ગોગા રકાસોના ચિત્રો – સુષમા શેઠ 13


દસ લાખની રકમ લખતાં ગોવિંદનો હાથ ધ્રૂજી ગયો. તેને પરસેવો વળી ગયો. ગોવિંદે વારાફરતી ત્રણેય સામે જોયું. એકમ, દશક, સો એમ કરીને તેણે એકડા પાછળના છ મીંડા ત્રણેક વાર ગણ્યા. ફાટેલી આંખે બેરર ચેક લઈ તેણે છાપાનું પાનું થેલાધારીને સુપરત કર્યું. એ સહર્ષ સ્વીકારી લઈ, પાંચછ વાર ‘શુક્રિયા’ કહી પેલાએ બાકીના બે સામે ગર્વભેર નજર ફેંકી.

હાથની મુઠ્ઠીમાં ચેક દબાવી ગોવિંદ ફૂટબોલની માફક હવામાં ઉછળતો ઘરે પહોંચ્યો.

સવારના પહોરમાં ગોવિંદ રાઠોડ પોતાની આદત પ્રમાણે ભોંય પર છાપું પાથરી, તાજા સમાચાર વાંચતા વાંચતા મોજથી ચા પીતો હતો. તેવામાં ગરમાગરમ થેપલા ઉતારતી પત્ની રાધાની રાડ પડી, “એઈ, સાંભળો છો? ઝટ નાહી લ્યો. વૉચમેન કહી ગ્યો, આજે પાણી જતું રે’વાનું છે. પેપર પછી વાંચજો. ઇ મોડું વાંચશો તો કાંઈ ખાટુંમોળું નૈ થૈ જાય.”

પત્નીનું “સાંભળો છો?” સાંભળી ગોવિંદના હાથમાં ઊંચકાયેલ ચાનો કપ ધ્રૂજ્યો અને સંતુલન ન જાળવતાં સીધો ન્યુઝપેપર પર પટકાયો. કપ બચી ગયો પણ ચાએ પથરાયેલા પેપર પર ફેલાઈને કથ્થાઈ રંગોળી ચીતરી મૂકી. તેવામાં અથાણું લેવા બાજુમાં ગયેલી લખમીબાઈ રઘવાટ કરતી આવી અને ઢોળાયેલી ચા ઊપર બરાબર પોતાના પાવન પગલાં પાડ્યાં. તેની નરમ પાનીઓને ગરમ ચા અડતાં જ તેણે ચીસ પાડી. એ ચીસની પ્રતિક્રિયા આપતી તેના હાથમાંની અથાણાની વાડકી છટકીને પેપર પર ઊંધી પડી. કથ્થાઈ ચા વચ્ચે લાલ પીળા અથાણાંની આડીઅવળી છાંટ પેપર પર ઉપસી આવી અને પથરાયેલા પાના પર લખમીબાઈના પગલાંએ દર્શન દીધાં. લખમીબાઈને બેઝિક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટને કારણે, જન્મજાત એક પગમાં પાંચને બદલે અંગૂઠા સહિત છ આંગળીઓ હતી આથી સૌ તેને લક્કી માનતા.

ગોવિંદે ઝટપટ છાપું એકતરફ સરકાવી બાથરૂમ ભણી પ્રસ્થાન કર્યું. રાઘા ઊતાવળે ટેબલ પર નાસ્તો ગોઠવવામાં વ્યસ્ત હતી. તેનું ધ્યાન નીચે સુતેલા પેપર પર નહીં પડતાં, તેમાં પગ લપસ્યો અને હાથમાંની દહીંની વાડકી સહિત તેણેય બાજુમાં લંબાવ્યું. બીચારા ચત્તાપાટ છાપાએ દહીંનો અભિષેક પણ ખમી લીધો. વચ્ચોવચ્ચ રખાયેલી રકાબીએ વળી ગોળ ચકરડું પાડેલું. આટલું ઓછું હોય તેમ ચામાં ભળેલી ખાંડને ચાખવા કેટલાક મંકોડા તેમાં ફરી વળ્યા.

વાંચવાનું બાકી હતું તે છાપાની દુર્દશા થયેલી નીરખી, ગોવિંદે એ ઊંચકી લઈ બહાર દોરીએ સૂકવવા માટે લટકાવ્યું. એક બાજુ ગોવિંદ બાથરૂમમાં પેઠો અને બીજી બાજુ છાપું હવાની ઝાપટ વાગતાં પતંગની માફક ઊડ્યું. નળમાં પાણી નહોતું આવતું એટલે ગોવિંદ વિલે મોઢે બહાર નીકળ્યો અને તેની નજર ઊડી રહેલા પોતાના પ્યારા છાપા પર પડી. પગમાં ચંપલ ચઢાવી ઊતાવળે દાદર ઉતરી ગોવિંદ નીચે પછડાતું છાપું ઝીલી લેવા દોડ્યો. છાપાના અનાથ પાનાને એ પકડી પાડે તે પહેલાં નારાજ થયેલું પાનું રસ્તો ક્રોસ કરીને સામેની બાજુએ સ્થિત એક આર્ટ ગૅલૅરીના કાચ પર જઈ ચોંટ્યું. લગાતાર આગળ ઘપતા વાહનો ઓળંગી ગોવિંદ સામે પહોંચ્યો ત્યારે તેના આશ્ચર્યનો પાર ન રહ્યો.

કાચ પર ચોંટેલા પાનાને ઘેરીને ઊભેલા ત્રણ જણા એ પેપરને તાકી તાકીને જોતા હતા.

“અદ્ભુત” લાંબી દાઢીવાળો ઝભ્ભાધારી લંબુ આંખો પહોળી કરી બોલ્યો.

બીજો, ખભે થેલો લટકાવેલો જણ ચશ્મા કાઢી, આંખો ઝીણી કરી પેપરને ધારી ધારીને જોતો બોલ્યો, “પૃથ્વીની આસપાસ પ્રદૂષણ દર્શાવેલ છે. ક્યા ખૂબ! એન્ડ આઈ કેન સી ધ સી બીટવીન ધ શેઈપ્સ.”

ત્રીજા લાંબા વાળની પોનીટૅઇલ વાળેલાએ મોઢાના ખૂણામાંથી પાઇપ કાઢી આંખો પટપટાવી કહ્યું, “લાલ પીળા છાંટા આક્રોશ વ્યક્ત કરે છે.”

“વાહ. આજ સુધી કોઈએ છાપાનો કેનવાસ તરીકે ઉપયોગ કર્યો હોય તેવું મારી જાણમાં નથી.” લંબુ દાઢીએ પોતાની લાંબી દાઢી પંપાળતાં ઉવાચ્યું.

“આ જનાબે નીચે સિગ્નેચર નથી કરી એ એમની નમ્રતા બતાવે છે. કદાચ આ પેપરના અક્ષરો વચ્ચે આ મહાન કલાકારનું નામ છુપાયું હોઈ શકે. કોનું હશે આ ઑસ્સમ પેઇન્ટિંગ?” પોનીટૅઇલે મુદ્દાનો પ્રશ્ન ઉઠાવ્યો.

તે સાંભળી ગોવિંદને થયું કે વાત તો પોતાના છાપાના પાનાની જ થાય છે. તે બોલી પડ્યો, “મારું છે, મારું છે.”

“ઓહો. આપ? આ આપનું ક્રિયેશન છે?” પાઇપવાળાએ એક હાથમાં પાઇપ પકડી, ધુમ્રસેર હોઠ બહાર કાઢતાં ગોવિંદની પીઠ થાબડી, “વૉટ  અ બ્યુટિફુલ પીસ ઑફ આર્ટ! શું આપ સાહેબ આ વેંચવા માંગો છો?”

ત્રણેય ગોવિંદને પગથી છેક માથા સુધી જોઈ રહ્યા. અસ્તવ્યસ્ત વાળ, શેવ કર્યા વગરનો ચહેરો, પટ્ટાવાળો લેંઘો અને બનિયન પર ચાનો છંટકાવ. વળી કાંડે રાધાકૃષ્ણનું ટેટૂ. ગોવિંદને જોઈ મૂડી, મુફલિસ, પોતાની દુનિયામાં ખોવાયેલ ધુની માણસનો દેખાવ આબાદપણે ઊભો થતો હતો.

ગોવિંદને ઘડીક થયું કે એની મશ્કરી થઈ રહી છે. કંઈ જવાબ આપે તે પહેલાં દાઢીએ પૂછ્યું, “આ સફેદ છાંટણાં શાંતિનું પ્રતિક છે ખરું ને?”

“મને તો લાલ છાંટણામાં પ્રેમનો રંગ દેખાય છે. આ આસપાસ કરેલું રંગોનું મિશ્રણ અદ્ભુત છે.” મંકોડાએ ફરીને જે આડાઅવળા લીટાઓ પાડેલા એ તરફ ઝભ્ભાધારીએ આંગળી ચીંધી.

એકધારી પ્રશંસા સાંભળી ગોવિંદનેય થયું કે આમાં કંઈક ખાસ હોવું જ જોઈએ. કદાચ પોતે એક્સિડેન્ટલ ચિત્રકાર બની ગયો છે. દરેક પ્રશ્નનો ઉત્તર તેણે ‘જી જી.’ એવો મોઘમ આપ્યો.

“આ બેનમૂન પેઈન્ટિંગ આમ તો પ્રાઇસલેસ છે છતાંય આપ કૃપા કરી આની કિંમત જણાવો.” પાઇપવાળાએ મોઢામાંથી પાઇપ બહાર કાઢી, ફરી અંદર ખોસી, ગુડગુડ અવાજો કરી ધુમાડા સાથે ફરી બહાર કાઢી. આંખો ઝીણી કરી અને પછી સામે ચોંટેલા અલભ્ય પેઇન્ટિંગને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો.

“ચાર…” ગોવિંદ ભોળાભાવે છાપાની કિંમત બોલવા ગયો તે પહેલાં પાઇપધારીએ પૉનીટૅઇલ હલાવતાં કહ્યું, “ડન. મને ચાર લાખ મંજૂર છે.” તેને આ સોદો સસ્તો લાગ્યો. એ સાંભળી બાકીના બે ઉશ્કેરાયા.

“હું છ લાખ આપીશ.” દાઢીધારી લંબુ વાંકો વળી ગોવિંદના કાનમાં ગણગણ્યો.

ત્રીજાએ ખભે લટકાવેલ બગલથેલામાંથી ચેકબૂક કાઢી. આદરપૂર્વક નમી, બે હાથે તેને ગોવિંદ સામે ધરી. “આપ આંકડો લખો. હું સહી કરું.”

“પપપ…” ગોવિંદને ગડમથલ થઈ આવી.

“પેન? આ લો પેન. જનાબ, આપ ફક્ત, રકમ લખો.”

દસ લાખની રકમ લખતાં ગોવિંદનો હાથ ધ્રૂજી ગયો. તેને પરસેવો વળી ગયો. ગોવિંદે વારાફરતી ત્રણેય સામે જોયું. એકમ, દશક, સો એમ કરીને તેણે એકડા પાછળના છ મીંડા ત્રણેક વાર ગણ્યા. ફાટેલી આંખે બેરર ચેક લઈ તેણે છાપાનું પાનું થેલાધારીને સુપરત કર્યું. એ સહર્ષ સ્વીકારી લઈ, પાંચછ વાર ‘શુક્રિયા’ કહી પેલાએ બાકીના બે સામે ગર્વભેર નજર ફેંકી.

હાથની મુઠ્ઠીમાં ચેક દબાવી ગોવિંદ ફૂટબોલની માફક હવામાં ઉછળતો ઘરે પહોંચ્યો.

“નાહ્યા વગર રહી ગ્યાને? ક્યારનું કીધું કે નાહી લ્યો. પાણી જતું રે’શે. પણ મારું સાંભળે કોણ? હવે આમને આમ દુકાને જાવ.” રાધા ઊકળી.

“અરે વ્હાલી. દુકાનને માર ગોળી અને નવડાવીશ તો હું તને રૂપિયાથી. આ જો.” કહી ગોવિંદે રાધાને દસ લાખનો ચેક બતાવ્યો.
“આ…?” રાધાનો અવાજ ફાટી ગયો. તેણે ચેક હાથમાં લઈ આગળ પાછળ ઊંધો ચત્તો કરી તપાસ્યો. આંખો ચોળી રકમ વાંચી. તેના મોઢામાંથી, “હેં? દદદ સ્સ લલલ લાખ? શશ… શું કર્યું તમે?” એવું અસ્પષ્ટ વાક્ય સરી પડ્યું.

“બધું કહું છું, પહેલાં મસાલેદાર ફકકડ ચા મૂક. બે કપ.” પત્ની સાથે ચાના કપ ટકરાવી ‘ચિયર્સ’ કરી ગોવિંદે પેપર પર ઢોળ્યા વગર ચા પેટમાં પધરાવી.

પછી તો ગોવિંદે ગુમાસ્તાની નોકરી છોડી દીધી. આદુ ખાઈને પીંછી, કલર્સ કે કેનવાસ વગર છાપા પર રસોડામાં બનતી આઈટમો વડે મૉડર્ન આર્ટનું સર્જન કરવા માંડ્યો. હવે તેણે આવા હોનહાર પેઇન્ટરની પ્રતિભાને અનુરૂપ વાળ તેમજ દાઢીમૂછ વધાર્યાં, લાંબા પચરંગી ઝભ્ભા ધારણ કરવા માંડ્યા. આગળના ખિસ્સામાં એ, પોતાના પેઇન્ટિંગના પ્રતિક સમી સ્ટ્રો રાખતો. જગવિખ્યાત પેઇન્ટરો વાન ગૉગ અને પાબ્લો પિકાસોના નામમાંથી પ્રેરણા લઈ, જાતેપોતે પોતાનું નામકરણ કર્યું, ‘ગોગા રકાસો’

આજેય ગોગાજી છાપું પથારી, વચ્ચે ઊંધો કપ મૂકી, તેની પર ચાના રેલાઓ રેલાવી આડું અવળું ચીતરામણ કરે છે. અથાણાના છાંટણા છાંટી લખમીને કહે છે, “લખમીજી પગલાં પાડો.” પછી સ્ટ્રો વડે જ્યાં માંહ્યલો સૂઝાડે ત્યાં ફૂંક મારે છે. પત્નીના રસોડે જે દાળશાક તૈયાર હોય તેનો કડછો ચિતરામણ ઉપર ફેરવે છે. હા, તેઓ નીચે ‘ગોગા રકાસો’ સહી યાને કે સિગ્નેચર કરવાનું નથી ચૂકતા. પ્રખ્યાત ચિત્રકાર શ્રી.ગોગા રકાસો અદ્ભુત મોડર્ન આર્ટ રચે છે. એમની તોલે કોઈ ન આવે. તેમના બેજોડ પેઈન્ટિંગ્ઝ લાખોની કિંમતે વેચાય છે જે ધનિકોના ડ્રોઇંગરૂમની દિવાલો શોભાવે છે. તેમની સર્જનશક્તિ વિસ્તરી છે. હવે તો પેપર પર ચા ઉપરાંત દુધ, દહીં, કોફી, દાળ, કઢી, ચાસણી, ચટણી, શાકની ગ્રેવી વગેરેના રેલા પણ ઊતરે છે અને તેમાં ચમચી, કપ, રકાબી, કડછી, પવાલી, ગરણી વગેરેની આડી અવળી એવી આકૃતિઓ રચાય છે જેનો ગૂઢાર્થ કોઈ વિરલા વિચક્ષણને જ સમજાય. કોઈક વાર તેઓ આવા અલભ્ય ચિત્રો પર વઘાર પણ રેડે છે. તેમની સર્જન પ્રક્રિયામાં કીડી, મંકોડા, માખી, વંદા, કરોળિયા અને ગરોળીઓ પણ અત્યંત મદદરૂપ થાય છે. વળી ‘લક્કી’ લખમીબાઈના એક પગની છ આંગળીઓવાળા પગલાં તો ખરા જ. એ તો ગોગા રકાસોનો ટ્રેડમાર્ક છે. દરેક પેઇન્ટિંગમાં સિગ્નેચર સમા છ આંગળીઓ ધરાવતા પગલાં ક્યાંકને ક્યાંક તો હોય જ.

આજે શહેરની પ્રતિષ્ઠિત આર્ટ ગૅલેરીમાં કેટલાક ચાંપલા આર્ટ ક્રિટિક્સ ભેગા થયા છે. એક દાઢીધારી દાઢી પંપાળતો, એક થેલાધારી માથું ખંજવાળતો અને એક પૉનીટૅઇલધારી પાઇપ ફૂંકતો ફૂંકતો, સુ.શ્રી.ગોગા રકાસોના પેઇન્ટિંગની સમીક્ષા કરી રહ્યા છે, “આ કથ્થાઈ રંગ જાણે ઊડતી ધૂળ છે. કેસરી છાંટા સૂર્યાસ્ત સૂચવે છે.”

“જન્મ અને મરણ વચ્ચેની યાત્રા બતાવતા આ અફલાતૂન પેઈન્ટિંગમાં અનેક સંવેદનો સમાયેલા છે. સમાચારપત્ર આજની કડવી વાસ્તવિકતા બતાવે છે.”

“આ નીચે ઉતરેલા રેલા વેદનાના આંસુ છે. કલાકારનું હ્રદય રડે છે. જુઓ એ જોઈ એક તુચ્છ માખી પણ તેને ચોંટીને આત્મહત્યા કરતી હોય તેમ મરી ગઈ છે.”

“ના. હું માનું છું કે એ રેલા હરખના આંસુ છે જેમાં માખી જેવી ક્ષુલ્લક જંતુ સમાન હકીકતો વહીને મરી જાય છે. જીવન એટલે આનંદ.”

“હમમ… પગલાંમાંની છઠ્ઠી આંગળી છઠ્ઠી ઈન્દ્રિયની સજાગતા દર્શાવે છે.”

“મને લાગે છે કે આ પેઇન્ટિંગ નારીલક્ષી છે. રસોડું તેનો કેન્દ્ર કેન્દ્રવર્તી વિચાર છે.”

રાધા હોંશેહોંશે એક્ઝિબિશનમાં ટંગાડેલ પેઇન્ટિંગ પર પ્રાઇઝ ટૅગ લગાવે છે. “એઈ, સાંભળો છો? આ મંકોડાવાળુ છે તેમાં કેટલા મીંડા આવશે?”

પરંતુ એક્સિડેન્ટલ પેઇન્ટર તરીકે જાણીતા થયેલા ગોગા રકાસો સાંભળતા નથી. તેઓ મિડિયાને તેમજ પત્રકારોને ઇન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત છે, “આપણી કલ્પનાઓને બાંધીને ન રાખવી જોઈએ. મનમાં આવતા વિચારોને હું ચિત્રો દ્વારા વહેતા મૂકી દઊં છું. તમારે તમારી ક્ષમતા મુજબ તે ઝીલી લેવાના. તમારી સમજણ મુજબ તેનું અર્થઘટન કરવું જરુરી છે. મારા ઊચ્ચ કક્ષાના પેઇન્ટિંગ્ઝ અલ્પમતિ ધરાવતા આમ લોકોને નહીં સમજાય. હું ખાસ ચોક્કસ વર્ગ માટે જ એ ચિતરું છું. પાણી જતું રહેવાનું હોય ત્યારે ચા પીવા ન બેસાય. એ ઢોળાઈ જાય તો વાંધો નહીં.” જો કે તેમને પોતાને પોતાના અટપટા પેઇન્ટિંગ્ઝનો અર્થ નથી સમજાતો એ અલગ વાત છે.

આજેય ગોગાજી કોઈ બીજા ચિત્રકાર જેવાં પેઇન્ટિંગ નથી કરી શકતાં અને કોઈ બીજું એમની માફક નથી ચીતરી શકતું. એમના પેઇન્ટિંગ્ઝમાં વપરાતા રંગોનું સંયોજન વિશ્વવિખ્યાત બની ગયું છે. એ શું છે તે એક ગૂઢ રહસ્ય છે.

બીજું એક રહસ્ય તો ફક્ત તેઓ જ જાણે છે કે શાળામાં ડ્રોઇંગ ટીચર ઘોડો ચીતરવાનું કહે ત્યારે તેમની પેન્સિલથી ગધેડો ચીતરાઈ જતો અને મોરને બદલે કાગડો ચીતરાઈ જતો ત્યારે સોટીનો કેવો માર પડતો.

ગોગા રકાસો પોતાને નામે એક આર્ટ ગેલેરી ઊભી કરવાના છે. તેનું ઉદ્ઘાટન કરવા તેમની શાળાના ડ્રોઇંગ ટીચરને ખાસ આમંત્રણ અપાયું છે. અલબત્ત તેઓ સોટી નહીં, રીબન કાપવાની મોટી ચળકતી કાતર લઈને આવશે. તમેય આવશોને? ઇન્વિટેશન ઇઝ ઑપન ટુ વન એન્ડ ઓલ.

– સુષમા શેઠ.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ગોગા રકાસોના ચિત્રો – સુષમા શેઠ