“આપ યહાં આયે કિસ લીયે…” એવું ગાતાં ગાતાં ડોક્ટરે આંખ મીંચીને ઇન્જેક્શનની સોય પેઢાને અડકાડી ત્યાં તો રંજુબેને ફરી મોટી ચીસ પાડી. ડોક્ટરના ધ્રૂજતા હાથમાંથી ઇન્જેક્શન ઉછળ્યું અને પાછળ બેઠેલા મુકુંદરાયના ખોળામાં જઈ પડ્યું. ડૉક્ટર કંઈ વિચારે તે પહેલાં તક ઝડપી લઈ મુકુંદરાયે પત્નીના પેઢામાં એ ખોંસી દીધું.
“મોઢું બંધ જ રાખજો”
રંજુબેન ટેસથી ચોકલેટ ચગળતા હતા. તેવામાં ચોકલેટ સાથે કટ્ટ અવાજ કરતું ચાવવામાં કશુંક આવ્યું. કબાબ મેં હડ્ડીની જેમ ચોકલેટને ચોંટી પડેલો દાંત કે પછી દાંતને વળગેલી ચીકણી ચોકલેટ, એ બન્ને એકસાથે બહાર આવ્યાં અને બત્રીસીમાંનો એક દાંત વગર પડાવ્યે ઓછો થયો. સાથી દાંતના વિરહનું દુ:ખ ન સહેવાતાં, બાજુની દાઢે હલવા માંડ્યું તેને રંજુબેનની આંગળીએ અડકતાં નારાજ થયેલા તેમના એકના એક ગળાએ પોતાની સ્વરપેટીમાંથી તીણો ઊંહકારો બહાર કાઢ્યો.
“શું થયું?” ચિંતિત રંજનાપતિ મુકુંદરાયે સવાલ કર્યો તેની સામે રંજનાબેન ઉર્ફે રંજુએ ગાલ પર હાથ દબાવી મોટેથી બીજો ઊંહકારો કર્યો. તેમની આંખો છલકાઈ ઊઠી. હરખથી નહીં હોં, પીડાથી.
“કેટલી વાર સમજાવ્યું, હવે તારી ઊંમર ચોકલેટ ખાવાની નથી.” મુકુંદરાયે ડોળા તતડાવી ઊંમર યાદ કરાવી તેથી રંજુબેનને માઠું લાગ્યું, “લે તમેય કાંઈ નાના નથી તે આમ રાત્રે ફ્રીજ ખોલીને ખાંખાં ખોળા કઇરા કરો છો. ઊપરથી મને કયો છો કે ચોકલેટ કેમ ખાધી? હવે એકાદ સારા ડેન્ટિસ્ટ પાસે જવું જ પડશે.”
“ડહાપણની દાઢ પડી ને? તે પડવાની જ હતી. ડહાપણ હોય તો ને?” મુકુંદરાયે પત્નીને છંછેડવાનો મોકો ઝડપી લીધો.
“રે’વા ધ્યો હવે. તમને તો ઊઇગી જ નથી.” રંજુએ છણકો કર્યો તેવામાં પાછો દાંતમાં સણકો ઉપડ્યો.
“હાલો હવે આમ મારું મોઢું શું જોયા કરો છો? કહું છું, મારાથી જમાશે નહીં અને ત્યાં લગી રસોઈ નહીં બનાવાય. નબળાઈ આવી જાય છે.”
મજબૂત મુકુંદરાય આવા સણસણતા વિધાન પર દાંત કાઢી શકે તેમ નહોતા. દાંત કચકચાવતાં તેમણે ડેન્ટિસ્ટનો ફોન નંબર શોધવા માંડ્યો. ઇમરજન્સી હોવાથી ડૉ. દાંડેકરની એપોઇન્ટમેન્ટ તરત મળી ગઈ.
ગાલ પર હથેળી દબાવી, પીડાથી કરાંજતા રંજુબેને ડેન્ટિસ્ટની મોટી લાંબી ખુરશી પર આસન જમાવતાવેંત મુખમાંથી ફરી એક ઊંહકારો ઓચર્યો.
“મોઢું ખોલો. ગભરાતા નહીં.” ડૉ. દાંડેકરે પોતાનો ગભરાટ છૂપાવતાં કહ્યું. યુવાન ડૉક્ટર દાંડેકર ગયા વર્ષે જ ઇન્ટર્નશીપ પતાવી, તેમના સ્વર્ગસ્થ ડેન્ટિસ્ટ પિતાશ્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવા ડેન્ટિસ્ટ બનેલો. ખરી રીતે તો તેને સીંગર યાને ગાયક બનવું હતું. પિતાશ્રીની પ્રેક્ટિસ જોરમાં ચાલતી હોવાથી દવાખાનું તૈયાર હતું અને સાથે અમુક કાયમી પેશન્ટ્સ પણ. હવે એ શીદને પારકાને સોંપાય? પિતાશ્રીના અતિ આગ્રહને વશ થઈ બીચારા ગાયક જીવે “ક્યા કરેં ક્યા ના કરેં, યે કૈસી મુશકિલ હાય!’ એવું ગાતાં ગાતાં છેવટે ડેન્ટીસ્ટ્રીમાં ઝંપલાવ્યું.
જો કે બીચારા ડૉક્ટર જૂનિયર દાંડેકરનો હાથ ડ્રીલ મશીન હાથમાં લેતાં જ ડ્રીલ કરતાં બમણી ઝડપે ધ્રૂજતો. મનનો ડર ભગાવવા એ તેને માઇક સમજી ગીત ગણગણતો જેથી પોતાનું અને પેશન્ટનું ધ્યાન પણ બીજે દોરાય. આમ જુઓ તો ડો. દાંડેકર અત્યંત લાગણીશીલ માણસ માટે જ પેશન્ટનું દુ:ખ તેનાથી જોવાતું નહોતું અને એ જ કારણોસર તેની આંખો તેના કહ્યા કારવ્યા વગર અચાનક મીંચાઈ જતી.
રંજુબેન લાંબા થયા અને ડોક્ટરે પોતાની બેઠક લઈ ફ્લડ લાઇટ જેવી મોટી લાઇટ તેમના ખુલ્લા મોઢા પર ફોકસ કરી. કયો દાંત રિપેર કરવાનો એ તપાસવા ડૉક્ટરે જલતરંગ વગાડતા હોય તેમ વારા ફરતી સ્ટીલની સળી એક પછી એક દાંત પર ઠપકારવા માંડી તે સાથે “તુમ જો આયે ઝિંદગી મેં બાત બન ગઈ…” ગાવા માંડ્યું.
“ડોક્ટર, રંજુને બહુ દુ:ખે છે. તમે ગીત પછી ગાજો.” મુકુંદરાય બોલ્યા તે સાથે દુ:ખતી દાઢ પર સળી અડકવાથી રંજુબેને જોરથી “આહહહ…” કરીને તાલ આપ્યો. બહાર વેઇટિંગ લાઉન્જમાં બેઠેલા ત્રણ પેશન્ટમાંથી એક કહ્યા કારવ્યા વિના પોબારા ગણી ગયો.
“હમમમ… પાડવી પડશે. મોઢું ખુલ્લુ જ રાખજો.” દાંડેકર બોલ્યો.
“પાડી નાખો. ભલે ગમે તેટલો ખર્ચો થાય. દાંતનો દુ:ખાવો મટશે નહીં ત્યાં સુધી મારાં લોહી પીવાઈ જશે ભૈસાબ. આ રંજુડી દાંત પકડીને બેસી જશે તેમાં મારું જમવાનું છૂટી જશે.”
ડોક્ટરે ફટાફટ એક્સ રે પાડ્યો પછી ઉપાડ્યું, “યે જીવન હૈ, ઇસ જીવન કા યહી હૈ રંગરૂપ…”
બીચારા મોઢું ફાડીને બેઠેલા રંજુબેન “આ… આ…” સિવાય કશુંય બોલવાની સ્થિતિમાં નહોતા.
એમની દયામણી આંખો ડૉક્ટરને ટગર ટગર તાકી રહી. મુકુંદરાયની આંખોમાં લોહી ધસી આવ્યું. દાંડેકરે એક પળ માટે આંખો મીંચી દીધી. પછી જાગૃત અવસ્થામાં આવીને કહ્યું, “છેક અંદર સુધી સડો છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડશે. દાઢની બાજુવાળો પણ હલે છે અને જે દાંત પડી ગયો તેમાં કેપ બેસાડવી પડશે. હંહંહં યે ક્યા હુઆ, કૈસે હુઆ, કબ હુઆ, ક્યું હુઆ યે છોડો…” દાંડેકરે પાછું ગીત લલકાર્યું.
“ચોકલેટો ખાતી’તી. બધું એના પ્રતાપે. આ ઊંમર કાંઈ ચોકલેટ ખાવાની છે?” મુકુંદરાયે દાંતની ટ્રીપલ ટ્રીટમેન્ટ પાછળ થનાર ટ્રીપલ ખર્ચા સામે ડબલ ઊભરો ઠાલવ્યો.
“એ શું બોઇલા? ઉંમર તો તમારી થૈ ગઈ છે. આહહ… પેલ્લાં આ દુ:ખાવો દૂર કરી દ્યો ડૉક્ટર.” મોઢું બંધ કરવાની સંમતિ મળતાં રંજુબેન બોલ્યા. તેમનો દર્દનાક ઊંહકારો સાંભળી ડૉક્ટરની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.

“બહુ દુ:ખે છે?” લાગણીશીલ ડોક્ટરે લાગણીવશ પૂછ્યું.
“હા… આહ…” સામે રંજુબેને પોતાનું વોલ્યુમ ઊંચું કરી મોટેથી ઊંહકારો કર્યો.
“જુઓ, ગભરાતા નહીં, એક ઇન્જેક્શન આપીને આ ભાગને બહેરો કરીશ પછી જરાય નહીં દુખે.” ખરી રીતે તો ડોક્ટર પોતાને સમજાવતા હતા.
“હેં? ઇન્જેક્શન?” રંજુબેને ચીસ પાડી એ સાંભળી ડોક્ટર ઢીલો પડી ગયો.
“નથી લેવું?”
“મને ઇન્જેક્શનનો બવ ડર લાગે.”
“મનેય આપતાં લાગે પણ… એક મૈં ઔર એક તુ… યે તો હોના હી થા.” ધીમા વોલ્યુમે ગણગણતા ડૉક્ટર હાથમાં પકડેલી ઇન્જેક્શનની લાંબી તીણી સોયને જોતા રહ્યા.
“આપી દો. આપી દો. હું બેઠો છું. તમતમારે દાઢ પાડી જ નાખો.” મુકુંદરાયે ટમકો મૂક્યો.
“આપ યહાં આયે કિસ લીયે…” એવું ગાતાં ગાતાં ડોક્ટરે આંખ મીંચીને ઇન્જેક્શનની સોય પેઢાને અડકાડી ત્યાં તો રંજુબેને ફરી મોટી ચીસ પાડી. ડોક્ટરના ધ્રૂજતા હાથમાંથી ઇન્જેક્શન ઉછળ્યું અને પાછળ બેઠેલા મુકુંદરાયના ખોળામાં જઈ પડ્યું. ડૉક્ટર કંઈ વિચારે તે પહેલાં તક ઝડપી લઈ મુકુંદરાયે પત્નીના પેઢામાં એ ખોંસી દીધું.
રંજુબેનની “આહહહ…” સામે ડૉક્ટરે “ઊહહહ…” કર્યું. હવે તેનામાંય આગળ વધવાની હિંમત આવી.
“મોઢું ખુલ્લું જ રાખજો બેન, હવે નહીં દુ:ખે.” કહી ગાવા માંડ્યું, “દર્દે દિલ દર્દે જિગર દિલ મેં જગાયા આપને.”
“એય, ડૉક્ટર, આ તું શું ભળતું સળતું ગાય છે? ધંધામાં ધ્યાન પરોવ.”
“ગંદા હૈ પર ધંધા હૈ યે. એમાં એવું છે ને સાહેબ કે હું ગાઉં તો નર્વસ ના થઈ જાઊં એટલે ગાતા રહે મેરા દિલ.” દાંડેકરે હાથમાં પકડ લેતાં કહ્યું.
જેવી એણે પકડ રંજુબેનના મોઢામાં ખોસી કે રંજુબેને ડૉક્ટરના હાથને જોરથી હડસેલ્યો. ડૉક્ટર ફરી હિંમત ખોઈ બેઠો. તેણે ગાવા માંડ્યું, “ન જાઓ સૈંયા છૂડાકે બૈંયા, કસમ તુમ્હારી…”
“અલા ભઈ, આ અમે ક્યાં ગુડાણા? આ બચાડો હલતો દાંત જોઈ પોતે હલી જાય છે. એનો બાપો હુંશિયાર હતો અને આ પોચટ…” મુકુંદરાયે દાંડેકરના હાથમાંથી પકડ ઝૂંટવી, પોતાના દાંત કચકચાવીને રંજુબેનની હલતી દાઢ એક ઝાટકે ખેંચી કાઢી. જો કે એ દાઢ નહીં, તેની બાજુની કાઢવાની હતી.
“હાશ. પેશન્ટે મારા હાથને ધક્કો મારી દીધો તેનો વાંધો નહીં પણ તમે આમ એકદમ તરત જ સહેલાઈથી દાઢ કેવી રીતે ખેંચી કાઢી?” આશ્ચર્ય પામતા દાંડેકરને રાહત થઈ. “તમારી પાસેથી હું દાંત પાડવાનો ચાર્જ અડધો જ લઈશ.”
“શાનો ચાર્જ? અલ્યા, આ તારી આરામખુરશીમાં બેસાડીને આવાં બેસૂરા રાગે ગીતો સંભળાવવાનો તું ચાર્જ વસૂલે છે?” મુકુંદરાયે મુક્કો ઊગામ્યો જાણે હમણાં ડૉક્ટરના દાંત મુક્કો મારીને પાડી નાખવાના હોય.
“આમ તો દાઢ તમે જ પાડી પણ ખબરદાર જો મારી ગાયકી બાબત એલફેલ બોલ્યા તો.” દાઢમાં બોલી ડોક્ટરે ગાવા માંડ્યું, “કુછ ના કહો. કુછ ભી ના કહો.”
રંજુબેન કોગળો કરી, દાઢમાં રૂનું મોટું પૂમડું દબાવી ફટાફટ ઊભા થઈ ગયા. “એ ચાલો, હવે જરાય દુઃખાવો નથી થતો. જુઓ જુઓ, હલતો’તો ઈ દાંતેય પોતાની મેળે જ પડી ગયો. આનેય એકાદું ગીત મફતમાં સંભળાવી રવાના થૈ જાંએં. એની ફી ગઈ ભાડમાં.”
“અચ્છા તો હમ ચલતે હૈં…” રંજુબેને લલકાર્યું.
મુકુંદરાય ડોક્ટરની નજીક સરક્યા પછી તેના કાનમાં ગણગણ્યા, “એલા ડોક્ટર, આ રંજુડીને એવું પ્રીસ્કિપ્શન લખી આપ કે પાંચ દિવસ જમવા સિવાય મોઢું નહીં ઉઘાડવાનું. ઇ મૂંગી રે’ય એટલા દિ’ તો મને શાંતિ. ગાવામાં બ્રેક પાડીને આ ન્યુઝ બ્રેક કર તો તને અડધી ફી ચૂકવી દઊં.”
અડધી ફીની લાલચ રોકી નહીં શકતા દાંડેકરે એ સૂચનનું નિર્વિઘ્ને પાલન કર્યું. મુકુંદરાય પત્નીનું બાવડું ઝાલી ગીત લલકારતા બહાર નીકળ્યા, “ગાના આયે યા ના આયે ગાના ચાહીએ.”
બહાર બેઠેલા બે વિમાસણમાં પડ્યા. “અંદર અંતકડી રમવાની છે?” એકે આસિસ્ટન્ટને પૂછ્યું.
“ના. આ તો શું છે કે વાતાવરણ હળવું રહે માટે દંત ભંજન સાથે ગીત ગુંજન કરવાની અમારા ડોક્ટર સાહેબે નવી આધુનિક ટેકનીક વિકસાવી છે.” આસિસ્ટન્ટે ગાલમાં ખંજન પાડીને કહ્યું.
ત્યાં તો ઉદાસ વદને દાંડેકરે આવીને તેને સૂચના આપી, “ફી પહેલેથી લઈ લેજે. પછીનો ભરોસો નહીં. જાને કહાં ગયે વો દિન…”
“સર, આપ કેટલું સરસ ગાઓ છો. મારો ભાઈ ઓરકેસ્ટ્રા કન્ડક્ટ કરે છે. ચાહો તો આપ તેમાં જોડાઈ શકો. કમાણી સારી છે હોં. પ્રોગ્રામ હાઉસ ફૂલ જાય છે. બાકી તમને જોઈ જોઈને મનેય બધું આવડી જ ગયું છે. મને જરાય ડર ન લાગે. પેશન્ટોને હું સાચવી લઈશ. તમે મારા ભાઈને સાચવી લ્યો.” આસિસ્ટન્ટ શરમાતાં બોલી.
“હેં?” દાંડેકર જૂનિયરનો દાંત હલવા માંડ્યો, “ઊહહહ…” કહી તેણે ખુરશીનો હાથો પકડી લીધો. “જલ્દી એકાદા સારા ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ લઈ લે અથવા તું જ…” તેમણે આસિસ્ટન્ટને કહ્યું. આ વખતે તેમના મોઢામાંથી એકેય ગીત ન અવતર્યું.
ઘરે પહોંચીને મુકુંદરાય ગીતો ગણગણવા માંડ્યા. એ બહુ ખુશ હતા. રંજનાબેનના પેઢાં ઝટ રુઝાય તે માટે તેમને ફક્ત સેમી-સૉલિડ ફુડ જમવા સિવાય મોઢું ઉઘાડીને ત્રણ દિવસ બોલવાની મનાઈ હતી ને!
– સુષમા શેઠ
સરસ વાર્તા
આભાર
Dear Sushmaben,
Many authors have a sound vocabulary. Many of them have a good power of expression too. But how many do really command a power of imagination, observation and correlation with day-to-day candid happenings to coin કથા બીજ ?! Variety of કથા બીજ is your forte.
Okay —- but then, having coined a fresh/unique કથા બીજ, how many authors do really have a clarity of mind/thoughts to create a vivid શબ્દ ચિત્ર to take the reader to that point where the actual happening is taking place? Thanks, Sushmaben for taking us to the Dentist even though, we did not have a tooth-ache!
— and once again, what an imagination — a Dentist’s son who wanted to become a singer gets stuck-up with his father’s dental clinic — but a ગાયકનો આત્મા which cannot be devoid of singing and hence, ગાતા રહે —- મેરા દિલ !
Keep up writing, take care and be safe.
With kind personal regards,
Samir
Thanx for such encouraging words. Enjoy reading and Keep laughing.
Yes Wife can not remain with out speaking !!! Good paradoy.
you seem to be experienced.