રોજ સવારે કિરણમાળી એનાં શિશુકિરણોને અંબાવી વહાલથી અવનીને ચૂમી ભરાવતો હોય ત્યારે પાછલી રાતે વરસેલા વરસાદમાં ઝબકોળાયેલો ઘરબગીચો તંદ્રામાંથી જાગવાની તજવીજમાં પડ્યો હોય. અંશુમાનની બળવાન હૂંફ રાતની ઠારને ધીરેધીરે પીગાળતી જાય ને ઘરબગીચો રૂપાંતરિત થઈ જાય કોઈ સદ્યસ્નાતા ગૃહવાટિકામાં! ગૃહવાટિકાના અનેકો છોડ અંશુમાળીનું તેજરૂપી પીણું પીને એવા તો ચુસ્ત ને ટટ્ટાર થઈ જાય જાણે હમણાં જ ખીલ્યાં હોય.
ધુમાડો ઊઠે ત્યારે એનું ઘેરું પુદ્ગળ બંધાય, આસપાસની હવાને ખાઈ જાય, ખાંસી ચડે, શ્વાસ રૂંધાય ને ગૂંગળામણ થાય. અલસગતિએ એ હવામાં વહે, પછી આછો ને આછો, પાતળો ને પાંખો થતો જાય ને આસપાસના અવકાશમાં વિલાતો જાય. પણ કઈ ક્ષણે એ અદૃશ્ય થઈ જાય છે એની ખબર પડતી નથી. બસ એમ જ વર્ષા આવી ત્યારે દમામભેર આવી હતી, સાથે લાવી હતી વાવંટોળ ને ગાજવીજ. ગાઈવગાડીને કરેલી પધરામણી પછી મન ભરીને મહાલી પણ જ્યારે એ ગઈ ત્યારે ચૂપચાપ બિલ્લીપગે ચાલી ગઈ. આ તો લીલોતરીએ એનાં રૂપરંગ ના બદલ્યાં હોત તો વર્ષાની ચાલાકી પકડાત જ નહીં.

રોજ સવારે કિરણમાળી એનાં શિશુકિરણોને અંબાવી વહાલથી અવનીને ચૂમી ભરાવતો હોય ત્યારે પાછલી રાતે વરસેલા વરસાદમાં ઝબકોળાયેલો ઘરબગીચો તંદ્રામાંથી જાગવાની તજવીજમાં પડ્યો હોય. અંશુમાનની બળવાન હૂંફ રાતની ઠારને ધીરેધીરે પીગાળતી જાય ને ઘરબગીચો રૂપાંતરિત થઈ જાય કોઈ સદ્યસ્નાતા ગૃહવાટિકામાં! ગૃહવાટિકાના અનેકો છોડ અંશુમાળીનું તેજરૂપી પીણું પીને એવા તો ચુસ્ત ને ટટ્ટાર થઈ જાય જાણે હમણાં જ ખીલ્યાં હોય. નાની કળીઓ, કોરકો ને મુકુલો પૂર્ણતા પ્રાપ્ત કરવા અધીરાંઅધીરાં લાગે. એમની ફોરમ બાંધી ન બંધાય ને દ્વાર તોડી જાય દોડી દોડી. જે બાજુએ પવન લઈ જાય એની સવારી કરી,
જે દિશામાં લહેરખડી ખેંચી જાય એનો હાથ ઝાલીને એ તો જાય દોડી દોડી. હવે એ હાથમાં ના આવે. હા, નાકમાં જરૂર આવે, જો ચેતના સાબૂત હોય તો, જો રસિકતા અકબંધ હોય તો. છૂટા હાથે વિધવિધ રંગો વેર્યા હોય એમ સફેદ, પીળાં, કેસરી, રાતાં, ગુલાબી, રાણી, વાદળી, જાંબુડી વગેરે રંગોનો વર્ણપટ નજર સમક્ષ દૃષ્ટિગોચર થાય. આંખો પટપટાવતાં મુકુલોને રૂપકડાં પતંગિયાં આવી આવીને ભેટે. એમનો લાડપ્રેમ જોવામાં મગન થઈએ ત્યારે સમયનું કોઈ ધ્યાન કે ભાન રહેતું નથી. એમ થાય કે લીલોતરીની આ કળાત્ત્મક ફિલ્મ જોયાં કરીએ. ગૃહવાટિકાની રંગભૂમિ મધ્યે લીલોતરીના આ અંગાંગો દ્વારા ભજવાતી નાટિકાનું રસપાન કરતાં રહીએ. પતંગિયાં દ્વારા ફરફરાટ વીંઝાતી પાંખોથી થતા ફફડાટમાં તમને રઘવાટ નામની લાગણીની સર્વોચ્ચ ઊંચાઈ જોવા મળી શકે છે. અવિરત એક ફૂલથી બીજા ફૂલ સુધી ઊડાઊડ કરવાની ચેષ્ટામાં અદમ્ય ચંચળતા ને કોઈ એક યોગ્ય ઠેકાણું ન મળવાને કારણે સતત ઘુમરાતાં રહેવાની અસ્થિરતામાં બાવરાપણાંની અસીમતા ભાળી શકાય છે. આવી સવારનું પરિશીલન કરવું એ ધ્યાનમાં લીન થવાથી સહેજ પણ ઓછું નથી.
પણ આવી સોહામણી સવારો તો ત્યારે ઊગી શકતી જ્યારે વર્ષાનો ભાઈ મેઘ આદિત્યને રોકીને આડો ના ઊભો હોય. અન્યથા જેમ મારૂતિનંદન સૂર્ય ગળી ગયા હતા એમ જ માનવું પડે કે આ કાળિયા કાહ્ન જેવો મેઘ પીળા સૂરજને ગળી ગયો. એવી સવારો ક્યારેક સાવ નિસ્તેજ ને માંદલી થઈને એની સુસ્તી આપણા અસ્તિત્ત્વ સુધી વિસ્તારતી હોય છે. વળી ક્યારેક અલપઝલપ રમાતી તડકીછાંયડીની રમત આપણનેય રમાડે. આકાશી અખાડામાં સહસ્ત્રાંશુ અને પયોધર નામના બે બળિયા બાથે વળગ્યા હોય એમ ઘડીકમાં તડકો પ્રસરતાં સહસ્ત્રાંશુનું જોર વધુ લાગે ને ઘડીકમાં અંધારું ઘેરાતા પયોધરનું. આ ક્રીડાયુદ્ધ ક્યારે યુદ્ધમાં પલટાઈ જાય એ કંઈ કહેવાય નહીં.
પોતાના ભાઈની સાથે નભવિહારે નીકળેલી વર્ષા એની સખી અચલાને જોઈને એવી તો ચલિત થઈ જાય કે ઘેલીઘેલી થઈને આવી ભેટે એને. આઠઆઠ મહિનાના અંતરાલ બાદ મળે એટલે એના માટે નવીનકોર હરિત ચૂંદડીની મોંઘામાંહ્યલી ભેટ લાવે. અચલાની બધી દીકરીઓ માટે તો એટલું ખાણું લાવે કે બધીય નિર્ઝરીઓ એવી તો હ્રષ્ટપુષ્ટ અને કામઢી થઈ જાય કે પછી બેય કાંઠે હિલ્લોળા મારતી ખળખળતી માંડે ગાવા ને ઠેકઠેકાણે ઊંચેથી પડતું મૂકી મારે ભૂસકા. એમની ઉછળકૂદ અને ગાનતાન જોઈને એની મા વસુધા તો રાજીની રેડ થઈ જાય. આટલું જ નહીં, વર્ષાના નીતરતા નેહથી એના ઝાંખાપાંખા દીકરાઓ, લીલાછમ પટકૂળ પહેરી દૈદિપ્યમાન થઈ ઊઠે. વસુધાના દીકરાઓ અરણ્ય ને ગિરિની શોભા જોતાં ધરવ જ ના થાય એવી થઈ જાય. એના પૌત્રો એવાં વિહંગોની કિલકારીઓ આખીય સૃષ્ટિને કલરવતી કરી દે. વસુંધરાનું શાંત રહેલું કુટુંબ ભાવવિભોર થઈને નાચતુંગાતું થઈ જાય, જાણે કે વર્ષાની ગાજવીજનો હોંકારો ભણતું હોય.

ચારચાર માસ લગી આમ કિલ્લોલતી સૃષ્ટિ એની સખી વૃષ્ટિની વિદાયથી ધીરગંભીર બની જાય. સખીની સંગાથે નાની બાળા બની ગયેલી પ્રગલ્ભાને એકાએક પ્રતીતિ થાય કે પોતે તો કરોડો જીવોની માતા છે અને એ વળી પાછી ખોવાઈ જાય છે એમના પાલનપોષણનાં નિરંતર ચાલતાં કર્તવ્યકર્મમાં. વર્ષાએ અર્પેલું વહાલ ધરા એના અસ્તિત્ત્વ સાથે એકાકાર કરી લે છે લીલોતરી રૂપે. એ લીલોતરી જે ઓળખ છે ધરાની સ્વસ્થતાની, સુખ અને શાંતિની, સભર હોવાની.
ટહુકો:
આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
– મકરંદ દવે
એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.
ધરણીનું આ નૂર અખંડ રહો. વર્ષાનું આ વહાલ અમર રહો.
— મયુરિકા લેઉવા-બેંકર
વાહ… લીલાછમ થઈ ગયા…
આભાર જાહ્નવીબેન.
આપના એક એક લેખો એ મારી વાંચન ભૂખ વધારી દીધી…તમારા શબ્દોનું વધારે રસપાન કરવા મારે ભગવદ્ગોમંડલ ઉથલાવવું પડ્યું..તમારી લખાણની શૈલી મને ઘરની દીવાલો વચ્ચે પણ લીલોત્રીમાં ભીંજવી નાખે છે.હું પ્રકૃતિ પ્રેમી હોય તમારા લેખોના વાંચનથી એક અલૌકિક અનુભૂતિ થાય છે.
મૂળભૂત હું રિલાયન્સ સ્કૂલમાં 38 વર્ષથી લાયબ્રેરીયન તરીકે પુસ્તકોની વાડીમાં માળી હતો. રિટાયર્ડ જીવનમાં વાંચનયાત્રા કરું છું..
કુદરતના સાનિધ્યમાં રહેવાથી માણસને કંટાળાનો કાટ લાગતો નથી તે તમારા લેખોએ સાબિત કર્યું છે.
ખૂબ મજા આવી…..
Shabdo ni kalatmak parovani Soundarya ni sunder mada gunthe chhe.khoob sunder rajuat Abhinandan
આભાર નીવાબેન.
કાવ્યાત્મક નિરુપણ!
ખૂબ આભાર હિરલબેન
આભાર હિરલબેન.
અદભુત શબ્દ ભંડોળ અને શબ્દ યોગ્ય જગ્યાએ ઉપયોગની ક્ષમતા. લેખિકા ને ખૂબ અભિનંદન.
ખૂબ ખૂબ આભાર ધનંજયભાઈ