ટર્નિંગ પોઈન્ટ, ટોકિંગ પોઈન્ટ – કંદર્પ પટેલ 12
જુન મહિનો. વેકેશન પુરા અને સ્કુલની શરૂઆત. દર વર્ષે આ મહિના દરમિયાન કેટલાયે વિદ્યાર્થીઓ પોતાની ‘સ્ટુડન્ટ’ લાઈફને અલવિદા કહીને આગળ વધવા અસલી પરીક્ષાઓનો સામનો કરવા પોતાની ગાડીઓને ‘કિક’ લગાવતા હોય છે. આ સમયે કોલેજના કેટલાયે ગ્રેજ્યુએટ્સ માર્કેટમાં પોતાની ‘હરાજી’ કરાવવા માટે લાઈનબદ્ધ ઉભા રહી જાય છે. ‘માર્કેટર્સ’ એકદમ શાકભાજીના ભાવે તેમની ખરીદી કરે છે અને તોયે ઢગલો ‘શિક્ષિત બેરોજગાર’ બનીને સડી જાય છે. આશાઓ- અપેક્ષાઓ- ઇચ્છાઓ- ભવિષ્યની સચ્ચાઈ… આ દરેક વાતો જાણે અંધકારમાં ડૂબેલી જણાય છે. સામાજિક, આર્થિક, વ્યવહારિક સંબંધોનું દબાણ એટલું હોય છે કે જાણે તેમને ‘પ્રેશર કૂકર’માં મુક્યા હોય અને ‘સીટી’ એ લોકો આમની હાલત પર મારતા હોય છે. નિરાશાના ગર્તમાં ડૂબીને નાસીપાસ થઈને બેસી જાય છે. મનને મારીને ગમે ત્યાં પોતાના ‘લેવલ’ કરતા નીચેના સ્તરની જોબ સ્વીકારે છે. શું કરવાના? આગળનો પ્લાન શું છે? જોબ મળી ગઈ? ‘પ્લેસમેન્ટ’ ના થયું? વિચાર્યું છે કંઈ? કોઈ જગ્યા એ ‘સેટિંગ’ પડ્યું? લોકોના શેતાની દિમાગની ઉપજ એવા આ દરેક પ્રશ્નો આખો દિવસ એક જુવાનિયાના મનને ભવિષ્યના ભયની પ્રતીતિ કરાવે છે, પણ કોઈને પ્રેરણાત્મક કે સૂચક વાતો કહેવી નથી.