પ્રકરણ ૨૦ – પરમ, પરિનિનો કલરવ
“ના સમય પણ સતત પ્રવાહ જાળવી શક્તો
કયાં વહી જાય છે એ વેળ જે સ્મરણમા છે?“
તે દિવસે ધોધમાર વરસ્યા બાદ જાણે ખાલી થઇ ગયા હોય તેમ વાદળોએ વિશ્રામ લીધો હતો. બે દિવસથી આકાશ કોઇ તરુણીના કાળા કેશકલાપ જેવા વાદળોથી ઘેરાયેલું હતું. સૂરજ જેવા સૂરજને પણ ઢાંકીને વાદળો આકાશમાં પોતાનું સામ્રાજય જમાવીને બેઠા હતા. આસમાન જાણે મીરાની કાળી કામળી ઓઢીને ચૂપચાપ બેસી ગયું હતું. જેથી બીજો કોઇ ડાઘ જ ન લાગે. સહદેવ જેવા સમયે મૌનવ્રત લીધું હતું કે શું ? વાદળા પાણીથી છલોછલ તો હતા જ. પરંતુ વરસી શકતાં નહોતા. કોઇની પ્રતીક્ષામાં હતા કે શું?
આજે અરૂપનો ખાસ મિત્ર અંકુર અને તેની પત્ની વૈશાલી તેમના બે બાળકો સાથે તેમને ઘરે બે દિવસ રહેવા માટે આવ્યા હતા.પાંચ વરસનો પુત્ર પરમ અને ત્રણ વરસની પુત્રી પરિનિ..જોતાં જ ગમી જાય તેવા સ્માર્ટ અને પરાણે વહાલા લાગે તેવા મીઠાબોલા હતાં. વૈશાલી સાથે ઇતિને પણ ખૂબ ફાવતું. તે અને અરૂપ ઘણીવાર તેમને ત્યાં જઇ આવેલ. પરમ અને પરિનિ તો ઇતિને ખૂબ વહાલા હતા. આખો દિવસ તે તેની સાથે રમતી અને રમાડતી રહેતી. પરંતુ હવે બદલાયેલ સંજોગોની વાત અલગ હતી.
આજે ઘણાં સમય પછી તેઓ અહીં આવ્યા હતા. આમ તો આગલે દિવસે જ અરૂપે તેમને ફોનમાં બધી વાત કરી દીધી હતી. જેથી તેઓ આવે ત્યારે ઇતિનું વર્તન જોઇ તેમને ખરાબ ન લાગે. ઇતિને લાગેલ આઘાતની વાત સાંભળી અંકુર અને વૈશાલી સ્તબ્ધ થઇ ગયેલ. અરૂપને આશ્વાસન આપતાં તેમણે કહ્યું હતું. ’ દોસ્ત, ચિંતા ન કર. તારો પ્રોબ્લેમ અમારો પ્રોબ્લેમ છે. આપણે સાથે મળીને કોઇ ઉકેલ શોધીશું. આ વૈશાલીનું માનસશાસ્ત્ર કયારે કામ આવવાનું છે? વૈશાલી, this is a challenge for you. U have to prove your degree now. ‘ વૈશાલીએ હસતા હસતાં ચેલેંજ સ્વેકારી લીધી હતી. આમ અરૂપ થોડો આશ્વસ્ત હતો. વૈશાલી આવતાની સાથે જ ઇતિને ભેટી પડી.
’અરે, ઇતિ, તું તો અમને સાવ ભૂલી ગઇ. આવું ન ચાલે હોં. પરંતુ કશો વાંધો નહીં. અમે તમને એમ ભૂલવા થોડા દઇએ ? હજુ ગયા વરસે જ તેઓ મળ્યા હતા. તેથી પરમને તો આંટી બરાબર યાદ હતા. તે વહાલથી આંટીને વળગી પડયો, ’આંટી, મારી ચોકલેટ….’ ઇતિને કશું સમજાયું નહીં. જોકે તેનો હાથ પરમના માથા ઉપર ફરી રહ્યો. ઓળખાણ પણ પડી હોય તેવું લાગ્યું. પણ કોઇ શબ્દો મળ્યા નહીં. શું બોલવું તે સમજાયું નહીં. ત્યાં તો ભાઇનું જોઇ નાનકડી પરિનિ પણ આંટી પાસે દોડી આવી. કે કયાંક ભાઇ એકલો ચોકલેટ લઇ લેશે તો ? ચોકલેટમાં ભાગ પડાવવા માટે કે પછી આંટીના વહાલમાં ભાગ પડાવવા તે પણ ઇતિ પાસે આવી પહોંચી. અને સીધી ઇતિને વળગી પડી. પરાણે વહાલી લાગે તેવી આ મીઠડી છોકરીને જોઇ ઇતિની આંખોમાં, સમગ્ર અસ્તિત્વમાં એક ચમક ઉભરાણી. તેના હાથ આપોઆપ લંબાયા. અને પરિનિ તો જાણે કોઇના હાથ લંબાવાની પ્રતીક્ષામાં જ હતી. ઇતિ પરિનિને તેડી છાતી સરસી ચાંપી વહાલ કરી રહી.
આ દ્રશ્ય જોઇ રહેલ અરૂપના ચહેરા પર સ્મિતની લહેરખી ફરી વળી. અંકુર અને વૈશાલી પણ જોઇ રહ્યા. વૈશાલી તો જાણે કોઇ ઉપાય મળી ગયો હોય તેમ ખુશખુશાલ. ’ઇતિ, તારા હાથના બટેટાવડાનો સ્વાદ હજુ ભૂલાયો નથી હૉં. ખવડાવીશને ?’ ’ના હો ભાભી, પહેલા તમારા હાથની આદુ, એલચી અને ફુદીનાવાળી સરસ મજાની ચા પીવી છે ’ ’ અરે, પહેલા આ તોફાની બારકસને તો નીચે ઉતરવા દે’ વૈશાલીએ પરિનિને નીચે ઉતરવા કહ્યું. પણ પરિનિ વધારે વળગી. ચોકલેટ લીધા સિવાય તે કેમ ઉતરે?
અને તેને નીચે ઉતારવા ઇતિ પણ કયાં રાજી હતી ? જોકે શું કરવું તે તેને ખબર નહોતી પડતી. પરંતુ તે પરિનિને નીચે ઉતારવા નહોતી માગતી. તેટલી ખબર તો સૌને પડી હતી. અરૂપે ચોકલેટ લઇ ઇતિના હાથમાં આપી
‘લે ઇતિ, આ પરમ, પરિનિને આપ.‘ ઇતિએ એકાદ ક્ષણ અરૂપ સામે જોયું. પછી તેના હાથમાંથી ચોકલેટ લઇ બાળકોને આપી.
‘ભાભી, હવે ચા કે બટાટાવડાનું શું છે? અમે કંઇ તમને છોડવાના નથી હોં.’ અંકુરે ફરીથી ઇતિને યાદ દેવડાવ્યું. શું જવાબ આપે ઇતિ? હજુ તો પ્રશ્ન જ પૂરો કયાં સમજાયો હતો? વૈશાલી ઇતિનો હાથ ખેંચી તેને રસોડામાં ખેંચી ગઇ.
‘કેમ છો તારાબેન?‘
તારાબહેન ઘણાં સમયથી ઇતિને ત્યાં હોવાથી અંકુર, વૈશાલી પણ તેમને ઓળખતા હતા.
તારાબેને હસીને જવાબ આપ્યો. ’મજામાં. તમે લોકો આવ્યા એ બહું સારું કર્યું. બહેનને સારું લાગશે. ઘરમાં હવે બોલાશ થશે તો બેનને કદાચ બધું યાદ આવી જશે. આમેય બેનને આ છોકરાઓની બહુ માયા છે.‘ તારાબેન આ બધાના આવવાથી ખુશ થયા હતા.
’હે માતાજી, સૌ સારા વાના કરજો.’ તારાબેને મનોમન માતાજીને પણ યાદ કરી લીધા.
’ઇતિ, બટાટાવડામાં મસાલો તો તારે જ કરવો પડશે હોં. કેમ ખરુંને તારાબહેન?’ તારાબેને હસીને હા પાડી. મારા બેનના હાથના બટાટાવડા ખાધા હોય તે એનો સ્વાદ કયારેય ન ભૂલે. ત્યાં અંકુર પણ રસોડામાં અંદર ઘૂસી આવ્યો.
’કેમ છો તારાબહેન ..આજે શું જમાડવાના છો ? અને ભાભી, આપણી મસાલાવાળી ચાનું શું છે ? કોઇ બહાના નહીં ચાલે. લો ફ્રીઝમાંથી આદુ, ફુદીનો હું જ કાઢી આપું. ફ્રીઝમાં હશે જ. અરૂપની આદતથી હું કયાં અજાણ છું ? ‘
અંકુરે ફ્રીઝમાં થોડા ખાંખાખોળા કરી, આદુ,ફુદીનો શોધી કાઢયા. અને દૂધ બહાર કાઢયું. વૈશાલીએ ચા, ખાંડના ડબ્બા ઇતિના હાથમાં પકડાવ્યા. ઇતિ થોડી મૂંઝાઇ ગઇ. છેલ્લા બે મહિનાથી તેણે રસોડામાં પગ જ કયાં મૂકયો હતો ? તેનાથી અરૂપ સામે જોવાઇ ગયું.
આ તેની જૂની આદત હતી. જયારે કંઇ સમજ ન પડે ત્યારે અરૂપ સામે તે જોઇ રહેતી. અને અરૂપ વગર કહ્યે ત્યારે પણ સમજી જતો. તો આજે કેમ ન સમજે ?
‘અરે, બંને ભેગા થઇ મારી ઇતિને હેરાન કરો છો ? ચાલો, હું જ મદદ કરીશ મારી ઇતિને .’ કહેતાં અરૂપે ગેસ પર ચાનું પાણી ઉકળવા મૂકયું. ખાંડ, ચા નાખતાં નાખતાં તેણે ઇતિને પૂછયું,’ ઇતિ, આટલી ખાંડ બરાબર છે ને ? ચાલશે ને ? માપમાં આપણને ખબર ન પડે.’ ઇતિથી વગર પ્રયત્ને માથુ ધૂણાવાઇ ગયું. અરૂપ એકદમ બીઝી હોય તેમ ઇતિને કહે, ‘લે, આ આદુ.. સાણસીથી કચરતાં મને તારી જેમ નહીં ફાવે. એમાં તારી મદદ જોઇશે.’ કહી તેણે આદુનો ટુકડો અને સાણસી ઇતિના હાથમાં પકડાવ્યા. ઇતિથી અનાયાસે સાણસી દબાઇ અને આદુ પીસાઇને ચામાં… ’ઇતિ, જોજે, ચા ઉભરાય નહીં. ધ્યાન તારા અરૂપ સામે નહીં, ચાની તપેલીમાં રાખજે હોં. ‘ અરૂપ સામે જોઇ રહેલી ઇતિના કાનમાં વૈશાલીનો ટહુકો સંભળાયો તો ખરો પણ અર્થ……?
ત્યાં ઇતિના હાથમાં અરૂપે ગરણી પકડાવી. ઇતિએ યંત્રવત ચા ગાળી. હવે અરૂપને થયું..આજના દિવસનું બહું થયું. તારાબહેનને બાકીનું કામ પતાવવાની સૂચના આપી ઇતિનો હાથ પકડી તે બહાર બગીચામાં આવ્યો.તારાબેન પોતાના કામે વળગ્યા.
ઇતિ રોજની જેમ હીંચકા પર બેઠી. અંકુર, વૈશાલી પણ ચાના કપ હાથમાં લઇ બહાર આવ્યા. એક કપ ઇતિના હાથમાં પકડાવી વાતોના ગપાટા મારતાં બધા કયાંય સુધી બેસી રહ્યા. અંકુર, વૈશાલી આમ પણ વાતોડિયા હતા જ. જયારે પણ બધા ભેગા થાય ત્યારે મોડી રાત સુધી ગામગપાટા ચાલે, હસી મજાકની છોળ ઉડયા કરે. જાતજાતના જોકસ ચાલે…..ગીતો ગવાય. બધા પોતપોતાના અનુભવોની વાતો કરતાં રહે. ઇતિ પાસે તો હમેશા ગીત ગવડાવ્યે જ છૂટકો કરે.
ગયે વરસે અંકુરને ઘેર બધાએ સાથે મળીને કેવી મજા કરી હતી. તે યાદો તાજી કરતા વૈશાલીએ કહ્યું, ઇતિ ગયે વખતે તેં સરસ મજાના ગીતો સંભળાવ્યા હતા. આ વખતે કંઇ છટકી નહીં જવાય હોં. ‘ ’હા, ભાભી, ચાલો ફરમાઇશ અમારી, ગીતો તમારા. આ વખતે મારું પ્રિય ગીત તો તમારે સંભળાવવું જ પડશે.’ અંકુરે ઉમેર્યું. કયું ગીત યાદ છે ને ? યાદ ન હોય તો ચાલો હું જ યાદ કરાવી આપું. કહી અંકુરે લલકાર્યું.
‘મૈને તેરે લિયે હી સાત રંગકે સપનેં ચુને….સપનેં સૂરીલે સપનેં..’ ઇતિ બેબસ બની અરૂપ સામે જોઇ રહી. પણ અરૂપનું ધ્યાન કદાચ પરમ અને પરિનિમાં હતું. ઇતિ પોતાની જાતે આજે શું કરે છે…..? પરિનિ અરૂપના ખોળામાં ચડી બેઠી હતી. અને કંઇક નખરા કરતી અને કરાવતી હતી.
વૈશાલીએ કહ્યું, ’અંકુર, ઇતિ જેટલું સરસ નહીં પણ થોડું તો કયારેક અમે પણ ગુનગુનાવી લઇએ છીએ હોં..’
’હા, તારા જેવા બાથરૂમ સીંગરનો જોટો ન જડે.’ અંકુરે વૈશાલીની મજાક ઉડાડતા કહ્યું. બાથરૂમમાં તો બાથરૂમમાં ગાઇએ તો છીએ ને?
‘ચાલ, ઇતિ આજે તો હું જ શરૂં કરું. તું સાદ પૂરાવજે હોં. આમ પણ મને શબ્દો બહું યાદ રહેતા નથી. ‘ ઇતિની મૂંઝવણ પારખી વૈશાલીએ લલકાર્યું, ’મૈને તેરે લિયે હી સાત રંગકે સપને ચૂને…’ અને તે અટકતી ત્યારે ઇતિ સામે જોતી પરંતુ ઇતિના ગળામાંથી શબ્દો સરી શકયા નહીં.
અરૂપે કહ્યું, ’ઇતિને બદલે આજે અરૂપ ગાશે.’
’અરૂપ તું ગાઇશ?‘ અંકુરે આશ્ર્વર્યથી પૂછયું.
’કેમ, હું ગાઇ ન શકું?‘
’ગાઇ તો જરૂર શકે પણ યાર, સાંભળવાવાળાનો કંઇક તો વિચાર કરવો જોઇએ ને? અમારી થોડી દયા, માયા રાખજે હૉં.’
’બસ.. બસ આપશ્રી જાણે પાછા બહું સરસ ગાવ છો!‘ વૈશાલીએ અરૂપનો પક્ષ લીધો.
‘અરે, અહીં તો ઘરની વ્યક્તિ જ વિરોધ પક્ષમાં બેસી ગઇ. ‘ ’ ઘરના પણ કયારેક તો પક્ષપલટો કરે હૉં…’
અને વૈશાલીએ તો એક પછી એક ગીતોની જાણે રમઝટ બોલાવી. ઇતિના ગમતાં ગીતોની તેને જાણ હતી જ. વૈશાલી ગાતી રહી. ઇતિ ઘડીકમાં વૈશાલી સામે અને ઘડીકમાં દૂર દૂર આકાશમાં ચમકતાં તારાઓ જોતી રહી. તેની આંખો એ તારામાં કોઇને શોધતી હતી કે શું ? ના, ના એટલી સૂધબુધ ઇતિમાં કયાં બચી હતી ?
અચાનક અરૂપ અને અંકુરના તાળીઓના ગડગડાટના અવાજે ઇતિ જાણે આ દુનિયામાં પાછી ફરી. ’વાહ..આજે તો તમે બંને સરસ જુગલબંદી કરી. વૈશાલી, ઇતિ સાથે તું ગાઇ શકે છે ખરી હોં. પણ તારે એકલા ગાવાની હિમત કયારેય કરવી નહીં.’
અચાનક વૈશાલી કહે, ‘ઇતિ, તને યાદ છે? પરિનિ હજુ સાવ નાની હતી અને તમે લોકો અમારે ત્યાં આવેલ. આપણે સાથે એક પાર્ટીમાં જવાનું હતું. હું પરિનિને ડાયપર પહેરાવતી હતી. ત્યાં અચાનક તારું ધ્યાન જતાં તેં પરિનિને ડાયપર પહેરાવવા નહોતું દીધું.’
‘ભાભી, જુઓ તો ખરા આને કેટલા રેશીઝ થઇ ગયા છે. આજે એને ડાયપર ન પહેરાવો.’
’પણ સુ સુ કરશે તો?‘
ભલે કરે..હું તેડીશ બસ..’ અને પછી તું તેને તેડીને ફરતી રહી. અને આપણે બધા જમતા હતા ત્યારે જ ..આ બદમાશે તારી ભારે સાડી પવિત્ર કરી હતી..યાદ છે ? અને આપણે બધા કેવા ખડખડાટ હસી પડયા હતા… યાદ છે આ શેતાનનું પરાક્રમ ? ‘ પરિનિને આગળ કરતાં વૈશાલી બોલી.
ઇતિ મૌન રહી. પણ તેના ચહેરા પર એક મંદ સ્મિતની લહેરખી ફરકીને ચાલી ગઇ એવો અરૂપને ભ્રમ કેમ થયો ? ત્યાં તો પરિનિ ઇતિના ખોળામાં ચડી બેઠી. ’આંટી સ્ટોરી…’ અને પરમ પણ બાકી કેમ રહે ?
‘આંટી, આ વખતે કઇ સ્ટોરી કરશો ? ‘
‘ચકી, ચકાની.‘ પરિનિ ટહુકી ઉઠી. ’ના, ના, એ તો કેટલીયે વાર મેં સાંભળી લીધી છે. એ નહીં. ‘
‘ના, આંટી સ્ટોરી રાત્રે કરજો. હું મારી ડ્રોઇંગબુક સાથે લાવ્યો છું. ગયે વખતે તમે મને એમાં કેવો સરસ પીકોક દોરી આપેલ ને ? આ વખતે શું દોરી આપશો ? એક મિનિટ, હું મારી બુક લઇ આવું. ‘ કહી કોઇ કશું બોલે તે પહેલાં પરમ પોતાની બુક લેવા અંદર દોડી ગયો. અને ભાઇને જોઇ હમેશા તેની નકલ કરનાર પરિનિ થોડી બાકાત રહે ? ’ હું પણ મારી બુક લઇ આવું’ કરતી તે પણ અંદર બુક લેવા ભાઇની પાછળ દોડી.
અને પાંચ મિનિટમાં તો પોતાની બેગમાંથી ખાંખાખોળા કરી બંને ભાઇ બહેને પોતપોતાની ડ્રોઇંગબુક લઇ આવીને ઇતિને સોંપી દીધી. ’ આંટી, જુઓ, આમા મેં દોરેલ ચિત્રો તમને બતાવું.’
‘ ના, આંટી, પહેલાં મારા ચિત્રો…’ અને પરિનિએ પરમની બુક ઇતિના હાથમાંથી લઇ દૂર ફગાવી દીધી અને પોતાની બુકમાં રંગો પૂરેલ હતા તે બતાવવા લાગી. વૈશાલી હસી પડી ’ ઇતિ, આ છે ટેણી ,પણ બહું જબરી છે હોં. અંકુરે તેને માથે ચડાવી છે. તેથી જિદ્દી બની ગઇ છે. અંકુર હમેશા દીકરીનો જ પક્ષ લઇ તેને બગાડે છે. ‘ ‘આંટી, એ તો કોપી કેટ છે. ‘ હું કરું એમ જ તેને કરવું હોય છે. ‘
પરમે બહેનની ફરિયાદ કરી. વૈશાલી બંને ભાઇ બહેન ઝગડતા હતા તેમને શાંત કરવા લાગી.
પરમને લાગ મળતા પરિનિને મારી લીધું અને પરિનિનો ભેંકડો ચાલુ. ન જાણે કેમ પણ ઇતિએ રડતી પરિનિને ઉંચકી લીધી અને કોઇ કશું બોલે તે પહેલાં પરિનિને ઉંચકી ઉપર ચાલી ગઇ. સૌ જોતાં જ રહી ગયા. આજે પહેલીવાર ઇતિએ સામેથી કંઇક પ્રતિક્રિયા દર્શાવી હતી. ચાવી દીધા સિવાય પૂતળી જાતે ચાલી હતી. અરૂપને આશાની કિનાર વધુ રૂપેરી થતી લાગી.
બીજે દિવસે સવારે વૈશાલી ઇતિને કહે,’ ઇતિ, અમે ઘણાં સમયથી એકલાં કયાંય બહાર જઇ શક્યા નથી. જયાં જઇએ ત્યાં આ બારકસો સાથે જ હોય. આજે માંડ ચાન્સ મળ્યો છે. તારી સાથે બંને સરસ મીક્ષ થઇ ગયા છે. તને વાંધો ન હોય તો અમે તેમને તારી પાસે મૂકીને પિકચર જોવા જઇએ ? તું એટલો સમય સાચવીશ બંનેને ?
ઇતિ પ્રશ્ન સમજે કે જવાબ આપે તે પહેલાં બંને બાળકો ઇતિને વીંટળાઇ વળ્યા. ’ હા, અમે આંટી પાસે રહેશું. તમે જાવ.. અમે તો આંટી સાથે રમીશું. હેં ને આંટી ? આંટી શું જવાબ આપે ? અને તેના જવાબની અપેક્ષા પણ કયાં કોઇને હતી ? ’ અને અરૂપ, તારે અમને થિયેટર સુધી મૂકવા આવવું પડશે હોં. અમને અહીં કશું મળે નહીં. ‘ અંકુરે કહ્યું. અરૂપ એકાદ ક્ષણ અચકાયો.આમ ઇતિને એકલી મૂકીને..? પરંતુ વૈશાલી સામે નજર પડતાં તેને કશુંક સમજાયું. અને તે ઊભો થયો. ’ ઇતિ, તું આ પરમ, પરિનિ સાથે થોડી વાર રહીશ ? હું આ લોકોને થિયેટર સુધી મૂકી હમણાં પાછો આવું છું. તું પરમ, પરિનિનું ધ્યાન રાખીશને ?
મૌન ઇતિ અરૂપ સામે જોઇ રહી. અરૂપ જલદીથી બહાર નીકળી ગયો. અંકુર, વૈશાલી તેને અનુસર્યા.
‘બાય,..ઇતિ, ટૈક કેર…’ જતાં જતાં અરૂપ પાછળ ફરી જોતો રહ્યો. આમ ઇતિને એકલી મૂકીને જતાં તેનો જીવ નહોતો ચાલતો. પરંતુ કોઇ ઉપાય નહોતો. વધુ એક અખતરો કરવો જ રહ્યો. જોકે જતાં જતાં તારાબહેનને બધાનું ધ્યાન રાખવાની સૂચના આપ્યા સિવાય તે રહી ન જ શકયો. તારાબેને અરૂપને ઇતિની ચિંતા કર્યા સિવાય જવાનું કહ્યું. આજે માંડ સાહેબ બહાર નીકળ્યા હતા. આટલા સમયથી સાહેબ તેને માટે અપરિચિત રહ્યા હતાં. પરંતુ જયારથી ઇતિનું બોલવાનું બંધ થયું હતું ત્યારથી તે સાહેબને ઓળખતી થઇ હતી. કયારેક તો તેને સાહેબની દયા આવતી હતી. પુરુષ માણસ બૈરી માટે કેટલું કરે છે ! બેન માટે સાહેબ ઉભા સૂકાય છે. તે જોઇ તારાબેનને સાહેબ માટે માન થયું હતું.
ઇતિ ત્યાં ઊભી ઊભી ત્રણેને જોતા જોઇ રહી. શું કરવાનું તેની સૂઝ તેને કયાં પડતી હતી ? છેલ્લા બે મહિનાથી તે અરૂપ કહે તેમ કર્યા કરતી. આજે પૂતળીને ચાવી આપવાવાળું કોઇ નહોતું.
આજે પૂતળીએ જાતે ચાલવાનું હતું. એ ચાલી શકશે ખરી?
Desperately waiting for 6th of feb.
Nice simple sweet story. Just recently read all episode.. Come on make a smile on Itee face now..
હવે નથી રાહ જોવાતી. એક જ દિવસ માં બધા જ ભાગ વંચાઈ ગયા.
નીલમ દોશી, ખુબ ખુબ ખુબ જ સરસ વર્ણન કરેલું છે.
આપનો ખુબ ખુબ આભાર.
આભાર હર્ષિલભાઇ,સુંદર પ્રતિભાવ બદલ.. નવલકથા આપને ગમે છે જાણી આનંદ થયો.
વાંચતા રહેશો અને જણાવતા રહેશો ને ?
Nice, Simple and sweet story. I read all episode of this story.
Please now make a smile on face of Itee.
આભાર મયૂરી બહેન..વાંચીને પ્રતિભાવ આપવા બદલ…આ તો અરૂપની કસોટી છે.ધીરજ રાખવી જ રહી ને ?
ઇતિના ચહેરા પર સ્મિત આવશે કે કેમ એ તો સમય જ કહી શકે ને ?
વાંચતા રહો..અને જણાવતા રહેજો…આભાર..
ચાર પાત્રો આવ્યા, મજા આવી. એક વાક્ય ફરી મે ‘નોટીસ’ કર્યું, ગમ્યુ પણ ખરું અને તાર્કીક મગજે તર્ક પણા રજુ કર્યો.
“સહદેવ જેવા સમયે મૌનવ્રત લીધું હતું કે શું?” બહુ મસ્ત પણ સહદેવ તો પુછે એટલે જવાબ આપતો, સમય તો આપણને રાહ જ જોવડાવે, નહીં?
આભાર ગોપાલભાઈ, વાંચવા અને પ્રતિભાવ આપવા બદલ્.
યેસ સહદેવને પૂછીએ તો જવાબ મળતો..
સમયને તો પૂછી જ કોણ શકે છે ? સદાનો મૌન..અને સામાન્ય રીતે સહદેવને પણ કયારે અને કોણ પૂછતું હતું ? એથી સહદેવને પણ મોટે ભાગે મૌન જ રહેવાનું આવ્યું હતું ને ?
ચોપાટ રમતા પહેલા સહદેવને પૂછયું હોત તો ? તો કદાચ મહાભારત જ ન રચાયું હોત..હકીકતે આ બધા તો નિયતિના પાસા…બાકી બધું જ નિમિત્ત માત્ર..
સાચી વાત ને ?