માણસની જેમ વૃક્ષને ચહેરો નથી હોતો, તેમ છતાં એની આગવી ઓળખ તો હોય છે જ. એ છે એની ઘટાનો ઘેરાવો, એની ઊંચાઈ, એનાં ફૂલોનાં રંગરૂપ અને એનાં પાંદડાંનો આકાર. પણ ઘટા હોય કે નહીં, ઊંચાઈ વધે કે નહીં, ફૂલો કોળે કે નહીં, માત્ર એનાં પાંદ પરથી પણ વૃક્ષની ઓળખ થઈ શકે છે. વૃક્ષની ડાળી પર લાગેલું પત્ર એ ખરેખર તો એનું ઓળખપત્ર છે.
ધીમી ચાલે પાનખર વહી ગઈ છે. આવતી વેળા નિસ્તેજ લાગતો એનો ચહેરો, જતી વેળાએ ખબર નહીં કેમ પણ આભામય ભાસતો હતો. ત્યાગના તપનું બળ હોય કે આવનાર વસંતના રંગરાગનો આનંદ. જે હોય એ પણ એનું આવાગમન નિસર્ગના કણકણને ધમરોળી નાખે છે, એનાં રંગરૂપને જડમૂળથી ફેરવી નાખે છે. વર્ષામાં અમૃત પીને દીપ્તિમાન બનેલી લીલોતરી, હેમન્તની ઠારમાં જાણે સ્થિર થઈ જાય છે, કહો કે, એનું ઓજ ટકાવી રાખવા ઝઝૂમે છે. લીલાશની કાંતિ સાદ્યંત રાખવાના એના મરણિયા પ્રયાસોને નિર્દયતાથી કચડી નાખવા આવી પહોંચે છે પાનખરની સવારી. હળવે પગલે આવીને થોડાંથોડાં કરીને વૃક્ષોનાં સઘળાં પર્ણો ખેરવી નાખે છે ત્યારે આ પાનખરમાં મને કોઈ મહાકાય રોમશત્રુના દર્શન થાય છે. પણ પછી જ્યારે પર્ણરહિત દ્રુમની નગ્ન બનેલી શાખાપ્રશાખાઓને સૂર્યતેજમાં માથાબોળ નહાતાં જોઈએ, કિરણપુંજનો પ્રકાશ પીને તેજોમય બનેલાં થડડાળ નિહાળીએ ત્યારે એમાં પલાંઠી વાળીને ધ્યાનમગ્ન બનેલા કોઈ ઋષિની સહજ પ્રતીતિ થાય. વસંત વળી આ ઋષિને વરણાગી બનાવે. ત્યાગ અને રાગનો નિત્યક્રમ અખંડ ચાલ્યા કરે.
દિગમ્બર બનેલાં વૃક્ષો પર કિસલયો ફૂટે, કળીઓ બેસે, મુકુલો મહોરે, પુષ્પો ખીલે ને ફળે, કૂંપળો વિકસી પર્ણો બને. ઝાડ ફરી પાછું નવપલ્લવિત થઈ જાય. થોડો સમય લીલપનો વૈભવ માણે ના માણે ત્યાં તો ફરી પાછી પાનખર આવી ગળે મળે. વૃક્ષોના અસ્તિત્ત્વકાળથી આ પ્રક્રિયા ચાલ્યાં કરે. નવી કૂંપળો ખીલવા માટે જૂનાં પાંદડાંએ તો ખરવું જ પડે ને! જૂનું નષ્ટ થશે તો નવાને ઊગવા માટે અવકાશ સર્જાશે. કુદરતનો આ નિયમ સમાજજીવન માટે પણ એટલો જ સાચો છે ને?

થોડા દિવસ પહેલાં બોરસલીના બીજને અંકુરિત કર્યાં તો બીજમાંથી પ્રથમ જ વખત ફૂટેલાં નવાંકુરને જોઈને અદ્દલ એવો જ રોમાંચ થયો હતો જેવો નવજાત શિશુને જોઈને થાય. નવજાત બાળકના નાજુકતમ હાથને સ્પર્શતાં જે સંભાળ લઈએ એવી જ સંભાળ આ નવાંકુરને સ્પર્શતાં લીધી હતી. ક્યાંક મારા હાથના સ્પર્શથી એની લીલાશ પર ડાઘ તો નહીં પડી જાય ને? એવી ધાક મનમાં સતત રહેલી. જ્યારે આ જ નવજાત રોપ પુખ્ત વૃક્ષ બની જાય છે ત્યારે વૈરાગી સંત સમાન એનું વૃક્ષત્ત્વ પર્ણેપર્ણે ઝળકે છે. લીલાશરૂપી પરોપકાર અને ભીનાશરૂપી કરૂણાના દ્યોતક સમું લીલું લોહી ધરાવતાં આ સજીવોની કથની સાંભળવી છે? ચાલો,
કવિ જુગલ દરજીનું એક ગીત સંભળાવું.
આટલું, લીલાં લોહીમાં એના,
ક્યાંક કદી જો ઝાડને ફૂટે જીભ અચાનક તોય તને ફરિયાદ કરે ના.
°આટલું, લીલાં લોહીમાં એના…
હોય છે નાનો છોડ તે દી’થી કાયમી કાળા શ્વાસને પહેરી આયખું તારે નામ કરે છે,
આટલેથી પણ અટકે નહિ ને પંડને તારા રાખ થવા લગ સંગ બળે છે-સંગ મરે છે,
હડસેલે કે ધૂતકારે તું, કોઈ દી લોટો પાય ન પાણી તોય એને કંઈ ફેર પડે ના.
°આટલું, લીલા લોહીમાં એના…
આકરો છોને તાપ હો માથે તોય ઊભું રહી ‘કોઈ આવે‘ની ઝંખના સેવી નેજવાં કાઢે
તોય રે માણસ જાત તું તારી જાત બતાવે રોજ ઊઠીને ધડધડાધડ છાંયડા વાઢે!
કેટલો આપ્યો ત્રાસ તેં એને તોય યુગોથી છમલીલીછમ છાંય આપે પણ હાય આપે ના
°આટલું, લીલા લોહીમાં એના…
લીલોતરી નામના પરિવારના વિવિધ સભ્યો, ઘાસ, છોડ, ક્ષુપ, વેલા, વેલી, ઝાડ વગેરેનો લીલો રંગ કયા અંગને આભારી છે? કહો જોઉં! હા, પાંદડાંનેસ્તો વળી. પાંદ, પાંદડું, પર્ણ, પાન, પત્ર, પત્તું વગેરે એકાધિક નામોથી ઓળખાતું એક પાતળા નાજુક, દંડ વડે જોડાયેલું આ અંગ વનસ્પતિને પોતાને તો ખરી જ પણ એ જ્યાં હોય તે આખાં દૃશ્યને લીલપ બક્ષે છે.
ડૉ. ગુરુદત્ત ઠક્કર લખે છે તેમ,
થોડો તડકો લીધો, થોડું પાણી પીધું
ને પછી આખુંય ચિત્ર એણે લીલું કીધું!
જ્યારે વૃક્ષોનો અનેક વર્ણપટ ધરાવતો લીલો રંગ જોઉં ત્યારે થાય કે કુદરત નામની આ એપ્લિકેશન પાસે લીલા રંગોની કેટલી વિશાળ શ્રેણી છે! વળી એની લીલપ માત્ર સ્થૂળ ચક્ષુઓ વડે દેખાતા લીલા રંગ પૂરતી થોડી જ છે? એના લીલા રંગની ભીનાશ તો આંખોના રસ્તે થઈ હૈયાં લગ સ્પર્શે એવી સાચુકલી!
કવિ હરીન્દ્ર દવેએ અમસ્તું જ નથી કહ્યું,
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
જાણે મોસમનો પહેલો વરસાદ ઝિલ્યો રાજ..
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા…”
પાન કે પાંદડાંનો પ્રેમના રૂપક તરીકે આટલો સુંદર વિનિયોગ જવલ્લે જ જોવા મળે. ક્યારેક તો એવું લાગે કે, પાનનો ‘પ’, પ્રેમનો ‘પ’ અને પ્રકૃતિનો ‘પ’ બધાંય એક જ.

માણસની જેમ વૃક્ષને ચહેરો નથી હોતો, તેમ છતાં એની આગવી ઓળખ તો હોય છે જ. એ છે એની ઘટાનો ઘેરાવો, એની ઊંચાઈ, એનાં ફૂલોનાં રંગરૂપ અને એનાં પાંદડાંનો આકાર. પણ ઘટા હોય કે નહીં, ઊંચાઈ વધે કે નહીં, ફૂલો કોળે કે નહીં, માત્ર એનાં પાંદ પરથી પણ વૃક્ષની ઓળખ થઈ શકે છે. વૃક્ષની ડાળી પર લાગેલું પત્ર એ ખરેખર તો એનું ઓળખપત્ર છે. પાંદડું યાદ કરું છું ને પીપળો, આસોપાલવ, આંબો, વડ, ગિલોય, ખાખરો, કાંચનાર, પારિજાત, રાયણ, બોરસલી, બિલી, ગુલમહોર, કેળ વગેરે વૃક્ષોનાં વૈશિષ્ટ્ય ધરાવતાં પાન એકસાથે આંખો સામે ખડાં થઈ જાય છે. પીપળાના પાનનું સૌંદર્ય મહેંદીની ભાતથી લઈને દીવાલો પરનાં કોતરણીકામ સુધી વિસ્તરેલું છે. પીપળાના પાનનો અનુપમ આકાર કળાના વિવિધ ક્ષેત્રોમાં વ્યાપકપણે પ્રયોજવામાં આવે છે. આસોપાલવ, આંબા કે કેળના પાનને ધાર્મિક વિધિવિધાનોમાં અદકેરું સ્થાન મળ્યું છે. ગિલોયના હ્રદયાકાર પાંદડાને કારણે અંગ્રેજીમાં તેને ‘હાર્ટ લીવ્ડ મૂન સીડ’ કહેવામાં આવે છે. ખાખરાનાં મસમોટાં પાનની ઉપયોગિતા નોંધવા જઈએ તો બહુ લાંબી યાદી થાય પણ પડિયા-પતરાળાં કહીશું એમાં બધું આવી જાય. પારિજાતનાં પાનની કકરી સપાટી ક્યારેય ના ભુલાય તો બિલીપત્ર શિવઆરાધનામાં મોખરે. બિલીનાં ત્રિદલ કે સપ્તપર્ણીનાં સપ્તદલની અનન્યતા વિષે વિચારતાં નિસર્ગદેવને નતમસ્તક વંદન થઈ જાય.
સૃષ્ટિમાંથી પ્રાણવાયુ શ્વસી અગ્નિવાયુ ઉત્સર્જિત કરતાં આપણે સહુને, અગ્નિવાયુ ગ્રહી પ્રાણવાયુ બક્ષતી લીલોતરી ઈશ્વરના લીલા આશીર્વાદ નહીં તો બીજું શું? એનાં પર્ણોની શિરાઓને કોઈ વખત તમે તમારી હથેળીની રેખાઓ સાથે સરખાવી છે? સરખાવી જોજો. તમને પ્રતીતિ થશે કે આ લીલાં લોહીવાળાં સજીવો સાથે આપણે લાલ લોહીવાળાં સજીવોનો કોઈ પુરાતન સંબંધ ચોક્ક્સ છે. કદાચ એટલે જ, એમનાં સાંનિધ્યમાં આપણને નિતાંત શાતાનો અનુભવ થાય છે, તન અને મન પ્રફુલ્લિત થઈ જાય છે.
પાંદડાંની આવી હરિતપીત વાતો અહીં મંડાયા જ કરશે. લીલાં લોહીનાં ગુણગાન અહીં ગવાયાં જ કરશે. લીલોતરીની કંકોતરી તમને આમંત્રણ આપે છે લીલા રંગે રંગાવાનું. તમે સ્વીકારશો?
ટહુકો:
પાંદડાએ લે મને ઊભી રાખી,
વિનોદ જોષી
પછી અમથી ને પછી તમથી ને,
પછી સાચકલી વાત કહી આખી.
– મયુરિકા લેઉવા-બેંકર
મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
Very natural flow of creative writing.attractive Photography as well. keep it up.Madam you are selection of topics are wonderful.
Mauritania…. very beautiful way describing nature & it’s magic in words. The arrangement of wording & expression of nature emotion…… very beautiful.
આભાર.
ખરું કહ્યું, વૃક્ષની ડાળી પર લાગેલા પાંદડા જ તેમનું ખરું ઓળખ પત્ર છે. કવિ શ્રી જુગલ દરજીનું કાવ્ય , આટલું લીલા લોહીમાં એના… વાહ!
આભાર આરતીબેન.
વૃક્ષની વાચાને સમજવા સજાવવાની સરળ શૈલી સ-રસ
આભાર ઊર્મિલભાઈ.
ખૂબ સુંદર નિબંધ. લીલા પર્ણો જેવો તાજગીભર્યો લાગ્યો.
આભાર માનાબેન.
Ultimate
આભાર.
લીલોતરી સાથે મને ખૂબ લેણું છે. હિમોગ્લોબીન વધારવા Wheat grass નો જ્યુસ બહુ પીધો. સાત વર્ષ પહેલાંની વાત યાદ આવી ગઈ. એને લીલું લોહી કહે છે. ખૂબ જ સરસ લેખ મયુરિકાબેન..
આભાર આરતીબેન.
હા ખરેખર આપણને લીલોતરી સાથે કોઈ પુરાતન સબંધ છે જ. ખૂબ મજાનો લેખ સાથે સરસ કાવ્યપંક્તિઓ ટાંકી. આભાર.
આભાર સુષમાબેન.
GREEN BLOOD REALLY GIVEN GREEN LIGHT TO MIND & BODY. THANKS FOR GOD GIVEN GREEN LIFE ON WORLD, NICE ARTICLES.
આભાર અનિલભાઈ.
લીલું લોહી નવો જ શબ્દ જાણવા મળ્યો.
બહુજ સરસ રચના, પ્રકૃતિમાં તરબોળ થઈ જવાયું.
આભાર અનિલાબેન.
Heartfelt and deep rooted thoughts and writing. Eye opening.We see beautiful trees growing in hard rock. It is unbelievable how those trees get water and food for survival. Nature is very close to us.This beautiful article showing us. Thank you.
આભાર યુવરાજભાઈ.
સુંદર લેખ મયુરિકાબેન..
સાચે જ વનસ્પતિનું સાંનિધ્ય શાતા આપનારું હોય છે!
આભાર ભારતીબેન.