અજીબ દાસ્તાં હૈ યે.. – કમલેશ જોષી 4


કોઈ કહેતું હતું કે, “મારો આ ચોથો ઇન્ટરવ્યૂ છે.” કોઈ કહેતું હતું કે, “હું તો ખાલી ટાઇમપાસ કરવા જ આવ્યો છું, મારી તો માર્કેટમાં દુકાન છે.” મને થયું મારી પણ વીમા કમ્પનીમાં ટેમ્પરરી નોકરી ચાલુ છે. કોઈ બોલ્યું, “પચાસ હજાર રૂપિયા ભાવ ચાલે છે.” હું ચોંકી ઉઠ્યો.

અમારામાં જુવાની પૂરબહાર ખીલી હતી. નસેનસમાં ગરમ લોહી વહેતું હતું. મગજમાં ધગધગતા વિચારો દોડતા હતા. ધર્મની વાતો અમને વેવલા વેળા લગતી હતી અને ટીવી પરના સમાચાર અમને કંટાળો આપતા હતા. કેવળ લવસ્ટોરી, ધનવાન બનવાના ઉપાયો અને મારામારી, એડવેન્ચર અમને આકર્ષક લાગતા હતા. તહેવારોમાં અને પ્રસંગોમાં યુવતીઓ સજીધજીને મૅકઅપમાં રૂડી રૂપાળી થઈ નીકળતી ત્યારે અમારા શરીરમાં ચારસો ચાલીસ વોલ્ટના જાટકા લાગતા. કોઈ ઊંચા અવાજે અમને પડકારે તો ભીતરે રહેલી મર્દાનગી આળસ મરડી બેઠી થતી. કોઈ ધનાઢ્ય નબીરાને કારમાં ફરતો જોતા તો ભીતરે લાખોપતિ બનવાની ઈચ્છા બેકાબૂ બની જતી હતી.

એક મોડી રાત્રે હું, વીરો, પૂજન, પિન્ટુ અને ગોટી તળાવની પાળીએ બેઠા હતા. સાડા દસ-અગિયાર જેવો સમય હતો. રવિવારની રાત્રિ હોવાથી હજુ તળાવે ભીડ જામવાની શરુ થઈ હતી. ક્રિકેટ, સચિન, સ્પોર્ટ્સ કાર, ડબલ્યુ.ડબલ્યુ.એફ., અન્ડરટેકર, રિલાયન્સ, એસ્સાર પરથી ફરતી ફરતી અમારી વાતો માધુરી, મનીષા, તબ્બુ, સન્ની દેઓલ, અજય દેવગન, સલમાનખાન પર પહોંચી અને ત્યાં જ પૂજને સૌને ચોંકાવી દેતું વાક્ય કહ્યું, “ચાલો આજે આપણે આપણા લગ્નનું પ્લાનિંગ કરીએ.” અમે સૌ એની સામે તાકી રહ્યા.

પિન્ટુએ પૂછ્યું, “લગ્નનું પ્લાનિંગ એટલે?”

પૂજન સૌને સમજાવતા બોલ્યો, “આપણે સૌ મિડલ ક્લાસના છીએ. પાંચેક વર્ષમાં આપણા લગ્ન ગોઠવાઈ જશે. જનરલી મા-બાપ લગ્નના ખર્ચામાં જમણવાર, જાનની બસ, ઘરેણાં ને એવું બધું ગણતરી કરતા હોય છે. એક્સ્ટ્રા ખર્ચ જેમ કે વરરાજાની મસ્ત કાર, ડિસ્કો દાંડિયા માટે મ્યુઝીકલ પાર્ટી, વરરાજા માટે મસ્ત સુટ સાફા સાથે ભાડે લેવો, ઢગલાબંધ ફટાકડા અને ફર્સ્ટ નાઈટ માટે હોટેલનો રૂમ બુક કરવો એવું મા-બાપના પ્લાનીંગમાં હોતું નથી.” પૂજન સહેજ અટક્યો. અમે સૌ એકબીજા સામે થોડી શરમભરી અને થોડી રોમાંચક નજરે જોઈ રહ્યા.

man wearing pink suit jacket holding using tablet computer
Photo by The Lazy Artist Gallery on Pexels.com

“પૂજનની વાત તો સાચી છે.” ગોટી બોલ્યો. “પણ એમાં આપણે શું કરી શકીએ?”

પૂજન બોલ્યો, “આપણે વિચારીએ કે આ બધી એક્સ્ટ્રા બાબતોનો ખર્ચ કેટલો થાય? એક રકમ ફાઇનલ કરી, એ ખર્ચો આપણે મિત્રો ઉપાડી લઈએ તો કેવું?”

અમે સૌ ગંભીર બની ગયા. અમે સૌ નાની-મોટી આવક મેળવતા થયા હતા. કોઈ હજાર કમાતું તો કોઈ બારસો. જો અત્યારથી જ થોડી-ઘણી રકમ બચાવવાનું શરુ કરીએ તો ત્રણ-ચાર વર્ષમાં ફંડ તો ભેગું થઈ જાય. સૌ હિસાબ કરવા માંડ્યા.

વીરો બોલ્યો, “મારા મામાના લગ્નમાં આવેલી મ્યુઝીક્લ પાર્ટીને પંદર હજાર ચૂકવેલા.”

પૂજન તરત બોલ્યો, “એટલું બધું મોંઘુ નહિ, એટલામાં તો આપણા નક્કી કરેલા પાંચેય ખર્ચ નીકળી જાય.”

ગોટીએ તરત કહ્યું, “અમારા એક ઓળખીતા મ્યુઝીક પાર્ટી ચલાવે છે, ગામના પાંચ હજાર લે છે હું ત્રણ હજારમાં કહું તો આવી જાય.” ગોટીનો પ્રસ્તાવ સૌને ગમ્યો. ધીરે-ધીરે અમે બધો હિસાબ લગાવ્યો તો એક પ્રસંગ દીઠ દસ હજાર ખર્ચ કરવાનું અમે નક્કી કર્યું. દર મહિને જો બસ્સો-બસ્સો રૂપિયા પર-હેડ કાઢીએ, ફંડ ઊભું કરીએ તો દસ મહિનામાં દસ હજાર રૂપિયા ઊભા થઈ જાય. જરૂર પડે તો વચ્ચે પાંચસો-પાંચસો કાઢીને કોઈનો પ્રસંગ સાચવી પણ શકાય. સૌ એગ્રી થયા. એક ડાયરીમાં સૌના નામ લખી નિયમો લખ્યા. છુટાં પડતી વખતે પૂજને મને કહ્યું, “કાલે કોલેજે મળીએ.”

મેં કહ્યું, “ના, હું કાલે રાજકોટ એક ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું. કો-ઓપરેટીવ બેંકમાં.” સૌએ મને ઓલ ધી બેસ્ટ કહ્યું. આખી રાત અમને સૌને અમારા લગ્નના મીઠા સ્વપ્નો પજવતા રહ્યા.

એસ.ટી.બસમાં બેસી હું રાજકોટ જવા નીકળ્યો ત્યારે મનમાં થોડો ઉચાટ હતો, થોડી ઉત્તેજના હતી. મેં મારા તમામ રિઝલ્ટ્સ તથા પ્રમાણપત્રોની એક મસ્ત ફાઇલ બનાવી હતી. પૂંઠા પર પારદર્શક પ્લાસ્ટિક કવર હતું. પૂંઠા પર દોરેલો ગુલાબના ગુલદસ્તાવાળો ફોટો એ પારદર્શક કવરમાંથી મસ્ત દેખાતો હતો. દરેક કાગળ માટે ફાઇલમાં અલગ ફોલ્ડર હતું. વીમા કમ્પનીની નોકરીથી મારામાં થોડો આત્મવિશ્વાસ વધ્યો હતો. રાજકોટ એસ.ટી. સ્ટેન્ડ પર બસ ઊભી રહી એટલે બહાર નીકળી મેં સીધી બેંકની રિક્ષા જ પકડી.

બેંકનું બિલ્ડીંગ બહુ મોટું હતું. એ હેડ ઓફિસ હતી. લગભગ પચાસ-સાંઠ યુવક-યુવતીઓને મોટી શેતરંજી પાથરીને બેસાડવામાં આવ્યા હતા. એક સાહેબે સૌને સૂચના આપી, “અહીં ટેબલ પર સૌ પોતાનું નામ રજીસ્ટર કરાવી દો. અમે સૌ લાઇનમાં ઊભા રહી ગયા. લેડીઝ માટે બીજી લાઈન હતી. મારી આગળ-પાછળ ચર્ચા ચાલતી હતી.

એકે કહ્યું, “બધું ડીંડક છે.”

બીજો બોલ્યો, “લાગવગ વાળાને જ લેશે.”

ફરી પેલો બોલ્યો, “જો ત્યાં પેલા અંકલ પેલા પટાવાળા સાથે વાત કરી રહ્યા છે.” મેં પણ એ દિશામાં જોયું. એક ચશ્માવાળા કાકા અને એક યુવાન બેન્કના પટાવાળા સાથે હસી-હસીને કૈંક વાતો કરતા હતા.

કોઈ કહેતું હતું કે, “મારો આ ચોથો ઇન્ટરવ્યૂ છે.” કોઈ કહેતું હતું કે, “હું તો ખાલી ટાઇમપાસ કરવા જ આવ્યો છું, મારી તો માર્કેટમાં દુકાન છે.” મને થયું મારી પણ વીમા કમ્પનીમાં ટેમ્પરરી નોકરી ચાલુ છે. કોઈ બોલ્યું, “પચાસ હજાર રૂપિયા ભાવ ચાલે છે.” હું ચોંકી ઉઠ્યો. ભ્રષ્ટાચાર શબ્દ મારા કાને ઘણી વખત આવ્યો હતો. દોઢેક કલાક પછી મારો વારો જયારે આવ્યો ત્યાં સુધીમાં ભ્રષ્ટાચાર ઉપર એક નિબંધ લખી શકાય એટલી બધી વાતો મારા કાને પડી ચૂકી હતી. કાં કોઈ રાજકારણીની લાગવગ જોઈએ અને કાં પૈસા ખવડાવવા પડે નહિંતર નોકરી ન મળે. એક ઉત્સાહી ઉમેદવારે જબ્બર નોલેજ ભેગું કર્યું હતું. આર.બી.આઈ. એટલે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના પહેલી એપ્રિલ, ૧૯૩૫માં થયેલી. એફ.ડી. એટલે ફિક્સ ડીપોઝીટ અને એન.પી.એ. એટલે નોન પરફોર્મિંગ એસેટ. એ તો કમ્પ્યૂટર નામના નવા સાધન વિશે પણ ઘણું જાણતો હતો. એની વાતો સાંભળી મને મારા પર દયા આવી. ઘરે જાઉં એ પછી મારે પણ જનરલ નોલેજ વધારવું છે એવું મેં નક્કી કર્યું.

“કોસ્ટ અને પ્રાઇઝ વચ્ચે તફાવત શું?” મને મારી સામે બેઠેલા મોટી ઉંમરના સાહેબે પ્રશ્ન કર્યો. “કમ્પ્યૂટર આવડે છે?” બીજાએ પૂછ્યું.

“એફ.ડી., ઓવર ડ્રાફ્ટ અને લોન વચ્ચે શું તફાવત છે?” લગભગ દોઢથી બે મિનિટમાં દસેક પ્રશ્નો મને પૂછાયા. મેં આવડ્યા એવા જવાબો આપ્યા. ઇન્ટરવ્યૂ પત્યો એટલે હું ઊભો થઈ ઓફિસ બહાર નીકળ્યો. ભીતરે નિરાશા વ્યાપેલી હતી. વોશરૂમમાં ગયો. ત્યાં ઉભેલા ઉમેદવારોમાંથી એક બોલ્યો,  “દસ જગ્યા છે અને દોઢસો આવ્યા છે ઇન્ટરવ્યૂ આપવા, એનો મતલબ એકસો ચાલીસ જણા ફેલ થવાના એ ફિક્સ છે.” સૌ હસી પડ્યા. મને પણ થોડી ધરપત થઈ. ફેલ થવામાં હું એકલો નહોતો.

મારે બપોરનું ભોજન મોટીબેનના સાસરે લેવાનું હતું. હું રીક્ષામાં ત્યાં પહોંચ્યો. જીજાજી, એમના મમ્મી-પપ્પા અને નંદિનીને મળી મને આનંદ થયો. જમવામાં પૂરી-શીખંડ-ઢોકળા હતા. “કેવું રહ્યું ઇન્ટરવ્યૂ?” જીજાજીએ સહજતાથી પૂછ્યું.

“બહુ જોરદાર તો નહિ…પણ સો સો…”

“ચાલ્યા કરે…” જીજાજી બોલ્યા. જમીને અમે આરામ કરતા હતા ત્યારે ફરી કમ્પ્યૂટરની વાત નીકળી. નંદિનીએ કમ્પ્યૂટરનો બેઝિક કોર્સ જોઇન કર્યો હતો. એ સાધન નવું હતું. ટાઈપ રાઈટરનો જમાનો હવે જવાનો હતો. નંદિની કહેતી હતી કે આવનારો યુગ કમ્પ્યૂટર યુગ હતો. હિસાબ-કિતાબમાં તો એ ઉપયોગી હતું જ પણ સાથે-સાથે મેડિકલમાં અને એન્જીનીયરીંગમાં પણ એ ટેકનોલોજી બહુ ઉપયોગી થવાની હતી. થોડી ઘણી વાતો અને આરામ કરી હું નીકળ્યો ત્યારે જીજાજીના મમ્મીએ એક કોથળીમાં મોટીબેન માટેની ગિફ્ટ મને આપી.

હું એસ.ટી. બસમાં ફરી બેઠો ત્યારે મારા દિમાગને કમ્પ્યૂટર-ભ્રષ્ટાચાર અને નંદિની ઘમરોળી રહ્યા હતા. નંદિની કહેતી હતી એ મુજબ કમ્પ્યૂટરના કોર્સ બહુ મોંઘા થતા હતા. એ શીખવું અઘરૂ પણ હતું. મિડલ ક્લાસ ફૅમિલી હોવાથી અમે બહુ મોટી ફી ભરી શકીએ એમ નહોતા. પાંચસો કે હજાર રૂપિયા છ મહિનાની ફી હોય તોય અમે માંડ ભરી શકીએ. એમાં નંદિની કહેતી હતી કે ત્રણ-ચાર હજાર રૂપિયા જેટલી ફીમાં કમ્પ્યુટર કોર્સ થતો હતો.

બસ એસ.ટી. સ્ટેન્ડમાં પ્રવેશી ત્યારે મારી તંદ્રા તૂટી. હું બસ સ્ટેન્ડની બહાર નીકળ્યો. રિક્ષા શોધતો હતો ત્યાં “અરે બંટી તું?” કોઈની બૂમ સાંભળી હું ચોંક્યો. નાસ્તાની નાનકડી દુકાનના કાઉન્ટર પર બેઠેલો વ્યક્તિ મારી સામે સ્મિત કરતા કૈંક ઈશારો કરી રહ્યો હતો. ચહેરો જાણીતો હતો પણ ઓળખાયો નહિ. “ન ઓળખ્યો મને?” હું નજીક સરક્યો એટલે એ બોલ્યો અને મને સ્પાર્ક થયો. અરે આ તો પેલો જીવન. અગિયારમા-બારમા ધોરણમાં મારી સાથે ભણતો એ. હું એને જોઈ રાજી થયો. ઔપચારિક વાતો થઈ. એણે મને પોતાની પાસેના ટેબલ પર બેસાડ્યો. ત્યાં એક છોકરો ઘૂઘરાની પ્લેટ પીરસી ગયો. મેં આનાકાની કરી પણ એના આગ્રહને ટાળી ન શક્યો. ઘરાકી સારી હતી.

“દુકાન તો સારી જમાવી છે. તારી પોતાની છે?” મેં પૂછ્યું.

“ના, યાર. અત્યારે તો ભાડે છે. પણ જો ભગવાનની આવી જ મહેરબાની રહી તો એક-બે વર્ષમાં આપણી પોતાની પણ કરીશું.” કહી એણે શરુ કર્યું “બારમા પછી મેં ભણવાનું મૂકી દીધું. બાજુવાળા માસીના ઘૂઘરા વેચવાને બદલે હું પોતે જ ઘૂઘરા બનાવતા શીખી ગયો. નોકરી તો આમેય મળવાની નહોતી. ફૂલ ટાઈમ ઘૂઘરાની ફેરી ચાલુ કરી દીધી. શરૂઆતમાં થોડી ઉધારી થઈ. પણ હું, નાની બેન અને મમ્મી દિવસ-રાત મચી પડ્યા એટલે ગાડી પાટે ચડી ગઈ છે. શું ચાલશે ચા કે ઠંડુ?” મેં ઘૂઘરાની પ્લેટ પૂરી કરી એ જોઈ એ બોલ્યો. મેં નકારમાં માથું ધુણાવતા “આટલું ઘણું દોસ્ત..” કહ્યું.

ત્યાં એ બોલ્યો, “ના..ના.. મીઠું મોઢું તો કરવું જ પડે.”

મેં આંખો નચાવતા પૂછ્યું, “કેમ..? છે કાંઈ નવીનમાં?”

એ જરા શરમાતા બોલ્યો, “ગયા મહિને મારી ઍન્ગેજમેન્ટ કરી. છોકરી અમારા લતાની જ છે, અમારી જ્ઞાતિની જ.. આવતા વર્ષે લગ્ન..”

જીવન મહિને દસ-બાર હજારનો ધંધો કરતો અને પાંચેક હજાર નફો કમાતો. હજાર રૂપિયા દુકાનનું ભાડું ભરતો અને સાતસો કારીગર છોકરાને આપતો. ત્રણેક હજાર જેવું મહિને કમાતો. એણે સમજાવ્યું કે “અત્યારે નોકરીમાં કોણ બે-ત્રણ હજાર રૂપિયા આપવાનું હતું? ભલે અમે આખું ઘર અત્યારે કામે લાગી ગયા છીએ પણ ધીરે-ધીરે કમાણી વધવાની છે. નોકરી આજકાલ ક્યાં મળે છે?” કહી એણે પણ ભ્રષ્ટાચાર વિષય પર બે-પાંચ વાક્યો કહ્યા.

ઘરે પહોંચ્યો ત્યારે હું થાકી ગયો હતો. શારીરિક કરતા માનસિક થાક વધુ લાગ્યો હતો. નોકરી રેઢી નહોતી પડી. બીજે દિવસે પપ્પા સાથે મેં બધી વાત કરી. એમણે કહ્યું, ‘”દીકરા, તારી ચિંતા સાચી છે. આજકાલ બેરોજગારી વધતી જાય છે. દરેક જગ્યાએ મલ્ટી ટેલેન્ટેડ માણસોની જ ડિમાન્ડ છે. ખાલી ચોપડા ચીતરવાનો જમાનો હવે ગયો. પણ..” કહી એ સહેજ અટક્યા, મારી આંખોમાં આંખ પરોવી. “તું અત્યારે તારા ટી.વાય.ના અભ્યાસ પર ધ્યાન આપ. એ પછી માસ્ટર્સ કરી લે. એ પછી પણ એકાદ-બે વર્ષ ભણી લે. નોકરી તો આખી જિંદગી કરવાની જ છે. જેટલા સર્ટીફીકેટ વધુ હશે એટલી મોટી નોકરી મળશે.”

એક રાત્રે મિત્ર મંડળી સાથે હું બેઠો હતો. સૌ કોઈ નોકરી-ધંધા વિષે અવનવી વાતો-ચિંતાઓ કરતા હતા. અચાનક વીરો બોલ્યો, “આપણે તો નક્કી કરી લીધું છે. આ ટી.વાય. પૂરું થાય એટલે ભણવાનું પૂરું. ક્યાંક નાની મોટી જગ્યા ગોતી રેસ્ટોરન્ટ શરુ કરી દેવું છે. આજકાલ ચાઇનીઝ અને પંજાબી નવા નીકળ્યા છે. આપણા ગુજરાતીઓ પણ જે જુએ એ જાપટવા માંડે છે.” વીરાના પપ્પા પોલીસ હતા.

મારી વીમા કમ્પનીની નોકરી પૂરી થઈ એના એક જ મહિનામાં મારી ટી.વાય.ની પરીક્ષા પણ આવી ગઈ. કહે છે કે એક વાર પૈસા કમાવા શરુ કરો એટલે ભણવામાં રસ ન રહે. લક્ષ્મી અને સરસ્વતી એક સાથે ન મળે. મને ક્યારેક જીવનની જેમ ઘૂઘરાની લારી કરવાનો વિચાર આવતો હતો તો ક્યારેક પૂજનની જેમ ગવર્મેન્ટ જોબની પરીક્ષાઓ માટે મહેનત કરવાની ઈચ્છા થઈ જતી હતી.  ટી.વાય.ની પરીક્ષાના છેલ્લા પેપર વખતે બહાર નીકળતા મેં વીરાને કહ્યું, “ભલે વીરા.. તું ટી.વાય. પાસ થવાની પાર્ટી તારા જ ચાઇનીઝ-પંજાબી રેસ્ટોરન્ટમાં આપજે બીજું શું!” અમે સૌ હસી પડ્યા.

પણ બીજા જ દિવસે ભયંકર સેડ ન્યુઝ આવ્યા.

વીરાના ફાધરનું હાર્ટ એટેકને લીધે અવસાન થઈ ગયું.

“ઓહ.. વીરો તો હજુ ઘણો નાનો કે’વાય… એના પર તો આભ તૂટી પડ્યું…” અમે સૌ મિત્રો એના ઘરે દોડ્યા. નનામી તૈયાર થઈ રહી હતી. વીરો અમને જોઈને વળગીને રડ્યો. થોડી વારે એ હળવો થયો એટલે અમે એને સમજાવ્યો, “વીરા, હવે તું જ તારા પપ્પાની જગ્યાએ છો. તું રડીશ તો તારા મમ્મી અને બહેન સાવ તૂટી જશે.”

વીરાએ આખો બંધ કરી. પેલો વિક્કી પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. વીરાએ પાણી ન પીધું. પણ આંખ પર પાણીની છાલક મારી, મોં ધોયું. ‘રામ નામ સત્ય હૈ..’ બોલતા અમે સૌ મારી જ શેરીમાંથી પસાર થયા. સૌ કોઈ મોં  પર હાથ મૂકી રડતી આંખે જોઈ રહ્યું હતું. એ પછી થોડા દિવસો સુધી અમે નિયમિત રીતે વીરાના ઘરે જતા. નાના મોટા કામ કરતા.

ટી.વાય.નું રિઝલ્ટ આવ્યું. મને હાયર સેકન્ડ ક્લાસ આવ્યો હતો. હું નિરાશ હતો. માસ્ટર્સ કરવું કે નોકરીએ લાગી જવું? હું વિચારતો હતો. ત્યાં મોટી બેન તપાસ કરી લાવી. સરકારી કોલેજમાં કમ્પ્યૂટરનો ડિપ્લોમા કોર્સ થાય છે. ફી ઓછી છે. મારે ભણવું નહોતું પણ કમ્પ્યૂટરની ડિમાન્ડ મને આકર્ષતી હતી. અમે બધી કોલેજીસમાં તપાસ કરી. ફોર્મ ભર્યા. અને એક નવી જ દુનિયામાં મારો પ્રવેશ થયો….

લાઈફનો આ એક મોટો ટર્નીંગ પોઈન્ટ હતો. એક તો કમ્પ્યૂટર વિષય સાયન્સ જેવો હતો. પ્રેક્ટીકલ અને લોજીકલ અને બીજું અમારી કોલેજના પ્રોફેસર આદર્શ સાહેબ એક જીવતી જાગતી યુનિવર્સિટી જેવા હતા. એમણે કમ્પ્યૂટરના ‘ક’ થી શરુ કર્યું ત્યારથી જ અમે સૌ મંત્રમુગ્ધ થઈ ગયા. બેઝિક, કોબોલ, વર્ડસ્ટાર, સી જેવા વિષયોમાં મને તો ખૂબ જ રસ પડવા માંડ્યો. અમારી સાથે કેટલાક બેંક ઓફિસર્સ, કેટલાક સરકારી કર્મચારીઓ પણ કમ્પ્યૂટર કોર્સ કરી રહ્યા હતા. કેટલાકના માથાના વાળ સફેદ હતા. રોજનું એક-દોઢ કલાકનું લેક્ચર ભારે માહિતી સભર અને ચેલેન્જીંગ બની જતું હતું. જોત-જોતામાં બે મહિના નીકળી ગયા.

એક દિવસ પૂજને મને સમાચાર આપ્યા. વીરાને એના પપ્પાની જગ્યાએ પોલીસ ખાતામાં નોકરી મળી છે. હું વિચારમાં પડી ગયો. આ સમાચાર સુખી થવા જેવા હતા કે દુઃખી થવા જેવા? એક બાજુ વીરો સરકારી નોકરીએ લાગ્યો એટલે એના ઘરની જવાબદારી નિભાવવા એ સક્ષમ બન્યો એ વાત રાજી થવા જેવી હતી, પણ બીજી તરફ એ પિતાને ખોઈ ચૂક્યો હતો એ વાતની પીડાયે થતી હતી. વીરાને અભિનંદન આપવાની ભૂલ અમે કોઈએ ન કરી તો બીજી બાજુ વીરાના ચહેરા પર એ જોબ મળવા બદલ અમને થોડો અફસોસ જોવા મળ્યો. ખેર, ઈશ્વરને ગમ્યું તે ખરું.

એક સાંજે રાજકોટથી જીજાજી, એમના મમ્મી, પપ્પા અને નંદિની અમારે ઘેર આવ્યા. થોડી વારે અમે સૌ નજીક રહેતા અમારા ગોર અદા જોષીકાકાના ઘરે ગયા. જોષીકાકા મારા પપ્પાના મિત્ર હતા. અમારે એમની સાથે પારિવારિક સંબંધો હતા. એમનો દીકરો લાલો ‘શાસ્ત્રીજી’ તરીકે ઓળખાતો. એણે કર્મકાંડનો કોર્સ કર્યો હતો. એમની નાની દીકરી મહિલા કોલેજમાં આર્ટસમાં ભણતી હતી. અને અમે સૌ એને ‘ચકુ’ કહેતા. એ બહુ કામઢી અને ઝડપી હતી. નાતમાં જમવા ભેગાં થતાં ત્યારે હું અને લાલો અડખે-પડખે જ બેસતા. જોષીકાકાએ થોડી ગણતરીઓ કરી, કુંડળીઓનો અભ્યાસ કર્યો, પંચાંગના પાનાં ફેરવ્યા અને બે-ત્રણ તારીખો, અમારી સામે ધરી. થોડી ઘણી ચર્ચા વિચારણા બાદ દિવાળી પછીના ત્રીજા ગુરુવારે મોટીબેનના વિવાહની તારીખ નક્કી કરી નાંખવામાં આવી.

જીજાજીનો પરિવાર ગયા પછી અમે સૌ ચર્ચાએ ચઢ્યા. દાદીમાની વરસી તો તેરમા-સોળમા દિવસે જ વાળી લેવામાં આવી હતી તેમ છતાં લગ્ન થોડી સાદાઈથી કરવાનું સૌએ નક્કી કર્યું. એ પછી દિવસો ફટાફટ ભાગવા માંડ્યા. દિવાળી ઉપર તો અમે સાવ નવરા નહોતા. એક તરફ લગ્ન અને બીજી તરફ તહેવાર.

લગ્નને એકવીસ દિવસની વાર હતી ત્યારે જ અમારા ઉપર બહુ મોટી આફત આવી પડી. ગામડે ગયેલા પપ્પા પાછા ફર્યા ત્યારે બહુ ટેન્શનમાં હતા. જતીનકાકા સાથે બહુ મોટો ઝઘડો થયેલો. વાત જાણે એમ હતી કે દાદાજીના મૃત્યુ બાદ દાદીમાએ એમની મરણમૂડી જેવા એક લાખ રૂપિયા અમે ચારેય ભાઈ બહેન, હું, મોટીબેન, ગૌરી અને જીગાભાઈના નામે બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરીને મૂક્યા હતા. ચારેયના નામે પચ્ચીસ-પચ્ચીસ હજારની એફ.ડી. એમણે કરી હતી. વારસદારમાં એમણે પોતાનું નામ રાખ્યું હતું. ગૌરીના લગ્નમાં એની એફ.ડી. વપરાઈ ગઈ હતી. જીગાભાઈની પણ મોટાભાગની રકમ એમના કોર્ટકેસમાં વપરાઈ ગઈ હતી. હવે, મોટીબેનના લગ્ન હોવાથી પપ્પા જતીનકાકા પાસે મોટીબેનની એફ.ડી. ક્લોઝ કરી એની રકમ માંગવા ગયા હતા. જતીનકાકાએ ઘરની કફોડી હાલત સમજાવી હતી. પપ્પાનો પગાર બાવીસ સો રૂપિયા હતો. વર્ષોની બચતથી મમ્મી-પપ્પાએ પચીસેક હજાર ભેગા કર્યા હતા. એમાંથી અગિયાર હજારના સોનાના દાગીના બહેન માટે બનાવડાવ્યા હતા. વાડીનો ખર્ચ અઢી હજાર, જમણવારના બાર હજાર, દેવા-લેવાના ત્રણ હજાર, પૂજા સામગ્રીના, મારાજના, વાહનના, મંડપના એવા નાના મોટા ખર્ચાઓ ગણતા સહેજે ચાલીસ પિસ્તાલીસ હજાર જેવો ખર્ચ થતો હતો. પપ્પા પાસે દસ હજાર બચ્યા હતા અને શેઠ પાસેથી એમણે પંદરેક હજારની મદદ લીધી હતી. એમ છતાં પંદરેક હજાર ઘટતા હતા. પપ્પાની ગણતરી હતી કે મોટીબેનની પચ્ચીસ હજારની એફ.ડી. ઉપાડી લઈશું એટલે પ્રસંગ રંગેચંગે પાર ઉતરી જશે અને શેઠના પણ પંદર હજાર ચૂકવાઈ જશે. પરંતુ જતીનકાકા એ એક પણ પૈસો દેવાની સ્પષ્ટ ના પાડી દીધી. બહુ ઉગ્ર બોલાચાલી થઈ. પપ્પાના હૃદય પર જાણે વીજળી પડી હતી.

હું કોલેજેથી ઘરે આવ્યો ત્યારે ઘરનું વાતાવરણ ગમગીન હતું. પપ્પા પલંગ પર સૂતા હતા. મમ્મીએ મને થોડી વાત સમજાવી. હું ઘણું બધું સમજી ગયો. હું બપોર પછી એક સાયબર કાફેમાં નોકરી કરતો હતો. જમીને હું જતો રહ્યો પણ મારા દિમાગમાં હવે બહેનના લગ્નની ચિંતા ઘેરાઈ હતી. હજુ ચારેક વાગ્યા હશે ત્યાં જોષીકાકાના દીકરા લાલાભાઈએ મારા સાયબર કાફે સામે લ્યૂના ઊભું રાખ્યું. એ ઉતાવળમાં અંદર દોડી આવ્યા. બંટીભાઈ તમારા ફાધરની તબિયત ખરાબ છે, ડોક્ટર પાસે જવું પડશે, જલ્દી ચાલો. હું પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો. મને કૈંક ખતરનાક બનવાના વિચારો આવવા લાગ્યા. મેં ઝડપથી મારા સહાયકને મારું કામ સોંપ્યું અને લાલાભાઈની પાછળ મારું સ્કૂટી મારી મૂક્યું.

— કમલેશ જોશી


Leave a Reply to Hemant ShahCancel reply

4 thoughts on “અજીબ દાસ્તાં હૈ યે.. – કમલેશ જોષી