ઢળતી ઉંમરના જવાબો – પુસ્તક ‘સાંજે સૂર્યોદય’


જીવનની ઢળતી સાંજ વિશે, એના નવોન્મેષ વિશે, ઉંમરના એ ઉંબરે મનમાં થતા સૂર્યોદય વિશે અનેક પ્રતિભાશાળી વિદ્વત્તજનોની કલમે લખાયેલા અદ્રુત લેખોનો સંગ્રહ એટલે નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અંકિત ત્રિવેદીનું સુંદર પુસ્તક ‘સાંજે સૂર્યોદય’.

ઢળતી ઉંમરના જવાબો – અંકિત ત્રિવેદીના નવા પુસ્તક ‘સાંજે સૂર્યોદય’ વિશે તેમની જ કલમે પુસ્તકની પ્રસ્તાવનામાંથી..

નવીન ઈનિંગ અને ઈવનિંગની વેળા એટલે સાંજે સૂર્યોદય! જોયેલા સપનાંઓ સાચા પડ્યાં હોય તોય વધુ સાચા પડે એની ઘેલછા જાગે. સાંજ એટલે દિવસનું વૃદ્ધત્વ નહીં. સંધ્યાને આપણાં શાસ્ત્રોમાં ખૂબ મહત્વ આપાયું છે. સંધ્યા એ જોડતી કડી છે. આજે સમાજ ડિપ્રેશનનો પહાડ લાગે છે. બધાને પોતપોતાની તકલીફો અને સમ્સ્યાઓ છે. આવી તકલીફ અને સમસ્યા યુગોથી સાથે ચાલી આવે છે. એમાંથી જ સંસ્કૃતિ આગળ વધી છે અને ઘડાઈ છે. હથેળીમાં પથ્થર ઘસીને તણખા વેરતાં આદિમાનવને કદી કલ્પ્યો છે? કલાકોની મહેનત પછી તણખાં ઝરતાં હશે અને એમાંથી અગ્નિ પ્રગ્ટયો હશે! આજે હથેળીમાં મોબાઈલ છે એટલે આખી દુનિયા છે. માણસ જે ઇચ્છે તે આંગળીના ટેરવે કરી શકે છે. તોય આજે એકલાપણું દરિયા કરતાં વધારે વિશાળ છે. ટેરવા પર સમાધાન હોવાની જ્ગ્યાએ આજે વ્યવધાન છે. એકલો પડી રહેલો માણસ પોતાની દુનિયામાં મસ્ત હોવાને બદલે ત્રસ્ત છે. આ પુસ્તક તેનું સમાધાન છે.

વૃદ્ધાવસ્થાને અને એકલતાને સમજવી જરૂરી છે. માણસ વૃદ્ધ હોય પણ પોતાની મસ્તીમાં જીવતો હોય તો તેને એકલતા નથી નડતી. માણસ એકલો હોય અને એકાંતને સમજીકે જીરવી ન શકતો હોય ત્યારે અકાળે વૃદ્ધ બની જાય છે. આ પુસ્તક એવા સમાજને સાંત્વના આપવા અને પોતાની મથામણમાંથી મહેફિલનું રૂપાંતરણ કરવા માટે છે.

ઢળતી ઉંમરે વાત ક્યારે વલોપાત બની જાય એની ખબર નથી પડતી. પ્રેમ ક્યારે પઝેસિવ થઈ જાય એની મુંજવણ થાય છે. સંતાનોને જીવનભર સ્વતંત્રતા આપી હોય ને હવે સંતાનોને સહેજ પણ અળગા કરવાં ન ગમતાં હોય! એમને ફરીથી નાના કરી, બાલપણમાં લઈ જઈને રમાડવાનું મન થતું હોય! સામે પક્ષે આપણને બાળપણ ફૂંટ્યું છે એની ખબર ફક્ત સંતાનોને જ હોય. એમનો પરિવાર હોય અને એ બધા જીવનના ઝંઝવાતો સામે ટકવાનો પ્રયત્ન કરતાં હોય. એવા સમયે આપણને એમનો સમય જોઈએ અને એમણે આપણા આશીર્વાદ જોઈતા હોય. આ બંન્ને વચ્ચેનો ટકરાવ જનરેશન ગેપ છે. ઉશ્કેરાઈ જવામાં બંને પક્ષ ઉતાવળા હોય છે, કારણકે ધારેલું જીવવું છે અને જિવાય ગયું છે એને ફરીથી ધારવું છે. આ પુસ્તકમાં ઢળતી ઉંમરના પ્રશ્નો નથી, જવાબો છે. આ પુસ્તક વૃદ્ધા અવસ્થાની ડિક્શનરી  છે.

ઢળતી ઉંમર એટલે એવો પડાવ જે આપણને અનુભવથી સમૃદ્ધ કરે છે. સંધ્યાકાળે જોવાનો આનંદ હોવો જોઈએ. એ સૂર્યત્યાંનો ત્યાં જ છે. પૃથ્વી પડખું બદલે છે. જીવન ત્યાંનું ત્યાં જ છે, સૂર્ય જેવું સ્થિર. માત્ર મૃત્યુ શરીર બદલે છે. અવસ્થાઓ મનને પહેરાવેલાં વિચારોનાં કપડાં છે, જે ઘરમાં જુદાં હોય છે. એ બહાર જતી વખતે બદલવાં પડે છે. જીવનને સમૃદ્ધ રીતે જીવવામાં બેંક બેલેન્સની નહીં, આપઓળખથી ઊભીકરેલી સેન્સની છે. આખી જિંદગી જેને નેઇમપ્લેટ  વહાલી લાગી છે એના માટે વૃદ્ધત્વ અઘરું છે. જેને માત્ર પોતાની રીતે જ જીવવું છે અને એમનું જ બધે ચાલવું જોઈએ, એમના માટે ચાવીનો ઝૂડો કેડ કરતાં પણ વજનદાર લાગે ત્યારે શરીરે શરીરે અને સમજે સમજવું જોઈએ. ગાડી ચલાવતાં ઠીંચણ દુઃખતા હોય ત્યારે ચાવીનો મોહ જતો કરવો જોઈએ. આપણને રસ શેમાં હોવો જોઈએ? દુનિયા સહજ રીતે ચાલે અને આપણો સ્વીકાર કરે એમાં? કે દુનિયા મારાથી જ ચાલે અને મારો સ્વીકાર કરે એમાં? આ પુસ્તકમાં આવી ગાંઠ છૂટ્યાની વેળા છે. ઝાંખું દેખાવનું શરૂ થાય ત્યારે સમજવું કે શરીરની પીઠી ઉતારવાના દિવસો નજીકમાં છે. આ પુસ્તક ચોળેલી પીઠીનું આલ્બમ છે.

‘સાંજે સૂર્યોદય’ પુસ્તકને પ્રમાણમાં ખાસ્સી વાર લાગી લેખો ભેગા કરવામાં અને વચ્ચે કોરોનાકાળ આવ્યો.  સંપાદનમાં સંપીને બેઠેલા કેટલાક વિદ્વત્ત્જનોને વિદાય આપવી પડી. એ લોકોએ કલ્પેલી સાંજ જેવું ખુમારીભર્યું જ જીવ્યા. હવે એમનાં સ્મરણોનો સૂરજ આ સંપાદનમાં ઊગ્યો છે.

જીવનની હકારત્મકતાને ધ્યાનમાં રાખીને પુસ્તક કરવું એવો અભિગમ હંમેશા રહ્યો છે. આજે બધું જ હોવા છતાં ખાલી લાગતા માણસને બધાએ અનુભવ્યો છે. એણે ભેગા કરેલા પૈસા કે ભેગી કરેલી સમૃદ્ધિની છાપ એની આંખોનાં કુંડાળાં નીચે વંચાય છે. જેની પાસે કશું જ નથીએનો વસવસો અને લાચારી શરીરમાં ધ્રુજારી બનીને હચમચાવે છે. આ પુસ્તક એ તમામને પીઠબળ-આત્મબળ પૂરું પાડવા માટે છે.

બીજની ઉંમર વધે પછી વૃક્ષ સુધી ઉછેરે છે. વૃક્ષ પાછું પોતાનાં ફળોને-ફૂલોને ખેરવીને જમીનમાં બીજ બનીને ઊગે છે. નિરંતર ચાલતી આ પ્રક્રિયાના આપણે સાક્ષી રહેવાનું છે. જે ચાલ્યા જાય છે એમની પાછળ આંસુ સારીને એમનામાં રમમાણ રહેવાનું છે. જે અહીંયાં પૃથ્વી પર છે અને એકલતા અનુભવે છે. એમણે બીજે ઊગવાની તૈયારી રાખવાની છે પછીની પેઠીને આપણો અજંપો, પીડા, બેચેની કે એકલતા કે લાચારી આપીને જવાનું નથી. આપણા સિદ્ધાંતો આપણા મુજબ આપણા પૂરતા રહેશે. એમને સપનાં સાચાં પાડવા માટે હળવેકથી-વહાલથી વહેલા જગાડવાના છે. સલાહ નહીં, સ્નેહથી ભીંજવવાના છે. આકરા થવાના સમયે ગુસ્સાને શાંત કરી એમની ભૂલ તરફ અંગૂલીનિર્દેશ કરવાનો છે. પેઢી વચ્ચે અંતર ઘટાડવાનું છે.

વમળ સ્થિર કરીને જળનું બાષ્પીભવન થતું જોવાનું છે. જિંદગી છે એટલે બધું જ જીવવા જેવું છે. ઉંમરના દરેક પડાવે અને અનુભવના સ્વભાવે આ પુસ્તક ‘સાંજે સૂર્યોદય’  ઢળતી ઉંમરના જવાબો આપતું રહે એવા વિશ્વાસ સાથે પ્રેમ ને શુભ માનનારા સહુને અર્પણ કરું છું.

– અંકિત ત્રિવેદી

અક્ષરનાદને આ સરસ મજાનું પુસ્તક ભેટ આપવા બદલ નવભારત સાહિત્ય મંદિરનો આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો…

પ્રાપ્તિસ્થાન – નવભારત સાહિત્ય મંદિર, કુલ પાનાં ૩૨૦, કિંમત – રૂ. ૪૯૯/-

પુસ્તક ઓનલાઇન મેળવવા લિંક https://amzn.to/3OUlKtQ

અક્ષરનાદ પર ઉપયોગી પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો...

આપનો પ્રતિભાવ આપો....