તેરે મેરે બીચ મેં… – કમલેશ જોષી 6


મારું એ લખાણ નોટીસ બોર્ડ પર મૂકવામાં આવ્યું હતું. હું તે દિવસે કોલેજે ગયો ત્યારે થોડો શરમાતો હતો. મને હતું કે હું આખી કોલેજમાં પ્રખ્યાત થઈ ગયો હોઈશ, પણ પૂજન અને મની સિવાય કોઈએ મને ‘અભિનંદન’ ન આપ્યા. હું ઘરે આવ્યો ત્યારે નિરાશ હતો. બીજા દિવસે પણ કોઈ કશું બોલ્યું નહિ. મને મારા પર જ હસવું આવવા માંડ્યું. શું હું ચંદ્રકાંત બક્ષી કે હરકિશન મહેતા હતો? મને મારા લેખના શબ્દો યાદ આવ્યા. હવે મને એ બધું લખવા બદલ પસ્તાવો પણ થવા લાગ્યો હતો.

“તમે સારું લખો છો.” એક મધુર સ્વર મારા કાન સાથે અથડાયો ત્યારે હું ચમક્યો.

સ્મશાન યાત્રા ભાગ – ૧૩

ફિલ્મો અમને લવ-સ્ટોરી શીખવતી હતી, પ્રોફેસરો અમને માર્કેટ, જમા ઉધાર, બેંક, કમ્પનીના પાઠ ભણાવતા હતા અને મિત્રો તોફાન-મસ્તી-સાહસની દુનિયામાં લઈ જતા. હવે મારું માઇન્ડ ચાર નહિ દસ દિશાઓમાં દોડતું. હવે અમને મિકી-માઉસ કે સ્પાઇડરમેન નહીં, મિથુન, પદ્મિની, શાહરૂખ, સલમાન, માધુરીમાં રસ પડ્યો હતો. કોલેજ કેમ્પસમાં ઘણી વાર છોકરો-છોકરી એકબીજા સાથે વાતો કરતા ઊભા હોય તો અમે એમને જાહેરમાં ‘બગડેલા’, ‘ખરાબ’, ‘બેશરમ’ કહેતા અને ખાનગીમાં ‘લકી’, ‘ફ્રેંક’ અને ‘મોર્ડન’ સમજતા. ક્યારેક અમને પણ ભગવાન એકાદ ‘ગર્લફ્રેન્ડ’ આપે એવી ઈચ્છા થઈ જતી.

એક દિવસ પૂજન કોલેજમાં એક છોકરી સાથે પાર્કિંગમાં ઊભો ઊભો વાતો કરતો હતો. મેં ફર્સ્ટ ફ્લોરની લૉબીમાંથી એ દૃશ્ય જોયું. કોણ હતી એ? એની લહેરાતી ઝુલ્ફો, આંખો પર ગોગલ્સ ચશ્માં, પિંક ડ્રેસ મને ખૂબ આકર્ષક લાગ્યા. પૂજન મળ્યો ત્યારે કહ્યું, “ન ઓળખી? એ આપણી સાથે સ્કૂલમાં ભણતી, એ પિન્કી હતી.” હું મસ્તીભર્યું હસ્યો “પિન્કી કે પિન્કીભાભી…?” એ શરમાઈ જતા બોલ્યો, “ચલ, હું તને આખી વાત કહું.” એ મને લાયબ્રેરીમાં લઈ ગયો.

છેલ્લા બેક મહિનાથી પિન્કી અને પૂજન એકબીજાને ચોરીછુપીથી જોઈ લેતા હતા. પંદરેક દિવસ પહેલા સ્માઇલની આપલે થઈ હતી. ચારેક દિવસ પહેલા પિન્કીનું સ્કૂટી ચાલુ નહોતું થતું, જે પૂજને ચાલુ કરી આપ્યું હતું. અને આજે પિન્કીએ રિસેસમાં પૂજનને કૅન્ટીનમાં મળવાનું કહ્યું હતું. વાત પૂરી કરી ત્યારે પૂજન ચિંતામાં હતો. મેં કહ્યું, “પિન્કી બ્યુટીફૂલ છે, સ્માર્ટ છે, તારી તો લોટરી લાગી.”

“હા, એ તો છે.” એણે ઢીલો જવાબ આપ્યો એટલે મને નવાઈ લાગી.

“શું થયું? કેમ તું ટેન્શનમાં છે?”

“મારી પાસે ખાલી વીસ જ રૂપિયા છે.” પૂજને કહ્યું. મેં મારું પાકીટ કાઢ્યું. એમાં ત્રીસ રૂપિયા હતા. મેં એ પૂજનને આપ્યા. અમે હિસાબ કર્યો. બે ચાના સાત સાત લેખે ચૌદ રૂપિયા, સમોસાના દસ દસ લેખે વીસ કે ચાલીસ થાય તોય પંચાવન કે સાંઠ રૂપિયા જેવો ખર્ચ થાય. મારા ત્રીસ અને પૂજનના વીસ મળી કુલ પચાસ થતા હતા. ત્યાં મારું ધ્યાન સુખા પર ગયું. એણે તરત જ પચાસની નોટ મારા હાથમાં મૂકી દીધી. એ કશીક ઉતાવળમાં હતો એટલે જતો રહ્યો. પૂજન રાજી થઇ ગયો. મનેય કોણ જાણે કેમ, ગૌરવની લાગણી થઈ.

રિસેસમાં મેં દૂર ઊભા ઊભા પૂજન અને પિન્કીને કૅન્ટીનમાં જતા જોયા. મને પૂજનની ઈર્ષા શા માટે થઈ એ મને ન સમજાયું. બીજા દિવસે પૂજને પિન્કી સાથેની મુલાકાત મારી સામે રજૂ કરી.

પિન્કી બોલી હતી, “પૂજન યુ આર રીયલી ટેલેન્ટેડ. મારી એડવાઇઝ છે કે તું રેલ્વે, બેંક, જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી.ની તૈયારી કર તો ચોક્કસ સારા મેરીટ સાથે પાસ થઈ જશે.”

પૂજને પૂછ્યું હતું, “તું કરે છે તૈયારી?” એના જવાબમાં એણે ક્લાસીસ જોઇન કર્યાની, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નોની, મેથ્સ, રિઝનીંગની મસ્ત વાતો કરી હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે નાસ્તાના બિલનું એ લોકોએ શૅરીંગ કર્યું હતું.

પૂજને કહ્યું કે એ બોલી હતી, “આપણે ફ્રેન્ડ છીએ. એટલે ખર્ચ તો શૅર જ કરીશું. તો બીજી વાર નાસ્તો કરવાની મજા આવે.” મેં જોયું હતું. પૂજનમાં સુધારો પણ સારો થવા લાગ્યો હતો. એનો આત્મવિશ્વાસ વધ્યો હતો. એ કરન્ટ અફેર્સ, જનરલ નોલેજ, મેથ્સ, ઈંગ્લીશ વગેરેની વાતો કરવા લાગ્યો હતો.      

અચાનક એક સવારે જીજાજી અને નંદિની આવ્યા. જો કે આ અચાનક કેવળ મારા માટે હતું, મમ્મી-પપ્પાને તો ખબર જ હતી કે તેઓ આવવાના છે. સૌ આનંદમાં આવી ગયા. મેં પણ મારા ચોટીલાના પ્રવાસની, શેરબજારની ને એન.સી.સી.ની વાતો કરી ત્યારે સૌ મારી સામે માનભરી નજરે તાકી રહ્યા. મારું નોલેજ સૌને પ્રભાવિત કરી ગયું.

“તને ખબર છે બંટી? આજે નંદિનીનો બર્થ ડે છે.” અચાનક મોટીબેને મને કહ્યું અને હું ચમક્યો. નંદિની મારી સામે હસી. મને તો જાણે લોટરી લાગી. “અરે વાહ.. હેપ્પી બર્થ ડે..” મેં એને કહ્યું તો એણે મારી સામે હાથ લંબાવ્યો. સૌ જોઈ રહ્યા. મેં શરમાતા શરમાતા એના હાથ સાથે મારો હાથ મિલાવ્યો ત્યારે જાણે માધુરી દીક્ષિત ને અનિલ કપૂર હાથ મિલાવતા હોય એવો અહેસાસ મને થયો.

એનો હાથ કોમળ હતો. ગરમ હતો. એ બોલી, “થેંક્યું…” મેં એનો હાથ છોડયો. “તો પાર્ટી કઈ હોટેલમાં કરીશું?” મેં પૂછ્યું.

“પાર્ટી પાકી, પણ નંદિની એનો બર્થ ડે જુદી રીતે ઉજવે છે.” જીજાજી બોલ્યા.

“કઈ રીતે?” મેં પૂછ્યું.

“વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમમાં ભોજન કરાવીને.” એ બોલ્યા, હું ફરી ચોંકી ઉઠ્યો. “ઓહ, આશ્રમ?” નંદિનીની આંખોમાં પવિત્ર ભાવ હતો. એ બોલી “એટલે જ તો આજે હું અહીં સાથે આવી છું. અહીં એક આશ્રમ છે એવું ભાભીએ કહ્યું છે.”

“હા, છે ને!” પપ્પા બોલ્યા. “અને મેં એમની સાથે વાતેય કરી લીધી છે, આપનું નામ પણ લખાવી દીધું છે.”

મારા માટે આ સાવ નવી વાત હતી. નંદિનીએ આશ્રમ વિશે, વૃધ્ધો વિશે, અનાથો વિશે, બહેરા-મૂંગા લોકો વિશે મને ઘણી વાતો કરી. અમે રીક્ષામાં બેસી આશ્રમે ગયા. વ્યવસ્થાપક વડીલે અમને ત્યાંની વ્યવસ્થા સમજાવી. વૃધ્ધોને અમે જાતે ભોજન પીરસ્યું ત્યારે મારી ભીતરે કરુણતાનો ભાવ વહેતો હતો. આ કેવા મા-બાપ? શું કરતા હશે આમના દીકરાઓ? મેં મારા મમ્મી-પપ્પા સામે જોયું. એક કડવો વિચાર મને પજવી ગયો.

એક દિવસ પૂજન કોલેજ આવ્યો ત્યારે એણે ગોગલ્સ ચશ્માં પહેર્યા હતા. એ રિયલી હેન્ડસમ લાગતો હતો. જીવનમાં ગર્લફ્રેન્ડના આવવાથી લાઇફ બદલી જાય છે એવો અમને, મને, સુખાને, શિવાને અને મનીને અહેસાસ થયો. હવે પિન્કી અને તેની બે’ક ફ્રેન્ડ્સ, એમના બોય ફ્રેન્ડ્સ અને પૂજનનું અલગ ગ્રુપ બની ગયું હતું. એવા ચાર-પાંચ ગ્રુપ અમારી કોલેજમાં પ્રખ્યાત થવા લાગ્યા હતા. ૨૬ જાન્યુઆરી નજીક આવતી હતી. એન.સી.સી. પરેડ માટે અમે તડામાર તૈયારીઓ કરતા હતા. તે દિવસે અમે સૌ ખાખી ડ્રેસમાં, માથે લાલ ફૂમ્કા વાળી ટોપી પહેરી પરેડ કરી હતી. પૂજને કહ્યું હતું કે પિન્કી અને એની ફ્રેન્ડ્સ અમને જોઈને ‘તારી વાંકી રે પાઘલડીનું ફૂમ્કું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું…’ એ ગીત ગાતી હતી.

મેં તે દિવસે પહેલી વખત અમારી કોલેજમાં ઉજવાયેલા ગણતંત્ર દિવસ વિશે બે પાનાં ભરીને લખ્યું હતું. શિવમે એ લખાણ વાંચી, તેમાંથી મજાક વાળા બે પેરેગ્રાફ કાઢી નોટીસ બોર્ડ પર લગાવવા ઓફિસમાં એપ્રુવ કરાવવા આપ્યું હતું. ઓફિસમાંથી મારો પાસપોર્ટ સાઇઝનો ફોટો મંગાવવામાં આવ્યો ત્યારે હું રોમાંચિત થઈ ગયો હતો અને ત્રીજા દિવસે મારું એ લખાણ નોટીસ બોર્ડ પર મૂકવામાં આવ્યું હતું. હું તે દિવસે કોલેજે ગયો ત્યારે થોડો શરમાતો હતો. મને હતું કે હું આખી કોલેજમાં પ્રખ્યાત થઈ ગયો હોઈશ, પણ પૂજન અને મની સિવાય કોઈએ મને ‘અભિનંદન’ ન આપ્યા. હું ઘરે આવ્યો ત્યારે નિરાશ હતો. બીજા દિવસે પણ કોઈ કશું બોલ્યું નહિ. મને મારા પર જ હસવું આવવા માંડ્યું. શું હું ચંદ્રકાંત બક્ષી કે હરકિશન મહેતા હતો? મને મારા લેખના શબ્દો યાદ આવ્યા. હવે મને એ બધું લખવા બદલ પસ્તાવો પણ થવા લાગ્યો હતો.                

“તમે સારું લખો છો.” એક મધુર સ્વર મારા કાન સાથે અથડાયો ત્યારે હું ચમક્યો. હું જ મારો લેખ બારમી વખત વાંચતો નોટીસ બોર્ડ સામે ઊભો હતો ત્યારે મારી પાછળથી કોઈ બોલ્યું હતું. મેં ગરદન પાછળ ફેરવી. ઓહ, એ અંકિતા ઝવેરી હતી. કોલેજની સૌથી હોંશિયાર છોકરી મારા વખાણ કરી રહી હતી. હું ગળગળો થઈ ગયો. મારી જીભ તાળવે ચોંટી ગઈ. એ બોલી “મને પણ લખવાનો શોખ છે, પણ તમારા જેવી ફાવટ નથી, લખતા રહેજો.”

“થેંક્યું..” હું માંડ બોલી શક્યો. એ સ્મિત કરી ચાલી ગઈ. મારા મનમાં-મગજમાં ગરમાવો વ્યાપી ગયો. મેં જયારે આ વાત પૂજન અને સુખાને કહી તો એ લોકો મારી વાત માનવા તૈયાર ન થયા. મારે એ લોકોને કૅન્ટીનમાં પાર્ટી આપવી પડી. બોંતેર રૂપિયાનું બિલ આવ્યું. મારી પાસે પચાસ જ હતા. બાકીનાનું શૅરીંગ કર્યું. એ લોકો કહેતા હતા કે અંકિતા ઝવેરીની તોલે આપણે ન આવીએ. છેક ઘર પાસે પહોંચ્યા ત્યારે પૂજને મને કાનમાં કહ્યું, “બંટી.. લવ બ્લાઈન્ડ હોય છે, એમાં અમીર ગરીબ જેવું કઈ હોતું નથી.” એ ગયો. શું અંકિતા ઝવેરી મારા પ્રેમમાં હતી? એક મીઠો પ્રશ્ન મારા મનને ઘેરી વળ્યો. બે દિવસ સુધી મેં લાયબ્રેરીમાં ઘણા મૅગેઝીન વાંચ્યા. પ્રેમ શું છે? ફ્રેન્ડશીપ શું છે? જવાબમાં મારા ધ્યાનમાં એક નવી જ દુનિયા આવી. ફ્રેન્ડશીપ ક્લબ, મનને મુંઝવતા પ્રશ્નો, ડોક્ટર શરદ ઠાકરની ડાયરી, લૈલા-મજનુ, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, વેલેન્ટાઇન ડે અને પ્રેમ રોગ… શું પ્રેમ એ રોગ હતો? ચાર-પાંચ દિવસ સુધી અંકિતા ઝવેરી ન દેખાઈ એટલે મને ભીતરે દર્દ શરુ થયું. એ દેખાઈ ત્યારે પણ મને મળવા ન આવી એટલે મને દુઃખ લાગ્યું. પૂજને મને ‘એકતરફી પ્રેમ’નો એક નવો કન્સેપ્ટ આપ્યો.

ત્યાં એન્યુઅલ ફન્કશન આવ્યું. અંકિતા ઝવેરીના ગ્રુપે એક મસ્ત ડ્રામા રજૂ કર્યો હતો. અંકિતાએ જબ્બરદસ્ત અભિનય કર્યો હતો. હું ઓડીયન્સમાં બેઠો બેઠો ‘એ રૂપની રાણી’ના અભિનયને જોઈ પોરસાતો રહ્યો. પણ એણે જયારે ડાયલોગ બોલ્યો “પ્રેમ બ્રેમમાં મને વિશ્વાસ નથી, કોલેજ કાળ તો કેરિયર બનાવવા માટે છે, તમારી સમજણ પાકી ગઈ હોય અને ફુરસદ જ ફુરસદ હોય ત્યારે વિશ્વભરના પુસ્તકો વાંચવા સમજવાને બદલે લવ-લવના લવારા કરતા બબૂચકો કોલેજ પૂરી થયા બાદ બેકારોની ફોજમાં જ ભરતી થતા હોય છે.” ત્યારે મારો તો નશો જ ઉતરી ગયો.

બે દિવસ બાદ, એન્યુઅલ ફન્કશનના ફોટા નોટીસ બોર્ડ પર લગાવવામાં આવ્યા હતા. હું એ ફોટો જોઈ રહ્યો હતો ત્યાં મારે કાને શબ્દો અથડાયા. “કેવું લાગ્યું મારું પરફોર્મન્સ તમને?” એ અંકિતાનો અવાજ હતો. મને વિશ્વાસ ન બેઠો. મેં પાછળ ફરી જોયું. એ મને જ પૂછતી હતી. મેં આસપાસ જોયું. એની બીજી બેક ફ્રેન્ડ્સ પણ ઊભી હતી.

“એ પરફોર્મન્સ હતું?” મેં સામું પૂછ્યું. તેઓની આંખોમાં નવાઈ ઉપસી. “મને તો લાગ્યું રિયલ હતું.” કોણ જાણે કેમ હું આ બોલી શક્યો! તેઓને મારો અંદાજ ગમ્યો. સૌ હસી પડ્યા. અંકિતાએ મને ‘થેંક્યું’ કહ્યું અને પછી બોલી, “તો એન્યુઅલ ફન્કશન પર તમે ક્યારે અહેવાલ લખી નોટીસ બોર્ડ પર મૂકશો?”

“બસ આવતી કાલે…” મેં કહ્યું. મને સમજાતું નહોતું કે મારી અંદર કોણ પ્રવેશી ગયું હતું. હું કેમ હીરોગીરી કરતો હતો? ઘરે આવી મેં આખો અહેવાલ તૈયાર કર્યો. બીજા દિવસે હું કોલેજ ગયો. અહેવાલ ઓફિસમાં આપ્યો. એપ્રુવ થયો અને નોટીસ બોર્ડ પર લાગ્યો. આ વખતે મને ઘણા ‘અભિનંદન’ મળ્યા. એ પછી મને લખવાનો શોખ લાગી ગયો. અંકિતા ઝવેરીના પ્રોત્સાહનથી મને દુનિયા ફૂલગુલાબી લાગવા માંડી હતી.

સાવ અચાનક જ ગામડેથી જતીનકાકાનો ફોન આવ્યો. જીગાભાઈ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. પોરબંદરની કોઈ છોકરીને એ ભગાડી ગયા હતા. અમે સૌ ચિંતામાં પડી ગયા. પપ્પા ગામડે દોડી ગયા. કાકી અને ગૌરી અમારે ત્યાં આવી ગયા. દસમા દિવસે અમારા પર આભ તૂટી પડ્યું. જીગાભાઈ અને પેલી છોકરીની લાશ મળી હતી. એ લોકોએ આપઘાત કર્યો હતો. દિવસો, મહિનાઓ, વર્ષો સુધી આ મૃત્યુ અમને રડાવતું રહ્યું. મને જીગાભાઈનો ચહેરો સતત યાદ આવતો રહ્યો. એક સાંજે ગૌરી મોટીબેન પાસે રડી પડી. મોટીબેને સાંત્વન આપ્યું, “ગૌરી, હિમ્મત રાખ. તું રડીશ તો કાકા-કાકી ક્યાં જશે?” અને ગૌરી ચિલ્લાઈ હતી. “મનેય એ જ વાત પજવે છે. મારા પછી મારા મમ્મી-પપ્પાનું શું થશે?” ઓહ! હું તો હેબતાઈ જ ગયો. મને પેલા વૃદ્ધાશ્રમના વૃધ્ધો યાદ આવી ગયા.

(ક્રમશ:)

— કમલેશ જોષી


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “તેરે મેરે બીચ મેં… – કમલેશ જોષી

  • Himanshu Patel

    કૃપા કરીને આ વાર્તાને બને તેટલી વહેલી તકે પૂર્ણ કરો…. વાર્તાનો ખ્યાલ 1990ની પેઢીની ખૂબ જ નજીકનો છે. મને લાગ્યું કે મારું યુવા જીવન મારી આંખોમાંથી પસાર થઈ રહ્યું છે… ખૂબ જ હૃદયસ્પર્શી વાર્તા

    • Kamlesh Joshi

      ખૂબ ખૂબ આભાર. આપ એકદમ સાચું સમજ્યા. આ તો જીવનયાત્રા છે. એમ કેમ પતે?
      અભી તો લંબી સફર બાકી હૈ, અભી તો પિક્ચર બાકી હૈ..
      આગળના રસપ્રદ એપિસોડ વાંચવા માટે જોડાયેલા રહેશો..
      વાંચતા રહેજો અને પ્રતિભાવ આપતા રહેજો..
      થેંક્યું અગેઇન..