ગુજરાતનું ગૌરવ : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી.. 2


બાળકો માટે બગીચા હોય, બાળકો માટે બાલમંદિર હોય, બાળકો માટે ઘોડિયાંઘર હોય કે બાળકો માટે આંગણવાડીઓ હોય એવું તો આપણે સામાન્ય રીતે સાંભળતા હોઈએ છીએ. પરંતુ બાળકો માટે એક અલાયદી યુનિવર્સિટી હોય એવું તો ભાગ્યે જ સાંભળવા મળે!

પણ આજે આ વાત એક વાસ્તવિકતા છે. અનેક બાબતોમાં સમગ્ર વિશ્વને રાહ ચિંધનાર ગુજરાતે બાળ કેળવણીની દિશામાં અભૂતપૂર્વ શરૂઆત કરી વિશ્વની પ્રથમ “ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી”ની સ્થાપના કરી છે.

૩૧ જુલાઈ ૨૦૦૯ ના દિવસે ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલની અનુમતિથી આ યુનિવર્સિટીને માન્યતા પ્રાપ્ત થઈ.. આ વિચારના સ્વપ્નદ્રષ્ટા છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. એ કેવળ સ્વપ્નદ્રષ્ટા જ નથી..મંત્રદ્વષ્ટા પણ છે. એમના મનમાં જ એક અદ્ભુત મંત્રનો આવિર્ભાવ થયો.

“પ્રત્યેક બાળક મહત્વનું છે.. Every child matters.”

એમણે એવું પણ કહ્યું કે “બાળકનો ઉછેર એવી હૂંફ અને સંભાળથી થવો જોઈએ જેથી તે શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવાત્મક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ માનવ તરીકે વિકસે અને તેને આત્મસાક્ષાત્કારના અવસર મળી રહે.”

આમ સંપૂર્ણ રીતે બાળકને કેન્દ્રમાં રાખી વિવિધ આયામો વિસ્તારતી જતી આ યુનિવર્સિટી પોતાનું લક્ષાંક પ્રાપ્ત કરવા મુખ્ય ચાર કાર્યક્ષેત્રમાં સક્રિયપણે કાર્ય કરી રહી છે.

૧) સંશોધન
૨) શિક્ષણ
૩) પ્રશિક્ષણ
૪) વિસ્તરણ

આ રહી તેની મુખ્ય કાર્યયોજનાઓ.

🔰 તપોવન કેન્દ્ર અને શિશુ પરામર્શન કેન્દ્ર :

કહેવાય છે કે બાળકનું સાચું શિક્ષણ ગર્ભકાળથી જ શરૂ થઈ જાય છે. અને તે જીવનભરનો પાયો રચે છે.

સગર્ભા સ્ત્રીના શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવાત્મક અને આધ્યાત્મિક વિકાસની અસરો ગર્ભસ્થ શિશુ પર પડે છે. બાળક માતાના ગર્ભમાં 280 દિવસ રહે છે. એટલે આ અંગે સગર્ભા બહેનોને શિક્ષણ આપવાનું અને બાળવિકાસ અંગેની માહિતી આપવાનું કાર્ય ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં કેન્દ્રો કરે છે.

ખાસ કરીને ગર્ભાવસ્થાના 280 દિવસના શિક્ષણ માટે તપોવન કેન્દ્રો યોગ, વ્યાયામ, સંગીત, રમતગમત, ભાષા શિક્ષણ, કલા કૌશલ્ય, વાર્તા, વાચન, ભરતગુંથણ વિગેરે પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપે છે.

ત્યારબાદ ત્રણ વર્ષ સુધીના બાળકોની માતાઓને બાળઉછેર, બાળમનોવિજ્ઞાન અને સર્વાંગી બાળવિકાસ અંગેના શિક્ષણ માટે “શિશુ પરામર્શન  કેન્દ્ર” કાર્ય કરે છે. વિવિધ વિષય નિષ્ણાતો માર્ગદર્શન પૂરું પાડે છે.

🔰 વિદ્યાનિકેતન

વિદ્યાનિકેતનમાં ખાસ કરીને 3 થી 18 વર્ષની ઉંમરના બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે  જેમાં પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ શિક્ષણના પ્રયોગીકરણને લગતી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. પીએચ.ડી. સુધીના ઉચ્ચ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે.

🔰 પ્રકાશન

આ યુનિવર્સિટી બાળઉછેર, બાળશિક્ષણ, બાળ કેળવણીને લગતાં અનેક પુસ્તકો પ્રકાશિત કરે છે. પુસ્તકો ઉપરાંત “બાળવિશ્વ” નામનું બાળસામયિક પણ દર માસે પ્રકાશિત કરે છે. બાળકો સાથે જોડાયેલાં માતાપિતા, શિક્ષકો, કેળવણીકારો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે, યુનિવર્સિટી દ્વારા થઈ રહેલાં કાર્યોની જાણકારી મળે અને સાહિત્યના પ્રચાર પ્રસાર હેતુથી સુંદર મજાના લે આઉટ સાથેનું આ સામયિક લોકો સુધી પહોંચે છે. તેમાં બાળકો માટેના લેખો, બાળકો માટેની કૃતિઓ, વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ, બાળકોના ચિત્રો વિગેરેને સ્થાન આપવામાં આવે છે.

🔰 ટોય ઈનોવેશનસ..

બાળ જીવનમાં રમકડાંની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે. રમકડાં સાથે બાળક ભાવનાત્મક રીતે પણ જોડાયેલું હોય છે. રમકડાં દ્વારા બાળકનાં વિવિધ કૌશલ્યોનો વિકાસ શક્ય બને છે. તે હેતુને ધ્યાનમાં રાખી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વિવિધ પ્રકારના સંશોધનો કરી ઉત્તમ પરિણામ મેળવવા પ્રયત્ન કરી રહી છે. ખાસ કરીને રમકડાં ઉત્પાદન ક્ષેત્રે આપણે સ્વનિર્ભર બનીએ એ દિશામાં સકારાત્મક રીતે આગળ વધી રહી છે. ટોય બસો પણ તૈયાર કરવામાં આવી છે. આ બસો વિવિધ વિસ્તારમાં જઈ બાળકો સુધી પહોંચવાનું લક્ષ્ય સિદ્ધ કરશે.

યુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહના જણાવ્યા મુજબ, “ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળકની વિશ્વસ્તરની વિદ્યાપીઠ છે. સમગ્ર ગુજરાતના બાળકો અને એમના પરિવારોની સીધી માર્ગદર્શક છે. જગતની આ એકમાત્ર યુનિવર્સિટી છે જે ગર્ભાધાન સંસ્કાર પ્રક્રિયાથી ઉત્તમ સંતતિનું આવાહન અને અવતરણ કરવાની દિશા ચીંધે છે અને ઉત્તમ મનુષ્યના રૂપમાં સમાજને ચરણે ધરવાની અભિલાષા સેવે છે.”

“તેજસ્વી બાળક..તેજસ્વી ભારત” જેવો મંત્ર લઈને કામ કરી રહેલી આ યુનિવર્સિટી આપણું સૌનું ગૌરવ છે.  કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ તેમની આગવી દૃષ્ટિથી સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.. માર્ગદર્શન આપી રહ્યા છે.

વિચારબીજ.

“આ યુનિવર્સિટીનું વિચારબીજ એટલું તો પ્રબળ છે કે તેને કારણે નવી પેઢી ઉત્તમ, સત્ત્વશીલ અને તેજસ્વી નિર્માણ થશે અને તેની અસરો આગામી હજારો વર્ષ સુધી ટકી રહેશે. સમાજનું ભાવ જાગરણ કરવાનું સામર્થ્ય આ કાર્યમાં છે અને એના દ્વારા સામાજિક ચેતનાનું  ઊર્ધ્વીકરણ થશે.”
– હર્ષદભાઈ શાહ

સરનામું : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, સુભાષચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ, છ-૫, સેકટર ૨૦, ગાંધીનગર. ૩૮૨૦૨૧

(સાભાર.. બાળવિશ્વ)

ભારતીબેન ગોહિલ

હે કુદરત!
તેમનું બાળપણ
નિશાળના ઓરડાઓમાં પૂરું ન થઈ જાઓ.
હે મહાન પ્રકૃતિ,
તારાં અદ્ભુત સ્વરૂપો,
તારાં પરમ રહસ્યો,
તેમની વિસ્મયભરી આંખો સામે વેરી દો.
એક ખૂણામાં બેસીને
તેમને ક-ખ-ગ ગોખવું પડે
તે પહેલાં, હે કુદરત!
તારા મહાન પુસ્તકનાં
કેટલાંક પાનાં તો
તેમની આંખો સામે આવ્યાં હોય
તેવું થાઓ.
ધ્રુવ ભટ્ટ

ભારતીબેન ગોહિલના અક્ષરનાદ પરના સ્તંભ ‘અલ્લક દલ્લક’ અંતર્ગત બાળ સાહિત્યનું સુંદર ખેડાણ શરુ થયું છે, સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ગુજરાતનું ગૌરવ : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી..