સાતપુડાનાં જંગલોમાં.. – મયુરિકા લેઉવા બેંકર 13


કોઈ પુસ્તકમાં પર્વતમાળા કે હિલસ્ટેશન કે ધોધના નયનરમ્ય વર્ણનો વાંચીને તમને થયું હોય કે લીલોતરી એટલે માત્ર સુંદરતા તો એ માન્યતા ભૂલભરેલી છે. જો કોઈ પ્રવાસીએ નૈસર્ગિક સ્થળ કે જંગલોની મુલાકાતની કથા કહી હોય અને એમાં નકરું સૌંદર્ય કે નકરો આનંદ જ હોય તો એ અનુભવ અધૂરો છે, કારણ કે લીલોતરીની દેવીના એક હાથમાં છે સૌંદર્યપાનનો આનંદ તો બીજા હાથમાં છે ભયનો રોમાંચ. આ બેય હાથના આશીર્વાદ વનપ્રવાસી કે જંગલના રખડુંને ના મળે ત્યાં સુધી એની પ્રાપ્તિ અધૂરી છે.

જુલાઈ અને ઑગસ્ટના દિવસો એટલે લીલોતરીના નવા રંગરૂપ સજવાના દિવસો. આ વરસાદી દિવસો એટલે માત્ર વરસાદથી બચીબચીને શાળા કે ઑફિસે જવાના કે પછી વરસાદથી બચીબચીને શાળા કે ઑફિસથી પરત ફરવાના દિવસો નહીં પણ ટાંપીને રજાની રાહ જોવાના અને પછી વરસાદે બાર હાથે ધરતીને મોકલેલા વહાલને ઝીલી લેવાના દિવસો. આભે વાદળ ફાડીને ધરતીને કરેલા પ્રેમ અને એ પ્રેમની ચોતરફ ફેલાયેલી નિશાનીરૂપી લીલોતરીમાં આળોટવાના દિવસો. લગભગ છેલ્લાં દસેક વર્ષથી જુલાઈ-ઑગસ્ટના મહિનામાં વનભ્રમણ કરી ઠેરઠેર પથરાયેલી લીલોતરી, પહાડોમાં સજીવન થયેલાં નાનાંમોટાં ઝરણાં, ધોધ, ધરતીની કૂખમાંથી જન્મેલી અઢળક જાણી-અજાણી, નામી-અનામી વનસ્પતિઓ, એમનાં રંગરંગનાં ફૂલો, જાતભાતનાં ફળો, ઊડાઊડ કરતાં પંતગિયાં, જીવજંતુ વગેરેને જોવા-નીરખવા-સાંભળવા-જાણવાનો ક્રમ રહ્યો છે. આવી જ એક વરસાદી સવારે નર્મદાના દક્ષિણ કાંઠે પથરાયેલી સાતપુડાની ગિરિમાળાનાં જંગલોમાં અમે જઈ ચડ્યાં.

આ ગિરિમાળામાં આવેલાં જંગલોમાં છૂટાંછવાયાં નાનાં ગામો વસે છે. ગામ છોડીને ઊંડે જઈએ એટલે તમારી સામે અનાવૃત થાય છે અદ્ભુત અને અગમ્ય એવો લીલોતરીનો પ્રદેશ. આ લખું છું ત્યારે મને યાદ આવે છે પેલી જાદુઈ બાળવાર્તાઓ અને ફિલ્મો, જેમાં કોઈ રહસ્યમય દરવાજો ખોલતાં કે કોઈ દુર્લભ પુસ્તકનાં પાને છૂપો સંકેત વાંચતાં કોઈ નવી જ દુનિયામાં તમારો પ્રવેશ થઈ જાય છે. તે દિવસે શહેરથી ગામડાં સુધી જતી પાકી સડક પૂરી થતાં અંતરિયાળ ગામડાં તરફ લઈ જતા કાચા માર્ગ પર અમે ગાડી આગળ વધારી. ટ્રક, કાર, ટુ-વ્હીલર વગેરે વાહનોના હોર્નના અવાજો, માણસોનો કોલાહલ અને ભીડભાડભર્યો ટ્રાફિક વગેરે પાછળ છૂટી ગયું હતું.

Lilotarini Kankotari Satpuda Mountain range
Picture Copyright Mayurika Leuva Banker - All Rights Reserved
Picture Copyright Mayurika Leuva Banker – All Rights Reserved

ઊબડખાબડ ઢેખાળિયા રસ્તે ગાડીના એન્જિનનો ઓછામાં ઓછો અવાજ થાય તેમ ધીમી ગતિએ અમારી સવારી આગળ વધી રહી હતી. જાણે જંગલનાં એકાંતની આમન્યા જાળવતી હોય! અંદર બેઠેલાં અમે પણ આ નવી દુનિયાના નિયમોનું પાલન કરી રહ્યાં હોય તેમ ધીમેધીમે વાતચીત બંધ કરીને શાંત થઈ રહ્યાં હતાં. આને જાદુઈ દુનિયા નહીં કહીએ તો બીજું શું કહીશું કે એકપણ શબ્દ બોલ્યા વિના લીલોતરીના દેશમાં પ્રવેશવાની પૂર્વશરતો એણે અમને જણાવી દીધી. સાંકડા નેળિયા પર કિલોમીટરે માંડ એકાદ ગોવાળિયો કે વટેમાર્ગુ દેખા દેતો. આગળ વધતાં એવું લાગી રહ્યું હતું કે હવે માણસો લઘુમતીમાં છે અને લીલોતરી બહુમતીમાં. અહીં લીલોતરીનો ‘માત્ર લીલી વનસ્પતિ’ એવો સંકુચિત અર્થ ન કરતાં લીલોતરીના અભિન્ન ઘટકો એવા જીવજંતુ, પતંગિયાં, પક્ષીઓ, ધોધ, ઝરણાં, ખડકો, પર્વતો એવો વિશાળ અર્થ કરીશું. હવે અમે અમારાં નિયત સ્થાન એટલે કે પર્વત તળેટીમાં આવેલા ધોધની નજીકમાં પહોંચી ગયાં હતાં.

લીલોતરીએ અત્યાર સુધીમાં અમારાં સૌ પર એવું તો કામણ કર્યું હતું કે વાચા સુષુપ્તાવસ્થામાં ચાલી ગઈ હતી અને એ સિવાયની સર્વે ઇન્દ્રિયો એમની સક્રિયતાની ઉચ્ચ કક્ષામાં ભ્રમણ કરતી હતી. ઊંડા જંગલમાં પહોંચેલા અમે દસે દિશાઓમાં પથરાયેલા આ અલૌકિક નજારાને કંઈક અહોભાવની, કંઈક કુતૂહલની અને કંઈક ભયની મિશ્રિત લાગણીઓથી પી રહ્યાં હતાં. એકતરફ હ્રદય ફાડી નાખે એવી નીરવતા વિહ્વળ કરતી હતી તો બીજી તરફ પૂર્વે ક્યારેય ન સાંભળ્યો હોય એવો પંખીઓનો કલરવ રોમાંચિત કરતો હતો. એકતરફ નજરની સીમા પૂરી થાય ત્યાં સુધી પથરાયેલી પર્વતમાળા દૃષ્ટિગોચર થતી હતી તો બીજી તરફ પગથી માંડ પાંચ ડગલાં દૂર ઊભા થયેલા નાના રાફડારૂપી પર્વતોનો સમૂહ દૃષ્યમાન થતો હતો. એકતરફ ક્યાંકથી આવતો ઝરણાનો ખળખળ ધ્વનિ અમને એની પાસે બોલાવતો હતો તો બીજી તરફ અચાનકથી થતો વાદળાંનો ગડગડાટ ધબકારો ચૂકાવી નાખતો હતો. આવાં અંતિમો વચ્ચે એક બિંદુથી બીજા બિંદુ તરફ ઝૂલવાનો, આંદોલિત થવાનો રોમાંચ એટલે લીલોતરીનો સાચુકલો અનુભવ.

કોઈ પુસ્તકમાં પર્વતમાળા કે હિલસ્ટેશન કે ધોધના નયનરમ્ય વર્ણનો વાંચીને તમને થયું હોય કે લીલોતરી એટલે માત્ર સુંદરતા તો એ માન્યતા ભૂલભરેલી છે. જો કોઈ પ્રવાસીએ નૈસર્ગિક સ્થળ કે જંગલોની મુલાકાતની કથા કહી હોય અને એમાં નકરું સૌંદર્ય કે નકરો આનંદ જ હોય તો એ અનુભવ અધૂરો છે, કારણ કે લીલોતરીની દેવીના એક હાથમાં છે સૌંદર્યપાનનો આનંદ તો બીજા હાથમાં છે ભયનો રોમાંચ. આ બેય હાથના આશીર્વાદ વનપ્રવાસી કે જંગલના રખડુંને ના મળે ત્યાં સુધી એની પ્રાપ્તિ અધૂરી છે.

Lilotarini Kankotari Satpuda Mountain range
Picture Copyright Mayurika Leuva Banker - All Rights Reserved
Picture Copyright Mayurika Leuva Banker – All Rights Reserved

લીલોતરીની મોહિનીમાં સાંગોપાંગ ઝલાયેલાં અમે કોઈ અકળ દોરે દોરાતાં એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યાં. ધોધ સુધી પહોંચવાનો રસ્તો નજીકમાં જ હતો પણ હવે ગાડી આગળ જઈ શકે એમ નહોતી. આથી એ ખુલ્લાં મેદાનમાં એકતરફ ઊભેલાં મહુડાના વિશાળકાય વૃક્ષ નીચે ગાડી પાર્ક કરી અમે પગપાળા ધોધ ભણી આગળ વધ્યાં. આસપાસ પહેલીવાર જોવાં મળ્યાં હોય એવા પક્ષીઓની ઊડાઊડ અને હલનચલન નજરને રોકી રાખતાં હતાં, તો બીજી તરફ નજીકને નજીક આવતો જતો ઝરણાનો ધ્વનિ પગને ઝડપથી એ દિશા તરફ દોડાવતો હતો. કેવી મીઠી વિટંબણા! પંચેન્દ્રિયથી સતત ઝીલવા છતાં લીલોતરીનો આ વૈભવ ઊભરાઈને, ઢોળાઈને વહી જઈ રહ્યો હતો. એની પીડા નોખી જ હતી. કદાચ લીલોતરીનું એકાંત કે નિર્જનતા ન હોત તો ઘણુંબધું ઝીલવાનું છૂટી જાત.

એ રીતે વિચારીએ તો લીલોતરીની નીરવતા અહેતુક નથી, લીલોતરીને આપણામાં સ્થાપિત કરવામાં એ પ્રમુખ ભાગ ભજવે છે. નજર સામે દેખાતા આ અદ્ભુત અલૌકિક પરિવેશને મન:પટ પર ઝીલ્યું એવું જેમનું તેમ કચકડે કંડારવું તો શક્ય ન હતું પરંતુ બને એટલા દૃશ્યોને સાચવી રાખવા માટે કેમેરાના કચકડે કંડારવાની મથામણ મેં આદરી. સામે દેખાતાં લીલાં ઘાસિયાં મેદાનમાં ચરતી અને ટીટીટીટી… ટી… ટી…. કરતી ઊડતી ટિટોડીઓ, બગલા, આકડાની ડાળીની ટોચે બેઠેલાં ચંડુલ, ફડક્ફુત્કીઓ, ધૂળિયા રસ્તે રેતમાં નહાતાં ટપુશિયાં, વરસાદી અમૃત પીને નવા પટકૂળ પહેરી સજીધજી ઊભેલાં ખાખરા, મહુડા, વડ, ઉંબરાની શોભા જેવી આંખોમાં દેખાઈ, એવી જ કચકડે કેદ કરવાની જહેમત ઊઠાવી. હવે ગાડી છોડીને ધોધ તરફ જતી પગદંડી પર ચાલવાનું અમે શરૂ કર્યું. એકસમયે એક જ માણસ જઈ શકે એવી પગદંડીની બન્ને બાજુ ગીચ ઝાડી હતી અને વરસાદે એ ગીચતામાં વધારો કર્યો હતો.

ઘાસિયું મેદાન છોડી પગદંડી ડુંગરના ચઢાણ પર ચઢી. એકબીજાનો હાથ પકડી સાચવીને પગ મૂકતાં અમે આગળ વધ્યાં. ડુંગર પછી ધોધ આવી જશે કે બીજો ડુંગર ચઢવો પડશે એવી અટકળો કરતાં ને ગમે ત્યારે ગોગામહારાજના દર્શન થઈ શકે છે -એવા ઉચાટ સાથે, બહારથી નિર્ભીક હોવાનો દેખાવ કરતાં અમે બિચારાંબાપડાં નગરજનો લીલોતરીનાં આ આદિમ સ્વરૂપનો અનુભવ કરી રહ્યાં હતાં. શક્ય એટલાં સાવધ થઈને આગળ વધતાં અમે લીલોતરીનાં રસિકો જરાક કોઈ નવું પક્ષી કે વૃક્ષ જોયું નથી કે બેધ્યાન થઈ જતાં.

Lilotarini Kankotari Satpuda Mountain range
Picture Copyright Mayurika Leuva Banker - All Rights Reserved
Picture Copyright Mayurika Leuva Banker – All Rights Reserved

એક સમયે નીલપંખાને જોઈને રોમાંચિત થઈ ઊઠેલાં અમે હર્ષાવેશમાં અવાજ કર્યો, અમારો અવાજ સાંભળી ગભરાઈ ઊઠેલું તેતરનું જોડું ઝાડીમાંથી બિહામણા ફફડાટ સાથે ઊડ્યું અને એના ફફડાટની ખો અમને આપતું ગયું, જે અમારા કપાળ પર પરસેવાના બુંદ ઊપસાવી ગયું. ડુંગરનો ઢોળાવ પૂરો થતાં કાળમીંઢ પથ્થરની કરાડો ફાડીને વહેતાં ઝરણાંને દીઠું. અમારાં આનંદનો પાર નહોતો. એક તરફ માટીનો ડુંગર અને બીજી તરફ પથ્થરની ચટ્ટાનથી ઘેરાયેલું ઝરણું વરસાદનું પાણી મળવાથી થોડું બળવાન થયેલું જણાતું હતું. આ તોફાની ઝરણું થોડેક આગળ ધોધ બનીને ખાબકતું હતું. એકલદોકલ પુરુષો ત્યાં નાહી રહ્યા હતા અને સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી. થોડીવારમાં તે લોકો ચાલ્યાં ગયાં અને અમને ઘેરી વળ્યું લીલોતરીનું એ જ ભયાવહ એકાંત.

ખબર નહીં યુગોથી અડીખમ ઊભેલી આ પાષાણી ચટ્ટાનોએ એવી તે કઈ લાગણી અનુભવી હશે જે આમ ઝરણું બનીને વહી નીકળી હશે!! અમે પણ આ પાષાણમાંથી પીગળેલી લાગણીઓની હૂંફમાં માથાબોળ થવાનું નક્કી કર્યું. ધોધના પાણીમાં ખૂબ ખૂબ ભીંજાવાની મજા માણી. કહો કે આ ભયાવહતાને પોતાની કરવાની નિરર્થક ચેષ્ટા કરી. ધરાઈને નાહ્યા પછી બહાર નીકળ્યાં અને ઝરણાને સમાંતરે માટીના ડુંગર તરફ ઊગેલી વનરાજી નિહાળતાં નિહાળતાં ચાલ્યાં. ઠેરઠેર ફળોથી લચી પડેલાં અને પક્ષીઓની ફૂડ-બેન્ક ગણાતાં ઉંબરાના ઝાડ અને એની ઘટાઓમાં છુપાઈને ચહેકી રહેલાં પક્ષીઓ જોવાની મજા પડી. શૌબિંગી, પીળક, ફડકફુત્કી વગેરે પક્ષીઓએ તો ઘટામાંથી બહાર આવીને કેમેરામાં હાજરી પણ પુરાવી. રુદ્રાક્ષ અને રંગારી જેવાં કેટલાંક અસામાન્ય વૃક્ષો પણ જોવા મળ્યાં.

થોડે આગળ જઈને જે દૃશ્ય જોવા મળ્યું એના પર આંખોને વિશ્વાસ ન બેઠો. એક ઊંડી ખીણના કિનારે લીમડાના હારબંધ ઝાડ પર સુગરીનાં અસંખ્ય માળા લટકતા હતા. થોડું ધ્યાનથી જોયું તો ખ્યાલ આવ્યો કે માત્ર માળા નથી લટકતા, અઢળક સુગરીઓ દ્વારા પંખીજગતનાં બેનમૂન બાંધકામ સમા ગૂંથણમાળા બનાવવાનું કામ ચાલું હતું. ઝરણાંની ધાર પર ઊગી નીકળેલાં લાંબા ઘાસની કૂણી ડાળખીઓ તોડી, ચાંચમાં પકડી લઈ આવી અદ્ભુત ગૂંથણકામ સુગરીઓ કરી રહી હતી. અમે આભા બનીને જવલ્લે જ જોવા મળતો આ નજારો જોઈ રહ્યાં.

સૂરજ પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યો હતો અને અમારે હજુ તો પેલાં ઘાસિયા મેદાને, મહુડાના ઝાડ હેઠ મૂકેલી ગાડી સુધી પહોંચવાનું હતું. અને એ પછી પણ જંગલમાંથી બહાર નીકળી પાકી સડક સુધી પહોંચતાં કલાકેક થાય એમ હતો. પ્રથમ વખત જ અહીં આવ્યાં હતાં, વળી કોઈ સ્થાનિક પણ સાથે નહોતું એટલે અંધારું ઊતરે એ પહેલાં જંગલની બહાર નીકળી જવું જરૂરી હતું. અમે પગ ઊપાડ્યા પણ દરેક પગલે જાણે આ માયાવી ધરતી અમને રોકી રહી હોય એવું લાગતું હતું. જેટલી ઝડપે અમે પગ ઉપાડતાં એનાથી બમણાં જોરે આ જાદુગરણી લીલોતરી અમારા પગ એની ધરતી સાથે જોડી રાખતી. અદ્દલ પેલા સપનાંની જેમ, જ્યાં માણસ દોડે છે પણ આગળ વધી શકતો નથી. આ અમારી મન:સ્થિતિ હતી કે ભ્રમણા? કે પછી વાસ્તવ? એ તો વનદેવી જ જાણે.

– મયુરિકા લેઉવા-બેંકર  

મયુરિકા લેઉવા બેંકરના આ કૉલમ અંતર્ગત લખાયેલા બધા લેખ માણવા અહીં ક્લિક કરો.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “સાતપુડાનાં જંગલોમાં.. – મયુરિકા લેઉવા બેંકર