ફાંદનો જવાબ – નેહા રાવલ 4


એક વાતે હું ગર્વ લઈ શકું કે મારા અસ્તિત્વ વિશે અને એને દૂર કરવાના ઉપાય વિશે લોકો હજુ પણ ડોકટરો, ડાયેટીશીયનો કે પછી જીમ સુપરવાઈઝર્સ પર વિશ્વાસ કરે છે. પણ હજુ સુધી કોઈ બાબા કે તાંત્રિકે એવી જાહેરાતો નથી કરી કે ‘વર્ષો જૂની ફાંદથી છુટકારો મેળવો. પંદર દિવસમાં ઉકેલ નહિ તો પૈસા પરત.’

ફાંદ ધારકવતી મને પત્ર લખનાર

હે નેહા,

તેં મને ઉદ્દેશીને પત્ર લખીને સાચે જ મને ગદગદ કરી દીધી છે. મારા વિશે તારો આટલો અભ્યાસ, આટલી બધી ફિકર અને આટલી બધી વાતો જાણીને મને પરસેવો વળી ગયો. હું રહી ફાંદ એટલે મને આંખો તો હોય નહિ કે એમ કહું કે મારી આંખો ભરાઈ આવી. તો પછી મારે મારી લાગણીઓ પરસેવા થકી જ વહાવવી પડે ને! અને તેં જવાબની આશા રાખી છે એટલે મારે જવાબ તો લખવો જોઈએ ને! એટલે મારા તરફથી થોડી વાતો!

તેં મારા વિશે સાચું લખ્યું કે વોકિંગ શૂઝ અને ટ્રેડમિલની આખેઆખી ઇન્ડસ્ટ્રીઝ મારા પર નભે છે પણ તને ખબર નહિ હોય. મારું અસ્તિત્વ કંઈ રાતોરાત ઊભું નથી થઈ જતું. હું પણ ધીમે ધીમે વિકસું છું અને ધીમાં પગલે આવું છું. જો, સૌથી પહેલા તો પેન્ટ ફીટ પડવા માંડે અને લોકો કાપડનો વાંક કાઢી દરજી પાસે ઢીલું કરાવે અથવા તો બેલ્ટ ઢીલા કરતા જાય. એક તબક્કે એટલામાં હું મેનેજ ન થાઉં, તો પણ એમની આંખો નથી ખુલતી. આરામથી શર્ટ અથવા કુર્તીઓ એક સાઈઝ મોટી મંગાવી મારા અસ્તિત્વ પર ઢાંકપિછોડો કરશે. ત્યાં સુધી તો કોઈને વોકિંગ શુઝ કે બીજું કંઈ પણ યાદ નથી આવતું. અને વળી ઉપરથી મારા જન્મોજન્મના સાથી તેલ-ઘી-પનીર-ચીઝ-બટર પર પણ બારે હાથે મહેર ચાલુ જ !

રોજ રોજ અરીસામાં જાતને જોઈને આ લોકોને જે નથી સમજાતું એ સમજાવવા મારે ક્યારેક બટન તોડીને બહાર દેખાવું પડે છે અથવા તો પછી મહિને બે મહિને કોઈ મિત્ર કે સગું મળે અને કહે, “શું વાત છે, બહુ તબિયત વધી ગઈ ને!” ત્યારે મારા માલિક મારા અસ્તિત્વ વિશે જરાતરા સભાન થાય. હવે જો, આમાંય આપણને કોઈ ક્રેડીટ જ નહિ? જાણે વગર મહેનતે હું વધું છું? અરે ભાઈ, જેમ જીડીપી માટે દેશનું અર્થતંત્ર મહેનત કરે છે એમ જ મારા ઘેરાવામાં આ શરીરના બોડી માસ ઇન્ડેક્સનો પણ હાથ છે. અને વળી તારી એ વાત પણ સાચી કે અસ્તિત્વના સંઘર્ષમાં ખરા ઉતરે એ જ આખરે ટકી જાય. પણ આમ જોવા જઈએ તો મારી બાબતમાં આ વાત આખી અવળી લાગુ પડે. મતલબ કે જેઓનું અસ્તિત્વ શારીરિક સંઘર્ષ સાથે સમાંતર ચાલતું હોય ત્યાં મારું અસ્તિત્વ વિકસી જ નથી શકતું. પણ જો, સુખિયો જીવ હોય, આનંદી સ્વભાવ હોય, જરા સારું સારું ખાવાનું ગમતું હોય એવા લોકોથી હું દૂર કઈ રીતે રહી જ શકું? અને મારા વિશે તો હજુ વૈજ્ઞાનિકો અને દુનિયાભરના સ્વાસ્થ્ય ચિંતકો પણ અવઢવમાં છે કે મને સજીવ ગણવી કે નિર્જીવ? કે પછી બે ને જોડતી કડી કે જે આમ નિર્જીવ જ હોય પણ અનુકૂળ વાતાવરણ મળતા જ જીવતી થઈ જાય.

એક વાર જીવતા થયા પછી મરવાનું તો કોને ગમે, હેં? એ હું હોઉં કે તું હોય, આપણે જીવીએ, જીવતા રહીએ એ માટે આપણે પ્રયત્નો નથી કરતા? અને મારું હાળું, જોવા જેવી વાત તો એ છે કે મારું જીવતા રહેવું મારા માલિકના પ્રયત્ન કરવા કરતા વધુ પ્રયત્ન ન કરવા પર નિર્ભર છે. મારા માલિક જેટલા અકર્મક એટલો મારો વિકાસ દર વધારે. આમાં હવે હું પણ શું કરી શકું? બિચારી, પરોપજીવી! મારી દુઃખી હાલતનો વિશ્વને કોઈ અંદાજ જ નથી.

આજકાલ તો આ ટ્રેડમિલ અને જીમ સિવાય લોકો મને નિર્મૂળ કરવા છેક સર્જરી સુધી પહોંચી ગયા છે. અરે ભાઈ, એટલી બધી જ નડતી હોઉં તો વધવા કેમ દ્યો છો? જો કે એક વાતે હું ગર્વ લઈ શકું કે મારા અસ્તિત્વ વિશે અને એને દૂર કરવાના ઉપાય વિશે લોકો હજુ પણ ડોકટરો, ડાયેટીશીયનો કે પછી જીમ સુપરવાઈઝર્સ પર વિશ્વાસ કરે છે. થોડા ઘણા લોકો યુ-ટ્યુબ પર આવતા ચમત્કારિક જ્યુસ પર પણ ભરોસો કરે છે. પણ હજુ સુધી કોઈ બાબા કે તાંત્રિકે એવી જાહેરાતો નથી કરી કે વર્ષો જૂની ફાંદથી છુટકારો મેળવો. પંદર દિવસમાં ઉકેલ નહિ તો પૈસા પરત.’ કે પછી કોઈ અઘોર તાંત્રિકની એવી જાહેરાતો પણ નથી જોઈ કે ‘અમારી વિદ્યા ક્યારેય નિષ્ફળ નહિ જાય. બધેથી હારેલા આવીને મળે. અમારા ટોચકાનો કોઈ તોડ નથી.’ કોઈ મારા વિશે આવી ચેલેન્જો કેમ નથી લેતું? આનો શું અર્થ થયો ખબર? આનો અર્થ એ જ કે હજુ હું માણસો માટે એટલો ગંભીર પ્રશ્ન નથી કે મારી બાબતે એ લોકોએ આવા તંત્ર મંત્ર પર ભરોસો કરવો પડે. અને બીજી વાત પણ જો, જે તાંત્રિકો ભલભલી સમસ્યાના ઉકેલ માટે ગેરંટી આપે છે એ મારા વિશે ક્યારેય નથી બોલતા! કારણકે એમને ખબર જ છે, આ બલાને દૂર કરવા કોઈ તંત્ર મંત્ર કામ નહિ લાગે.

એમાં તું વળી આપણા તહેવારો તો જો! રક્ષાબંધનમાં ભાઈબહેન એક બીજાનું મોં મીઠું કરાવે કે પછી સંતતિ પોતાના સ્વર્ગસ્થ વડીલોના નામે પિતૃપક્ષમાં ખીર ખાય. ત્યાંથી શરુ કરી દિવાળી સુધી જાતજાતના બહાના હેઠળ આ મીઠાઈનો મારો તો ચાલુ જ રહેશે. કોઈ ને કોઈ બહાને મોં મીઠું કરવું જરૂરી! અને મીઠાઈ જ કેમ, તળેલા નાસ્તા પણ તો ખરા જ. વચમાં વળી પરસેવો વહાવવાનો તહેવાર- નવરાત્રી- પણ આવે છે. પણ કેટલા લોકો એની ઉજવણીમાં મીઠાઈ અને ખીર ખાવા જેટલા એક્ટિવ હોય છે? આપણો એકે તહેવાર એવો છે કે જે કોઈ મીઠાઈ સાથે જોડાયેલો ન હોય! અને મીઠાઈ ખાવા માટે હવે તો તહેવારોની પણ જરૂર નથી. કોઈની પણ બર્થડે આવી એટલે કેક!. જન્મદિનની ઉજવણી જાણે કેક વગર થાય જ નહિ! હવે તું જ કહે, આવું મીઠું મીઠું ઈનપુટ મળે તો પછી મારો વિકાસ અને વૃદ્ધિદર ન વધે? ને પછી વળી તું મને પૂછીશ, નાડું ક્યાં બાંધવું?

જેમ પૃથ્વીના ગોળાની મધ્યમાં વિષુવવૃત્તની રેખા છે એમ જૂની અને ટકાઉ ફાંદ ધારકોની ફાંદ પર નાડું બાંધવાનો પટ્ટો દેખાશે. એટલે તારી આ મૂંઝવણ જ ખોટી છે. પાયાવિહોણી છે. હું નાડું બાંધવાના આંકાની સાબિતી સાથે તારી આ મૂંઝવણ ખારીજ કરું છું. પણ બે ઘડી વિચાર, સસ્પેન્ડર ન હોત તો આ ગોળમટોળ કોમેડીયનો આટલા ફની લાગત? કે પછી પેલા વિલનોના બબૂચક આસીસ્ટન્ટ આટલા બબૂચક લાગત? એટલે એમની પર્સનાલીટીને ચાર ચાંદ લગાવનાર સસ્પેન્ડર બદલ તારે મારો આભાર માનવો જોઈએ. જો કે તું શું આભાર માનીશ?  તું પણ તો આખરે મારી સામે જંગે ચડી છે ને! પોતે ભલે કંઈ કરે કે ન કરે પણ આવું બધું લખી લખીને લોકોને ઉશ્કેરે તો છે ને! જો કે હું તારો આભાર માનીશ. મને આજ સુધી કોઈએ પત્ર લખ્યો ન હતો, તેં લખ્યો એ બદલ આભાર.

ચાલ, હવે જાઉં. મારા માલિકે આજે મને દોડી દોડીને થકવી નાખી છે તો જરા મારી પૂજા એટલે કે પેટપૂજા કરું.

આમ જ મને યાદ કરતી રહેજે.

તારી મિત્ર,

(તારી થવા મથતી) ફાંદ.

– નેહા રાવલ


Leave a Reply to ManyogCancel reply

4 thoughts on “ફાંદનો જવાબ – નેહા રાવલ

  • Manyog

    લેખ વાંચ્યો…
    હાસ્ય ઉપર તમારી પક્કડ જોરદાર છે.વળી informative પણ છે.તમે કયો છો એ સાચું છે કે એમ.ડી.ડોકટરો ના દવાખાના ફાંદ ને લીધે તો ચાલે છે.
    લેખ સજીવારોપન અલંકાર થી વિભૂષિત છે.પ્રથમ પુરુષ એકવચન માં સરસ રીતે નિર્વાહણ થયેલા લેખમાં તમારી સર્જકતાના ચમકારા જોવા મળે છે.હાસ્ય લેખ લખવો અઘરો છે પણ તમે એને સલુકાઈ થી મસ્ત બનાવ્યો છે.
    સાચું કહું તો તમે પ્રિન્ટ મીડિયા માં મોકલો

    • neha

      આપના પ્રતિભાવ બદલ ખૂબ આભાર. પ્રિન્ટ મીડિયા માટે ચોક્કસ વિચારીશ.

  • હેમંતગીરી

    કદાચ પહેલી ન વાર ફાંદ તરફ થી કઈક વાંચ્યું, એના વિચારો જાણી આનંદ થયો. છેવટે ફાંદ પણ પોતાના માલિક નું હિત જ ઈચ્છે છે.