અસમિયા કવિતાનો ઇતિહાસ – યોગેશ વૈદ્ય 2


એવું મનાય છે કે અસમિયા સાહિત્યનો ઉદ્ભવ તેરમી સદીમાં થયો. તેનું પ્રારંભિક રૂપ ચર્યાપદના દોહાઓમાં મળે છે, જે છઠ્ઠી સદીથી તેરમી સદીની વચ્ચેનો સમય ગણાય છે. બારમી સદીના અંત સુધી લોકગાથાઓ, ગીતો વગેરે મૌખિક રૂપમાં જ હતાં. મણિકુંવર- ફૂલકુંવર ગીત એક લોકગાથા જ છે. તંત્ર-મંત્ર પણ મળે છે પણ લેખિત અસમિયા સાહિત્ય તો તેરમી સદી પછી જ મળે છે.

ઈ.સ. ૧૨૦૦થી ૧૪૪૯ સુધીના સહિત્યને આરંભિક કાળનું સાહિત્ય કહેવાયું છે (વૈષ્ણવ યુગ પહેલાનું) ઈ.સ. ૧૪૫૦થી ૧૬૫૦ સુધી વૈષ્ણવ કાળ. ઈ.સ. ૧૬૫૧થી ૧૯૨૫ સુધીનું સાહિત્ય બુરંજીકાળનું સાહિત્ય. અને ઈ.સ. ૧૯૨૫ પછી શરૂ થાય છે અસમિયા સાહિત્યનો આધુનિક કાળ જે ઈ.સ. ૧૯૪૭માં ભારતની આઝાદી સુધી લંબાય છે. તે પછીનું સાહિત્ય તે સ્વાતંત્ર્યેતર કાળનું સાહિત્ય ગણાય છે.

આરંભિક કાળમાં (વૈષ્ણવ કાળ પહેલાં) બે પ્રકારે કામ થયું. એક સંસ્કૃત ગ્રંથોનું ભાષાંતર અથવા તેના પત્રોના આધારે નવી રચનાઓ જે મોટાભાગે ધાર્મિક અને ભક્તિસાહિત્ય હતું અને બીજું કામ તે વીરોના મહાકાવ્યોની રચના. ‘પ્રહલાદ ચરિત્ર’ એ પ્રથમ ઉપલબ્ધ અસમિયા ગ્રંથ છે જેના રચયિતા હતા કવિ હેમ સરસ્વતી. તેરમી શતાબ્દીના જ અન્ય સાહિત્યકાર હતા પશ્ચિમ કામરૂપના કમતાપુરના રાજા દુર્લભ નારાયણ. માધવ કન્દલી આ કાળના સહુથી મોટા કવિ હતા જેમણે રામાયણનો અસમિયામાં કાવ્યાનુવાદ કર્યો. દુર્ગાવર, પીતાંબર અને મનકર પાસેથી ગીતો પણ મળ્યાં. દુર્ગાવરે રામાયણને ગીતોમાં ઢાળ્યું. પીતાંબરે ‘ઉષા પરિણય’ તથા મનકરે ‘બેઉલા લખિન્દર’ નામનાં પ્રણય-કાવ્યો રચ્યાં. આ જ કાળમાં તંત્ર-મંત્ર, મનસા પૂજા, ભૂત-પિશાચથી મુક્તિના મંત્રો અને સર્પના વિષ ઉતારવાના મંત્રો વગેરે પણ લેખિત રૂપમાં આવ્યા. જે આ કાળની સામાજિક પરિસ્થિતિઓનું પ્રતિબિંબ પાડે છે.

વૈષ્ણવ કાળમાં શંકરદેવ જેવા કવિ અને ધર્મપ્રચારક થયા. જેની સામે આ યુગના શાક્ત બ્રાહ્મણો, આહોમ તથા કોચ રાજાઓ દ્વારા અવરોધો પણ ઊભા થયા. પરંતુ ધીમે ધીમે વૈષ્ણવ ભક્તિથી તેઓ પણ પ્રભાવિત થવા લાગ્યા. શંકરદેવે અસમિયા સાહિત્ય જ નહી; આસામના જનજીવનને પણ નવી દિશા પ્રદાન કરી. તેમણે ભાગવતી ધર્મ સ્થાપ્યો. ‘કીર્તનઘોષા’ એ શંકરદેવની પ્રમુખ રચના છે. તેઓ એક નાટ્યકાર પણ હતા. તેમના એકાંકી નાટકોમાં બરગીત નામનું પદ્ય પણ સમાવિષ્ટ થતું. વૈષ્ણવ કાળના બીજા મહાન કવિ છે માધવદેવ. ‘નામ-ઘોષા’ એ તેમની પ્રમુખ રચના. અન્ય મોટા કવિઓમાં અનંત કંદલી, શ્રીધર કંદલી અને રામ સરસ્વતી મુખ્ય છે. રામ સરસ્વતીએ મહાભારતને અસમિયામાં ઉતાર્યું. અસમિયા ગદ્યસાહિત્યનો વિસ્તાર સોળમી સદીમાં ભટ્ટદેવ દ્વારા થયો. અને ત્યાર પછી ગદ્ય, બુરંજી ( અજ્ઞાત કથાઓનો ભંડાર) તથા અન્ય સાહિત્ય આવ્યું. ધર્મથી અલગ એવું સાહિત્યનું સર્જન આ કાળમાં થવા લાગ્યું હતું. કવિરાજ ચક્રવર્તી તથા ધર્મદેવ ભટ્ટ એ આ કાળના અન્ય મહત્ત્વપૂર્ણ કવિઓ. આ કાળમાં સાહિત્ય ઉપરાંત જ્યોતિષ, આયુર્વેદ, ગણિત વગેરે પર પણ ઘણું લખાયું.

ઓગણીમી સદીનો પ્રારંભ થતાં થતાં આહોમ રાજા કમજોર થઈ ગયા અને ઈ.સ. ૧૮૧૭-૧૮માં આસામ બર્માના કબજામાં આવી ગયું. ત્યાર પછી ઈ.સ. ૧૯૨૬માં આસામ પર અંગ્રેજોનું શાસન આવ્યું જેની આસામના જનજીવન અને વિચારધારા પર લાંબા ગાળાની અસર પડવી શરૂ થઈ. અસમિયા સાહિત્યને મળતો રાજ્યાશ્રય સમાપ્ત થઈ ગયો. સાહિત્ય ધર્મસ્થાનો અને મઠોથી પણ અલગ થવા લાગ્યું. બંગાળથી અનેક લોકો નોકરી કરવા આસામમાં આવ્યા અને અસમિયા એ કોઈ સ્વતંત્ર ભાષા નથી પણ બંગાળીનું જ એક રૂપ છે એવું ઠસાવવાના પ્રયાસો થયા. પરિણામસ્વરૂપ અંગ્રેજોએ ઈ.સ ૧૯૩૬માં રાજકાજ અને વિદ્યાલયોમાંથી અસમિયા ભાષાને કાઢી નાખી. પછી અસમિયા શિક્ષિત સમુદાયે અસમિયાને અલગ ભાષા તરીકે સ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા. ઈસાઈ પાદરીઓ, ખાસ કરીને અમેરિકન પાદરીઓએ ધર્મ પ્રચાર માટે અસમિયા ભાષાનો જ ઉપયોગ કર્યો. અસમિયાના છાપખાનાં ખૂલ્યાં અને અસમિયામાં પુસ્તકો છપાવાં શરૂ થયાં. ઈ.સ. ૧૮૧૩માં બાઇબલનો અસમિયા અનુવાદ પ્રકાશિત થયો જે અસમિયાનો પહેલો છપાયેલો ગ્રંથ છે. ઈ.સ. ૧૮૪૬માં પહેલું અસમિયા માસિકપત્ર અરુણોદય છપાવાનું શરૂ થયું. આ આંદોલનના કારણે અંતે ઈ.સ. ૧૮૭૩માં સરકારે અસમિયાને એક અલગ ભાષા તરીકે માન્યતા આપી. આ કાળમાં પાશ્ચાત્ય વિચારો પર આધારિત અસમિયા સાહિત્યનું સ્વરૂપ ઊભરવા લાગ્યું. આનંદરામ ઢેકલિયા ફુકન આ કાળના પ્રમુખ લેખક.

ઓગણીસમી સદીના અંતમાં કલકત્તાની કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ ‘જોનકી’ નામક એક અસમિયા સામયિક કાઢ્યું. જે અસમિયા સાહિત્ય માટે નવી દિશા ખોલી આપનારું સાબિત થયું. અસમિયા સાહિત્યમાં આ સામયિકમાં લખનારા સાહિત્યકારોને જોનકી સમૂહના સાહિત્યકારો કહેવાય છે. જેમાં મુખ્ય હતા લક્ષ્મીનાથ બેજબરુ(૧૮૬૮-૧૯૩૮), હેમચંદ્ર ગોસ્વામી, ચંદ્ર કુમાર અગરવાલ (૧૮૬૭-૧૯૩૮) અને રજનીકંત બરદૌલે. આ અગાઉના કવિઓમાં કમલકાંત ભટ્ટાચાર્ય (૧૮૫૮-૧૯૩૬) એક દાર્શનિક કવિ હતા. ભોલાનાથ દાસ (૧૮૫૮-૧૯૨૯) એ અન્ય ઊર્મિ કવિ. હિતેશ્વર બરુઆએ(૧૮૭૬-૧૯૩૯) મુક્તકો અને સોનેટ લખ્યાં. રઘુનાથ ચૌધરી પ્રકૃતિના કવિ હતા તો અંબિકાગિરિ રાયચૌધરી (૧૮૮૫-૧૯૬૭) અને પ્રસન્નલાલ ચૌધરી વિદ્રોહી કવિ તરીકે પ્રખ્યાત થયા. ચંદ્રધર બરુઆ ( ૧૮૭૬-૧૯૬૧) રંગદર્શી કવિતાના પ્રણેતા રહ્યા. રઘુનાથ ચૌધરીને (૧૮૭૯-૧૯૬૮) આસામના વિહગકવિ કહેવાયા. અન્ય મુખ્ય કવિઓ જતીન્દ્રનાથ દુવારા (૧૮૯૨-૧૯૬૪), રત્નકાંત બરકાકતી (૧૮૯૭-૧૯૬૩), નીલમણિ ફુકન સીનિયર (૧૮૮૦-૧૯૭૮), શૈલાધર રાજખોવા, લક્ષ્મીનાથ ફુકન, ડિમ્બેશ્વર નેઓગ (૧૯૦૦-૧૯૬૬) બિનંદચંદ્ર બરુઆ, પદ્મધર ચલિહા (૧૮૯૫-૧૯૬૮), ઉમેશચંદ્ર ચૌધરી, જ્યોતિપ્રસાદ અગરવાલ અને મુખ્ય કવયિત્રીઓ ધર્મેશ્વર દેવી (૧૮૯૨-૧૯૬૦), નલિનીબાલા દેવી અને પદ્માવતી દેવી.

લગભગ આ જ ગાળામં આકાશવાણીના શિલોંગ- ગૌહાટિ સ્ટેશનની સ્થાપના થઈ અને અસમિયા ગીતોનો એક નવો પ્રવાહ શરૂ થયો. સંખ્યાબંધ ગીતસંગ્રહો પ્રગટ થવા લાગ્યા. જેમાં મહેશ ગોસ્વામી, મલીના બરા, ભૂપેન હઝારિકા, લક્ષ્ય હીરા, તફઝઝુલ અલી, કમલા ચૌધરી, સૂર્ય બરા, અલીમુન્નીસા પિઆ, દેવેન શર્મા, કેશવ મહંતા વગેરે મુખ્ય ગીતકવિઓ આ સમયગાળામાં થયા.

બીજા વિશ્વયુદ્ધના ગાળામાં અમૂલ્ય બરુઆની કવિતાઓથી પ્રગતિશીલ અસમિયા કવિતાનો પ્રવાહ શરૂ થયો. નવસાહિત્યનો આ ઉદયકાળ. વીસમી સદીના પ્રથમ અઢી દાયકાઓમાં અસમિયા કવિતા પર મુખ્યત્વે અંગ્રેજી કવિતાનો પ્રભાવ રહ્યો. અને વિશ્વયુદ્ધ પછી ફ્રેંચ, રશિયન, જર્મન, જપાની અને ચીની કવિતાની અસરો પણ દેખાવા લાગી. બોદલેર, પૉલ વાલેરી, સ્તેફાન માલાર્મે અને રિલ્કેની કવિતામાં છે તેવાં સંગીત, કલ્પનો અને રૂપકો રૂપાંતરિત થતાં જોઈ શકાય છે. શરૂઆતે હોમ બરુઆ, નવકાંત બરુઆ, હરિબર કાક્તી, હોમેન બરગોહાઈ, વીરેન્દ્ર ભટ્ટાચાર્ય, મહેન્દ્ર બરા વગેરે પ્રમુખ કવિ થયા. ત્યાર બાદ દિનેશ ગોસ્વામી, નીલમણિ ફુકન(જુનિયર), બિરેશ્વરા બરુઆ, અજિત બરુઆ, હરેક્રિશ્ના ડેકા, ભાબેન બરુઆ, હીરેન ગોહાઈ, માહિમ બરા, રાજીવ બરુઆ, હીરેન ભટ્ટાચાર્ય, કેશવમહંતા, નલિનીધર ભટ્ટાચાર્ય, નિર્મલપ્રભા બરદોલોઈ, સૈયદ અબ્દુલ હાલીમ, તોષપ્રભા કલીતા, હિરેન્દ્રનાથ ડેકા, કબિન ફુકન વગેરેએ નોંધપાત્ર કામ કર્યું.

ત્યાર પછીના ( અનુ-આધુનિક ) કાળમાં નિલીમ કુમાર, અનુભવ તુલસી, સનંત તંતી, અનિસ ઉસ ઝ્માન, અનુપમા બાસુમતારી, સમીર તંતી, બિપુલજ્યોતિ સૈકિયા, કમલુદીન અહેમદ વગેરે અનેક કવિઓ પ્રવૃત્ત છે અને તે ઉપરાંત પોતાનો નવો જ અવાજ પ્રગટાવવાની કોશિશ કરતા જીબન નરાહ, કુશાલ દત્ત, મૃદુલ હાલોઈ, પ્રતીમ બરુઆ, પ્રાંજિત બરા જેવા અનેક યુવા કવિઓની એક ટોળકી અસમિયા કવિતાને પોતીકી રીતે સમૃદ્ધ કરી રહી છે.

અરે, એથી આગળ પણ ઘણા આશાસ્પદ નવોદિતો (તેમાંના દશેક કવિઓને આ સંચયમાં સમાવ્યા છે ) ઉત્સાહભેર કાવ્યસર્જન કરી રહ્યા છે.

એક વિશાળ સમૂહમાં અસમિયા કવિઓ કવિતાના સર્જનમાં પ્રવૃત્ત છે. પાંચેક શુદ્ધ સાહિત્યિક સામયિકો પ્રગટ થઈ રહ્યાં છે. આ ઉપરાંત લગભગ દરેક સામયિક અને દૈનિક્માં અસમિયા કવિતાઓ છપાઈ રહી છે. બીહુ અને દુર્ગા પૂજા પર વિશેષાંકો પ્રગટ થઈ રહ્યાં છે. પુસ્તક-પ્રકાશન પણ વિપુલ માત્રામાં થઈ રહ્યું છે. જો કે છપાઈ રહેલા આ વિપુલ સાહિત્યમાંથી કેટલું ટકી રહેશે તે તો આવનારો સમય જ નક્કી કરશે.

– યોગેશ વૈદ્ય


Leave a Reply to Dhiru ShahCancel reply

2 thoughts on “અસમિયા કવિતાનો ઇતિહાસ – યોગેશ વૈદ્ય

  • Dhiru Shah

    Very interesting information. But I personally do not understand ” the basics. What is ‘ASAMIYA’? Which kind of poetry or literature is this?. I will appreciate if the author of this article Shri Yogesh Vaidya or Shri Jignesh Adhyaru explain. It will be great to understand this aspect of literature. Thanks in advance.

    • Jigar Mehta

      i admire your all effort and personally thanks to all of you for giving information about aasami poet and writer… i have some pages of book BRAHMAPURTA NA KINARE KINARE written/translated by sanwarmal sanganeriya and mentioned so many things about the state north east….ie aasam….beautiful things mentioned about all kind in the book… if possible i will post on google portal as all are in jpg format…thanks again….