ગમતાંનો કરીએ ગુલાલ – મકરંદ દવે
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી, સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી? ખાડા ખાબોચીયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ ગાંઠે ગરથ બાંધી, ખાટી શું જિંદગી? સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી? આવે તે આપ કરી પળમાં પસંદગી, મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ …. ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ – મકરન્દ દવે