ભૂલકણા ભીખાભઈ ડ્રાઇવર – સુષમા શેઠ 6


“તમારા મગજને તાળુ માર્યું છે? જાઓ ભાઈ આવા વિચિત્ર સવાલ પૂછી ઘરાકીને ટાઇમે મશ્કરી ન કરો.” એકે સંભળાવ્યું. ચાવી ન મળી તે ન જ મળી. ઉપરથી ભરચક ભીડમાં હડસેલો વાગ્યો તે માંડ પડતા બચ્યા. નિરાશ વદને તેઓ ગાડી પાસે પાછા ફર્યા તો ગાડી ગુમ! ‘હજુ હમણા તો અહીં હતી.’ વિચારતા ભીખાભઈની નજરે શાકના થેલા નીચે દબાયેલું ફરફરિયું ચડ્યું.

white two door car parked near brown trees
Photo by Stephan Louis on Pexels.com

મણીલાલશેઠને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરનાર ભીખાભઈ સો ટકા સજ્જન વ્યક્તિ પરંતુ તેમના ઉતાવળિયા અને ભૂલકણા સ્વભાવને લીધે તેમને શેઠને ત્યાં નોકરીએ ટકી રહેવામાં મુશ્કેલીઓ પડતી. જો કે તેથી વધુ મુશ્કેલીઓ શેઠને સહન કરવી પડતી.

શરૂઆતમાં તો તેઓ બીચારા શેઠની ગાડી કઈ છે તે જ ભૂલી જતા. શેઠને ઓફિસે ઉતારી તેમને શેઠાણીના કામે ઘરે જવાનું હોય. પાર્કિંગ લૉટમાં જઈ ભીખાભઈ એવા ગોટાઈ જાય કે શેઠની હતી તેવી જ બીજી ચાર સફેદ ગાડી જોઈ, તેમાંથી પોતાના શેઠની કઈ તે યાદ જ ન આવે. એક સરખી દેખાતી ગાડીઓ હોય તેમાં એમનો કાંઈ વાંકગુનો? ચારેચારમાં ચાવી ફેરવી જુએ ત્યારે ધારણાથી વિપરીત, છેલ્લી ચોથી ગાડીમાં ચાવી લાગે. બીચારા અભણ ભીખાભઈને આંકડાઓ જોડે વેર એટલે ગાડીના નંબરમાંય ગોટાળા કરતા.

બે-ત્રણ વાર એવું થયું. તેમને ગાડી કઈ તે યાદ ન આવે. એ તો સારું થયું કે જુદીજુદી ગાડીઓ ખોલવાની કોશિશ કરતા તેઓ કોઈની નજરે નહોતા ચડ્યા નહીંતર તેમને કાર-ચોર માની લેવામાં આવત. આ દુવિધાથી બચવા તેમણે ગાડીની ડ્રાઇવર સીટના દરવાજાના હેન્ડલ પર લાલ રિબન બાંધી દીધી. એ તો ભલું થજો શેઠનું કે એમણે શેઠને એવું ન કહ્યું કે, આખી ગાડીને લાલ રંગાવો એટલે ઝટ નજરે ચડે.

ઉતાવળે ઘરે પહોંચી, શેઠાણીબાના હુકમ મુજબ, શાકનું લીસ્ટ લઈ તેઓ શાકમાર્કેટ જવા ઉપડ્યા. એ સ્થળે પાર્કિંગની એવી તકલીફ કે ગાડી છેક આઘી પાર્ક કરવી પડી. જો કે ઉતાવળે રઘવાટમાં ત્યાં “નો પાર્કિંગ”નું બોર્ડ જોવાનું તેઓ ભૂલી ગયા. થેલાઓ હલાવતા ભીખાભઈ ડ્રાઇવર શાકમાર્કેટની અંદર દાખલ થયા. શાકવાળા સામે ઊભા તો રહ્યા પરંતુ શેઠાણીબાએ આપેલું લીસ્ટ ક્યાં મૂક્યું તે યાદ જ ન આવે. પાકીટ, શર્ટપેન્ટના ખિસ્સાં, બધું ફંફોસ્યું પણ લીસ્ટ ગાયબ. માથુ ખંજવાળી ભીખાભઈએ છેવટે શાકવાળાને નમ્ર વિનંતી કરી, “ભાઈ, જે ગયા વખતે નહોતું આપ્યું, તે હવે આજે આપી દે.”

ચબરાક શાકવાળાએ મોંઘામાં મોંઘુ વાસી શાક જે નહોતું વેંચાયું તે હોંશે હોંશે ભરી આપ્યું. ભીખાભઈ બે હાથમાં બે મોટા થેલાઓ ઊંચકી ગાડી પાસે આવ્યા.  હવે રિબન બાંધેલી ગાડી તો મળી પણ ચાવી ગુમ.

‘ક્યાં ગઈ?’ ભીખાભઈ વિચાર કરે પણ કંઈ જ યાદ ન આવે. બધું ફંફોસ્યું. ‘કદાચ શાકવાળા પાસે પડી ના ગઈ હોય.’ ચમકારો થતાં થેલાઓ એક તરફ મૂકી તેઓ ફરી માર્કેટ ભણી દોડ્યા.

જો કે આ વખતે શાક કોની પાસેથી ખરીદેલું એ ભૂલાઈ ગયું. આવડી મોટી માર્કેટમાં કેટલાય શાકવાળા! ભીખાભઈએ શાકને થેલામાં ઠલવાતું એકી નજરે જોયું હતું બાકી, શાકવાળાનું મોઢું ઓછું જોયું હોય!

‘ભારે થઈ, ચાવી નહીં મળે તો ગાડી કેમ ચાલે અને ગાડી વગર ઘરે જઈશ તો શેઠ ફરી નોકરીએથી કાઢી મૂકવાની ધમકી આપશે.’ ભીખાભઈ ગૂંચવાયા. બધે ફાંફાં મારી આખી માર્કેટ બે વાર ખૂંદી વળ્યા. પાંચછ શાકવાળાને પૂછીયે લીધું, “શું ભાઈ તેં મને શાક વેંચેલું? મારી ચાવી જોઈ?”

“તમારા મગજને તાળુ માર્યું છે? જાઓ ભાઈ આવા વિચિત્ર સવાલ પૂછી ઘરાકીને ટાઇમે મશ્કરી ન કરો.” એકે સંભળાવ્યું. ચાવી ન મળી તે ન જ મળી. ઉપરથી ભરચક ભીડમાં હડસેલો વાગ્યો તે માંડ પડતા બચ્યા. નિરાશ વદને તેઓ ગાડી પાસે પાછા ફર્યા તો ગાડી ગુમ! ‘હજુ હમણા તો અહીં હતી.’ વિચારતા ભીખાભઈની નજરે શાકના થેલા નીચે દબાયેલું ફરફરિયું ચડ્યું, ‘આપની ગાડી નૉ પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ હોવાથી ટૉ કરાયેલ છે. ગાંધીમાર્કેટ પૉલીસ સ્ટેશને આવીને છોડાવી જવા વિનંતી.’

શાકના થેલાઓ રઝળતા મૂકવાનું જોખમ ન લેતાં બીચારા ભીખાભઈ થેલાઓ ઊંચકી, ફરફરિયું તેમાં ઘાલી, પૉલીસ સ્ટેશને પહોંચ્યા. ગાડીને સલામત દેખી તેમની આંખે હર્ષાશ્રુ ચમક્યા.

“કેટલી વાર? બાને મંદિરે જવાનું છે. ક્યાં ખોવાઈ ગયા?” શેઠાણીબાએ ભીખાભઈને ઝાટક્યા.

“બસ, નીકળું છું.” ગેંગેં ફેંફેં થતા ભીખાભઈએ પોતાના ખીસામાંથી દંડની રકમ ભરી આગળની કારવાઈ પતાવી. હાશ. લાલ રિબનવાળી ગાડી તો હેમખેમ મળી પણ ચાવી?

બન્યું એવું કે આ બધી ભાંજગડમાં શાક ભરેલો એક થેલો આડો પડ્યો અને તેમાંના ડુંગળી બટાકા જમીન પર આમતેમ દદડવા માંડ્યા. ભીખાભઈએ તે ઉતાવળે થેલામાં ભરવા માંડ્યા ત્યારે થેલામહીં મહાસુખ માણતી ચાવી ઊછળીને બહાર નીકળી.

‘હાશ. તો તું આમાં હતી.’ ચાવી દેખી હરખાતા ભીખાભઈ પરસેવો લૂછી ગાડીમાં બેઠા. જુએ તો બાજુની સીટ પર શેઠાણીબાએ આપેલું શાકના લીસ્ટનું કાગળ તેમને જોઈ મલકાતું, આરામથી બિરાજમાન થયેલ હતું. ભીખાભઈને કાળા અક્ષર ભેંસ બરાબર એટલે એમણે તે કાગળ ઝડપી લઈ, સામેની દુકાનવાળાને વાંચી આપવા વિનંતી કરી.

પેલો વાંચે તે મુજબ ભીખાભઈ ખરીદેલું શાક ચેક કરતા ગયા. ‘માર્યા ઠાર.’ કાકડી તો લીધી જ નહોતી અને લીસ્ટમાં વટાણા નહોતા તે દોઢ કિલો ઉપાડ્યા હતા. શેઠાણીના ઉગ્ર સ્વભાવનો સુપેરે અનુભવ કરી ચૂકેલા ભીખાભઈ ફરી માર્કેટમાં દોડ્યા. આ વખતે ગાડી બરાબર પાર્ક કરી, ચાવી સાચવીને ખીસામાં ગોઠવી. વટાણા જૂદા કરી સીટ નીચે સંતાડી મૂક્યા. ખરીદેલા વટાણા પાછું તો કોઈ લે નહીં. હવે તેઓ કાકડી લેવા ઉપડ્યા. ઝટઝટ કાકડી ખરીદી પરત ફર્યા અને લાલ રિબનવાળું હેન્ડલ શોધવા લાગ્યા.

રસ્તે રખડતા કોઈ અલેલટપ્પુએ લાલ રિબન ખેંચી કાઢેલી તેમાં ભીખાભઈ ગોટાયા. તેમની નજર રિબન શોધે પણ હોય તો મળેને. આનો ઉપાય માત્ર એ જ હતો કે ગાડીમાં અંદર મૂકેલ સામાન જોઈને પોતાની ગાડી ઓળખી શકાય. હવે આમતેમ આંટા મારી તેઓ દરેક સફેદ ગાડીની બારીના કાચમાં ડોકાઈને શાકના થેલા દેખાય છે કે કેમ તે જોવા માંડ્યા. સફેદ ગાડીઓય કેટલી બધી. તેમને આ રીતની શંકાસ્પદ હિલચાલ કરતાં જોઈ હવાલદાર ડંડો લઈ આવી પહોંચ્યો.

“ક્યા કરતા હૈ?” હવાલદારે ભીખાભઈનું માથાથી પગ સુધી અવલોકન કર્યું.

“હમારા લાલ રિબન ખોવાઈ ગયા.” ભીખાભઈએ ઉતાવળે લોચો માર્યો.

“હમમ… રિબન? બાંધને કા રિબન? કિસી કો બાંધને કા હૈ? સબ ગાડીમેં ક્યા દેખતા હૈ? ચોરી કા ઇરાદા હૈ? ચલો પૉલીસ સ્ટેશન.” હવાલદારે દમ માર્યો.

“ઉધરથી તો છોડાકે આયા.” આપણા ગુજ્જુ ભીખાભઈ ડ્રાઇવર ગડબડિયું ઉવાચ્યા.

“હમમ… થેલે મેં ક્યા હૈ?”

“કાકડી ભૂલ ગયા થા. વટાણા સંતાડ દીયા.”

“કાકડી કોડવર્ડ હૈ? વટાણા કો છુપાયા? કિધર છુપાયા? બતાઓ.”

“ગાડી મળે તો બતાવું ને. ઇધર કિધર આટલામાં પાર્ક કર્યાતા.”

“કૌન સી ગાડી હૈ? ગાડીમેં ક્યા ક્યા છુપાયા હૈ?” હવાલદારની શંકા દ્રઢ થઈ. આતંકવાદીને શસ્ત્ર સહિત ઝડપવાનો શિરપાવ મળશે તેવી આશાએ તે પોરસાયો.

“ક્યાં મરી ગ્યા ભીખાભઈ?” ક્રોધથી રાતાપીળા થયેલા શેઠાણીબાએ ફોનમાં ભીખાભઈનો ઉધડો લીધો.

“નૈ નૈ મરી નથી ગયો. આ આવ્યો. કાકડી લેવા ગયેલો. આવીને હું જાતેપોતે કચુંબર બનાવી આપીશ. ચિંતા ન કરો.” ભીખાભઈને કહેતા સાંભળી હવાલદાર ચમક્યો.

‘નૈ મરી ગયો… કાકડી… કચુંબર બનાવીશ… બાંધને કા રિબન… સંતાડ દીયા.’ નક્કી કોઈ મોટો પ્લાન લાગે છે. ખતરનાક પ્લાનની મહત્વની કડી મળી હતી. “કિસકો મારને કા? કિસ કા કચુંબર કરને કા? અબ્બે બોલ.” હવાલદારે આંખો કાઢી.

“ગગગ… ગાડી નથી મળતી. કાકડી. વટાણા. મર્યો. શેઠાણીબા.” હવાલદારની આંખો જોઈ ભીખાભઈ ભૂલી ગયા કે તે શું પૂછતો હતો.

“અબ્બે ચલ પૉલીસ ચૌકી.” સાંભળી ભીખાભઈ મૂંઝાયા. હવાલદારે તેમનો કાંઠલો ઝાલ્યો. તેવામાં જ તેમની નજર ગાડીમાં મૂકેલ થેલાઓ પર પડી.

“આ. આ જ. ગાડી મળી ગઈ. “

“ડીકી ખોલ.” કોઈ પોતાની ગાડી ભૂલી જાય એ વાત હવાલદારના શંકાશીલ મગજમાં ન બેઠી.

“હમેરે કો બોત મોડા હોતા હય. માંડ માંડ ગાડી મળ્યા. શેઠાણી લેફ્ટ-રાઇટ લેગા.”

“અબી બીચમેં શેઠાણી કિધર સે આયા? કિસકા કચુંબર બનાને કા? બોલ.”

“કાકડી કા.”

“કાકડી કૌન હૈ? કિધર છુપાકે રખા?”

“નૈ, વટાણા છુપાયા. ઉસકો નૈ ઉઠાનેકા થા. ખોટા કામ કરને કા હમેરે કો ઝાપટ મિલતા. ચીઠ્ઠી ખોવાઈ ગયા થા.”

“તો ફિર કિસકો ઉઠાયા?”

“કાકડી કો.”

“વો કમલ કાકડી? લંબા પતલા ભીંડીબજારવાલા ડૉન? વો હમેશા કાકડી ખાતે રહેતા હૈ ઔર સબકો ભીંડી મારતા. તુમ કિસકા ગેંગ કે લિયે કામ કરતા હૈ?”

“હેં? ગેંગ?” ભીખાભઈએ થેલામાની કાકડી હવાલદારને બતાવી. પેલાએ ડીકીસહિત આખી ગાડી ચેક કરી. ભીખાભઈએ આખી વાતનો ઉતાવળે ફોડ પાડ્યો. હવાલદારને લાંચરૂપે મોંઘા વટાણા આપ્યા. ઘણા સમય બાદ ઘરમાં આલુ મટર, પનીર મટર રંધાશે તેના હરખમાં હવાલદારે ભીખાભઈનો છૂટકારો કર્યો. વધારામાં ચાર કાકડી તફડાવી લીધી.

ઘરે પહોંચ્યા તો ત્યાં શેઠાણી ધૂંઆપૂંઆ. “કેટલું મોડું કર્યું. ચાર શાક લાવતાં આટલી વાર? આ તમારા શેઠ બહુ દયાળુ. આવા ડફોળો પર કરૂણા કરે. બાને મોડું થતું હતું તે રીક્ષા કરીને ગયા મંદિરે, જાઓ હવે ત્યાંથી એમને લઈ ઘરે આવો.” શેઠાણીના મોઢામાંથી ધુમાડા નીકળ્યા.

ભીખાભઈ મંદિરે ઉપડ્યા. બાને એવી ટેવ કે સોમવારે મહાદેવજીના અને મંગળવારે ગણપતિના દર્શને જાય, ગુરુવારે સાંઇબાબાને પ્રસન્ન કરે. શુક્રવારે માતાજી અને શનિવારે હનુમાનજીના મંદિરનો ફેરો પાક્કો. હવે ભીખાભઈ ભૂલી ગયા કે બા કયા વારે ક્યાં જાય છે. શેઠાણી એટલા ગુસ્સામાં હતા કે તેમને પૂછવાની હિંમત ન ચાલી. બા ગયેલા ગણપતિદાદાના દર્શને અને ભીખાભઈ ઊભા રહી ગયા, સાંઇબાબા મંદિરની બહાર. જે મહિલા બહાર નીકળે તેને જોયા કરે. બા જેવા જ દેખાતા એક માજીનો હાથ પકડી લીધો અને કહે, “ચાલો, લેવા આવ્યો છું.” સામે સણસણતો તમાચો પડ્યો. લોક ભેળુ થયું તે નફામાં. ભીખાભઈએ પગ પકડી, ભગવાનના સોગન લઈ માફી માંગી. તેવામાં ફરી શેઠાણીનો ફોન આવ્યો, “બા જાતે ઘરે આવી ગયા તે તમે ક્યાં છો?”

“ના. મેં બાને જોયા પણ એ બા નહોતા.”

“શું બકો છો? બાટલી ચઢાવી છે કે?”

“ના. નારિયળ ચડાવ્યું. બા હજુ બહાર નથી નીકળ્યા. આહીં જ એમની રાહ જોઈને ઊભો છું.”

“હે ભગવાન! હવે મહેરબાની કરી અબી હાલ શેઠને ઓફિસે લેવા જાઓ.” શેઠાણીએ કપાળ કૂટ્યું. ભીખાભઈ ઉપડ્યા ઑફિસે.

“સાહેબ, આજનો દિવસ બહુ ખરાબ ઉગ્યો.”

“ભૂલી જવાનું ભાઈ, એવું બધું યાદ નહીં રાખવાનું. જુઓ તમારી શેઠાણી દરરોજ મારી પાસે રુપિયા માંગે તે હું આપવાનું ભૂલી જ જાઊં છું ને. કકળાટ કરી મૂકે. ખાસ તો મારી પેલી… પેલીને ત્યાં હું ક્યારે, ક્યાં, કેમ જાઊં છું તે તમારે ભૂલી જવાનું. સમજ્યા? તમારા ભૂલવાના ગુણને લીધે જ તો તમને રાખ્યા છે.” ભીખાભઈ સામે આંખ મીંચકારી શેઠે પાંચસોની બે નોટ આપતા કહ્યું, “હા પણ હવે ગાડીમાં પેટ્રોલ ભરાવવાનું  છે એ તો યાદ છેને?”

“જી સાહેબ.” ભીખાભઈએ ગાડી જાણીતા પેટ્રોલપંપ આગળ થોભાવી.

“અહીં જ ને? શું છે કે બધા પેટ્રોલપંપ એક સરખા જ દેખાય છે.”

“હા ભાઈ હા.”

શેઠના કહ્યા મુજબ પેટ્રોલ ભરાવી તેઓ ડ્રાઇવર સીટ પર બિરાજ્યા. તેવામાં શેઠની નજર સ્કુટી પર બેઠેલી તેમની કૉલેજકાળની ગર્લફ્રેન્ડ પર પડી જેને જોઈને ભૂતકાળમાં તેઓ, ‘નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે’ એવું કંઈક ગાતા. આનંદના અતિરેકમાં તેઓ ભીખાભઈને કીધા વગર પેલીને ‘હાય હલ્લો’ કરવા ગીત ગણગણતા બહાર ઊતર્યા.

અદબ જાળવવા, ભીખાભઈને ચાલુ ગાડીએ પાછળ ઊંધા ફરીને નહીં જોવાની કડક સૂચના અપાયેલી તેનો ચુસ્તપણે અમલ કરતા ભીખાભઈએ પાછળ જોયા વગર ગાડી હંકારી દીધી.

શેઠ વાતોના વડા કરી પાછા ફર્યા ત્યાં ગાડી ગુમ. તેમણે ચારેકોર નજર ફેરવી પણ ગાડી દેખાઈ નહીં. ભીખાભઈએ ઉતાવળે ગાડી ઘર તરફ દોડાવી મૂકી.

“આજે તો ગાડી ટૉ થઈ ગયેલી સાહેબ. હવાલદારે મને પકડેલો. એ તો મેં હોંશિયારી કરી તેને ટાળ્યો.” ભીખાભઈ બોલતા રહ્યા પણ સાહેબ જવાબ નહોતા આપતા જાણી તેમને અચરજ થયું. વળી શેઠ દ્વારા વખતોવખત અપાતી સૂચનાઓ, ‘એસી. ચાલુ કરો, સિગ્નલ આપો,  હવે ડાબે વાળો, ગિયર બદલો, જૂઓ ત્યાં ખાડો છે.’ એનીયે સદંતર ગેરહાજરી હતી.

ભીખાભઈએ રિઅર-વ્યુ મીરરમાંથી જોયું. પાછળની સીટમાં કોઈ નહોતું. ધીમેથી ડોક ફેરવી. “હેં! શેઠસાહેબ ગુમ!” ત્યાં તો મોબાઈલ રણક્યો.

“ભીખાભઈ, તમે મને મૂકીને ગાડી હંકારી મૂકી? એટલીયે ખબર ના પડે કે પાછળ કોઈ નથી? કેટલીયે બૂમો પાડી પણ તમે તો…”

“ભૂલ થઈ ગઈ સાહેબ. મને તો એમ કે આપ ગાડીમાં બેઠા છો.” પછી ભીખાભઈ મનોમન બબડ્યા, ‘આમ એકાએક ઉતરી પડો તેમાં મારો કંઈ વાંકગુનો?’

ટ્રાફિક પૉલીસે ભીખાભઈને ચાલુ ડ્રાઇવીંગે મોબાઈલમાં વાતો કરતાં પકડ્યા. બબાલ થઈ પડી. પોલીસે દંડ ફટકાર્યો તેના ગુસ્સામાં ઉતાવળે ફરી પેટ્રોલપંપ તરફ જવા યુ ટર્ન લેતાં ગાડી આગળના થાંભલાને અથડાઈ.

શેઠ પંપ પર રાહ જોઈ જોઈને થાક્યા. છેવટે ટેક્સી કરીને ઘરે પહોંચ્યા. આ બાજુ ભીખાભઈ પેટ્રોલપંપ પર પહોંચ્યા અને આમતેમ ડાફોળિયા મારતા શેઠને શોધવા માંડ્યા.

“ગયા. ક્યારના અહીં ઊભા હતા. બીજી ગાડીઓ આવે તેને આમ વચ્ચોવચ ઊભા રહી નડતા હતા, તેમાં…” પંપ પરના અટેન્ડન્ટે અનાયાસ ઉપર તાર પર બેઠેલા કાગડા તરફ નજર કરતાં કહ્યું.

“હેં? હાય હાય. હમણા તો બરોબર હતા. એટલી વારમાં ગયા? છેલ્લે મને ફોન કરેલો. હે ભગવાન.” ઉતાવળા ભીખાભઈ આગળનું વાક્ય સાંભળવા ન રોકાયા.

તેમણે નૈતિક ફરજ સમજી શેઠાણીને તાત્કાલિક ફોન જોડ્યો, “શેઠ ગયા.” કહી છાતી કૂટીને તેમણે મોટેથી પોક મૂકી.

“અરે શું થયું? આમ કેમ ભેંકડા તાણો છો? તમારા સાહેબ ટેક્સી કરીને ઘરે આવી ગયા છે. હવે આપ શ્રીમાન ગાડી લઈને પધારવાની કૃપા કરો. ઘર તો યાદ છે ને કે એડ્રેસ આપું?” ફોનમાંથી તીખો તમતમતો અવાજ રેલાયો.

“હેં? સાહેબ છે? ઘરે? ભૂત આવ્યું કે શું? એટલે હજુ ઉપર ગયા નથી એમ ને? હાશ! તો તો હું ગાડી ગેરેજમાં લઈ જાઊં. હવે બીજું કંઈ કામ નથી ને?”

“ના. કશું જ કામ નથી. તમતમારે ફર્યા કરો પછી ગાડી નિરાંતે લાવજો. અમારે આમતેમ જવા માટે ઓલા, ઉબર, બસ, રિક્ષા, ટેક્સી, ટ્રેન કેટલું બધું છે. બાકી ઉપર પહોંચાડવા માટે તમે છો જ ને.” શેઠાણીએ ફોન પછાડ્યો.

– સુષમા શેઠ

સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ભૂલકણા ભીખાભઈ ડ્રાઇવર – સુષમા શેઠ