રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૫) – નેહા રાવલ 3


આવ્યા હતા ત્યારે પણ એ દેરાસરની સુંદરતાએ આભા કર્યા જ હતા પણ હવે તો સોનેરી લાઇટમાં એ ખૂબ જ સુંદર લાગતું હતું. સોનાનું મંદિર અને એના ચોગાનમાં માર્બલની કારીગરી- જાણે કોઈ સુવર્ણ નગરીમાં પાથરેલી અલાદ્દીનની ‘જાદુઈ કાલીન’! આંખ ભરીને જોઈ લીધું પણ મન કંઈ ધરાય?  ત્યાં દર્શન કર્યા, ફોટા ક્લિક કર્યા અને બહાર નીકળ્યા.

સવારે વહેલી ચા પીને સહુ સામાન ગોઠવવામાં પડ્યા. બ્રેકફાસ્ટમાં પૌંઆ અને વઘારેલો ભાત ખાઈ સહુ બેઝકૅમ્પ જવા તૈયાર. હું ને શૈલી પણ રકસેક ભરાવી બહાર નીકળ્યા ત્યાં જ ધ્યાને આવ્યું કે કૅમેરો દેખાતો નથી. બહાર હાજરી લેવાઈ રહી હતી અને અમે બંન્ને અમારો સામાન ખાલી કરી, ખીસાઓ ઉથલાવી કેમેરો શોધી રહ્યા. સમાન ફરી ફરીને ખાલી કર્યો ને ગોઠવીને જોયું. રૂમ, બાથરૂમ, બહારનું મેદાન બધે જોયું પણ ક્યાંય ન દેખાયો. ત્યાં સુધીમાં પલટન રવાના  થઈ ચૂકી હતી. શૈલી ખૂબ ઉદાસ થઇ ગઈ. એક તો કૅમેરો ન સાચવી શકી એનું દુઃખ અને ઉપરથી આ ટ્રેકની ઘણી બધી યાદો!

falna jain golden temple

એટલી વારમાં અમને ત્યાંનો મદદનીશ બોલાવવા આવ્યો કે બધા ગયા. હવે તમે પણ નીકળો. અમે અમારા કૅમ્પ લીડરને વિનંતી કરી કે અમે જંગલમાં પાછળ થોડે સુધી ચાલીને જોઈ આવીએ કે ક્યાંક ત્યાં કૅમેરો મળી જાય? પણ એમણે કહ્યું કે તમારે પાછા જવું હોય તો પહેલા બેઝકૅમ્પ પહોંચી ત્યાંથી પાછા ફરજો. હું અહીંથી પરમીશન ન આપી શકું. હા, બીજા ગ્રુપમાં તમારો કૅમેરો ખોવાયોનો મેસેજ જરૂર પહોંચાડી દઈશ  જેથી કોઈને પણ મળશે તો તમારા સુધી પહોંચાડી દઈશું. ત્યારબાદ રકસેક ભરાવી હું ને શૈલી ઉપડ્યા. ચાલમાં ઝડપ તો હતી પણ મનમાં ઉત્સાહ ન હતો. ક્યાંથી હોય! એકબીજાને વાતોમાં સાંત્વના આપતા આપતા ચાલી રહ્યા. આખો રસ્તો નદીના પટ જેવો હતો. પણ સૂકું હોવાથી વહેતી નદીના બદલે સરસ પથ્થરની બનેલી કેડી દેખાઈ રહી હતી જેના પર ચાલવાની મઝા આવતી હતી. આગળના એક વળાંક પર થોડા સભ્યો રાહ જોઈ ઉભા હતા ત્યાંથી અમે બે એમની સાથે થઇ ગયા.

સાચે જ બે જ કિલોમીટરમાં ‘મૂછાળા મહાવીર’નું મંદિર આવી ગયું. એ મંદિર વિષે એવી કથા છે કે ભગવાન મહાવીરે રાણા કુંભાને દાઢીમૂછમાં દર્શન આપ્યા હતા. એટલે આ મંદિર ‘મૂછાળા મહાવીર’ કહેવાયું. ત્યાં ઘણા વાંદરા હતા. ગ્રુપના કેટલાક સભ્યોએ વાંદરાઓના ગ્રુપ સાથે સૅલ્ફી લીધી. એ સૅલ્ફીમાં સમજાતું ન હતું કે વાંદરાઓને વધારે મઝા આવી રહી છે કે ક્લિક કરનારને? સહુએ ત્યાં થોડી ફોટોગ્રાફી કરી પછી દર્શન કરી સહુ ટૅમ્પોમાં ચડ્યા જેને અમારા કૅમ્પ લીડર પ્રેમથી વૉલ્વો કહેતા. એ ટૅમ્પોમાં અમારી ચાલીસ જણાની પલટન રવાના થઈ રાણકપુર બેઝકૅમ્પ પહોંચવા..

સહુ ખૂબ જ  આનંદમાં અને મસ્તીમાં હતા. ટૅમ્પોમાં વાયરલેસ સ્પીકર ચાલુ કરી કંઈ કેટલાય ગીતો પર બધાં નાચ્યા અને મઝા કરી. પણ હું ને શૈલી એ બધામાં જોડાઈ ન શક્યા. કૅમેરો ખોવાયાનું દુઃખ હજુ ઘણું તાજું હતું. લગભગ કલાકમાં અમારો બેઝકૅમ્પ આવી ગયો. એવું લાગ્યું કે જાણે ઘરે આવ્યા. અમે ત્યાં પહોંચીને પણ અમારા કૅમ્પ લીડર ભાટીજીને કૅમેરા વિષે કહ્યું. બેઝકેમ્પ પર વેલકમ કરતા ભાટીજીએ અમારા કાંટાળા અનુભવો વિષે જે જાણ્યું હશે, એના વિષે ‘બાયબાય સ્પીચ’માં થોડી વાતો કરી. “અપૂરતા વરસાદને કારણે ઘાસ સુકાઈ ગયું છે અને બે વર્ષથી બંધ રહેલો આ કૅમ્પ અને એની કેડીઓ, પગદંડીઓ તમારા આવવાથી જ ખૂલી છે. એટલે સુકાઈ ગયેલા ઘાસના કાંટાઓ એમની હાજરી તો પૂરાવે ને! એમને પાણી ન મળે તો એ બિચારા ફરિયાદ ક્યાં કરે? અને તમે તો ખૂબ સરસ કામ એ કર્યું છે કે તમારા પછી જનાર દરેક ગ્રુપ માટે રસ્તો સાફ કર્યો છે એટલે મઝા કરો. જે સારું છે એ લઈને જાવ અને વહેંચો. જે ખરાબ છે એ અહીં છોડીને જાઓ.” એમની આ વાત મને ખૂબ ગમી. સારું છે એ વહેંચો, ખરાબ મૂકીને જાઓ. આ સાંભળ્યા બાદ  સહુ વીખરાઈને પોતપોતાના પહેલા દિવસે ફાળવેલા ટૅન્ટમાં ગયા.

ત્યાર બાદ સહુ પોતાનો વધારાનો સામાન લેવા અને રકસેક અને સ્લીપિંગ બ્લૅન્કેટ પાછુ આપવામાં પડ્યા. પછી થયું ફાઈનલ પૅકિંગ. આજે ખૂબ જ નિરાંત હતી. સહુએ એકબીજાના મોબાઈલ નંબર લીધા. વોટ્સએપ ગ્રુપ બન્યા. ફોટો શૅર થયા. લન્ચમાં ગટ્ટાની સબ્જી- રોટી અને દાલ રાઈસ. કૅમ્પનું છેલ્લું લન્ચ લઈ સહુ પોતપોતાના ગંતવ્ય તરફ જવાની વેતરણમાં પડયા. આમ તો આ ટ્રેકિંગ કૅમ્પની અહીં જ પુર્ણાહૂતી થતી હતી, પણ અનુભવો તો તમારા અસ્તિત્વનો હિસ્સો બની જાય છે. એ ક્યાં કયારેય પુરા થતા હોય છે? એટલે અમે ફરી પાછા એ શહેરી માહોલમાં, ઘરમાં ગોઠવાઈ જઈએ ત્યાં સુધીની શબ્દ યાત્રા ચાલુ જ રહેશે.

અમારે ફાલના જવું હતું. ફાલના રાણકપુરનું સૌથી નજીકનું રેલવે સ્ટૉપ છે. ‘ફાલના જૈન ગોલ્ડન ટૅમ્પલ’ની ધર્મશાળામાં ફોન કરી તપાસ કરી. ત્યાં રહેવા રૂમ મળી રહેશે એ કન્ફર્મ થયું એટલે અમે ત્યાં જવાનું નક્કી કર્યું. પ્રાઈવેટ વાહનની સગવડ ન થઇ એટલે અમે બસ માટે રાહ જોઈ ઉભા. અમને કંપની આપવા કે કહો વળાવવા શૈલેન્દ્ર્જી પણ જોડે ઉભા. અમારી જ જેમ અલી, સુરીન્દરજી, બલદેવજી અને રવિ પણ ફાલના જવાના હતા. એ લોકો એમનો સામાન લઈ રાણકપુર બસ સ્ટૉપ પર ગયા. દર્શનાને સામાન સાથે તકલીફ પડે એમ હતું તેથી અમે ત્યાં જ ઉભા. ઘણી વાર પછી લાગ્યું કે કદાચ બસ અહીં નહિ ઉભી રહે તો! કોઈ જોખમ નથી લેવું. અમે પણ રાણકપુર બસ સ્ટૅન્ડ તરફ ચાલ્યા. જેવો અમે બસસ્ટૉપનો વળાંક વળ્યા કે તરત બસ સામેથી આવી, જાણે અમારી જ રાહ જોતી હોય. સરસ જગ્યા લઇ સહુ ગોઠવાઈ ગયા.

બસમાં અલી અને રવિ સાથે ઘણી વાતો કરી. કઈ ટ્રેનમાં કેટલા વાગ્યે જવાના અને બીજી પણ. ફાલના ઉતરી તરત જૈન મંદિરમાં ચૅક-ઇન કર્યું. સાવ વાજબી કહેવાય એટલા સસ્તામાં સ્વચ્છ રૂમ ને નહાવાનું ગરમ પાણી અનલિમિટેડ! આ સાંભળીને જ સહુ ખુશ. બપોરના બે વાગી ગયા હતા. નક્કી કર્યું કે ધરાઈને નહાવું ને પછી સાંજ આખી અહી લોકલ માર્કેટમાં ફરવું અને સ્ટ્રીટ ફૂડ ઝાપટવું.

અહીં અનલિમિટેડ ગરમ પાણી હોવા છતાં શૈલીએ મને કહ્યું, ” હું બે બાલદીથી વધારે નહિ વાપરું. તને યાદ છે, કુંભલગઢમાં આપણે જેમની પાસે પાણી વેચાતું લઈને નહાયા હતા એ લોકો શું કહેતા હતા? રાતે બે અને ત્રણ વાગ્યે ઉઠીને ઘરના દરેક સભ્ય ઉંચકાય એટલું પાણી ઉંચકીને પાંચ પાંચ કિલોમીટર  ચાલીને ઘરે લાવે. જ્યાં પાણીની આટલી તકલીફ હોય ત્યાં આપણે આમ નહાવામાં આટલું બધું વાપરીએ એ મને ઠીક નથી લાગતું.” એ ક્ષણે મને થયું કે આ ટ્રેકિંગની ખરી ઉપલબ્ધિ તો આ સમજણ છે, જે ફક્ત અનુભવ આપી શકે. નહીં તો ‘સેવ વૉટર’ના કેટલાય પ્રોજૅકટ આવ્યા ને ગયા પણ નજરે જોયેલો આ સંઘર્ષ અને અનુભવ જે શીખવી શકે એ બીજું કશું ન જ શીખવી શકે. એ સાથે મને યાદ આવી ગયું એ આખું દ્રશ્ય. જમીનની અંદર ટાંકા બનાવીને એમાં પાણી ભરવામાં આવેલું. નહાવા માટે જરૂર જેટલું પાણી એમાંથી કાઢીને એ ઘરની સ્ત્રીઓ અમને આપતી. અને ભાવતાલ કરતી વખતે આ આખી વાત જણાવી હતી કે પાણી માટે કેટલી તકલીફ વેઠવી પડે છે. આ બધું મનમાં રાખી, એને અલગ ખાનામાં ગોઠવી હું આટલા દિવસની ગરમ પાણીથી નહાવાની ખોટ પૂરવા નહાવા ભરાઈ.

નહાઈને બહાર આવતા જ “સ્પેશીયલ મસાલાવાળી ચાય…’ નો અવાજ સંભળાયો. ત્રણ ચા, એક કૉફીનો ઓર્ડર આપી અમે વૅફર બિસ્કીટના પેકેટ ખોલી બેઠા. ચા વાળા કાકા ત્રણ જ મીનીટમાં હાજર. કાકાય વાતોડિયા હતા. એમને ખબર પડી કે અમે સૂરતથી આવ્યા છીએ એટલે કહે, ‘ત્યાં મારા બે દીકરા રહે છે. આસપાસ નામના ગામમાં.’ અને પછી તો ઘણું… જમવા જાવ તો આ જ જગ્યાએ જજો, ખાઈને મને યાદ કરશો, એમ કહી એક એડ્રેસ સમજાવ્યું. અને રૅફરન્સ આપ્યો ચંદન રૅસ્ટોરાંનો. એમની લિજ્જતદાર ચા, વાતોના વડા અને રીલેક્સ મૂડ! સહુએ ફ્રેશ થતા થતા છ વગાડ્યા. તૈયાર થઇ નીચે ઉતરતા જ આંખો અંજાઈ ગઈ.

આવ્યા હતા ત્યારે પણ એ દેરાસરની સુંદરતાએ આભા કર્યા જ હતા પણ હવે તો લાઇટમાં એ ખૂબ જ સુંદર લાગતું હતું. સોનાનું મંદિર અને એના ચોગાનમાં માર્બલની કારીગરી- જાણે અલાદ્દીનની ‘જાદુઈ કાલીન’! ત્યાં દર્શન કર્યા, ફોટા ક્લિક કર્યા અને બહાર નીકળ્યા.

સૌથી પહેલા ખાધી પાણીપુરી. દસ રૂપિયાની પાંચ- સાંભળીને જ મઝા આવી. ત્યાંથી આગળ ગયા તો મીઠાઈઓની દુકાન. પછી ખરીદ્યા લીલા શિંગોડા, હાથથી જ છોલીને ખાવાના. એ જોઈ હરિદ્વાર યાદ આવી ગયું. ત્યાં પણ આવા લીલા શિંગોડા ખૂબ ખાધા હતા. એ બધું જોતા જોતા ચા વાળા કાકાએ જે ‘ચંદન રેસ્ટૉરાં’નો રૅફરન્સ આપેલો ત્યાં ગયા. પણ ત્યાં ફક્ત ‘રાજસ્થાની થાળી’ મળતી હતી અને દીકરીઓને પીઝા અને ચાઇનીઝ ખાવું હતું. આગળ જતા એક દુકાને દૂધ ઉકળતું જોયું અને ફરી હરિદ્વાર યાદ આવી ગયું. ત્યાં  જલેબીના સરસ મઝાના ફોટા સાથે ‘રબડી જલેબી મળશે’ એવું બોર્ડ લગાવ્યું હતું. અમે નક્કી કર્યું કે પહેલા જમી લઈએ, પછી ડિઝર્ટમાં રબડી જલેબી ખાઈશું. એક રેસ્ટૉરાંમાં ગયા. ચાઇનીઝ અને પીઝા ખાઈ મઝા આવી. સૌથી છેલ્લે સલાડ મંગાવી ખાધું. હજુ મીઠાઈ માટે જગ્યા રાખી હતી, એ ભરવા પેલી દુકાને ગયા.

એ દુકાનવાળા ભાઈ કહે, ફક્ત દૂધ મળશે. જલેબીના કારીગર ગામ ગયા છે. એ તો ગામ ગયા પણ જલેબીના સરસ ફોટા જોઈ અમારા મનમાં એ ખાવાનો રસ ઝરીઝરીને જે તળાવ રચાઈ ગયું હતું, એનું શું? દેશી ઘીની જલેબી શોધવા આખું માર્કેટ ફર્યા પણ ક્યાંય ન મળી. એની તપાસ કરતા કરતા બીજી ત્રણ મીઠાઈઓ ખરીદી પણ જલેબી તો ન જ મળી. ત્યાં જ અમને બસમાં સાથે રહેલા ટ્રેકિંગ કૅમ્પના ત્રણેય મિત્રો ફરી મળ્યા.  એ જોઇને લાગ્યું જાણે ટ્રેકિંગનો માહોલ અમને છોડવા જ માંગતો નથી! એમણે પણ મીઠાઈઓ ખરીદી હતી, ખાસ તો સુતરફેણી. ફાલનાનાં એ મીઠાઈ બજારમાં સુતરફેણી ખૂબ વેચાતી હશે એમ લાગ્યું. અમે ચાખી જોઈ પણ સૂરતની સુતરફેણી જેવી ભાવી નહિ.

ત્યાર બાદ અમે રેલ્વે સ્ટેશનની તપાસ કરી એ રસ્તે ગયા. સાવ નજીક જ હતું. રસ્તામાં મહાદેવજીનું મંદિર જોઈ હું તો સાવ દોડી જ ગઈ. દર્શના અને બાળકો કહે, ‘આ તો જો!’ મેં કહ્યું, ‘બીજા બધા મંદિરે જઈએ ત્યાં મહેમાન જેવું ફિલ થાય, પોતાને શ્રદ્ધા હોય એ ભગવાનના મંદિરે જઈએ ત્યારે વડીલના આશીર્વાદવાળો હાથ માથે ફરતો હોય એવું લાગે.’ ત્યાં મહાદેવજીના દર્શન કરી ફરી પાછા બહાર. હજુ તો જમ્યાને કલાક પણ થયો ન હતો અને અમે ‘મરચાં વડા’ની લારી જોઈ અટકી ગયા. રાત્રે નહિ ખવાય તો શું થયું, સવારે તો ખવાશે! એ લારીવાળા કાકાને સવારનું પૂછી અમે અમારા નિવાસે ગયા. દીકરીઓ રૂમમાં ગઈ અને હું ને દર્શના પરિસરની ગોલ્ડન લાઇટમાં મોડે સુધી વાતો કરતા બેઠા રહ્યા. કેટલીય વાર પછી શૈલી બોલાવવા આવી અને અમે રૂમમાં ગયા.

સવાર માટેનું બધું ગોઠવી પથારીમાં પડ્યા, પણ અમારી વાતો તો જાણે પૂરી જ થતી ન હતી. લાઇટો બંધ કર્યા પછી પણ.. કોણ ક્યારે સુતું એય તમા ન રહી અને પડી સવાર!

– નેહા રાવલ


Leave a Reply to Nilesh PanchalCancel reply

3 thoughts on “રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૫) – નેહા રાવલ