. જાણે તે પોતાની ઉપર જ રોષ ઠાલવતી હોય તેમ તે કાંઇક કહેવા માગતી હતી. હવે રેણુકાની દૃષ્ટિ જમદગ્નિ ઋષિ પર સ્થિર થઇ. જમદગ્નિ ઋષિ રેણુકાની એ દૃષ્ટિ સહન ન કરી શક્યા. તેમણે નજર નીચે ઢાળી દીધી. રેણુકાએ અપલક દૃષ્ટિએ તેમની સામે જોઇને કહ્યું, ‘મારે તમને અમુક પ્રશ્નો પૂછવા છે.’ ઋષીએ જાણે મૌન ધારણ કર્યું હોય તેમ કાંઈ ન બોલ્યા. રેણુકાએ તે ધ્યાનમાં ન લેતાં પૂછ્યું: ‘આખરે તો તમે પુરુષ જ છો ને?’

શું રેણુકા તેમના પુરુષત્વને પડકારવા માગતી હતી? ઋષિ કાંઈ સમજ્યા નહીં. તેમણે રેણુકા સામે જોયું. રેણુકામાં સ્ત્રીનાં આભિજાત્યનો સંચાર થયો હતો. તેણે કહ્યું, ‘શું અન્ય સુંદર સ્ત્રીને જોઇને તમારા મનમાં ક્યારેય કોઈપણ જાતના વિચારો નથી આવ્યા? શું તમે માનસિકપણે અન્ય કોઈ સ્ત્રી સાથે ક્યારેય સંગ નથી કર્યો? તમે જરાપણ શાંતિથી વિચાર ન કર્યો અને માત્ર એ જ મુદ્દો મનમાં રાખી ક્રોધિત થઇ ગયા. શું તમે માનસિકપણે માત્ર એક સ્ત્રીથી સંતુષ્ટ રહ્યા છો? શું તમારું મન અવિકારી છે? કદાચ તમને તક ન પણ મળી હોય, પરંતુ જો એવી તક મળી હોય તો શું તમે પરસ્ત્રી ગમન ન કરો?’

‘હું તમારી પાસેથી કોઈ જવાબ નથી ઈચ્છતી. પરંતુ સ્ત્રી-પુરુષની માનસિકતા અને પ્રકૃતિ એકસરખી જ હોય છે. મનના વિચારો, આંદોલનો, વમળો, આવેશ અને તેની અવળચંડાઇ તથા સ્ખલનો એકસરખાં જ હોય છે. એ સમયે એ જરૂરી નથી કે બંને પાત્રોને એકસરખી તૃપ્તિ મળે. કોઈને તૃપ્તિ મળે, કોઈને ન મળે, અથવા ક્યારેક બંને તૃપ્ત પણ થઇ શકે. જયારે કોઈ અતૃપ્ત હોય ત્યારે એ પાત્ર તન-મન સાથે કોઈપણ પ્રકારે સમાધાન કરી લે છે અને પોતાની રીતે જીવન જીવી લેતું હોય છે.’

‘આપણે સમાજમાં રહીએ છીએ. સમાજે સમજીને કેટલાક નિયમો ઘડેલા છે. એ નિયમો પ્રકૃતિએ નથી ઘડેલા. પ્રકૃતિ તો સ્વૈરવિહારી છે, તેને તેના આગવા નિયમો હોય છે. પુરુષ અને સ્ત્રીનું સર્જન પણ એ પ્રકૃતિએ કર્યું છે. ખરું જોઈએ તો સમાજમાં પણ નિયમો તો પુરુષપ્રધાન સમાજે એટલે કે પુરુષે જ પોતાની જરૂરિયાત અને સગવડને અનુરૂપ ઘડ્યા છે. સૃષ્ટિના બધા જીવો ઋતુગામી છે કેવળ સ્ત્રી અને પુરુષ બહુગામી છે.’

રેણુકા અવિરત બોલ્યે જતી હતી અને જમદગ્નિ ઋષિ આ વિદુષી સ્ત્રીની ધારદાર વાણી સ્તંભિત બની એકચિત્તે સાંભળી રહ્યા હતા. જરા શ્વાસ લઇ રેણુકાએ આગળ કહ્યું: ‘માનવીને ઋતુનું કોઈ બંધન નથી. આપણા આવેગોને નિયંત્રિત કરવા માટે આપણે સભાનપણે કોઈ પ્રયત્ન પણ નથી કરતા. માનવીનું મન ચંચળ છે. તે મર્કટની માફક ક્યારે ગુલાંટ મારે તેનું કાંઈ કહેવાય નહીં. મર્કટ પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને, સાવચેતીપૂર્વક સંતુલન જાળવીને જીવતો હોય છે. અને દરેક જીવ તે રીતે જ જીવે છે. આજે મને બહુ લાગી આવ્યું છે એટલે હું નિખાલસપણે મારી મનોવ્યથા ઠાલવું છું. મેં મારા મનમાં જે વિચારો ચાલતા હતા તે વિષે તમને સાચી વાત કરી. પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે તેથી હું સત્ય બોલી. પરંતુ જો તમે મારી સ્થિતિમાં હોત અને મેં તમને પૂછ્યું હોત તો શું તમે સત્ય બોલી શક્ય હોત? નહીં જ. અને કદાચ જો તમે સાચું બોલત તો પણ શું હું તમને પ્રાણદંડ આપી શકી હોત? કદાપિ નહીં. રામ તો આપણો પુત્ર છે, તે માતા-પિતાની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન નથી કરતો.’

‘જે થવાનું હતું તે થઇ ગયું. હવે આજથી હું તમારી સાથેના મારા સંબંધનો અંત લાવું છું. જેવી ઈશ્વરની મરજી. હું આજથી મને પોતાને દેવને અર્પણ કરું છું. હું તેનામાં લીન રહી તેની આરાધના-સેવા કરીશ. મારા પાપ-પુણ્યનો હિસાબ હું દેવ પાસે જઈશ ત્યારે થશે. મારે મારું જીવન મારા જેવી ત્યકતાઓને અર્પણ કરવું છે. પતિથી તરછોડાએલી અને સત્યની કીમત ચૂકવી રહેલી સ્ત્રીઓને માટે હું જીવીશ. હું તેમની મદદ કરીશ.’

અને રેણુકા પતિ જમદગ્નિ ઋષિ કે પુત્ર પરશુરામની પરવા કર્યા વગર ઘર છોડીને ચાલી નીકળી. એકલી, નિરાધાર રેણુકા હવે ક્યાં જશે અને તેનું શું થશે તેની કોને ખબર હતી? વિધાતા પણ માનવજીવન સાથે કેવા ગજબના ખેલ ખેલે છે તે હવે પછી…

* * *

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨)