ચંદા એ રયજીના સંતાનોમાં છેલ્લી હતી, છતાં રયજીની જુવાનીનો જોમ અને જુસ્સો એનામાં ઉતર્યા હતાં. નાનપણનાં તોફાન જુવાની ફૂટતાં કરમાયાં નહીં; પણ નવી નવી કૂંપણો નીકળતી ચાલી. એની અણિયાળી આંખ, ભમ્મર ચડાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રુઆબમાં પીસેલા હોઠ, અકડાટમાં ઉંચી રહેલી ડોક, હાથ વીંઝતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા, કાપડાની કસથી તસતસીને બાંધેલું જોબન, ફલંગો ભરી ચાલતાં ‘છટાક છટાક’ થતો તેનો ઘાઘરો – ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉંવર્ણો દેહ દરેકના હ્રદય સોંસરવો નીકળી જતો.
ચંદાને પરણવાના કોડથી નાતના જવાનિયામાંથી ઘણાઘણાને મોંમાં પાણી છૂટતું; પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભીડતું નહીં !
એક તોફાની, મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતાં ઢોર પાછાં ફરતાં નહીં, પણ જીવ લઈને નાસતાં. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતાં આડફેટે જતાં. સાંઢનો કેર વધતો ગયો. સીમનો પાક ભેલાડે, પણ કોઈનાથી ચૂં કે ચાં ન થાય.
આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એકે કહ્યું, “એક વખત જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે.”
બીજો : “ત્યારે તો બકરી બની જાય.”
ત્રીજો : “અત્યારે તો તીર નથી અડતાં પણ પછી તો કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે.”
ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો; “સરસ ઉજાણી થાય.”
બીજાએ એક બેએ ટેકો આપ્યો, “આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ?”
એ વાતને વધતી અટકાવી, અત્યાર સુધી કૈં બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું, “પણ ડહકલો નાખવા કોણ જશે ?”
બધા એકબીજા સામે તાકી રહ્યા.
દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભરી આવી. તે બોલી, “તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા, બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીને કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતાં બધાં ઉંદરો એકસાથે બોલી ઊઠ્યા, “હા, હા એ સારો ઘાટ છે! પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય? તેમ આ સાંઢને અહીં ડહકલો નાખવાય કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદર, ને તમે વગર પૂંછડાના!” કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું.
“મરવું હોય તે જાય.” એકે શરમાતાં શરમાતાં કહ્યું.
“જાનવરની જાત, એનો શો ભરોસો?” બીજો બોલ્યો.
“મને તમારી દયા આવે છે નહીં તો હમણાં હું ડહકલો નાખી દઉં.” ચંદા છેવટે બોલી.
“અમારી દયા?” બધા એક સામટા બોલી ઉઠ્યા.
“તમારી નહિં પણ તમારી આ મૂછોની!” મૂછો તરફ આંગળી કરી એ બોલી, “ને એક વખત મૂછો મૂંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું.”
એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા અને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વેએ કબૂલ કયું.
“કબૂલ?” ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો.
“કબૂલ ! કબૂલ !”
“ત્યારે જોવું હોય તો ઊગતા સૂરજે આવજો, સાંઢ હોય ત્યાં.” આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ, ને પાણી જતાં ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલાં એનાં પગલાં રહ્યાં.
રયજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી પણ એકની બે થાય એ ચંદા શાની?
“બાપા ! જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે?” એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો.
સૂર્યનારાયણે ઉંઘ ખંખેરી, આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયાં ત્યારે, નવો ચણિયો, ઓઢણી ને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો. સારુંય ગામ કુગૂહલવૃત્તિથી જોવા ઊમટ્યું હતું. નિરાશ થયેલો રયજી છેવટ પુત્રીના રક્ષણ માટે ભાલોડાં લેઈ નીકળ્યો.
પોતાને અજિત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો; પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠાં ઉપર તીર, પલાણેલા અશ્વની માફક તૈયાર હતાં. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી.
બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઉંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આંજતી અણિયાળી આંખે એય અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઉંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો ? ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું.
એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતાં મોટર થંભે તેમ. દૂરદૂરથી જોતાં લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો.
“આખરે બીઈ ગઈ!”
“એ તો મોંએ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ.”
“એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું?”
રયજીનો જીવ પડીકે બંધાયો હતો. જેમ અર્જુન લક્ષપક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી.
ચંદા ઉભી હતી; પણ છટા એની એ જ. યમરાજા મરણપથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતી હતી. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો.
સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું. સ્પર્શ વાંછતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો. એક… બે… ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ, ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી.
‘આ છલાંગ મારી… હમણાં ઉઠ્યો…’ એમ માનતા દરેકનાં હૈયાં ઘડીભર થંભી ગયાં. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા ઘણાએ દ્રષ્ટિની ખાતરી કરવા આંખ પર હાથ ફેરવી જોયો, ને આંખનું સદાય રક્ષણ કરતી પાંપણો હાલી ઉઠી.
ચંદા નીચે બેઠી – પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ. અને એટલી જ હિંમતથી તેના કપાળમાં, આંખ ઉપર હાથ ફેરવીને તેની સાથે ગેલ કરવા લાગી. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી એ નિરાંતે સૂતો. ચંદાનો રહ્યોસહ્યો ભય જતો રહ્યો. તેણે માથે, પગે હાથ ફેરવતાં ચારેય પગ વારાફરતી ઉંચા કરી જોયા.
‘આટલો ગરીબ!’ ચંદાને દયા આવી; પણ વધતો વિજય ઊગતી દયાને ગળી ગયો. ધીમે રહી તેણે વારાફરતી બન્ને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો.
પંપાળતાં હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઉંચકી. ચંદા ઊભી થઈ હતી – જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઊતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય ! આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછલા પગલે ધીમે ધીમે ખસવા લાગી.
દૂર જતી ચંદાને નીરખવા આખલો ઊંચો થવા ગયો, ત્યારે એણે પગનાં બંધન અનુભવ્યાં ! પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું? પાંજરામાં સિંહ તાડૂકે તેમ એ બરાડ્યો, ઉધામા મારી એ બેઠો થયો; પણ દોડવા જતાં એના પગ સામસામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો. અડધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ ગયો.
લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો – “કોઈએ એને મારવાનો નથી.” તેનો હુકમ માથે ચઢાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું.
“બેટા ! પુરુષથી ન થાય તે કામ આજ તેં કર્યું.” રયજી પુત્રીને ભેટી પડતાં બોલ્યો.
“બાપા ! આ શું બોલો છો ? પુરુષથી ન બને એ કેમ મનાય?”
“આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી.” રયજીએ ચારે બાજુ ઉભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતાં કહ્યું.
તમે પુરુષ દેખતા હો તો – હું તો કોઈને પુરુષ દેખતી નથી.” એનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં પેસી જવાનું મન થયું.
પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહિં. ફરતાં ગામડાઓમાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ, ને તેમની નાતમાં તો એ રામાયણ-મહાભારતની કથા થઈ પડી.
– ઈશ્વર પેટલીકર
(‘જનમટીપ’માંથી સાભાર)
જનમટીપ નવલકથા વિશે શ્રી પેટલીકર સાહેબે પ્રસ્તાવનામાં લખ્યું છે, “કોઈ વખતે માબાપ સંતાનની ખ્યાતિથી ઓળખાય છે – ફલાણાંનાં મા કે બાપ – મારા વિશે પણ એવું જ બન્યું. નવલકથાના ક્ષેત્રમાં પહેલે ધડાકે મને સ્થાન કરી આપનાર આ વાર્તાની ખ્યાતિથી મોટે ભાગે હું ઓળખાઉં છું – કોણ આ? ‘જનમટીપ’નો લેખક….”
તો આ જ નવલકથા વિશે શ્રી ઝવેરચંદ મેઘાણીજીએ લખ્યું છે, “ચોકઠામાંથી મુક્ત થયેલો કોઈ કોઈ લેખક એકાએક ઝબકે છે અને પોતાની અનુભવેલી, પગ તળે ખૂંદેલી કે પ્રાણ ભરીને પીધેલી નાની એવી લોકદુનિયાનું પણ કલાદર્શન લઈ આવે છે, ત્યારે ગુજરાતમાં નવાં અજવાળાં પથરાય છે અને અષાઢની પ્રથમ દ્રષ્ટિએ પલળેલી ધરતીની ધૂળમાંથી જે સોડમ ઉઠે છે તેવી સોડમ આપણને પ્રસન્ન કરે છે, એ સોડમ સાતેક વર્ષ પૂર્વે ભાઈ પન્નાલાલ પટેલ આવ્યા અને આજે ભાઈ ઈશ્વર પેટલીકર લાવે છે. ‘જનમટીપ’ની પાત્રસૃષ્ટિ પાટણવાડિયાના નામે ઓળખાતી ગુજરાતના ખેડુ – ઠાકરડાઓની એક સૌથી નીચલી કોમમાંથી લેવામાં આવી છે. એ કોમ જાણીતી છે મારફાડ અને ચોરીલૂંતના ગુનાઓ માટે, પણ કલાકારનું નિશાન ફોજદાર, સમાજસુધારક, જેલર કે ન્યાયકર્તાના ધ્યેયથી છેક જ અનોખું છે. એ ધ્યેય માણસમાત્રના બહિરંગનું પડ ભેદીને એના અંતરંગમાં ઉતરી તેમની માનવતાનું હાર્દ પકડવાનું છે. ‘જનમટીપ’માં એ માનવતા ઝીલાઈ છે. વાર્તાનો ઉપાડ, પ્રસંગોનો ઉપાડ, પાત્રોની બુદ્ધિશક્તિની ચતુઃસીમાને સાચવી રાખતો પાત્રવિકાસ, વાર્તાલાપોની સુરેખતા અને તે સર્વનેય જેનો અભાવ નિરર્થક બનાવે તેવું કસબીની ધીરતાનું તત્વ ‘જનમટીપ’ને સાંગોપાંગ કૃતિ બનાવી શક્યું છે.
કદાચ શાળામાં અથવા અન્યત્ર આ પાઠ વાંચેલો એવું આછુ યાદ છે ખરું. એ રસદાર કૃતિનો, એમાંના એક પ્રસંગની સાથે સ્વાદ આજે આપ સૌ સાથે ફરી લઈ રહ્યો છું.


આવી નારી ને સો સો સલામ
દેશ મા આજે ચન્દા નિ જરુર જેથિ રોગિ બરાત્કરિયો નો સાન્ધ્ધ કબુ મા આવે, આજેય મુચ્ચ વારા મરદ નથિ
આવી ખડતલ ગુજરાતી ભાષાને શા માટે આપણે મૃત:પ્રાય કરી રહ્યા છીએ.. ઈ-ટીવી ગુજરાતી ચેનલમાં નીચે ચાલતી સમાચાર પટીમાં જોડણી દોષ જોઉં છે ત્યારે મારું મન ખિન્ન અને ઉદાસ થઈ જાય છે કે આ કેવી બેદરકારી?
આજે આ વાર્તા વાંચીને બાળપણનો રોમાંચ અનુભવ્યો.આભાર
નિશાળમાં વાંચેલી વાતો યાદ આવી ગઈ. ખુબ સરસ
આ બધી કૃતિઓની સામે ચેતન ભગત કે હાલના નવા લેખકોની શી વિસાત ? ફરી વાંચવાનું ગમ્યું જ.
આજે ગુજરાતી ભાષાનો અનાદર કરનારા આજના જુવાનીયાઓ આ કથા સાંગોપાંગ વાચે તો એને ફિલ્મી ફાઈટ કરતાં વધુ રોમાંચ અનુભવવા મળે. મેં એ સમયે એ કથા એક જ બેઠકે પૂરી કરી હતી. (જી હા, આખી નવલ) -હદ
તથાકથિત ‘ભવ્ય’ ભૂતકાળનાં આવાં પ્રશિષ્ઠ સાહિત્યને આ પ્રકારે ડીજીટલ વિશ્વપર પ્રકાશમાં લાવવાની આ પ્રવૃત્તિ ખુબ જ સરાહનીય છે.
સાથે સાથે એમ્ પણ આશા કરીએ કે આ રીતે પ્રકાશમાં આવ્યા બાદ આ સાહિત્ય નવી ડીજીટલ પેઢીમાં પ્રચલિત પણ થાય્ જો કે આ પુસ્તકોની પ્રાપ્તિ પણ જો ડીજીટલ સ્વરૂપે થાય તો તે આ સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે અસરકારક પરીબળ બની રહે.
ગુજરાતી પ્રકાશન વ્યવસાયે ટેક્નૉલૉજીનો ઉપયોગ અને તેને લોકોને પોષાય તે રીતે પ્રાપ્ય કરવામાટે ગુજરાતની જાણીતી વ્યાવસાયિક કોઠાસૂઝ કામે લગાડવા માટે આ ઉમદા સમય ગણાય્.
શાળામા તો”જનમટીપ ” નુ એકાદ પ્રકરણ ભણેલ ,એ શીખ્યા પછી પુસ્તકાલયમથી એજ દિવસે”જનમટીપ્”મેળવીને વાન્ચી નાખવની તલબ પુરીકરેલ તે યાદ આવી ગયઉ, એટલુ જ નહિ પણ ચન્દા એક આદર્શ બની ગયેલ મારા માટે….
આ રસાસ્વાદ કરાવીને શાળાના મેીઠા દિવસો યાદ કરાવવા બદલ આભાર્.