Promising young woman : માન્યતાઓના મધપૂડામાં પથ્થર મારવાનો પ્રયાસ – નરેન્દ્રસિંહ રાણા 8


મધરાતે એક બારમાં, પીધેલી સ્ત્રી એકલી બેઠી છે. એના કપડાં અસ્તવ્યસ્ત છે. પોતે ક્યાં છે એ પણ ભાન નથી. આસપાસના બધા પુરુષોની બાજ નજર તેના પર સ્થિર થયેલી હતી. આ પરિસ્થિતિમાં મોટાભાગે જેવું બનતું હોય એ પ્રમાણે કોઈ ‘સારો માણસ’ એની પાસે આવ્યો ને ઘરે મૂકી જવાની ઑફર કરી. આ ‘સારો માણસ’ એને ઘરને બદલે પોતાના ઍપાર્ટમેન્ટ પર લઈ ગયો અને એના કપડાં ઉતારવા માંડ્યો.

વાત આગળ વધે એ પહેલાં જ એ ‘સારા માણસ’ને ખબર પડી કે પેલી પીધેલી નથી અને માત્ર નાટક કરતી હતી. એ પછી એ ‘સારા માણસ’ને એ કેમ સાચે ‘સારો માણસ’ નથી એની પણ ખબર પડી. 

પેલી સ્ત્રી સવારે ઘરે જાય ત્યારે એના પગ પર લાલ રંગના ડાઘ દેખાય. ગભરાવ નહિ…એ એનું કે પેલા ‘સારા માણસ’નું લોહી નથી. એ તો મોજથી બર્ગર ખાઈ રહી છે અને એમાંથી પડતા ટોમેટો સૉસના એ ટીપાં છે. સામે કેટલાક કામદારોએ એના હાલહવાલ જોઈને એની મજાક ઉડાવી. રાત્રે એણે શું શું કર્યું હશે એ વિશે ગંદી કૉમેન્ટ કરી. જવાબમાં પેલી સ્ત્રી ઉભી રહી ને માત્ર એમની સામે જોયું. એની આંખોમાં એક આત્મવિશ્વાસ છે જાણે એ કહેતી હોય કે ‘હું તમારાથી ડરતી નથી.’ પેલા બધા આની દ્રઢતા જોઈને વિખરાઈ ગયાં. 

આ સ્ત્રીનું નામ છે કેસાન્દ્રા ઉર્ફે કૅસી. કૅસીની ઉંમર આશરે ત્રીસેક વર્ષ! એના કોઈ મિત્રો નથી. કોઈ બોયફ્રેન્ડ નથી. આ ઉંમરે પણ પશ્ચિમી રિવાજ વિરુદ્ધ હજુ માબાપ સાથે જ રહેતી કૅસી, એક નાનકડી કૉફીશોપમાં એ સામાન્ય કહેવાય એવી નોકરી કરે. એક સમયે મેડિકલ કોલેજમાં ભણતી. બહુ જ બુદ્ધિશાળી છે પણ કોઈ કારણોસર એને આ સમાન્ય નોકરીમાં રસ પડ્યો. અઠવાડિયામાં એકવાર રાત્રે પેલું પીધેલી સ્ત્રીનું નાટક કરીને સમાજના કહેવાતા ‘સારા પુરુષો’ને સુધારવાની ક્રિયા કરવા પાછળ એક કારણ રહેલું છે. કારણ છે એની બેસ્ટ ફ્રેન્ડ નીના સાથે બનેલી ઘટનાઓ! પેલો ખેલ કર્યા પછી એ આ ખેલનો ભોગ બનેલા બધા જ પુરુષોના નામ એક ડાયરીમાં નોંધી રાખે. કેટલા પુરુષોને એણે આ રીતે ‘સાજા’ કર્યા એની ગણતરી પણ રાખે. 

આ તમામ દ્રશ્યો છે Promising young woman નામની ફિલ્મની શરૂઆતના! ફિલ્મનો મુખ્ય વિચાર પુરુષ પ્રધાન સમાજમાં પુરુષોને મળતી સવલતો અને સ્ત્રીઓને થતા અન્યાયનો છે. વાત છે સ્ત્રીને ઉપભોગનું સાધન માનતા પુરુષોની. એમના દ્વારા બરબાદ થયેલી સ્ત્રીઓની વ્યથાની. ફિલ્મ આખી વાત સહેજ પણ ઉપદેશ આપ્યા વગર કરે છે. ફિલ્મ એક ડાર્ક કૉમેડી છે એટલે તમને ટ્રેજીક દ્રશ્યોમાં પણ હસવું આવે એવું બને. ભારતીય સિનેમામાં આવી ફિલ્મો ઓછી બને છે. મને તો ‘જાને ભી દો યારો’ સિવાય બીજા કોઈ નામ પણ યાદ નથી આવતા.

ફિલ્મમાં કૅસીના પાત્રની ખાસિયતો રજૂ કરતા અનેક દ્રશ્યો છે. પોતાનો ત્રીસમો જન્મદિવસ ભૂલી જાય એવી બેપરવાહ અને ડેટ માટે પૂછવા આવેલા એક યુવાનની કૉફીમાં થૂંકીને એ તેને પી જવા કહે એવી બિન્દાસ. એ જ રીતે રસ્તા પર ગાળો બોલતા પુરુષની કારના કાચ એ ફોડી નાખે એટલી હિંમત પણ ખરી! કૅસી એક એંગ્રી યંગ વુમન છે. એના ગુસ્સાનું કારણ છે, અન્યાયી સમાજ વ્યવસ્થા અને તેમાં પુરુષોને મળેલા વધુ હક્ક! જેમાં જીવવા માટે સ્ત્રીઓએ સમાધાન કરવા પડે. સમાજમાં રહેતા પુરુષો સમાજના નિયમોને તોડે મરોડે અને એના ઉપયોગ દ્વારા સ્ત્રીઓનું શોષણ કરે તો પણ કોઈને એ અન્યાય ન દેખાય. આવા જ એક શોષણનો ભોગ એની મિત્ર નીના બની હતી. કૅસીને બદલો લેવો છે એટલે જ તેણે પુરુષોને સુધારવાનું બીડું ઉઠાવ્યું. નીનાને થયેલા અન્યાયને ભૂલીને બધા આગળ વધી ગયા પણ કૅસી ત્યાં જ રહી ગઈ. વિશ્વમાં બે પ્રકારના લોકો હોય- એક થયેલા અન્યાયને ભૂલી જવા વાળા અને બીજા અન્યાય યાદ રાખીને ફરી એવું ન થાય એવા પ્રયત્નો કરવાવાળા. કૅસી બીજા પ્રકારની વ્યક્તિ છે. એ ઈચ્છે કે એની બેસ્ટ ફ્રેન્ડ નીના સાથે જે થયું એ ફરી બીજા કોઈ સાથે ન થાય. 

આ કારણે જ તેને સમાજના કહેવાતા પ્રતિષ્ઠિત પુરુષો સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું. એના વિચારો બધા સહન નથી કરી શકતા. એનો સંઘર્ષ મનમાં ઘર કરી ગયેલી ભેદભાવ વાળી માન્યતાઓ સામે છે. જેને આપણે સ્ત્રીઓ પ્રત્યે સામાન્ય વર્તન માનીએ છીએ એમાં રહેલા ભેદભાવને એ બીજાને સતત દેખાડ્યા કરે પણ બધા એની વાત નથી સમજતાં. 

કૅસીની બદલો લેવાની ભાવનાએ ક્રમશઃ એના વ્યક્તિત્વને બદલાવી નાખ્યું. તેના જીવનમાં એ સિવાય કશું જ ન બચ્યું. એના જીવનમાં પરિવર્તનનો પવન ત્યારે ફૂંકાયો જ્યારે એક જૂનો મિત્ર એના જીવનમાં આવ્યો અને બન્નેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. એનું જીવન બીજા લોકો જેવું જ બની જવાનું હતું ત્યાં તેને ખબર પડી કે નીનાના જીવન બનેલી ઘટના માટે જવાબદાર વ્યક્તિ પાછી ફરી છે. પછી કૅસીએ બદલો લેવાનું પસંદ કર્યું કે બધું ભૂલીને આગળ વધી ગઈ? એ જાણવા તમારે ફિલ્મ જોવી રહી. 

લેખના શીર્ષકમાં જણાવ્યું એમ ફિલ્મ માન્યતાના મધપૂડામાં પથ્થર મારવાનું કામ કરે છે. ફિલ્મમાં પુરુષ પ્રધાન સમાજમાં શોષિત સ્ત્રીઓના દબાયેલા અવાજની વાત કરે છે. ફિલ્મમાં ઉઠાવેલા પ્રશ્નો મૂળભૂત છે. પુરુષ હોવાના કારણે કેટલીક સવલતો મળે જ- આ વાત તરફ ફિલ્મ ઈશારો કરે છે. આ એવી વાતો છે જે કાયમ આપણા ધ્યાન બહાર જ રહેવાની. પીધેલી સ્ત્રી અને પીધેલા પુરુષ વચ્ચે સમાજ હજુ પણ ભેદભાવ રાખે છે. પીધેલી સ્ત્રીની ભૂલો અને પીધેલા પુરુષની ભૂલોને અલગ અલગ દ્રષ્ટિએ જોવાય. પુરુષની ‘ના’ અને સ્ત્રીની ‘ના’ વચ્ચે પણ એમના સામાજિક સ્થાન પ્રમાણે અંતર રાખવામાં આવે છે. જાતીય શોષણનો ભોગ બનેલી સ્ત્રીને આજે પણ વધુ સવાલો અને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમાજ હજુ પણ સ્ત્રી કરતા પુરુષોને બચાવવામાં વધુ રસ ધરાવે. પશ્ચિમમાં સ્ત્રીઓને મળેલી છૂટ પછી પણ આવું જ વાતાવરણ હોય ત્યાં આપણી તો વાત જ ક્યાં કરવી! 

ફિલ્મમાં કૅસી સિવાયના સ્ત્રી પાત્રોએ, આ બધું જ જાણતા હોવા છતાં, અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાને બદલે ચૂપ રહેવાનો માર્ગ પસંદ કર્યો. કેટલીકે તો વળી પુરુષો સાથે મળીને વિરોધના સુરને દબાવવાનો પ્રયત્ન પણ કર્યો.

ફિલ્મ એક રોલર-કોસ્ટર રાઈડ જેવી છે. ઘટનાઓના વળાંકો પ્રેક્ષકોને ચોંકાવે અને અંત સુધી પહોંચેલો પ્રેક્ષક અંતને કારણે આઘાત પામશે. અંત એટલો અણધાર્યો છે કે પ્રેક્ષકને ફિલ્મ પૂરી થયા પછી પણ વિચારતો રાખે. ફિલ્મની નાયિકા કૅસી આંખો સામેથી હટતી નથી. પ્રેક્ષક જો સંવેદનશીલ પુરુષ હોય તો જાતને પોતે આ સિસ્ટમનો ભાગ ક્યારેય બન્યો છે કે નહીં એ પૂછ્યા વગર નહિ રહી શકે. ફિલ્મની નાયિકા કૅરી મૂલીગનને, કૅસીના પાત્રને પડદા પર જીવંત કરવા માટે, ‘બેસ્ટ એક્ટ્રેસ’ના ઑસ્કરની પ્રબળ દાવેદાર કહી શકાય. ફિલ્મને સાચા અર્થમાં એક મહિલાપ્રધાન ફિલ્મ ગણવી જોઈએ. વિશ્વ મહિલા દિવસની ઉજવણી આ ફિલ્મ જોઈને કરવી રહી. 

છેલ્લી રિલ-

“બુદ્ધિ આજ દિવસ સુધી સ્ત્રીને કામ આવી છે ખરી!”- આ ફિલ્મનો એક સંવાદ.

– નરેન્દ્રસિંહ રાણા


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

8 thoughts on “Promising young woman : માન્યતાઓના મધપૂડામાં પથ્થર મારવાનો પ્રયાસ – નરેન્દ્રસિંહ રાણા