મારા કાનને સંભળાઈ રહ્યો છે સતત, એકધારો આવતો તીણો, ધીમો પણ સ્પષ્ટ અવાજ. અવાજની દિશા ઓળખતાં લાગે છે કે ડાબી બાજુના પારિજાત કે પછી બાજુના ઘરના કોઈ વૃક્ષ કે વેલીની ઘટામાં બેઠેલી શૌબિંગી બોલી રહી છે. એનો બોલાશ એ ગાન નથી. એવું લાગે છે જાણે ગયા ચોમાસાથી ગળામાં એકઠો થઈ રહેલો અવાજ ઊભરાઈ રહ્યો છે, આજે ને હમણાં જ ખાલી કરી નાખવો હોય એમ એકધારો, અવિરત..
આજના યાંત્રિક યુગમાં એકધારું અને એકસરખું જીવન જીવતાં માણસની મન:સ્થિતિ ક્યારેક કફોડી થઈ જાય છે. પાંજરાંમાં પુરાયેલાં પંખીની કેદ તો જોઈ શકાય એવી હોય છે પણ આધુનિક માણસ, સમયરૂપી અને દૈનિક નોકરી કે વ્યાપારની કેદમાં પુરાયેલો છે. જે અદૃશ્ય છે, એને જોઈ નથી શકાતી, માત્ર અનુભવી શકાય છે. હવા જેવી અદીઠી કેદમાં બંધ માણસનું મન, મુક્ત હવામાં શ્વાસ લેવા માટે તરફડતું અને મનગમતી જગાએ જવા છટપટાતું હોય છે. પરંતુ જડબેસલાક દૈનિકમાં બંધાયેલા એના માટે, એમ મન થાય ત્યાં ઊડી જઈ શકાતું નથી. હા, ઘરની બારી કે અગાશીમાં બેસી, સામે પથરાયેલાં વિશ્વમાં માનસિક લટાર જરૂર મારી શકે છે. આવા વિચારોમાં લીન થઈને, કોઈ ભાવુક ક્ષણે આ મુક્તક અનાયાસ ઊતરી આવેલું.
એકસરખાં રાતદિનનો ભાર લાગે છે મને
ને ક્ષણો પંપાળવાનો થાક લાગે છે મને
ખૂલતું આખુંય વિશ્વ ને લઈ જતું આકાશમાં
એ અટૂલી બારી ત્યારે દ્વાર લાગે છે મને
-મયુરિકા લેઉવા-બેંકર
મારાં ઘરની બારીમાંથી દેખાતો ઘરબગીચો અને એની લીલોતરીનું મનોરમ વિશ્વ નીરખવું મને બહુ ગમે. બપોરી એકાંતમાં બગીચાને નિહાળતાંનિહાળતાં ઘણી વખત હું મને ખુદને મળી જતી હોઉં છું.

આજે કેટલાય દિવસો પછી એ નમતી બપોર આવી પહોંચી છે. એ બપોર, જ્યારે ઘોંઘાટ શમી ગયો છે ને સઘળું સ્થિર થઈ ગયું છે. માનવસર્જિત અવાજો કે હલનચલન, કશાયનો અવાજ નથી. નિભૃત એકાંત એનું આધિપત્ય ધીરેધીરે સ્થાપી રહ્યું છે. ચોમેર અકથ્ય સ્તબ્ધતા ઝળુંબેલી છે. સ્તબ્ધતા જ્યારે પણ આવતી હશે ત્યારે પૂર્વશરતના ભાગરૂપે હવાને કેદ કરીને આવતી હશે? બગીચાના ઝાડ તો ઠીક, છોડની એકેય ડાળી કે પાંદડું સુધ્ધાં હલતું નથી. થોડીવાર તો મને થયું કે મારાં ચેતનવંતાં ચક્ષુઓથી જોવાઈ રહેલું દૃશ્ય જીવંત નથી. આગલા રૂમની બારી પાસે બેઠી છું હું. બારીની આ તરફનો ઘોંઘાટ શમી ચૂક્યો છે. બારીની પેલી તરફ મૌન એનો વ્યાપ વધારી રહ્યું છે. દીકરો મેઘ પણ એની કિલકારીઓ, કિકિયારીઓ, તરવરાટ, થનગનાટ અને રઘવાટ, રમકડાંની સાથે સમેટીને પોઢી ગયો છે. આ બાહરી શાંતિ અને સ્થિરતા, બિલ્લીપગે જાણે મારામાં ઉતરી રહી હોય એમ હું પણ ધીરેધીરે શાંત અને સંતુલિત થતી જાઉં છું. મારું ધ્યાન બારીની બહાર દેખાતાં દૃશ્યમાં પરોવાઈ ગયું છે. મોબાઇલના બીપ કે અન્ય વિચારો હવે મને સ્પર્શી શકે એમ નથી.
મારા કાનને સંભળાઈ રહ્યો છે સતત, એકધારો આવતો તીણો, ધીમો પણ સ્પષ્ટ અવાજ. અવાજની દિશા ઓળખતાં લાગે છે કે ડાબી બાજુના પારિજાત કે પછી બાજુના ઘરના કોઈ વૃક્ષ કે વેલીની ઘટામાં બેઠેલી શૌબિંગી બોલી રહી છે. એનો બોલાશ એ ગાન નથી. એવું લાગે છે જાણે ગયા ચોમાસાથી ગળામાં એકઠો થઈ રહેલો અવાજ ઊભરાઈ રહ્યો છે, આજે ને હમણાં જ ખાલી કરી નાખવો હોય એમ એકધારો, અવિરત..
ત્યાં જમણી બાજુના પાર્કિંગ શેડના છાપરેથી ઊડી આવીને રૂપનો ઢગલો બગીચાના લીલાછમ ઘાસના ગાલીચામાં પડ્યો. નીલા રંગની નાજુક ડોકને આગળપાછળ ઘુમાવી ઘાસમાંથી જીવડાં અને સવારે મમ્મીએ નાખેલી રોટલીના ટુકડા આરોગવા લાગ્યો. એની બેફિકર, મદમાતી ચાલ સામે ભલભલી મૉડેલ્સ પાણી ભરે. હું બારીમાંથી એને જોઉં છું એની ખબર એને નથી તેમ છતાં મને કેમ એવું લાગ્યું જાણે મને કહી ના રહ્યો હોય કે ‘નજાકત’ આને કહેવાય. હવે પછી તારી વાર્તાઓમાં નજાકત શબ્દ વાપરતાં પહેલાં આ યાદ રાખજે. હું છોભીલી પડી ગઈ અને બારીમાંથી પણ એને દેખાઉં નહિ એમ નીચી નમી ગઈ. એનો રાજાશાહી ઠાઠ ઓર ખીલ્યો. એણે મારી તરફ પીઠ ફેરવીને હળવેહળવે રંગોનો વર્ણપટ ઉઘાડ્યો. સમસ્ત સૃષ્ટિમાં ઈશ્વરે માત્ર એને આપેલા રંગવૈભવ બદલ મારું હૈયું ભાવવિભોર થઈ ઊઠ્યું. કઈ ક્ષણે એ મારી તરફ ફરે એ નક્કી નહોતું. હું મારી સઘળી ઉત્કંઠા સાથે એનું રૂપ, એના રંગો, એનું લાવણ્ય મારી આંખોમાં ભરી લેવા તત્પર હતી પણ કદાચ આજે એને ગાન-નર્તનની ઇચ્છા નહોતી. ઊંધા ફરેલા રહીને જ એણે પોતાનો પંખવિલાસ આટોપી લીધો. હવે એ પણ અત્રતત્ર વ્યાપ્ત સ્તબ્ધતાનો ભાગ હોય એમ સ્થિર થઈ ગયો.
કોઈ છોકરીને એનો પ્રેમી પરાણે પ્રેમ કરવા મજબૂર કરતો હોય અને એ એનાથી દૂરદૂર ભાગતી હોય એમ એકની પાછળ ઊડતો બીજો, એવા બે કબૂત પંખીડાં મોરની પાસેથી પસાર થયાં અને દૂર આકાશમાં વિલીન થઈ ગયાં. કોઈ ઋષિએ પોતાની મંત્રવિદ્યાથી યજ્ઞ કર્યા પછી વધેલી રાખમાં જીવ પૂરી બનાવ્યાં હોય એવાં ધુમાડિયા વાનનાં બેરંગી કબૂતરાં, આકાશી ધુમ્મસમાં ભળી ગયાં.
રાખોડિયાં રંગને આછો કરીએ ને માટીમાં રગદોળીએ તો જેવો રંગ બને એવા રંગનાં બે વનલલેડાં ક્યાંકથી આવીને હીંચકાનાં નળિયે બેઠાં. બેઠાં ભેગાં જ એમના કર્કશ ધ્વનિથી બપોરી શાંતિમાં ભંગ પાડવાની ગુસ્તાખી કરવા લાગ્યા. હજુ તો બે બોલ બોલ્યાં હશે ને એમને ભાન થયું કે અત્યારે બપોર છે ને એના પીનડ્રોપ સાઇલેન્સના નિયમનું પાલન કરવાનું છે. તરત જ બોલવાનું બંધ કરીને શિથિલ ઉડાન ભરી નીચે ઘાસમાં આવ્યાં. આમતેમ ઠેકડા મારીને જંતુ શોધતાં હતાં કે એમના ટોળાનાં બીજાં લલેડાં આ બેને શોધતાં આવી ચડ્યાં. “કાઉંકાઉં ટાઉંટાઉં…” કરતાં રીતસરનાં પેલાંઓને ઝગડવા લાગ્યાં. જાણે કહેતાં ના હોય કે, અમને મૂકીને કેમ આવી ગયાં? ખાસીવાર સુધી આ બધાંનું “કાઉંટાઉં…” ચાલ્યું. એમનો શોરબકોર સાંભળીને એવું લાગ્યું કે આ તો મારા બેટા કાબરનેય ટપી જાય એવા બખાળિયાં છે. પણ બપોર જેનું નામ, શાળાના કડક આચાર્ય જેવા એના ખોફથી થોડીવારે શોરગુલ જંપ્યો. બધાં મળીને લગભગ સાતઆઠનું ઝૂંડ બની ગયું. હિન્દીમાં એટલે જ વનલલેડાંને સાતભાઈ કહે છે. એકબીજા સામે જોતાં કે જીવડાં-જીવાતો માટે આસપાસમાં નજર ફેરવતાં વનલલેડાંની આંખો અને ચહેરો જુઓ તો એક ક્ષણમાં તમે ઓળખી જાવ કે, અરે! આ તો પેલી મોબાઇલ ગેમનાં એન્ગ્રીબર્ડ્સ જ.

આ વિહંગડાંને જોતાંજોતાં વિચાર આવ્યો કે, માણસો પણ આવાં જ હોય છે ને? અમુક નાછૂટકે બોલે, અમુક જરૂર પડે ત્યારે બોલે, અને અમુકને બોલ્યાં વિના ચાલે નહીં. પંખીસૃષ્ટિમાં રહેલાં આવા ગુણલક્ષણોની ભાત માણસોમાં કઈ રીતે ઊપસી આવી હશે? એ બાબત કાયમ મને કૌતુક પમાડે છે. આ જુઓને, ક્વચિત્ જ બહાર નીકળતી પાનફૂત્કીઓ, બપોરી ઘેનમાં રત લીલોતરીનો લાભ લઈને કેવી ખુલ્લામાં વિહરવા નીકળી પડી છે. પાંદડાંની ઘેઘૂર ઘટામાં છુપાઈને ધીમે સાદે મીઠુંમધુરું બોલતી આ શર્મિલીઓને તો ‘વનવહુઓ’ જ કહેવાનું મન થાય.
આ ક્ષણે એક વિચાર એવો આવે કે, જેમ બારીરૂપી બખોલમાં ગોઠવાઈને હું આ ખગવિશ્વની લીલા માણી રહી છું એમ તેઓ પણ સવારસાંજ એમની બખોલ કે ઘટામાં છુપાઈને માણસજાતની રમતો જોતાં હશે ને? શું તેઓ પાસેથી મળે છે, એવો આનંદ, આપણી પાસેથી એમને મળતો હશે? વિચારમાળા લંબાય એ પહેલાં તો મારી નજર સામેનાં લીલોતરીથી ભરચક કૅનવાસમાં ડાબેથી જમણે ઊડેલાં પીળકે પીળો લસરકો મારી દીધો.
ઊભા લંબચોરસ ટુકડાના અવકાશ સમી ખુલ્લી બારીમાંથી દેખાતાં અખૂટ નિસર્ગને તરસ્યાં નયનોથી પીવાનું હજુ તો શરૂ જ કર્યું છે ત્યાં “મમ્મી..” બૂમ પડી ને દરવખતની જેમ ફરીવાર, દિવસો પછી હાથમાં આવેલી બપોર સરકી ગઈ.
– મયુરિકા લેઉવા બેંકર
મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
લીલાછમ વગડામાં ફરી આવી જાણે કે! મન પ્રફુલ્લિત થઈ ગયું
આભાર સરલાબેન.