કેટલીક વિશેષ શાળાઓ.. – હેમાંગી ભોગાયતા મહેતા 2


શું આપ જાણો છો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અમુક યોજનાઓ અંતર્ગત અમુક એવી શાળાઓ ચલાવવામાં આવે છે કે જ્યાં  વિદ્યાર્થીઓને વિશેષ સુવિધાઓ મળે છે. આ પ્રકારની શાળાઓમાં વિદ્યાર્થીઓને ફક્ત વિનામૂલ્યે શિક્ષણ જ નહીં પરંતુ રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. તો ચાલો આ પ્રકારની શાળાઓ વિશે જાણીએ.

શિક્ષણનું સ્વરૂપ સમય સાથે બદલાતું રહે છે. ભારતમાં શિક્ષણ ગુરુકુળ પ્રથાથી શરૂ થયું હતું. ત્યારબાદ વિદ્યાપીઠો દ્વારા લોકોએ શિક્ષણ મેળવ્યું. અંગ્રેજો આપણા દેશમાં આવ્યા એ પછી શિક્ષણનું સ્વરૂપ તદ્દન બદલાઈ ગયું. હવે શાળાઓનું સંચાલન સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા થાય છે.

આપણે છેલ્લા આર્ટિકલમાં શાળાઓનો ખર્ચ કોણ ઉઠાવે છે અને સંચાલન કોણ કરે છે એ બાબતને ધ્યાનમાં લઈને શાળાઓનાં જે મુખ્ય ત્રણ પ્રકાર પડે છે, સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા અને ખાનગી શાળા, વિશે જાણ્યું. આ ઉપરાંત પણ બંધારણની કેટલીક જોગવાઈઓ મુજબ કે પછી કોઈ સમસ્યાના સમાધાન માટે કેટલીક વિશિષ્ટ પ્રકારની શાળાઓને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય છે. આજના આર્ટિકલમાં આપણે આ વિશેષ શાળાઓ વિશે જાણીએ.

લઘુમતી શાળા :

મોટાભાગના દેશ કે કોઈપણ મોટો સમૂહ કાયમ પોતાના બહુમતી સમુદાયનો ઉદ્ધાર થાય એ માટે પ્રયત્નશીલ હોય છે. પરંતુ આપણા દેશના બંધારણમાં લઘુમતી સમુદાય પોતાનો વિકાસ કરી શકે એ માટે વિવિધ નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોમાંથી જ એક છે લઘુમતી શાળા માટેનો નિયમ.

ભારતીય સંવિધાનના આર્ટિકલ 30 મુજબ ધર્મ કે ભાષા આધારિત લઘુમતીઓને શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને વહીવટ ચલાવવાનો હક છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશમાં હિન્દુઓ બહુમતીમાં છે અને બીજા દરેક ધર્મના લોકો લઘુમતીમાં આવે છે. આ રીતે ભારતમાં હિન્દુ સમુદાય સિવાય દરેક ધર્મના એટલે કે મુસ્લિમ, શીખ, જૈન, પારસી કે બીજા દરેક લઘુમતી સમુદાયના લોકો સરકારની મંજૂરી વડે આ પ્રકારની લઘુમતી શાળા સ્થાપી શકે છે. ભાષાની દ્રષ્ટિએ લઘુમતીની વાત કરીએ તો જે રાજ્યમાં જે ભાષા મુખ્યરૂપે વપરાતી હોય એ સિવાયની ભાષાઓ એ રાજ્ય માટે લઘુમતીમાં આવે. ઉદાહરણ તરીકે, આપણા રાજ્ય ગુજરાતમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપતી શાળાઓનો સમુદાય મુખ્ય કહી શકાય, તો સામે હિન્દી, સિંધી, ઉર્દૂ વગેરે ભાષાઓ ગુજરાત રાજ્ય માટે લઘુમતી કહેવાય. આ ભાષાનાં સમર્થકો આ માધ્યમની શાળા ગુજરાતમાં ખોલે તો તેનો સમાવેશ લઘુમતી શાળામાં થાય. 

લઘુમતી શાળાઓને ભંડોળ સરકાર દ્વારા પૂરું પાડવાની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. આ પ્રકારની શાળાઓને સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. પહેલાં આ પ્રકારની શાળાઓમાં શિક્ષકોની ભરતી શાળા કક્ષાએથી જ થતી હતી. આ શાળાનાં શિક્ષકોને પગારની ચૂકવણી સરકાર દ્વારા થાય છે. તાજેતરમાં જ ઘોષણા થઈ છે કે હવે આ પ્રકારની શાળાઓમાં શિક્ષકોની ભરતી સીધી નહિ થાય પરંતુ સરકાર દ્વારા થશે.

તાજેતરમાં MHRD દ્વારા થયેલ એક સર્વે મુજબ ભારતમાં 39,215 લઘુમતી શાળાઓ છે જે દેશભરની કુલ શાળાઓની સંખ્યાના 2.6% છે. કુલ લઘુમતી શાળાઓમાંથી 74% શાળાઓ ફક્ત 6 રાજ્યોમાં છે. આ છ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મેઘાલય, કેરળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આપણા રાજ્યની વાત કરીએ તો, ગુજરાતમાં 397 લઘુમતી માધ્યમિક શાળાઓ છે. 

લઘુમતી સમુદાય પોતાનો વિકાસ કરી શકે એ માટે આ પ્રકારની શાળાઓની મંજૂરી આપવી તથા આ પ્રકારની શાળાઓ ચલાવવી એ ખરેખર સરાહનીય કાર્ય છે.

Indian school children in classroom

જવાહર નવોદય વિદ્યાલય (JNV) :

ગ્રામ્ય વિસ્તારના બાળકોનું ઉત્તમ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે એ માટે આ પ્રકારની નિવાસીય શાળાઓ શરૂ કરવામાં આવી. (નિવાસીય શાળા એટલે એવી શાળા કે જ્યાં વિદ્યાર્થીઓના ભણવા ઉપરાંત તેમના રહેવાની સગવડ પણ સરકાર તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે.)આ પ્રકારની શાળાઓનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. 

ઈ.સ. 1985માં તત્કાલીન માનવ સંસાધન વિકાસ મંત્રી પી.વી.નરસિંહરાવે સૌપ્રથમ આ પ્રકારની શાળાની શરૂઆત કરી. આ શાળાઓ અગાઉ નવોદય વિદ્યાલય તરીકે ઓળખવામાં આવતી, પછીથી તેનું નામકરણ ‘જવાહર નવોદય વિદ્યાલય’ તરીકે થયું. 

આ શાળાઓમાં હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણકાર્ય થાય છે. આ શાળા CBSE સિસ્ટમથી ચાલતી હોય, આ શાળાઓમાં ધોરણ 6થી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ધોરણ 6, ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ પરીક્ષાના આધારે પ્રવેશ આપવામાં આવે છે.ધોરણ 9 અને 11માં જે વિદ્યાર્થીઓ શાળા મૂકીને ગયા હોય અને સીટ ખાલી થઈ હોય તો એ ભરવા માટે જ પ્રવેશ પ્રક્રિયા થાય છે. 

જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા એક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી જ હોય છે. વિદ્યાર્થીઓ એક વર્ષ પહેલાંથી આ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતાં હોય છે. આ શાળાઓનો લાભ વધુને વધુ ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને મળે એ માટે આ શાળાઓની 75% સીટ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે રિઝર્વ રાખવામાં આવે છે. તથા ⅓ સીટ પર કન્યાઓને જ પ્રવેશ આપવામાં આવે છે. 

આ પ્રકારની શાળાઓમાં શિક્ષકોની ભરતી પણ ખાસ પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. મોટાભાગે શિક્ષકોને 11 મહિનાના કરાર દ્વારા ભરતી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસે શિક્ષક હાજર રહી શકે એ માટે આ પ્રકારની શાળાઓમાં શિક્ષકોના રહેવાની વ્યવસ્થા પણ કેમ્પસમાં જ કરવામાં આવે છે.

હાલ ભારતમાં 550થી પણ વધુ જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે. આ પ્રકારની શાળાઓમાં ભણતર, રહેવાનું, જમવાનું તથા યુનિફોર્મ વગેરે બધું જ સરકારશ્રી દ્વારા પૂરું પાડવામાં આવે છે.

(જવાહર નવોદય વિદ્યાલયની વેબસાઈટ :https://navodaya.gov.in/nvs/en/Home1 )

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) :

આપણા બંધારણમાં સ્ત્રી-પુરુષને સમાનતાનો હક આપવામાં આવ્યો છે છતાં હજુ ભારતીય સમાજમાં અનેક સ્થળોએ આ બંને વચ્ચે તફાવત રાખવામાં આવે છે. શિક્ષણની બાબતમાં પણ તફાવત છે. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ માધ્યમિક શિક્ષણ છોડી દેનારા વિદ્યાર્થીઓમાં છોકરીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. ખાસ કરીને એવા ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે સામાજિક અને શૈક્ષણિક પછાત સમુદાયોની કે ગરીબી રેખા નીચે જીવતા લોકોની વસ્તી વધુ હોય.

આ સમસ્યાના નિવારણ માટે ઓગસ્ટ,2004માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ પ્રકારની શાળાઓ જે ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ સમગ્ર દેશના સ્ત્રી શિક્ષણના સરેરાશ પ્રમાણ કરતાં ઓછું છે અને લિંગપ્રમાણમાં તફાવત સમગ્ર દેશના લિંગપ્રમાણના તફાવત કરતાં વધુ છે ત્યાં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. 

દેશભરમાં આ પ્રકારની 2,578 શાળાઓને મંજૂરી મળી છે. આ પ્રકારની શાળાઓમાં 75% સીટ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની કન્યાઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે તથા 25% સીટ ગરીબી રેખા નીચે આવતા ઘરની કન્યાઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે. 

આ પ્રકારની શાળાઓમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. શિક્ષકોની ભરતી 11 મહિનાના કરાર દ્વારા થાય છે તથા નવોદય વિદ્યાલયની જેમ આ પ્રકારની શાળાઓમાં પણ શિક્ષકોના રહેવાની વ્યવસ્થા શાળાના કેમ્પસમાં જ કરવામાં આવે છે.

(કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વેબસાઈટ :

https://samagra.education.gov.in/kgbv.html )

આદર્શ નિવાસી શાળા :

ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા આદર્શ નિવાસી શાળાઓ ખાસ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મળી રહે એ માટે ચલાવવામાં આવે છે. 

આદર્શ નિવાસી શાળાઓમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વાલીની વાર્ષિક આવક અને ગત ધોરણની ટકાવારીના આધારે પ્રવેશ આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વાલીઓની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તારમાં રહેતા વાલીની આવક 1,50,00થી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીને ગત ધોરણમાં ઓછામાં ઓછા 50% ગુણ હોવા જોઈએ. 

આ પ્રકારની શાળાઓમાં અનુસૂચિત જાતિ ઉપરાંત અતિ પછાત, અપંગ, વિધવા, ત્યકતા બહેનોના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવે છે. આ બધા વિદ્યાર્થીઓને પરિણામમાં 5%ની છૂટ મળે છે. આ બધા વિદ્યાર્થીઓને 45% ગુણ હોય તો પણ તે આ શાળામાં પ્રવેશ માટે ફોર્મ ભરી શકે છે. 

આદર્શ નિવાસી શાળાઓ કન્યાઓ અને કુમાર માટે અલગ-અલગ સ્થળે હોય છે. આ ઉપરાંત સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે પણ અલગ અલગ હોય છે. વર્ષ 2020-21માં સમગ્ર ગુજરાતમાં 29 અનુસૂચિત જાતિની આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. ધોરણ 9 અને ધોરણ 11માં બધા વિદ્યાર્થીઓને નવો પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે ધોરણ 10 અને ધોરણ 12માં ખાલી પડેલી જગ્યાઓ પર પ્રવેશ આપવામાં આવે છે. 

આ પ્રકારની શાળાઓમાં પણ શિક્ષકોને કરાર આધારિત ભરતીથી લેવામાં આવે છે. આ પ્રકારની શાળાઓમાં વિદ્યાર્થીઓને રહેવા, જમવા, ભણવા ઉપરાંત યુનિફોર્મ, પાઠ્યપુસ્તક તથા અન્ય જરૂરી વસ્તુઓ પણ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. 

(આદર્શ નિવાસી શાળાનું ફેસબુક પેઈજ :https://m.facebook.com/pg/Govt.ofGujarat/posts/ )

વાંચક મિત્રો, હજુ પણ ઘણી શાળાઓ વિશે વાત કરવાની છે જે આપણે હવે પછીના આર્ટિકલમાં કરીશું.

— હેમાંગી ભોગાયતા મહેતા


Leave a Reply to Yuvaraj PatelCancel reply

2 thoughts on “કેટલીક વિશેષ શાળાઓ.. – હેમાંગી ભોગાયતા મહેતા