રસીલામાસીની રસાળ રસોઈ – સુષમા શેઠ 15


એકલા એકલા વાંચીને હસવાની મનાઈ છે. બીજાને વંચાવી મોકળા મને હસાવવાના તમને સમ છે.

જાહેર ચેતવણી : જો રસીલામાસીની રસાળ રસોઈનો સ્વાદ માણવાનું ચૂકશો તો પેટ દુ:ખશે. પેટથી કંટાળેલા માસાની હાલત જુઓ કેવી થઈ. શું તમનેય ક્યારેક આવો અનુભવ થયો છે?

અમારા રસીલામાસીને બનાવવાનો બહુ શોખ. એટલે કે અવનવી વાનગીઓ બનાવવાનો શોખ. બનાવવાનો એમનો ઉત્સાહ એટલો પ્રબળ હતો કે માસા તેમને ખાળી કે ટાળી ન શકતા. એવી હિંમત કરવા જાય તો ન છૂટકે અપવાસનું પુણ્ય કમાવાનો વારો આવે માટે બિચારા પોતાના આંતરડાને મનાવી, જીભને પટાવી, આંખ મીંચી માસીના વિવિધલક્ષી અખતરા સહન કરી લેતા. ‘વાહ, લાજવાબ. શું સ્વાદ છે.’ બોલી તેઓ રસીલામાસીને બનાવતા. જો કે એમનું લક્ષ્ય એ રહેતું કે ક્યારે માસીનું લક્ષ એમની થાળી પરથી હટે અને ક્યારે પોતે રસીલાની મહામહેનતે બનાવેલી અખતરારૂપ વાનગી પાળીએ ટાંપીને બેઠેલા કાગડાને મહામહેનતે પધરાવે. બીચારો કાગડો! ખાધા બાદ કા… કા… કરી કકળાટ કરી મૂકતો. ક્યાંક ચાંચ મારવા એ કાગડો ઘરની અંદર ન પેસી જાય માટે એ પુણ્યકર્મ આટોપ્યા પછી માસા બારી બંધ કરી દેતા. મનોમન તેઓ ગાતા, ‘જૂઠ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે ડરીઓ.’

“વાહ, શું ટેસ્ટ છે પણ આ આઇટમનું નામ શું? આને ફરસાણ કહેવાય કે મિષ્ટાન્ન?” માસાએ સમજ્યા વગર અઘટિત પ્રશ્ન કર્યો.

“ભાવી ને? લ્યો લ્યો બીજી લ્યો. આ કાલના વધેલા ઢોકળા હતા તેને રસગુલ્લાની ચાસણીમાં બોળી, ઉપર તાજો હીંગ રાઈ લીમડાનો વઘાર કર્યો છે. હજુ આનું નામ પાડવાનું બાકી છે. ઢોકળા સાથે ચાસણીયે વપરાઈ ગઈ. આપણે ત્યાં કાંઈ વેસ્ટ ન જાય. સાંજે હવાઇ ગયેલા ગાંઠીયાનો સુપ ટ્રાય કરવાની છું. સેવ ટૉમેટો ચીલી ચાઇનીઝ સુપ.” રસીલામાસી રસપૂર્વક બોલ્યા.

“હેં? પપપ…અઅઅ… આજે મારે હિંમતને ત્યાં જમવા જવાનું છે.” માસાએ હિંમત દાખવી, એકના એક પેટને બચાવવાનો પેંતરો રચ્યો. “તું કશું વેસ્ટ ન જવા દે તેમાંને તેમાં મારું પેટ વેસ્ટ પેપર બાસ્કેટ જેવું બની ગયું છે તેનું શું?”

માસી આને પોતાના વખાણ સમજીને ફુલાયા, “એમ? હિંમતને ત્યાં જવાનું છે? તો હું ચંદ્રકલા બનાવી આપીશ. આજના પેપરમાં રેસિપી છપાઈ છે. બધાને માટે લેતા જજો.” માસીનો વાનગી બનાવવાનો ઉત્સાહ બેવડાયો. માસા ના પાડે તોય ફસાય અને હા પાડે તોય ઉપાધિ. મિત્ર હિંમતનું તો બહાનું હતું બાકી માસાનો ઈરાદો એકાદી મસ્ત રેસ્ટોરન્ટને ખટાવવાનો હતો. રસીલામાસીને આ શોખ તેમની માસી તરફથી વારસાગત મળેલો તેને વેસ્ટ ઓછો જવા દેવાય? તેઓ પોતાની ચંચીમાસીનો મોટા ડોળા કાઢતો ફોટો રસોડામાં રાખતા. એવાં જ મોટા ડોળા પ્રિય ભાણીનેય વારસામાં મળેલા.

હવે જો રસીલામાસી ટેવ મુજબ બીજા દિવસે હિંમતને ત્યાં ફોન કરીને પૂછે કે, “ચંદ્રકલા ભાવી?” અને હિંમત સત્ય પર પ્રકાશ પાડે તો માસા પોતે ખોટું બોલ્યાનો પર્દાફાશ થઈ જાય. પરિસ્થિતિનો ક્યાસ કાઢી, છેવટે હિંમતને આજીજી કરી માસાએ કહ્યું, “દોસ્ત, સાચવી લેજે. રસીલાએ બનાવેલ ચંદ્રકલા લઈ તારે ત્યાં જમવા આવું છું.”

હિંમત મૂંઝાયો, “યાર, મારી બૈરી રિસાઈને બાબાને લઈને એની માને ઘેર ગઈ છે. ચોપડી વાંચીને એણે કંઈક ભલતું જ મેક્સિકન ફેક્સિકન કોણ જાણે શું બનાવ્યું કે મારાથી વખાણ કરવાને બદલે ”આ શું છે?” એવું પૂછાઈ ગયું તો એણે તો તપેલાં એવાં પછાડ્યા એવાં પછાડ્યા  કે એમાં ગોબા પડી ગયા. વેલણ બતાવીને એવી તપી એવી તપી મને કહે, રાંધી રાંધીને મરી જઉં છું ને તમને મારી કદર નથી. રસોડામાં કડછી ઊલાળી કહે, હવે જાતે રાંધજો ને જમજો. હું તો આ ચાલી મારી માને ત્યાં. બોલ યાર, મારી શું ભૂલ થઈ એ જ સમજાતું નથી. મારા સસરાનો ફોન આવ્યો, કહે, હિંમત રાખજો હિંમતકુમાર, હુંય તમારી સાસુ સામે એવી રીતે જ વર્ષોથી ટકી રહ્યો છું.”

Chandrakala Recipe
Chandrakala

માસાએ માથું ખંજવાળ્યું. “સાલું કરવું શું?” માસીના હાથના સેવ ટૉમેટો ચીલી ચાઇનીઝ સુપથી પેટને બચાવવા, તેમણે વચલો માર્ગ વિચાર્યો.

“હિંમત, આપણે બન્ને રેસ્ટોરન્ટમાં જઈએ. તને રસીલાનો ફોન આવે તો કહી દેજે સૂર્યકલા ચંદ્રકલા જે હોય તે હાઇક્લાસ હતું. આંગળા ચાટી ગયો.”

રસીલામાસીએ તો છાપામાં વાંચીને ચંદ્રકલા બનાવ્યું હતું. ભૂલ એટલી જ થઈ કે બનાવતી વખતે ચાખતાં ચાખતાં વચ્ચેની એક લીટી જ ખવાઈ ગઈ. ‘લોટ શેકાઈ ગયા બાદ ગેસ પરથી નીચે ઉતારી ગોળ તેમજ બાકીની સામગ્રી ઉમેરવી’ એવું હતું તેમાં ગેસ પરથી નીચે ઉતારી લેવાનું માસી વાંચવાનું જ ચૂકી ગયા. ગેસ ઉપર એવું હલાવ્યું એવું હલાવ્યું કે બધું શેકાઈને લાકડા જેવું થઈ ગયું. એમાં વળી તાવેથો તેમાં ચોંટીને એવો જામ થઈ ગયો કે ઊખેડવા માટે જોરાવર કામવાળી બાઈની મદદ લેવી પડી. માસીએ બે હાથે કડાઈ પકડી રાખી અને બાઈએ દોરડાખેંચની રમતની જેમ જોર કરીને તાવેથો ખેંચ્યો. સાથે માસીયે ખેંચાયા પણ કડાઈ ન છોડી. એ તો પાછળ ટેબલ હોવાથી બીચારી કામવાળી પડી જતી માંડ બચી. બાકીની સામગ્રીમાં સવારના વધેલા મમરા ક્યાં ફેંકવા એ પ્રશ્નના ઉત્તર સ્વરુપે બીચારા મમરા માસી હસ્તક ચંદ્રકલામાં ઠલવાઈ ગયા હતા. અમાસની રાત જેવા રંગની ચંદ્રકલા નામક વિશિષ્ટ વાનગીમાં એ મમરાએ સરસ ધોળી ભાત પાડી. થાળીમાં તો ઠાર્યું પરંતુ માર્યા ઠાર! હવે થાળીમાં એ એવું ચોંટી ગયું કે ચપ્પા વડે કાપા પાડવા જતાં ચપ્પુ પોતે કપાઈને ચાર ફૂટ ઊલળ્યું.

ઉલાળિયું કરવાને બદલે, મહેનત વેસ્ટ ન જાય માટે માસીએ દસ્તાથી ભાંગીને ચંદ્રકલાના કકડા કરતાં માસાને કહ્યું, “લ્યો, આ ડબ્બો ભરી દીધો, લઈ જજો.” એક વાર તો ખાંડતી વખતે દસ્તોય ઉછળીને ભોંયે પડ્યો પણ ચંદ્રકલાનો એક હિસ્સો પૂર્ણ ચંદ્રમાંથી બીજનો ચંદ્ર ન થયો તે ન જ થયો.

“તું તો ચાખ.” માસાએ, “આ શું છે?” પૂછવાની હિંમત ન કરી.

“મેં તો બનાવતા બનાવતા જ ચાખી લીધું. તમને તો ખબર છે મને ડાયાબીટીસ છે. હું તો પરમદા’ડાની વધેલી પાઉંભાજીના ઢેબરા બનાવીને જમી લઈશ. આપણે ત્યાં કાંઈ વેસ્ટ ન જાય. હિંમતને ત્યાં લીમડાનું ઝાડ છે. યાદ કરીને લેતા આવજો. ઝાડ નહીં હોં, પાંદડાં. કાલે મારે લીમડાનું શાક ટ્રાય કરવું છે.”

સાંભળીને માસાનું મોઢું કડવા લીમડા જેવું થઈ ગયું. આંખમાં આવેલા અશ્રુઓ લૂછી, ‘ટ્રાયલ માટે જ મને પરણી છો? કોઈકવાર તો મારી દયા ખા.’ એ વાક્ય, “બ્રોકન ઢોસા ઇન દાળઢોકળી”ની અખતરા-વાનગી ગળા નીચે ઉતારતાં પહેલાં માસા ગળી ગયા અને પછી ચંદ્રકલાનો ખડખડતો ડબ્બો હલાવતા બહાર નીકળ્યા.

પરમ મિત્ર હિંમતલાલ સાથે માસાએ જેવો ”વેલણ રેસ્ટોરન્ટ”માં પગ મૂક્યો કે ગલ્લા પર બેઠેલા માલિક શેટ્ટીએ તેમને આવકાર્યા, “આવો સાહેબ, ઘર જેવું જ જમવાનું મળશે. એમ્બિયન્સ પણ ઘર જેવું લાગે માટે અમે ડેકોરેશનમાં ઠેરઠેર વેલણ લટકાવ્યા છે.”

માસાના પગ અટકી ગયા. “ઘર જેવું” “ઘર જેવું” એમ જુગલબંદી કરતા માસા અને હિંમતલાલ વારાફરતી એકબીજા સામે જોઈને વિચિત્ર રાગ આલાપતા હોય તેમ પાંચ વાર આરોહ અવરોહ સહિત બોલ્યા. માસાએ હાથની મુઠ્ઠી વાળીને દાંત કચકચાવ્યા. હિંમતલાલે પોતાના માથાના વાળ ખેંચ્યા.

“અલ્યા, ઘરેથી છૂટીને આવ્યા અને તું અમને ઘર જેવું ખવડાવવા માંગે છે? આ મારી ઘરવાળીએ બનાવેલું ચંદ્રકલા ખાઈ બતાવ. હજાર રુપિયા ઈનામ આપું.”

“એક્સચેન્જ ઑફર છે?” હિંમતલાલે રેસ્ટોરન્ટના માલિક શેટ્ટીને હિંમતભેર સવાલ કર્યો.

શેટ્ટીએ સમજ્યા વગર ચલાવ્યું, “અહીંયા ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી, મોગલાઈ, સાઉથ ઈન્ડિયન મળશે. આપેલો ઑર્ડર કેન્સલ નહીં થાય, એક્સચેન્જ કરવો હોય તો સામે અમારી જ શાખા, ”ચમચાઝ રેસ્ટોરન્ટ” છે ત્યાં આપને ચાઇનીઝ, ઇટાલિયન, મેક્સિકન, બરમિઝ એવાં અવનવા વિદેશી ક્યુઝીન મળશે. હું એકવાર બિલ ફાડું તે તમને આપીને જ જંપુ.”

“એમ નહીં, એમ નહીં, મારો પુછવાનો મતલબ એમ કે અમે દરરોજ ઘરનું ટિફિન આપીએ, એક્સચેન્જમાં તમારે રેસ્ટોરન્ટનું ખાવાનું ભરી આપવાનું.” માસાએ ફોડ પાડ્યો.

રેસ્ટોરન્ટ માલિક શેટ્ટીની આળસુ બૈરીને મોબાઇલમાંના ફોરવર્ડેડ મેસેજો અને ટીવીની સિરિયલો જોવામાંથી પરવારીને રાંધવાનો સમય માંડ મળતો. તે વહાલા પતિને કહ્યા કરતી, “મારા સ્વર્ગવાસી પિતાશ્રીએ ઊભી કરેલી બબ્બે રેસ્ટોરન્ટ છે. ત્યાં જ જમી લેતો હોય તો? મારે માટે પેક્ડ ફૂડ મોકલી દેવાનું ઑકે?”

હવે જો એક્સચેન્જ ઑફરમાં મિ.શેટ્ટીને ઘરનું ખાવાનું મળતું હોય તો આ ઑફર ખોટી નહીં વિચારી પોતાની રેસ્ટોરન્ટનું ખાઈને કંટાળેલા તેણે હા ભણી.

“તો આજે આપ સાહેબો શું જમશો?” તેણે પૂછ્યું.

“સીધી સાદી મસાલા વગરની ખીચડી અને કઢી ખાવા છે મારા બાપ, મારા ભાઈ. અમારાં પેટ એવાં કનફ્યુઝ થઈ ગયા છે કે અખતરારુપ વાનગી જોઈને ખતરાની ઘંટડી વગાડવા માંડે છે.” માસા નમ્રપણે ઓચર્યા.

“એવું તો ઘરમાં મળે.” માલિકે કહ્યું.

પાછું ઘરનું નામ સાંભળી માસાના મોઢામાંથી, “ઘરરર… ઘરરર…” એવો ઘૂરકાટ નીકળ્યો. તેમના હાથમાંનો ડબ્બો ધ્રૂજ્યા પછી જોરથી ખખડ્યો.

“આમાં સેમ્પલ છે?” શેટ્ટીએ આતુરતાથી પૂછ્યું.

“હા, લે ખાઈ બતાવ.” માસાએ ડબ્બો ખોલી ચંદ્રકલાના દર્શન કરાવ્યા. શેટ્ટીએ ટુકડો હાથમાં લઈ આમતેમ ફેરવી તપાસ્યો. નવા પ્રકારની ફ્યુઝન વાનગી નિહાળી તેણે શેફને બોલાવી કહ્યું, “આનું કંઈક કર.”

“આ શું છે?” શેફે સામો સવાલ કર્યો. એ સાંભળી માસા તેમજ હિંમતલાલ એક સામટા બોલી ઉઠ્યા, “પૂછવાનું નહીં, ચૂપચાપ ખાઈ જવાનું ડોબા. તું હજુ પરણ્યો નથી લાગતો.”

“જવા દો ને. પરણેલો હતો પણ પછી પેલી મારા આસિસ્ટન્ટ જોડે ભાગી ગઈ. કહેતી’તી તારા કરતાં તારો આસિસ્ટન્ટ વધુ સારુ જમવાનું બનાવે છે.”

શેફે ચંદ્રકલાને ટકોરા મારી તપાસી જોયું. ચશ્મા ચડાવી ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. એક નાનો કકડો મોઢામાં મૂક્યો પછી દાંતની સુરક્ષા ન જોખમાય માટે સાવચેતીના પગલારૂપે ચંદ્રકલાને મોઢા બહાર કાઢી હથેળીમાં લઈ પંપાળ્યો.

“આઈડિયા.” બોલતો એ માસાનો ડબ્બો ઉપાડી રસોડામાં દોડ્યો. માસીએ બનાવેલ ચંદ્રકલાના અમાસની રાત જેવા ટુકડાઓ તેણે સરસ મજાની સર્વિંગ ડીશમાં ચંદ્રાકારે ગોઠવ્યા. ઉપર ગરમ દૂધના છાંટણા કર્યા. આસપાસ ક્રીમથી વાદળ ચીતર્યા. વળી સિલ્વર બોલ્સ છાંટી ચમકતા તારાઓનો આભાસ ઊભો કર્યો.

‘વઘાર? ઊંહું’ ઉપર વઘાર કરવાનું માંડી વાળી તેણે ચંદ્રાકાર પર ખમણેલી વાઇટ ચોકલેટ ભભરાવી. છોગામાં બદામના બે ફાડચા વચ્ચોવચ્ચ ઊભા મૂક્યા.

“બોર્ડ પર લખો, વેલણ’સ શેફ-સ્પેશિયલ ડીશ. બાય વન ગેટ વન ફ્રી.” શેફ, માલિક શેટ્ટીના કાનમાં ગણગણ્યો. બણબણતી માખીઓને દૂર હટાવી તેણે ઉત્સુક ગ્રાહકના ઓર્ડર મુજબ ટેબલ પર જઈ સરસ સ્ટાઇલમાં એ ડીશ જાતેપોતે સર્વ કરી. અદબ વાળી એ ટેબલ પાસે ઊભો રહ્યો. ગ્રાહકે પહેલો કોળિયો ક્રીમ વત્તા ચોકલેટનો ભર્યો. “વાહ!” તેના મોઢામાંથી ઉદ્દગાર સર્યો. પછી ફોર્ક અને નાઇફથી એ ચંદ્રકલા તોડવા મથ્યો. એ ટુકડાએ મચક ન આપી. ડીશ માંહી પડેલા મહાસુખ માણતા ચંદ્રકલાના ટુકડાને ખોટું લાગ્યું અને ઉછળીને સામેની પ્લેટમાં જઈ કૂદ્યો. ગ્રાહક ગૂંચવાયો. શેફે સમયસૂચકતા વાપરી કહ્યું, “આ સિગ્નેચર આઇટમને આરોગવાની સ્ટાઇલ જરા વિશિષ્ટ પ્રકારની છે સર, આને હાથેથી જીભ પર અડકાડી ચૂસવામાં આવે છે અને અનેરી લહેજત માણવામાં આવે છે. આ આફ્રિકન ડીશ આપના જેવા ખાસ માનવંતા ગ્રાહકો માટે અમાસને દિવસે જ બને છે.”

અચંબિત ગ્રાહકે શેફની સૂચનાનું અક્ષરસ પાલન કર્યું. આસપાસના ટેબલ પર બેઠેલાઓની નજર એ તરફ ફરી. ગ્રાહકના મોઢા પર આંખ બંધ કરીને ચંદ્રકલા ચસ ચસ  ચૂસવાથી થતો સંતોષ જોઈ બધાં આ ‘વેલણ’સ શેફ સ્પેશિયલ આફ્રિકન ડીશ’ના ધડાધડ ઓર્ડર ઠોકવા માંડ્યા.

ખીચડી વગર ભૂખ્યા થયેલા માસા અને હિંમતલાલને શેટ્ટીએ હજાર રુપિયા આપતાં કહ્યું, “ઘરમાં આનો જેટલો સ્ટોક પડ્યો હોય તેટલો તાત્કાલિક ટિફિન ભરીને લાવી આપો. એક્સચેન્જ ઑફર એક્સેપ્ટેડ.”

માસાએ ઘરે ફોન જોડ્યો, “રસીલા, તારી ચંદ્રકલા હું અને હિંમત, અમે બન્ને મળીને ઝાપટી ગયા. મમરા વધ્યા ન હોય તો લેતો આવું, તું ફટાફટ બનાવી નાખ. વધેલી પાઉંભાજીના ઢેબરાની ચિંતા ન કરતી. ભલે વેસ્ટ જાય.”

રસીલાના મોટા ડોળામાં જિંદગીમાં પહેલી વાર હર્ષાશ્રુ ચમક્યા.

“જાયેં તો જાયેં કહાં, સમજેગા કૌન યહાં, દરદ ભરે…” એવું કોરસમાં ગાતાં ગાતાં હિંમતલાલ અને માસા, હિંમત કરીને ‘વેલણ રેસ્ટોરન્ટ’ બહાર નીકળ્યા.

“આ જેણે પણ જે પણ બનાવ્યું એ અમારા શેફને આવું બધું બનાવતા  શીખવાડશે?” પૂછતા શેટ્ટીને જવાબ આપવા તેઓ ન રોકાયા.

“હિંમત, આપણે ખીચડી મેકીંગ કુકિંગ ક્લાસમાં જોડાઈ જઈએ તો કેમ?” માસાનો સવાલ ઘરરર… ઘરરર… ઘર તરફ દોડતી રિક્ષાની ઘરેરાટીમાં દબાઈ ગયો.

— સુષમા શેઠ


Leave a Reply to Sushmaksheth Cancel reply

15 thoughts on “રસીલામાસીની રસાળ રસોઈ – સુષમા શેઠ