કૃષ્ણકર્મ (પ્રેરણાકથા) – હર્ષદ દવે 17


એક વૃદ્ધ ખેડૂત પર્વત પર રહીને, ખેતી કરીને જીવન ગુજારતો હતો. દાદાજી રોજ સવારે વહેલા ઊઠી જતાં અને રસોડામાં રાખેલા ટેબલ પાસે બેસીને ભગવદગીતા વાંચતા.

તેનો પૌત્ર તેનાં જેવો જ બનવા માગતો હતો તેથી તે તેમનું અનુકરણ કર્યાં કરતો. તે તેના દાદાજીનું તેનાથી થઇ શકે તેટલું અનુકરણ કરવાનો પ્રયત્ન કરતો રહેતો હતો.

એક દિવસ પૌત્રે દાદાજીને પૂછ્યું, “દાદાજી! હું તમારી જેમ ભગવદગીતા વાંચવાનો પ્રયત્ન કરૂણ છું, પણ મને તેમાં કાંઈ સમજાતું નથી અને જે કાંઈ થોડુંઘણું સમજાયું હોય તે હું ગીતા વાંચવાનું પૂરું કરું કે તરત જ ભૂલાઈ જાય છે. આ ભગવદગીતા વાંચવાથી શું સારું થવાનું?”

દાદાજીએ શાંતિથી સગડીમાં કોલસા મૂકતા કહ્યું, “લે, આ કોલસાની ટોપલી અને તેને નીચે નદીએ લઇ જા અને તે ભરીને મારા માટે પાણી લઇ આવ.” છોક્રરાના મનમાં પ્રશ્ન થયો છતાં તેણે દાદાજીની વાત માની. પરંતુ એ ઘરે પહોંચે તે પહેલાં બધું પાણી ટોપલીમાંથી નીકળી ગયું.

દાદાજી હસ્યા અને કહ્યું, “ફરીવાર જા, તારે જરા ઝડપ કરવી જોઈએ.” આમ તેમણે તેને ફરીવાર ટોપલી લઈને જવા માટે અને પાણી ભરી લાવવાનો પ્રયત્ન કરવા કહ્યું.

આ વખતે છોકરો વધારે ઝડપથી દોડ્યો, પણ ફરીવાર તે ઘરે પહોંચે તે પહેલાં ટોપલી ખાલી થઇ ગઈ. તેણે હાંફતા હાંફતા દાદાજીને કહ્યું કે આમ ટોપલીમાં પાણી ભરી લાવવું અશક્ય છે, તેથી તે ડોલ લેવા ગયો.

વૃદ્ધ દાદાજીએ કહ્યું,”મારે ડોલ ભરીને પાણી નથી જોઈતું. મારે તો ટોપલી ભરીને જ પાણી જોઈએ. તું બરોબર મહેનત નથી કરતો. જા ફરીવાર કોશિશ કર.” એમ કહી તેઓ દરવાજા પાસે છોકરાને પાણી લાવતો જોવા માટે બહાર ઊભા રહ્યાં. હવે છોકરાને ખબર હતી કે એ કામ કરવું અસંભવ છે, પણ તે દાદાજીને દેખાડવા માગતો હતો કે પોતે ગમે તેટલી ઝડપથી દોડે તો પણ તે ઘરે પહોંચે તે પહેલાં ટોપલી ખાલી થઇ જ જવાની છે.

છોકરાએ ફરીવાર નદીમાં ઝબકોળીને ટોપલીમાં પાણી ભર્યું અને તે ખૂબ ઝડપથી દોડ્યો. અને જયારે તે દાદાજી પાસે પહોંચ્યો ત્યારે ટોપલીમાંથી બધું જ પાણી નીકળી ગયું હતું. જરાવાર શ્વાસ ખાધા પછી તેણે કહ્યું, “જુઓ દાદાજી, આ તો ખાલી થઇ જાય છે! આ તો નકામી મહેનત છે.”

“તો તું એવું માને છે કે એમ કરવું નકામું છે?” વૃદ્ધ દાદાજીએ કહ્યું, “હવે તારી ટોપલી સામે જો.”

છોકરાએ પહેલી જ વાર ટોપલી સામે જોયું તો તેને ખબર પડી કે આ કાળીમશ ટોપલી હવે સાવ જુદી જ દેખાતી હતી. તે હવે બહારથી અને અંદરથી ચોખ્ખી ચણાક થઇ ગઈ હતી!

હવે દાદાજીએ સમજાવ્યું, “બેટા, તું જયારે ભગવદગીતા વાંચે છે ત્યારે આવું જ થાય છે. કદાચ તું જે વાંચે એ બધું જ તને ન સમજાય કે યાદ ન રહે, પરંતુ જયારે જયારે તું તેને વાંચે ત્યારે તું અંદરથી અને બહારથી બદલાતો જાય છે.” છેલ્લે તેમણે કહ્યું,”આપણા જીવનમાં આ જ કૃષ્ણકર્મ છે બેટા!”

– હર્ષદ દવે

દર વખતે નવું અને વિચારશીલ પ્રસ્તુત કરતા હર્ષદભાઈ દવે આજે એક સુંદર વાત લઈને આવ્યા છે. ઇન્ટરનેટ વિશ્વ પર અનેક પ્રેરણાદાયક અને ચિંતનશીલ સારી અને પ્રેરક વાતો મળી આવે છે, લંબાઈમાં નાની પણ ચમત્કૃતિપૂર્ણ અને બોધપ્રદ એવી એક વાત આજે હર્ષદભાઈ પ્રસ્તુત કરે છે. આશા છે વાચક મિત્રોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ આભાર…


17 thoughts on “કૃષ્ણકર્મ (પ્રેરણાકથા) – હર્ષદ દવે