તમને હળવાશના સમ (ક્રમ – ૧૮)
“રમીલાઆ આ આ... મારું બ્રશ ક્યાં છે? કેટલી વાર કહ્યું કે તેને તારા ચણિયામાં નાડું પરોવી લીધા બાદ આમ ખાનામાં નહીં ખોસી દેવાનું. બાથરુમમાં આમ સામ્મું દેખાવું જોવે; પણ તારા કાનમાં પુમડાં ખોસેલા રાખે છે તે હું કહું એ તારે પલ્લે નથી પડતું.” બોલ વીંઝતા હોય તેવા ઝનુનપૂર્વક સંતોષકુમાર વાક્યો ફટકારતા.
“એટલે જ તો મેં હવે નાડાવાળા ચણિયા પહેરવાના બંધ કરી દીધાં છે.” રમીલાબેન ભોળાભાવે પોતાનો સ્કોર નોંધાવતા.
બે કસુવાવડ અને છ દીકરીઓ જણ્યા બાદ દીકરાની આશામાંને આશામાં ગંગાબાએ દીકરો મેળવવા માટે છેલ્લો પ્રયત્ન કરી જોયો અને જોતા જ રહી ગયા. છેવટે બાબો આવ્યો તેના હરખ અને સંતોષમાં તેનું નામ સંતોષકુમાર રખાયું પરંતુ સંતોષકુમારને ભારે અસુખ. તેને કોઈ વાતે સંતોષ જ નહીં.
જન્મ્યો ત્યારેય ગંગાબાને એવું મોઢું કરીને તાકતો જાણે કહેતો હોય, “તમે મને લાવવામાં મોડું કેમ કર્યું?” રડી રડીને આખી હોસ્પિટલ ગજવી દીધેલી.
સંતોષકુમારના લોહીમાં શંકા અને અકળામણ એવાં ભળી ગયેલા કે તેઓ દરેક માણસને શકની નજરે જોતા. સીધી સરળ વાત તેમને પચતી નહીં અને નાનામાં નાની બાબતે ફરિયાદ ઓક્યા કરતા. સમાજમાં સૌ તેમને ‘’સંતોષ કચકચિયો’’ નામે ઓળખતા. દરેકમાં કંઈકને કંઈક ખોડખાંપણ જોવાની ટેવને લીધે તેમની આંખો ત્રાંસી થઈ ગયેલી અને મોઢું મચકોડાયેલું રહેતું. વળી બે ભવાં વચ્ચેના ભાલ પ્રદેશમાં સાડીની વાળેલી પાટલીની માફક આડી અવળી ખેંચાયેલી તંગ રેખાઓ જેવી અનેક કરચલીઓ પડી ગઈ હતી અને થોડી થોડી વારે તેમના જમણા હાથની આંગળીઓ સાડીની પાટલી વાળતા હોય તેવી મુદ્રામાં આમથી તેમ ઊછળ્યા કરતી.
સંતોષકુમાર સવારમાં ઊઠે ત્યારેથી તેમનો કકળાટ શરુ થતો.
“રમીલાઆ….આ મારું બ્રશ ક્યાં છે? કેટલી વાર કહ્યું કે તેને તારા ચણિયામાં નાડું પરોવી લીધા બાદ આમ ખાનામાં નહીં ખોસી દેવાનું. બાથરુમમાં આમ સામ્મું દેખાવું જોવે પણ તારા કાનમાં પુમડાં ખોસેલા રાખે છે તે હું કહું એ તારે પલ્લે નથી પડતું.” બોલ વીંઝતા હોય તેવા ઝનુનપૂર્વક સંતોષકુમાર વાક્યો ફટકારતા.
“એટલે જ તો મેં હવે નાડાવાળા ચણિયા પહેરવાના બંધ કરી દીધાં છે.” રમીલાબેન ભોળાભાવે પોતાનો સ્કોર નોંધાવતા.
નિત્યક્રમ પતે અને સંતોષકુમાર ચ્હા પીવા ટેબલ પર બેસે એટલે ફરી ચાલુ થાય, “મારું છાપું કોણ અડક્યું? કેટલી વાર કહ્યું છે કે મારા છાપાંને કોઈએ હાથ નહીં લગાવવાનો. મને નવી નક્કોર ઘડી વાળેલી સાડી જેવું છાપું જોવે. આમ તદ્દન ચોળાયેલી સાડી જેવું નહીં.’
“પણ પપ્પા અડક્યા સિવાય છાપું ઝાંપેથી ટેબલ પર કઈ રીતે આવે?” બકુડો તેની મમ્મીની વહારે ધાતો એ સાંભળી સંતોષકુમાર તેની સામે મોટા ડોળા બહાર કાઢી તેને તતડાવતા.
“રેવા દ્યો હવે, બકુડાને રમવા માટે લખોટીઓ મફતમાં મળશે.” કોઈક જ વાર બોલતા રમીલાબેન બોલે ત્યારે સીધી સિક્સર ફટકારી દે.
પછી ચ્હાનો સબડકો લેતા સંતોષકુમાર ફરી બરાડે, “ઠરીને ઠીકરું થયેલી ચ્હા લાવી? ઊપર આ બાઝેલી મલાઈ, મને નહીં બઝાડવાની. લે, જા ફરી ગરમ કરી લાવ.” અને પછી ગરમાગરમ વરાળ નીકળતી ચ્હા મોઢે માંડતા, તેમના ગળામાંથી ઘાંટો બહાર પડે, “આવી ચ્હા લવાતી હશે? તને મારી જીભ દાઝી જાય તેમાં જ રસ છે.” ત્યારે રમીલાબેન મનોમન બબડતા, ‘જીભની વાત જ જવા દો. પરણી ત્યારથી મને આખેઆખા તમારામાં જ રસ નથી.’
બકુડાને શાળામાં સવાલ પૂછાય કે “ગરમ વસ્તુના નામ આપો.” ત્યારે તે ફટ દઈને જવાબ આપે, “મારા બાપાનું મગજ.” અને “ચ્હા ઠંડી કહેવાય કે ગરમ?”ના જવાબમાં તે કહે, “ગરમ કરીને ઠંડી કરેલીને ફરી ગરમ કરેલી કહેવાય મેડમ. જુઓ તમને સમજાવું…”
જો કે મૅડમને તે સમજવામાં રસ નહોતો.
દુકાને જવા તૈયાર થતા હોય ત્યારેય સંતોષકુમારનો લાઉડસ્પીકર જેવો ઘરભેદી અવાજ છેક પાડોશમાં હુડહુડ કરતો પહોંચી જાય. પાડોશીઓને ચોખ્ખું સંભળાય, “હું જ્યારે શર્ટ પહેરવા કાઢું ત્યારે બટન તૂટલું હોય, રમીલા… તને કેટલી વાર કહ્યું કે જોઈને રાખ.”
“આ મહિને આ પાંચમી વાર.” રમીલાબેન હળવેકથી સ્કોર સંભળાવે. મહિનામાં પાંચ વાર બટન તૂટવાનું કારણ વધતી ફાંદ હતી કે સંતોષકુમારની ભીતર ગુંગળાતી બહાર નીકળવા ફાંફા મારતી અકળામણ કે પછી હાલતાને ચાલતા રાહદારીઓ સાથે વહોરી લેવાયેલી ઝપાઝપી તે ગૂઢ રહસ્ય આજદિન પર્યંત અકળ રહ્યું છે.
સંતોષકુમાર ઘર બહાર નીકળે પછી ઘરમાં શાંતિ પથરાય અને રમીલાબેન છાતીએ હાથ મૂકી બોલે, “હા….શ. ગયા.”
પરંતુ સંતોષકુમાર જ્યાં જાય ત્યાં અશાંતિ ઊભી કરે. ઘરથી તે બસસ્ટોપ સુધી ચાલતા રસ્તા પર બબડે, “લોકોને ભાન નથી. સરકારી તંત્ર ખાડે ગયું છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા. ઠેકઠેકાણે ખાડા. આમાં ચાલવું કે કુદવું? નાગરિકો પોતાની ફરજ નથી બજાવતા.” બબડતાની સાથે જ સંતોષકુમાર બાજુમાં થૂંકે પણ એમ કંઈ ગુસ્સો ઓછો થૂંકાય? તેમાં જો સામેથી આવનાર ભૂલથી તેમને અડકીને પસાર થાય તો તેનું આવી જ બને. સંતોષકુમારનો મજબૂત હાથ અને પેલાનો કાંઠલો. “જોઈને નથી ચલાતું?” વરાળ સાથે વાક્ય બહાર નીકળે.
સંતોષકુમારની ત્રાંસી આંખ ક્યાં જુએ છે તેની ગતાગમ ન પડતાં આજુબાજુ ચાલનારા તેમને છૂટ્ટા પાડે ત્યારે તેઓ દુકાનભેગા થાય.
જાણીતી સાડીની દુકાનમાં તેમની સેલ્સમેનની નોકરી. ‘’નોકરો કરું છું.” કડવાશથી બોલી તેઓ પોતાની અકળામણ બહાર કાઢતા. માથાભારે મહિલાઓને રાજી રાખી, તેમની પસંદગીની સાડીઓના ઢગલા કાઢીને પછી મુંગા મોંએ સમેટવા, પોતાના ભરાવદાર શરીરે જુદી જુદી સાડીઓ લપેટી તેમને પાલવ, બુટ્ટી, બોર્ડર, રંગ, ડિઝાઈન, પોત વગેરેની સમજ પાડવી અને બધું સમજાવ્યા બાદ વામાઓના સુમધુર મુખેથી “ડચ ડચ…” ડચકારો સાંભળી, “કંઈ બીજું સરસ બતાવોને.” એવું સાંભળવા છતાંય તેમના નખરાંઓને સહન કરી જવું એ તેમના અસંતોષી સ્વભાવ વિરુદ્ધ હતું. પરંતુ નોકરી એટલે નોકરી. સંતોષકુમારના કહેવા પ્રમાણે, નોકરો.
એ બધો આક્રોશ અને અકળામણ પછી જ્યાં અને ત્યાં ઠલવાતો. તેમની આ પીડા સમજનાર એક માત્ર પાડોશણ રંભાબેન હતા. રમીલા અને તપી ગયેલા સંતોષકુમારે એકબીજાનું નિશાન ચૂકવી દઈ પોતાના ઘરમાંથી ફેંકેલા વાડકી, ચમચી, તપેલા, તપેલી રંભાબેન આબાદ ઝીલી લેતા. એ પછી સંતોષકુમાર તેમનું સ્મિત ઝીલી લઈ સંતોષ પામતા અને એ મસ્ત મજાના સ્મિતનો બદલો તેઓ નવી ફેશનની સાડી તેમને ગીફ્ટમાં આપીને વાળતા.
“તમારી તો સાડીની દુકાન.” ભોળા સ્વભાવના રંભાબેનની એ અજ્ઞાનતા પર પ્રકાશ પાડવાની સંતોષકુમારને લગીરેય ઈચ્છા નહોતી. તેઓ મનોમન બબડી લેતા, ‘સચ્ચાઈ ન જાણવામાં કે જણાવવામાં જ ખરું સુખ છે બાકી હું તો એ દુકાનમાં નોકરો કરું છું. ભલેને રંભાબેન મને માલિક સમજે. મોગેમ્બો યે સુન કે ખુશ હુઆ.’
સાંજે પાછી તેમના મુખેથી વછૂટતી રાડો સામે ટીવી.નું હાઈ વોલ્યુમ પોતાના હથિયાર હેઠાં મૂકી દેતું. “ડોબી, તારા કારેલાંના શાકમાં મીઠું ઓછું અને દાળમાં ડબલ ગોળ છે. મને મારી નાંખવો છે નહીં?”
“એય આપણા જેવું કપલ છે.” રમીલાબેન તેમને બિન્દાસ ઓછા મીઠાંવાળા કડવા કારેલાંના શાકની ઉપમા આપી નવાજતા.
“તને કારેલા, કંટોળા, મેથી, રીંગણા સિવાય બીજું કંઈ બનાવતા આવડે છે?” સંતોષકુમાર અસંતોષપૂર્વક થાળીનો ઘા કરે તે પહેલાં રમીલાબેન પ્રકાશતા, “તમારી પર્સનાલીટીને એ મેચીંગ છે બાકી મને બીજાં શાક તો શું તમનેય બનાવતા આવડે જ છે.” રમીલાબેન જાણે સાડી સાથે બ્લાઊઝ મેચ કરવાના હોય તેમ નાક ઊંચું રાખી સહજભાવે બોલી જતા.
“મેચીંગ શબ્દ તો બોલતી જ નહીં. દિવસમાં પચ્ચા વાર એ સાંભળીને કંટાળી જાઊં છું” સંતોષકુમાર દુકાને ભોગવેલો ત્રાસ યાદ આવતાં એવા બરાડતા કે એ સાંભળી વાડકી ઊછળીને પાડોશીને ત્યાં ફેંકાતી જે રંભાબેન ઝીલવા માટે તૈયાર અને સદાય તત્પર રહેતા. માટે જ રંભાબેનને ત્યાં વર્ષોથી નવા ડીનર સેટ વસાવવાની જરુર નહોતી પડી.
“કો’કી દી કાંક ભરેલી મોકલો.” તેઓ રમીલાબેનને કહેતા ત્યારે રમીલાબેન તેમને વાડકો ભરીને ભરેલા મરચાં મોકલી આપતા.
ગૃહકંકાસ બાદ રમીલાબેન રીસાઈને રસોડામાં હડતાલ પાડે ત્યારે સાડી લેવા આવનાર ગ્રાહકને પટાવતા હોય તેમ સંતોષકુમાર કહેતા, “કાંઈ વાંધો નહીં બેન, બીજી બતાવું, સોરી સોરી, આજે હોટલમાં કારેલા કંટોળા સિવાય કંઈક બીજું જમવાનો ટેસડો થૈ જાય. ચાલો મારી આંખોનેય કાંઈક બીજું જોવા મળે.” પરંતુ રમીલાબેન એ વાતથી સુપેરે પરિચિત હોય કે પતિદેવને ચોક્કસ કોઈક બાબતે અસંતોષના રોગનો હુમલો આવશે અને તેઓ વેઈટર સાથે ઝગડીને બબાલ ઊભી કરશે.
“તમ તારે ઓલી રંભાડીને થાળી જમવા લઈ જાવ. કાયમ કહેતી હોય કે કાંક ભરીને વાડકા મોકલાવો આમ સાવ ખાલી થાળી વાડકા ફેંકો છો તે.. “ રમીલાબેન ટોણો મારતા પરંતુ સંતોષકુમાર કહેતા, “એમ કંઈ રંભાને લઈ થાળી ખાવા જવાય? તેના કડછા જેવા વર ચીમનને કેવું લાગે?”
પછી જ્યારે પૈસા વસુલ કરવા અને ભરપેટ જમવા રેસ્ટોરાંમાં જવાય ત્યારે ત્યાંના વેઈટરનું આવી જ બને સમજો. જો કે સુલેહ સંધિ થતાં, પત્નીને પટાવીને તે દિવસે સંતોષકુમાર સહકુટુંબ, ‘કાઠિયાવાડી ભાણું’ નામક જાણીતી હોટલમાં જમવા ગયા. ધાર્યા મુજબ જ, અં“યે શાક કાચ્ચા હૈ.” થી સંતોષકુમારની શરુઆત થઈ.
વેઈટર ઊવાચ: ”સાબ, હમ નહીં પકાયા.”
“મેરા માથા મત પકાઓ. તુમારે મેનેજર કો બુલાઓ.” સંતોષકુમારનો અવાજ મંદમાંથી તાર સપ્તક પર પહોંચી ગયો.
“વો ખીચડી ખાકે કંટાળ્યા માટે સામનેકી હોટલમેં પંજાબી ખાના ખાનેકુ ગયેલા હૈ.” સમજુ વેઈટરે ભોળાભાવે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું.
તે સાંભળી સંતોષકુમારની ડાગળી છટકી, “હમકો ઉલ્લુ બનાતા હૈ? હેં? ક્યા સમજતા હૈ? આવા કાચા શાક પીરસીને પોતે સામે ટેસથી જમતા હૈ?”
“તે તમેય એવું જ કરો છોને? મને સાડી લઈ આપવાને બદલે સામેવાળી રંભાડીને લાઈ આપો છો. મને ઉલ્લુ સમજો છો? હું બધું જાણું છું એ તમે નથી જાણતા.” રમીલાબેને સંતોષકુમારને સંભળાવી દેવાનો ચાન્સ ચૂક્યા વગર પાછી સિક્સર ફટકારી.
ઈજજતનો ફાલુદો થાય તે પહેલાં સંતોષકુમારે ફાલુદાનો આપેલો ઓર્ડર કેન્સલ કરાવ્યો. કયા મોરચે લડવું તેવું વિચારતા તેમણે ખિલખિલાટ હસતા બકુડાને બે ધોલ લગાવી દીધી. બકુડાએ જોરથી ભેંકડો તાણ્યો તે સાંભળી બહાર વેઇટીંગમાં ઊભેલા પાંચછ જણા રસ્તો માપવા લાગ્યા. એ જોઈ હોટલમાં વાગતા ધીમા સંગીતનું વોલ્યુમ હોટલ-માલિકે એકદમ વધારી દીધું.
અસંતોષથી ઊછળતા સંતોષકુમારને વેઈટરે માંડ શાંત પાડી કહ્યું, “સર ખાસ આપના માટે બીજું તાજું બનાવડાવું. આપ મહેરબાની કરી શાંતિ રાખો.”
પરંતુ તેમની પાસે રમીલા હતી, શાંતિ નહોતી. શાંતિ માટે રમીલાબેનને તેમની બહેનપણી રસીલાએ સંતોષીમાતાનું વ્રત રાખી ચૌદ શુક્રવાર કરવાની મફત સલાહ આપેલી.

એમ તો દર કાળી ચૌદશે રમીલાબેન ચારે દિશામાં વડા ફેંકી ઘરમાંથી કંકાસ કાઢતા પરંતુ સામે રહેતી પાડોશણ રંભા કાગડોળે વડાની રાહ જોતી હોય તેમ તેય કેચ કરી લેતી.
અડધુંપડધું જેમતેમ જમીને સંતોષકુમાર, રમીલાબેન અને બકુડો ઘરભેગા થયાં. આખો રસ્તો સંતોષકુમારનો અસંતોષથી ઊભરાતો કકળાટ તેમના સ્વમુખેથી બહાર ફેંકતો રહ્યો.
બીજો દિવસ રાબેતા મુજબ ઊગ્યો. સંતોષકુમાર રાબેતા મુજબનો કકળાટ કરી દુકાને ગયા અને રાબેતા મુજબ ગ્રાહકોને શરીર પર સાડીઓ લપેટીને બતાવતા હતા તેવામાં તેમની નજર દુકાનના દરવાજા પર ગઈ. પ્રિય પાડોશણ રંભા હાથમાં પર્સ ઝુલાવતી દાખલ થઈ રહી હતી.
‘માર્યા ઠાર. આ રંભાડી અહીં ક્યાંથી? મને આ રીતે દેખશે તો હું દુકાનમાં માલિક નહીં પણ સેલ્સમેન છું તેવી બધી પોલ ખુલી જશે.’ વિચારી તેઓ સાડીઓ પડતી મૂકી, પેટમાં ગરબડ છે તેવું બહાનું બતાવી પાછલે બારણેથી પોબારા ગણી ગયા.
સંતોષકુમારે ઘરે જઈ ડોરબેલ મારી. બકુડાએ બારણું ખોલ્યું. “ક્યાં ગઈ તારી મા? બારણું ખોલતાં આટલી વાર?” કકળાટભર્યો સૂર ઘરમાં રેલાયો.
“મમ્મીએ મારા માટે મસ્ત શીરો બનાવી આપ્યો. મોટી ચોકલેટ આપી. એ સામેવાળા ચીમનઅંકલ સાથે થાળી ખાવા જવાની છે તેવું કહેતી હતી. પછી મોડેથી ફિલ્મ જોઈને જ આવશે. સંતોષીમાતાના વ્રત અપવાસ ફળ્યા માટે દર્શન કરવા જશે તેમ કહેતી’તી. સાંજ માટે મેથીના ઢેબરાં બનાવી રાખ્યા છે.”
બકુડાનો એ નિર્દોષ જવાબ સાંભળી સંતોષકુમારને પેટમાં અચાનક ચૂંક ઊપડી. તેમની ત્રાંસી આંખ ગોળગોળ ફરવા માંડી. કેટલોય કકળાટ કરી, હૈયા વાટે અસંતોષ બહાર ઠાલવી દઈ સંતોષ પ્રાપ્ત કરવા તેઓ જાજરુમાં ભરાઈ ગયા. ત્યાગ કરવાથી સુખ સંતોષ મળે એ તો તેઓય જાણતા હતા. જાજરુમાં તેમનો બબડાટ સાંભળનાર કોઈ નહોતું. રસીલાએ છેલ્લી સિક્સર ફટકારી જ દીધેલી. સંતોષકુમારે સંતોષ રાખ્યે જ છૂટકો હતો.
– સુષમા શેઠ
સરલ ઝરણાની જેમ વહેતી રચના માણવાની મઝા આવી
મજ્જા આવી ગઈ —- અંત તો અપૂર્ણવિરામ જેવોલાગ્યો —– અંત હિન અંત — નામ પણ રસિલા — સંતોષકુમાર, રંભા અને રમીલા !
લખતાં રહો — હસાવતાં રહો — માં સરસ્વતીની કૃપા બની રહો —
સમીર, અમદાવાદ
સુંદર પ્રતિભાવ બદલ આભાર. હસતા રહો.
વાર્તા ખૂબ જ મજાની… પરંતુ વાર્તાનો અંત આ પ્રકારના લોકો માટે પાઠ છે.
હળવાશથી લેજો. હસતા રહેજો. પ્રતિભાવ બદલ આભાર.
Love it so halarious
Enjoy and keep laughing
આવી વાર્તાઓ કરિ ક્યાંય જોવા મળતી નહીં હોય
હસો અને હસાવતા રહો. આભાર.