રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૩) – નેહા રાવલ 5


આગળ ચાલવું, ચાલતા રહેવું એ જ જાણે એ સમયે જીવનનું એક માત્ર કાર્ય હતું. બીજું કશું જ મનમાં આવતું ન હતું. ચાલો. ચાલતા રહો. ખૂબ થાકો ત્યારે જરાક થોભો. બેસી જવાથી થાક બેવડાઈ જતો હતો. એટલે સહુ ઢાળવાળો પથ્થર શોધી એને ટેકે ઘડીક વિસામો લઈ આગળ વધતા.

રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરીના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ટ્રૅકિંગ ડૅ – ૩.

૯ નવેમ્બર ૨૦૨૧, સોમવાર.

સવારના મૉર્નિંગ ચાની વ્હિસલ પહેલા જ મેં પથારી છોડી અને સૂરજના આવતા પહેલાના ઉજળા અંધારાને માણી રહી. રહેઠાણની બહાર ખૂબ મોટું પરિસર હતું જ્યાં થોડી ઊંચાઈએ ઓટલા જેવું પાકું બાંધકામ કરી ઉપર છાપરા નાખેલા હતા. કદાચ ત્યાં કોઈ સભા કે પ્રવચન કરવાના હેતુથી આ કર્યું હોઈ શકે. એ સિવાય ઉંચી ટેકરીઓ પણ હતી. નજર સામે મેદાનમાંથી ઉગતો સૂર્ય અને એક તરફ ટેકરીઓ! ખૂબ ગમતું હતું.

 બ્રેકફાસ્ટમાં ગરમ ભજીયા હતા, પણ લાઈનનું ડીસિપ્લિન ન જળવાતા કેટલાકે પેટ ભરીને ખાધું, કેટલાક સાવ બાકી રહ્યા. ત્યાની ચાથી સંતોષ ન થયો. બહાર ચા પીવા જવા વિચાર્યું, પણ ઘણા સભ્યોને નહાઈને આવતા જોયા.  ત્યાંથી બહાર નીકળતા ઢાળ પર પાકા બાંધેલા બાથરૂમની સગવડ હોવાથી હું તો નહાવાની લાલચ ખાળી ન શકી. આમ બહુ નહાવું જ એવું તો નહિ, પણ આગલા દિવસની જંગલની ધૂળ શરીર પરથી સાફ કરીએ તો આજની ચડે ને! નહાઈને તૈયાર થઈ બાજુમાં જ સ્ટોલ પર ચા નાસ્તો કરવા બેઠા. અને આછું પાતળું નેટવર્ક હોવાથી ઘરે કૉલ પણ  કરી લીધા.  લંચ તૈયાર થાય ત્યાં સુધી રાહ જ જોવાની હતી.

એવામાં કોઈ ખબર લાવ્યું કે ઉપરની ટેકરી પર એક સાધુ છે જે હાથ પગનો મચકોડ ઠીક કરી આપે છે. દર્શનાને લઈને ત્રણ ચાર અનુભવી ટ્રેકર્સ ત્યાં ગયા. થોડી જ વારમાં દર્શનાની ચીસો સંભળાવા લાગી. એની દીકરી યશ્વી મને કહેતી રહી, ‘હું મમ્મી પાસે જાઉં.’ પણ મેં સમજાવીને બેસાડી રાખી. લગભગ અડધા કલાકે એ લોકો નીચે આવ્યા ત્યારે દર્શનાના હાથ પર બેન્ડેજ હતો અને મારા સ્કાર્ફની ઝોળી બનાવી એમાં હાથ રાખ્યો હતો. એ ‘મચકોડ રિપેર સ્પેશિયાલીસ્ટ બાબા’ના કહેવા મુજબ એનું હાડકું ખસી ગયું હતું, જે એમણે બેસાડી દીધું. હવે હાથને બને એટલો આરામ આપવાનો હતો. એનો સામાન ઊંચકવા અમારા ગાઇડ એક બીજા છોકરાની વ્યવસ્થા કરી લાવ્યા હતા. પૅકડલંચમાં છોલે અને પરોઠા ભરી સહુ નીકળ્યા. સાડા નવ-દસ તો વાગી જ ગયા હતા.

અમારા ગાઇડના કહેવા મુજબ આજનો આખો રૂટ ઝરણાને સમાંતર હતો અને ગાઢ જંગલમાં જ હતો. કાંટા નહિ હોય એવું જાણી સહુને હાશ થઈ હતી. એમ લાગ્યું કે પાણીની તકલીફ તો નહિ જ પડે. પણ ગાઇડે કહી જ દીધું, “રસ્તે બે જ જગ્યાએ પાણી મળશે. ઝરણા સુકાઈ ગયા છે.” આગલા દિવસના અનુભવે સહુને પાણી સાચવીને વાપરતા શીખવી દીધું હતું. આજે ચડાણ ઓછું હતું અને સમથળ રસ્તો વધારે હતો. થોડે જ આગળ જતા રસ્તામાં તાજી વિયાયેલી ભેંસના એક ગોવાળે બરી ખવડાવી. પનીર અને પાણી જેવી એ બરી જેમને ભાવી એમણે ખૂબ ટેસ લઈને ખાધી. અને એ વ્યક્તિને આગ્રહ કરી થોડા રૂપિયા આપી સહુ ગાઇડને સાંભળવા લાગ્યા. ગાઇડે કહ્યું, ‘હવે જે સાંકડી કેડી છે ત્યાં ખાઈ એટલી જોખમી છે કે અહીના સ્થાનિક લોકો પણ એમાં પડીને મરી જાય છે એટલે ખૂબ સાચવજો. ધીમે ધીમે ચાલજો. અને લીલા રંગના પથ્થર પર પગ ન મૂકતા. આટલું ધ્યાન રાખજો.’ એ ખાઈનો રસ્તો સાચે જ ખૂબ જ જોખમી હતો. નીચે કાંટાળા ઝાડવા અને લગભગ ૫૦-૭૦ ફીટ ઊંડાઈએ પાણી દેખાય. સીધી જ દીવાલ જાણે…પડયા તો પકડવા કશું મળે નહિ. સહુ એક એક કરી હાથ પકડી પકડી એ સાંકડી કેડી પાર કરી ગયા.

પછી આવ્યો જંગલના ઝરણાનો રસ્તો. જ્યાં ઝરણું તો હતું જ નહિ, પણ ઝરણાંના ભેજવાળા લીલા પથ્થરો હતા. જે દેખાતા તો કોરા હતા પણ પગ મૂકતા જ લપસી પડાય એવા ચીકણા. ખૂબ ધીમે ધીમે, સાચવી સાચવીને સહુ આગળ વધતા હતા. જંગલના ચઢાણ પથરાળ અને અઘરા હતા અને ઊતરાણ તો એથી વિકટ. ક્યાંક બેસીને લસરવું પડતું તો ક્યાંક અનુભવી સભ્યો બધાંને ઊંચકી ઊંચકીને ઊતારતા હતા. ત્યારે જાત પર શરમ આવતી હતી કે ખુદનો ભાર ન ઉચકી શકીએ એવા હોઈએ તો આપણે ટ્રૅક પર આવવું જ ન જોઈએ! એવા જ ઊંચાનીચા પથ્થરો અને ગુફાઓની વચ્ચે પાણી દેખાયું અને ત્યાં જ સહુ લન્ચ બ્રેક લેવા બેઠા. ગુફા અને પથ્થરો વચ્ચે પાણી, એની એક તરફ બેસીને જમતી વખતે એવો વિચાર આવ્યો કે પહેલાના સમયમાં ઋષિઓ પરિભ્રમણ કરતા ત્યારે આવી જ કોઈ જગ્યાએ બેસતા હશે ને આવા જ કોઈ ઝરણે પાણી પીતા હશે? આવા જ કોઈ પાણીની અંજલી ભરી પ્રતિજ્ઞા લેતા હશે કે શ્રાપ કે આશીર્વાદ આપતા હશે!

જમીને આ વિચારોને ત્યાં જ રાખી ખાલી થયેલી  બૉટલ ભરી લીધી અને આગળ વધ્યા. બપોરના બે થવા આવ્યા હતા. રસ્તામાં કુમ્ભાબાગ રિસોર્ટ જોયો જ્યાં સલમાન ખાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’નું શુટિંગ થયું હતું. ગાઇડના કહેવા મુજબ અમે સહુ ખૂબ ધીમા હતા અને આમ જ ચાલીશું તો જંગલમાં જ સાંજ પડી જશે. પછી થોડી ઝડપ વધી અને સાડા ત્રણ સુધી કોઈ પણ પૂછપરછ કે સવાલો વગર સહુ ચાલતા રહ્યા. હા, વાતો સતત ચાલતી હતી.

ચંદ્રકાંતકાકા, જેઓ નેચરોપથીના ડૉક્ટર છે તેઓ રવિને એના વધારે વજન બાબત સમજાવી રહ્યા હતા. એમના સહાયક પ્રેમજીકાકા સહુને હસાવતા રહ્યા. એ બંને મળીને વર્ષની બેય નવરાત્રીમાં રાજકોટમાં ‘નેચરોપથી ચિકિત્સા’ ની દસ દિવસની શિબિર નિઃશુલ્ક કરે છે. બંને મને એ વિશે માહિતી આપતા રહ્યા અને હું લેખક છું એ જાણી મને ત્યાં આવવા ખૂબ આગ્રહ પણ કર્યો. ‘આવા કામ વિશે તમે લખો તો વધારે લોકો એનો લાભ લઈ શકે’ એવો એમનો હેતુ હતો. મંજુબા અને રક્ષાબેન ઓછુ બોલતાં પણ આગળ પાછળ સહુનું ધ્યાન રાખતાં. અને અમારા સહુના માનીતા થઈ ગયેલા ચંપકકાકા…જેમને દીકરીઓ પ્રેમથી ચંપકદાદા કહેતી હતી, એમનું નામ ચંપક નહોતું, સંપત હતું એ અમને બીજે દિવસે ખબર પડી.

રસ્તામાં જંગલમાં એક પથ્થર બતાવી રામભાઈએ એ વિષે માહિતી આપી. મહારાણા પ્રતાપ જ્યારે અકબર સાથેનું યુદ્ધ હારી ગયા હતા ત્યાર પછી આ જંગલોમાં રહ્યા હતા. એ સમય દરમ્યાન આ પથ્થર પર ઊભા રહી એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ઘાસ ખાઈને રહી લઈશ પણ મારો મહેલ જીતીને જ રહીશ. એ પથ્થર પાસે સહુએ ફોટા પાડ્યા અને આગળ વધ્યા. આગળ ચાલવું, ચાલતા રહેવું એ જ જાણે એ સમયે જીવનનું એક માત્ર કાર્ય હતું. બીજું કશું જ મનમાં આવતું ન હતું. ચાલો. ચાલતા રહો. ખૂબ થાકો ત્યારે જરાક થોભો. બેસી જવાથી થાક બેવડાઈ જતો હતો. એટલે સહુ ઢાળવાળો પથ્થર શોધી એને ટેકે ઘડીક વિસામો લઈ આગળ વધતા.

એમ એમ કરતા ચાર વાગવા આવ્યા હતા. હવે ફરી પાણીની કટોકટી શરુ થવાનો સમય નજીક આવ્યો. સહુની બૉટલ ખાલી થવા આવી હતી. ગાઇડ રામભાઈએ કહ્યું કે આગળ એક ઝરણું આવશે પણ એ સુકાઈ ગયેલું મળ્યું. એમને ‘ હજુ કેટલું દૂર?’ એમ પૂછવાથી એ જ જવાબ મળતો. ‘બસ, બે જ કિલોમીટર.’ લગભગ સાડા ચાર આસપાસ થયા હતા. ઉપર ટેકરી ચડી થોડા ઘર કે કદાચ ગામ જેવું કૈંક દેખાયું. ત્યાં રમતા બાળકો પાસે અમે પાણી માંગ્યું અને એ ઘડો લઈને આવી ગયા. સહુએ ધરાઈને પાણી પીધું.

અહીં નોંધવા લાયક વાત એ હતી કે અમારી બૉટલ, જેને  અમે ખાલી સમજતા હતા એ દરેક બૉટલમાં ત્રણ  ચાર ઘૂંટડા જેટલું પાણી હતું. એક બીજો પાઠ શીખવા મળ્યો. આપણું મગજ ઈમરજન્સી માટે આપણને ખૂબ જલ્દી ટ્રેઈન કરી દે છે. આગલા દિવસના અનુભવે સહુને શીખવ્યું હતું કે છેલ્લા બે ચાર ઘૂંટડા પાણી ફક્ત ઈમરજન્સી માટે…એટલે એટલું જ પાણી બચે ત્યારે બૉટલ ખાલી છે સમજીને જ આગળ ચાલવાનું.

પાણી પીધા પછી અમે જોયું કે બે તરફ રસ્તા જતા હતા. બંને મુખ્ય માર્ગ જેવા જ હતા. અમે બાળકોને રસ્તા વિષે પૂછતાં એમણે જણાવ્યું કે તમારા જેવી જ ટોપીઓ પહેરેલા થોડા લોકો આ તરફ ગયા. એટલે અમે પણ એ તરફ આગળ વધ્યા. પાંચ દસ મિનિટમાં જ હાઇવૅ દેખાયો.

હાઇવૅ પર પહોંચતા જ સામી તરફ રામભાઈ હાથમાં પાણીની બૉટલ લઈ ઊભેલા દેખાયા. એક એક બોટલ એમની પાસે ખરીદી ફરી સહુ ‘ ફક્ત બે જ કિલોમીટર’ ચાલવા આગળ વધ્યા. અને લગભગ ખરેખર  ત્રણ જ કિલોમીટર પછી અમારો ત્રીજી રાતનો બીજો સ્ટે, કુંભલગઢનો બેઝકૅમ્પ દેખાયો. ત્યાં ટૅન્ટ તૈયાર હતા. અને ચા પણ.

એક નાનકડો, ચાર વ્યક્તિ રહી શકે એવડો ટૅન્ટ અમને ફાળવી દેવાયો એટલે અમે ખુશ. ચા બિસ્કીટ ખાઈને ટેન્ટમાં જતા જ સહુએ લંબાવી દીધું. હજુ તો સાડા પાંચ થયા હતા. ત્યાં ખબર પડી કે નહાવા માટે ગરમ પાણી વેચાતું મળશે. તો અમે નહાઈ લીધું અને પછી છોકરીઓ મૅગી અને કૉફી માટે આમતેમ ઊપડી. આ સ્થળ મૅઇન રોડની બાજુમાં જ હતું એટલે કુંભલગઢ ફોર્ટ જવા માટેના વાહનો અહીંથી જ પસાર થતા હતા. કુંભલગઢ ફોર્ટ અહીંથી બે કિલોમીટર દૂર હતો.  ત્યાં બાઈક સવાર કુંભલગઢ માટે સવારી લઈ જવાની આશાએ પૂછપરછ કરતા હતા.  મને જવાની ઈચ્છા થઈ આવી કારણકે ત્યાંનો ‘લાઇટ ઍન્ડ સાઉન્ડ શૉ’ જોવો હતો. પણ કોરોનાકાળને કારણે હજુ એ શરુ નથી થયો એવી ખબર પડતા આપણે તો બેસી ગયા. સાડા સાતે ડીનરની વ્હિસલ વાગી અને સહુ પોતપોતાની ડીશ- ડબ્બા લઈ લાઈનમાં. કેર સાંગડીનું શાક, બાજરાના રોટલા, દાળ- રાઈસ અને બાજરાનું ઘી-ગોળવાળું ચૂરમું. જમવામાં કશું મીઠ્ઠું હોય એટલે આપણને તો બખ્ખાં! એમાં આ નવું શાક, આપણે જેને કેરડા કહીએ એ કેરા અને સાંગડી.. એકદમ અલગ સ્વાદ. અત્યાર સુધીના કૅમ્પનાં લોકેશનની સરખામણીએ  અહીં ઠંડી સારીએવી હતી એટલે આ સબ્જી ખાઈને ગરમાટો આવી ગયો. અને એ ગરમાટો ઉડી જાય એ પહેલા સહુ સ્લીપિંગ બેગમાં ભરાઈ ગયા. કાલે સવારે કુંભલગઢ ફોર્ટ જવાનું એ વિચારીને સહુ ઉત્તેજિત હતા. આજે ટૅન્ટમાં પવન આવી રહ્યો હતો. રાત્રે ઠંડી પણ ઘણી હતી. ક્યારેક અડધી રાત્રે જાગી જવાય પણ અહીં કંઈ ઘરની જેમ જાગીને ચોપડી વાંચવા બેસાય એવું તો હતું નહીં. એટલે જાગતા કે ઊંઘતા, બસ રાત પૂરી થવાની રાહ જોવાની હતી. વહેલી પડે સવાર!                

(ક્રમશ:)                                                                                                                                           


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૩) – નેહા રાવલ