ઈન્ટરનેટ, કોમ્પ્યુટર અને આપણી યાદશક્તિ – જીજ્ઞેશ અધ્યારૂ (સાયબર સફર) 9


Cyber Safarવર્ષો પહેલાના સમયમાં, કદાચ આજથી ત્રણ ચાર દાયકાઓ પહેલા વાંચનનો – મનોરંજન અને માહિતી પ્રાપ્ત કરવાનો પ્રાથમિક અને મહત્વપૂર્ણ સ્ત્રોત હતો પુસ્તકાલય. અનેક વિષયોને આવરી લેતા પુસ્તકો વાંચવા માટે મેળવવાનો ફક્ત એ એક જ સરળ, સસ્તો અને હાથવગો ઉપાય હતો. એ સમયે પુસ્તકાલય પણ ખૂબ જૂજ હતા. નવલકથાઓ, વાર્તા સંગ્રહો, કાવ્ય સંગ્રહો, વિવેચન, ચિંતન નિબંધ, બાળ સાહિત્ય, પ્રવાસ વિષયક પુસ્તકો, આત્મકથાઓ, અનુભવકથાઓ, વિવેચન, ધર્મ અધ્યાત્મ વગેરે જેવા વિભિન્ન વિષયની સાથે વિજ્ઞાનની નવી શોધ વિશે જાણવા તથા અભ્યાસુઓને તથા કૉલેજના વિદ્યાર્થીઓને કોઈ વિષયવિશેષના ઉંડાણપૂર્વકના અને વિગતે અભ્યાસ માટે પણ પુસ્તકાલયનો ઉપયોગ થતો. તો માહિતી મેળવવાનો બીજો ઉપયોગી સ્ત્રોત હતો એ વિશેના જાણકારોને પૂછવાનો અને તેમની મદદથી સંશયો દૂર કરીને જોઈતી જે તે માહિતીને ચોક્કસ કરવાનો.

પણ આજે ચિત્ર સાવ નોખું જ છે. એવું નથી કે પુસ્તકાલયો નામશેષ થઈ ગયા છે અથવા તેમનો ઉપયોગ ઘટી ગયો છે, ભારતમાં પુસ્તકાલયોની સંખ્યા વિશે હાલ સાવ નિરાશાજનક વાતાવરણ નથી. પરંતુ એક સત્ય એ પણ છે કે તેના વપરાશકારોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જે તે વિષયના નિષ્ણાંતોની સંખ્યામાં પણ આજે વધારો જ થયો છે, અને તેમની સેવાઓ સાર્વત્રિક રીતે ઉપલબ્ધ છે. આજે જ્યારે માહિતીનો અઢળક ખજાનો આપણા આંગળીના ટેરવે રમે છે ત્યારે પુસ્તકાલયમાં જઈને શોધ કરવાની અથવા એ વિષયના નિષ્ણાંતને મળીને તેને જાણવાની જરૂરત જૂજ કિસ્સાઓમાં ઉદભવે છે. ઈન્ટરનેટના માધ્યમે, સર્ચ એન્જિન દ્વારા સૂચવાતા એક વિષયના અનેક સંદર્ભો અને ઑનલાઈન મફત અથવા નજીવી કિંમતે ઉપલબ્ધ વિશ્વકોશ, વિશાળ ડેટાબેઝ વગેરેને લીધે લોકોની વાંચનપદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર આવ્યો છે. હવે પુસ્તકાલયોમાં – ભૌતિક સ્વરૂપે માહિતી શોધવા જવું પડતું નથી. કોમ્પ્યુટર, લેપ ટોપ, ટેબ્લેટ પીસી અથવા મોબાઇલ જેવા વિવિધ વિકલ્પો પર ઇન્ટરનેટ મારફત માહિતીનો ખુલ્લો ખજાનો સતત આપણને આકર્ષતો રહે છે. એ ખજાનો સર્વે માટે સમાન તકો લઈને ઉભો છે. અભ્યાસુઓને અભ્યાસ માટેની સામગ્રી, મનોરંજન મેળવવા માગતા લોકો માટે એ પ્રકારની સામગ્રી એમ બધુંય ઇન્ટરનેટ આપણી સમક્ષ ધરી દે છે.

પરંતુ તાજેતરના એક સંશોધન મુજબ જેમ સરળતાથી માહિતી અને જ્ઞાન ઉપલબ્ધ થતું રહ્યું તેમ તેમ માહિતીને યાદ રાખવાની આપણી ટેવો ઘટતી ગઈ છે. હવે કોઈ પણ વાત યાદ રાખવાને બદલે તેને ઇન્ટરનેટ પર શોધી લેવાની આદત સર્વસામાન્ય બની રહી છે અને એ નવી પેઢીમાં તો ખૂબ ઉંડા મૂળ પ્રસારી ચૂકી છે. જેમ પહેલાના જમાનામાં પહાડા યાદ કરવામાં આવતા, પલાખા પૂછાતા તે ટેવ હવે કેલ્ક્યુલેટરના આવવાથી નામશેષ થઈ ગઈ, એ જ રીતે માહિતી અને યાદ રાખવાની ટેવ આંગળીને ટેરવે સતત રહેતા ઇન્ટરનેટને લીધે ઘટી છે. કયા દેશના રાષ્ટ્રધ્વજ માં ફક્ત એક જ રંગ છે એ પ્રશ્નનો ઉત્તર શોધવા આપણે વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ વિશે વિચારીશું કે જવાબ ગૂગલ અથવા એના જેવા જ કોઈક સર્ચ એન્જિન કે ડેટાબેઝ પર શોધવા વિશે? એ જ રીતે રોજબરોજના જીવનના સામાન્ય પ્રશ્નો પણ મોબાઈલ મારફત ‘ગૂગલ’ કરવાનું વલણ વધી ગયું છે.

કોલંબિયા યુનિવર્સિટીના સાયકોલોજીસ્ટ (મનોવૈજ્ઞાની) ડૉ. બેટ્સી સ્પેરો અને તેમના સહ સંશોધકો – હાર્વર્ડના ડેનિયલ વેગનર અને વિન્કોન્સિન વિશ્વવિદ્યાલયના જેની લીઉ દ્વારા યાદશક્તિને લગતા ચાર અનોખા અખતરાઓ કરવામાં આવ્યા. તેમાંના એક અખતરામાં તેમણે લોકોને ૪૦ સર્વસામાન્ય વાતો કોમ્પ્યુટર પર કોપી કરવાનું કહ્યું, અડધાને કહેવાયું કે આ માહિતી સંગ્રહીને રખાશે જ્યારે અડધાને કહેવાયું કે એ ડીલીટ કરી દેવામાં આવશે. જોવામાં આવ્યું કે જેમને કહેવાયું હતું કે માહિતી ડીલીટ કરાશે તેમને તેમાનું વધુ યાદ હતું. આ સંશોધકોના અભ્યાસોના તારણો રસપ્રદ છે, તો સાથેસાથે ચેતવણી પણ આપે છે.

આ સંશોધકોએ એવું શોધી કાઢ્યું છે કે જે માહિતી ઇન્ટરનેટ દ્વારા મળવાની સંભાવના હોય તેવી માહિતી લોકો દ્વારા યાદ રખાય એવી શક્યતાઓ ઘટી જાય છે પરંતુ કઈ વેબસાઈટ પરથી તે માહિતી મળશે એ યાદ રહેવાની શક્યતાઓ વધી જાય છે. જો અજાગ્રત મનમાં એવું ઠસી જાય કે અમુક માહિતી સરળતાથી ઇન્ટરનેટની માધ્યમથી મેળવી શકાય છે તો તેને યાદ રાખવાનો પ્રયત્ન માનવમગજ કરતું નથી.

એટલે જેમ કૉમ્પ્યુટરમાં બે પ્રકારની મૅમરી હોય છે, આંતરીક અને બ્રાહ્ય તેમ આપણા પોતાના મગજની આંતરીક યાદદાશ્તને બદલે આપણે બ્રાહ્ય સ્ત્રોત પર વધુ આધારીત રહેતા થઈ ગયા છીએ. અભ્યાસ દ્વારા એવું સાબિત કરવામાં આવ્યું છે કે ઇન્ટરનેટનો વધતાં વપરાશ સાથે માણસના અજ્ઞાનમાં સતત વધારો થઈ રહ્યો છે, તે ડોબો થઈ રહ્યો છે. આ ઉપરાંત કોમ્પ્યુટર તથા ઇન્ટરનેટની સરળતાથી ઉપલબ્ધ સગવડોને લીધે સોશિયલ નેટવર્ક અને સોશિયલ શેરીંગ વધ્યું છે, આ સગવડોને લીધે માહિતીની વહેંચણી વધી છે, કારણકે જ્યારે કોઈ માહિતી અથવા વિગત શોધવાની થાય તો સૌપ્રથમ ઇન્ટરનેટને સાંકળતા સાધનની યાદ આવે છે. ઇન્ટરનેટ પરથી જે માહિતી મળવાની આશા ઓછી હોય તે લોકો વધુ યાદ રાખે છે. કોમ્પ્યુટરના કયા ફોલ્ડરમાં જોઈતી માહિતી વિશેષ સંગ્રહી છે એ સ્વયં, માહિતી કરતા વધુ યાદ રહેતી બાબત છે. ‘શું’ કરતા ‘ક્યાં’ નું મહત્વ વધી રહ્યું છે એમ આ સંશોધકોને લાગે છે.

આ વાતના સમર્થનમાં એક તર્ક એવો પણ છે કે કોમ્પ્યૂટરના આગમન પહેલેથી યાદશક્તિની આવી વહેંચણી અસ્તિત્વમાં છે જ, જેમ કે કોઈક સંબંધી અથવા મિત્રની વર્ષગાંઠ યાદ રાખવાનું કામ પત્નીનું છે તેમ માની મોટા ભાગના પતિદેવો આવી તારીખ યાદ રાખવાને બદલે પત્નીને પૂછી લેવાનું વધુ પસંદ કરે છે, કોઇક પૂજાવિધિ અથવા પ્રસંગમાં વિધિ અને વ્યવહારની વાતો વિશે પરિવારના જાણકાર સભ્યનું નામ સદા આગળ હશે, તેમને જ આવી વાતો પૂછાય છે, કારણ કે એમ માનવામાં આવે છે કે એ વિષયની જાણકારી તેમની પાસે જ શ્રેષ્ઠ હશે. તેમ જ કોઈક વિષયવિશેષને યાદ રાખવાને બદલે તેના વિશે ક્યાંથી જાણકારી મળશે એ સ્ત્રોત યાદ રાખવું આસાન ગણાય છે. આવી યાદશક્તિને ટ્રાન્સએક્ટિવ મેમરી અથવા પરોક્ષ રીતે સક્રિય યાદશક્તિ કહેવાય છે. સામાન્ય અર્થમાં કહીએ તો ઇન્ટરનેટ આપણી બ્રાહ્ય યાદશક્તિ થઈ રહી છે, મહદંશે વિકસીત દેશોના યુવાનોમાં એ થઈ પણ ગઈ છે. પહેલાના જમાનામાં જે વડીલો – માતા પિતા અને દાદા દાદી શીખવતા તે વાતો હવે ગૂગલ અને વિકિપીડેયા પરથી તરત મળી રહે છે એટલે એમને યાદ રાખવાનું વલણ ઘટી રહ્યું છે. આમ કોમ્પ્યૂટર અને ઇન્ટરનેટ તથા સંપર્કની વિવિધ સુવિધાઓના વધતા પ્રભાવને લીધે માનવ યાદશક્તિની આખીય પ્રક્રિયા બદલાઈ રહી છે, સાથે સાથે કેટલીક અગત્યની જાણકાર વ્યક્તિઓનું સ્થાન પણ ઇન્ટરનેટ લઈ રહ્યું છે. જેમ આપણા મિત્રવર્તુળ અને પરિવારમાં કઈ વ્યક્તિને કઈ બાબતની માહિતી હશે તે યાદ રાખવું એ સ્વયં માહિતી યાદ રાખવાથી પણ વધુ અગત્યતા ધરાવતું હોય એ રીતે આપણી યાદશક્તિમાં સંગ્રહાઈ જાય છે, તેમ હવે ઈન્ટરનેટ પર માહિતી ના સ્ત્રોતને યાદ રાખવાનું વલણ જોર પકડતું જાય છે. કોમ્પ્યુટર નેટવર્કની જેમ આપણે પણ હવે માહિતી માટે આંતરજાળ સ્વરૂપે એક બીજા પર આધારિત થઈને એક નેટવર્ક બનાવી રહ્યા છીએ. માટે હવે આપણા કોમ્પ્યુટર સાધનો પર ઓછા આધારિત રહેવાની આપણી ઈચ્છાઓ પૂરી થવાની શક્યતાઓ આવનારા દિવસોમાં ઘટતી જવાની છે. આપણું લેપટોપ અથવા કોમ્પ્યુટર, મોબાઈલ, ટેબલેટ અને એ સર્વેને આંતરજાળ એટલે કે ઇન્ટરનેટ સાથે સાંકળતું જોડાણ આપણા માટે એક અંગત મિત્રથી વધુ મહત્વ ધરાવતું થઈ રહ્યું છે, કારણ કે માહિતી જાણતા મિત્ર ઇન્ટરનેટની જેમ સતતા આપણા ટેરવે ઉપલબ્ધ હોતા નથી, એટલે એ જાણકાર મિત્રથી પણ વધુ આપણે નેટના ભરોસે રહીએ છીએ. અને તેથી જ એમ કહી શકાય કે ઇન્ટરનેટની અને આપણા કોમ્પ્યુટર / લેપટોપની સંગ્રહશક્તિ સતત વધારવાની જરૂર પડે છે કારણકે આપણી પોતાની યાદશક્તિ ઘટી રહી છે !

અહીં મને બે બાબતો વધુ સ્પર્શે છે. એક – કારણ કે આંગળીના ટેરવે માહિતીનો સ્ત્રોત ઘૂઘવે છે, માહિતી કામની હોય કે નહીં પરંતુ ભવિષ્યમાં જરૂર પડશે ત્યારે કામ લાગશે અથવા તો કોઈકની સામે એ માહિતીની જરૂર પડી ત્યારે તેને વ્યક્ત કરવામાં – મને એ આવડે છે અથવા મને ખબર છે – જેવા અહં સંતોષાવામાં તેની જરૂર પડતી હોય તેવા કિસ્સા ઓછા નથી. જેમ કોમ્પ્યૂટરની હાર્ડડિસ્કમાં માહિતી સંગ્રહની એક સીમા છે તેમ માનવ મગજને પણ કોઈ એક ચોક્કસ સીમા હશે જ, જેને સંગ્રહશક્તિ કહી શકીએ. તેથી જ્યારે આવી નિરુપયોગી માહિતીનો ઢગલો – જેને કોમ્પ્યુટરની ભાષામાં ડમ્પ કહેવાય છે – થાય ત્યારે તેમાં જરૂરી અને બિનજરૂરી માહિતી – ચોક્કસ અને ધારણા વચ્ચેનો ફરક પાડવો મુશ્કેલ બને છે, તેથી પોતાની યાદશક્તિ કરતા કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટ પર વધુ વિશ્વાસ રહે છે. આમ યાદશક્તિ સ્વ થી પર તરફ ફંટાય છે.

બીજી બાબત એ કે આપણે ત્યાં પેઢી દર પેઢી કર્ણોપકર્ણ ચાલી આવતી અનેક વાતો છે, જેનો સંગ્રહ ઘણા વર્ષો સુધી થયો નહોતો અને આંશિક ફેરફારો સાથે તે અનેક પેઢીઓમાં થઈને આપણા સુધી પહોંચી. કંઠઃસ્થ પરંપરા આપણી સંસ્કૃતિનો એક અગ્રગણ્ય ભાગ છે જે ખૂબ ઉપયોગી અને ઉપકારક માહિતીનો સ્ત્રોત છે. પરંતુ પેઢી દર પેઢી પ્રસારિત થતી આ માહિતી અથવા સંસ્કૃતિના સ્ત્રોતમાં એવું ઘણું હતું જે દેખીતી રીતે ઉપયોગી નહોતું, ધાર્મિક અથવા અન્ય જરૂરતોને લીધે તે પેઢી દર પેઢી ઉતરતું રહ્યું પરંતુ ગાઈને અથવા વારંવાર તેને બોલીને યાદ રાખવાની જરૂરત પડતી, આમ તે પણ એક પ્રકારનો મેમરી ડમ્પ હતો જે પ્રમાણમાં ઓછો હતો. તેના લીધે એ નિશ્ચિત માહિતી સ્ત્રોતની ચોકસાઈ જળવાઈ રહેતી. પરંતુ આજનો સોફ્ટ મેમરી ડમ્પ તેથી વધુ અચોક્કસ અને નકામો છે. ઉપરાંત હવે કોઈક વસ્તુ શોધવા માટે કઈ વેબસાઈટ પર જવું જોઈએ એવું પૂછવા માટે પણ આસપાસના ટૅકસેવી એટલે કે ટેકનોલોજીના ઉપયોગમાં ડૂબેલા લોકોને આપણું માનસ શોધી જ રાખે છે, જેમ કે તમારા સ્માર્ટફોનમાં કોઈક વિશેષ કામ માટે ઍપ્લિકેશનની જરૂર છે, એ ઍપ્લિકેશન વિશે જાણવા કોને પૂછશો?

ભારતમાં, ગુજરાતમાં, આપણી આસપાસ હજુ પણ એવા અનેક લોકો છે જેમણે ક્યારેય ઇન્ટરનેટનો વપરાશ કર્યો નથી, એટલે હજુ પણ આપણા ગામડામાં માહિતી યાદ રાખીને જ વહેંચવાનો, કે પુસ્તકોમાં શોધવાનો ઉપક્રમ થતો રહે છે, જો કે એ હવે અમુક સમયમાં નાશ પામશે એ પણ ચોક્કસ છે. આઈન્સ્ટાઈનના સમયમાં ગૂગલ ક્યાં હતું? છતાંય તેમણે કહ્યું છે કે ‘જે વસ્તુઓએ તમે શોધી શક્તા હોવ તેને યાદ રાખવાની જરૂરત નથી.’ એટલે હાલ તો ઇન્ટરનેટ અને ટેકનોલોજીએ આપેલ આ સુવિધા માનવ મગજને પોતાના આધારિત બનાવી દેશે એ વિશે ચિંતા કરવાને બદલે તેનો હકારાત્મક અને ખપ પૂરતો ઉપયોગ કરતા શીખીએ એ જ ઘણું છે.

– જીજ્ઞેશ અધ્યારૂ (‘સાયબર સફર’ સામયિક, એપ્રિલ ૨૦૧૪)


Leave a Reply to Hemal VaishnavCancel reply

9 thoughts on “ઈન્ટરનેટ, કોમ્પ્યુટર અને આપણી યાદશક્તિ – જીજ્ઞેશ અધ્યારૂ (સાયબર સફર)

  • Dhiru Shah

    Very thought provoking. Good and critical analysis and true. But may be a need of the day not only in India but every part of the world. In absence of this technology, we would not have been able to see and read this article. So even accepting the negative side effect of it, we cannot live without it. It is like an anti-biotic medicine. Knowing fully well its negative side effect, one has to take it when needed. New generation will not even think of life without this new technology even though older generation repents for all which you have correctly and rightly pointed out in this article. You deserve congratulations for such wonderful analysis. Thanks

  • Bankimchandra Shah

    બાળકોનેં અંગ્રેજી માધ્યમમા ભણાવવાનો મા-બાપનો અભરખો ભાષાનું સત્યાનાશ કરશે. ગાંધીજી માતૃભાષામા SSC સુધિ ભણયા છતાં ઉત્કૃષ્ટ English બોલતા/લખતા હતા. GujaratiLanguage is passing through a very critical phase. No one can make writing in Gujarati a source of livelihood. Today’s નર્મદ (કલમના ખોળે માથુ) will die hungry. There used to be reprints of short stories/novels every or alternate year. Today, authors have to gift away most of the copies of First Print. Recently read in ગુ. સ. that Gujarati Language faces no risk of decimation for next 100 years…It appears that one zero is added by mistake !!! Every thing needs spontaneous support, including a language. Patrons are now dwindling in numbers. Let us hope for good.

  • R.M.Amodwal

    Sir ,
    100% i am agree with the veiw mention in your article. your advise to use the IT is appriciable.it is also true that Reading & use of internet is different in style & for enjoyment.
    Thanks

  • M.D.Gandhi, U.S.A.

    તમે એકદમ સત્ય હકીકત જણાવી છે. પણ, તો પણ, એક વાત તો જરૂર છે, કે, પુસ્તક કે અખબારમાં વાર્તા કે સમાચાર વાંચવાની જે મજા પડે છે તેવી મજા ઈન્ટરનેટમાં તો નથીજ આવતી. એટલે વાંચીને જે યાદ રહેતું હતું તેવું યાદ હવે રહેતું પણ નથી. બાકી હવે તો ઘરમાં કોમ્પ્યુટર હોય અને ચાલુજ હોય એટલે બહાર જવાનું પણ ઓછું જ થઈ ગયું છે, એટલે પુસ્તકાલયમાં પણ જવાનું ઘટી ગયું….
    સરસ લેખ છે……