દૂધરાજની દાસ્તાન – મયુરિકા લેઉવા બેંકર 11


ક્યાંક દૂરથી આવતો બપૈયાનો બુલંદ રવ, ઊંચેની ડાળેથી આવતો બુલબુલનો મધ્યમ રવ કે નજીકની ડાળીએથી આવતો દરજીડાની સિસોટીનો એકધારો અવાજ – આ બધા બોલાશો એકબીજાની આગળપાછળ બોલાઈને કે એકમેકમાં ભળીને કોઈ અજબ રાગિણી નિર્મિત કરતા હતા. આ રાગિણીઓમાં અવાજની વધતીઘટતી આવૃત્તિ વહેલી સવારે મંદિરમાં થતા ઘંટારવ કે મંત્રઘોષથી જરાય ઊતરતી નહોતી. પંખીડાઓની આ ગાનધારામાંથી ઉત્પન્ન થતી ઊર્જા મને પોતાને એમાંના જ એક હોવાનું, આદિમ હોવાનું સ્મરણ કરાવતી હતી. આ ગાનધારા વહેતી હોય ત્યારે વિહંગો ક્ષણવારમાં નજર સામેથી ઓઝલ થઈ જતાં. એમનાં કોઈ નિશાનો ના કળાતાં, રહી જતાં બસ એમના બોલાશના કંપનો. સાપના લિસોટાની જેમ ક્યાંય સુધી સ્થિર હવામાં એમના નાદની રેખાઓ હલ્યાં કરતી અને થોડીવારમાં વાયુની હળવી લહેરખી આવીને એ પણ ભૂંસી જતી, ના પોતાની સાથે લઈ જતી.

લીલોતરી ઝાડનાં લીલાં પાન સુધી સીમિત નથી. એની ગોદમાં રમે છે કંઈ કેટલાંય જીવો. પાંખો ફફડાવતાં રંગબેરંગી પતંગિયાઓથી માંડીને, પાંખો ફેલાવી આભને આંબતાં પંખીઓ, રૂંવાદાર, ગભરું સસલાંથી માંડીને પોતાની ભયાનક ગર્જનાથી ધરણી ધ્રુજાવી દેતા સાવજ, અનેકો સદીઓ જોઈને અડીખમ ઊભેલા મૂંગા પર્વતોથી લઈને એમાંથી ઉદ્ભવ પામીને ખળખળખળ ગુંજારવ કરતી વળાંકના સૌંદર્યની સ્વામિની નિર્ઝરીઓ, એમાંથી પ્રસવ પામી, ઊંચેથી નીચે ખાબકતા, રમ્ય અને રૌદ્રનું રોચક મિશ્રણ એવા પ્રપાતો અને એવું તો કંઈ કેટલુંય પોતાના પાલવમાં ઢબૂરીને આસનસ્થ છે લીલોતરી.

આ નિત્ય રમ્યા લીલોતરીનું સેવન, તનમનની નરવાઈ અને ગરવાઈ માટે અતિઆવશ્યક છે. એનું સેવન જ નહીં, રસપાન કરી શકે એ ભાગ્યશાળી જ તો. ઘણા લોકો ગીચ વનમાં, ઝાંખા વગડે, નદીકિનારે, ખેતરવાડીએ, બાગમાં કે છેવટે ઘરબગીચામાં આ લીલા જાદુનું સાંનિધ્ય માણતાં હોય છે, એમાંની એક હું પણ. એક વરસાદી સવારે અમે નર્મદાતટે ફૂલીફાલીને બેકાબૂ બનેલી લીલોતરીનું રસપાન કરતાંકરતાં વનભ્રમણનો આનંદ માણતાં હતાં.

થોડીવારમાં વરસાદ અટક્યો, આકાશ ખુલ્લું થઈ ગયું અને આસપાસનો અવકાશ વિહંગોના અવનવા અવાજોથી ભરાઈ ગયો. ક્યાંક દૂરથી આવતો બપૈયાનો બુલંદ રવ, ઊંચેની ડાળેથી આવતો બુલબુલનો મધ્યમ રવ કે નજીકની ડાળીએથી આવતો દરજીડાની સિસોટીનો એકધારો અવાજ –આ બધા બોલાશો થોડીથોડી વારે એકબીજાની આગળપાછળ બોલાઈને કે એકમેકમાં ભળી જઈને કોઈ અજબ રાગિણી નિર્મિત કરતા હતા. આ રાગિણીઓમાં અવાજની વધતીઘટતી આવૃત્તિ વહેલી સવારે મંદિરમાં થતા ઘંટારવ કે મંત્રઘોષથી જરાય ઊતરતી નહોતી. પંખીડાઓની આ ગાનધારામાંથી ઉત્પન્ન થતી ઊર્જા મને પોતાને એમાંના જ એક હોવાનું, આદિમ હોવાનું સ્મરણ કરાવતી હતી.

આ ગાનધારા વહેતી હોય ત્યારે વિહંગો ક્ષણવારમાં નજર સામેથી ઓઝલ થઈ જતાં. એમનાં કોઈ નિશાનો ના કળાતાં, રહી જતાં બસ એમના બોલાશના કંપનો. સાપના લિસોટાની જેમ ક્યાંય સુધી સ્થિર હવામાં એમના નાદની રેખાઓ ભળાતી અને પછી કોઈ દિશામાંથી વાયુની હળવી લહેરખી આવીને એ પણ ભૂંસી જતી. ના, પોતાની સાથેલઈ જતી. લીલોતરી સાથે એકાકાર હોવું એટલે શું? એ મને પંખીઓ પાસેથી જાણવા મળ્યું. પોતાના અસ્તિત્ત્વને લીલોતરીમાં કેવી રીતે ઓગાળી શકાય એ જોવું હોય તો વનપંખીઓને ઘડીક નીરખવાં.

Photo Copyright By Mayurika Leuva Banker; All Rights Reserved

પંખીદર્શન એટલે જ મને પ્રિય પ્રવૃત્તિ છે. લીલોતરીની ગોદમાં આળોટવાનો અનોખો અવસર. આમ પ્રકૃતિના લાડકવાયાંઓની વિધવિધ ચેષ્ટાઓ અને ઉડ્ડયનલીલા જોતાંજોતાં આગળ વધી રહ્યાં હતાં ત્યાં એક દૃશ્ય જોઈને આંખો પર વિશ્વાસ ના થયો. બે વાર આંખો પટપટાવી, ફરી જોયું અને જોતાં જ રહી ગયાં. મનમાં આદરણીય ધ્રુવ ભટ્ટની લઘુનવલ ‘સમુદ્રાન્તિકે’ના પાત્ર નૂરભાઈના મુખેથી બોલાયેલો સંવાદ તાજો થયો અને મારાં ચર્મચક્ષુ સમક્ષ જીવંત ભજવાતો દેખાયો. નૂરભાઈ કહે છે,

“-ને જિંદગાની પૂગે ત્યાં લગણ જો દૂધરાજ ભાળી લંઈ તો તો અલ્લાહની કુદરત થઈ જાય, મારા વાલા, જોજો ને એક પરિંદુ ઊડે ને આખો મલક જીવતો થઈ જાય એ કાંય ઓછો જાદુ છે?”

આવા આ દૂધરાજને દેશી બાવળના, કેડેથી વળીને જમીન તરફ નમી ગયેલા થડમાંથી નીકળીને વિરુદ્ધ દિશામાં જતી ડાળ પર બેઠેલો દીઠો તો જરા પણ વિશ્વાસ ના થયો. રખેને, પળવારમાં ઊડી જાય એથી એક ક્ષણમાં સો વાર જોઈ લીધો. આહાહા! શું એનું રૂપ! શું એની છટા! શું એની ચેષ્ટા! બુલબુલ જેવા ચહેરા પર આંખો ફરતે આસમાની રંગની રિંગ અને માથે વાંકી-વળદાર કલગી! એમનેમ એને શાહી બુલબુલનું બિરુદ નથી આપવામાં આવ્યું.

અંગ્રેજીમાં Indian Paradise Flycatcher તરીકે ઓળખાતું આ પંખી ખરેખર પેરેડાઇઝ એટલે કે સ્વર્ગનું જ ભાસે. આ સ્વર્ગીય પંખીને ધરાઈને નિહાળવાનો યોગ બન્યો હોય એમ બાજુમાં જ એનો શંકુ આકારનો વાટકા જેવો માળો જોવા મળ્યો. એક મુખ્ય ડાળમાંથી નીકળેલી ‘V’ આકારની ત્રણ ડાળ વચ્ચેના જંક્શન પર ડાળરૂપી પાયા માથે માટી, ગારથી ચણેલો અને નાના પાંદડા, ફોતરાં, કરોળિયાની જાળથી મજબૂત કરેલા કપ જેવા પોતાના માળાની આસપાસ બેસતા, માળાની રક્ષા અર્થે એક ડાળથી બીજી ડાળ પર ઠેકડા લગાવતા અને બચ્ચાંને ચાંચમાં પકડી આણેલાં જીવડાં ખવડાવતા દૂધરાજને જોવાનો લહાવો તો ભાગ્યવંતને મળે.     

જો કે જેને સ્વર્ગીય પંખી ગણવામાં આવે છે તે સફેદ દૂધરાજ એ નર છે, અમને દૂધ જેવું ધોળુંફગ નરપંખી તો જોવા ના મળ્યું પણ માદા દૂધરાજ કે જેનો વાન કથ્થઈ હોય છે એ જોવા મળી. ચાંચમાં પતંગિયાં ને પાંખાળાં જીવડાં લાવીલાવીને બચ્ચાંને ખવડાવવા માટે અથાકપણે અનેકાનેક આંટાફેરા કરતી માદા દૂધરાજને નિહાળો તો ‘માતા હોવું એટલે શું?’ એની સહજ સમજણ પ્રગટે. સામે છેડે નર દૂધરાજ થોડો અલગારી સ્વભાવનો. બચ્ચાંપાલનની પ્રવૃત્તિ જેવી ઘરગૃહસ્થીની બાબતોમાં એને ખાસ રસ ના મળે. એટલે જ માળા પાસે ઘણો લાંબો વખત રોકાવા છતાં આ ફૂટડો નર જોવા ના મળ્યો. પણ હા, પોતાની માતાની નાની પ્રતિકૃતિ જેવાં કથ્થઈ રંગનાં ચારપાંચ બચ્ચાં માળાની આસપાસ ઊડતાં અને બેસતાં જોવા મળ્યાં. માતા એમને બોલાવવા માટે કે બચ્ચાં માતાને બોલાવવા માટે જે સૂચક અવાજ કરે એ સાંભળ્યો. આ અવાજ, તેઓ ઉડ્ડયન વખતે આનંદમાં આવીને ગાય એના કરતાં અલગ લાગ્યો.

સમુદ્રાન્તિકે પુસ્તક વાંચ્યું ત્યારે જ નક્કી કર્યું હતું કે આ પક્ષી તો જોવું જ છે. પક્ષીદર્શનની પ્રવૃત્તિ અતિપ્રિય હોવાથી થોડી શોધખોળ કરતાં જાણવા મળ્યું કે, ગુજરાતમાં ગીર, નર્મદાકિનારાનાં જંગલો અને વાંસદાનાં જંગલમાં જોવા મળેલ છે. નર્મદાકિનારો અમને તો કલાકવગો. અનેક વખત શૂલપાણનાં જંગલની હદ સુધી જઈ આવ્યાં પણ દર્શન નહોતા થયા. એકવાર પંખીઓની જાણકારી ધરાવતા નર્મદા પરિક્રમાવાસી સાથે ભેટો થઈ ગયો. એમણે આ પંખી જોયું હોવાનું જણાવ્યું. વરસાદી દિવસો ચાલતા હોવાથી એના પ્રજનન અને બચ્ચાંઉછેરનો સમય હોવાથી -જોવા મળશે જ- એવી અમર આશા અને સળગતી ઇચ્છા સાથે પહોંચી ગયાં અને એ પછી સ્વર્ગનાં ગણાતાં નયનરમ્ય પંખીડાંના નિરીક્ષણની કથાથી આપ સહુ સુવિદિત છો.       

શહેરીજન હોય કે ગ્રામવાસી – બંનેએ બુલબુલ તો ઘણી જોઈ હશે. પરંતુ જીવનમાં શાહી બુલબુલ એટલે કે દૂધરાજ ના જોયો હોય તો જોણું અધૂરું સમજવું. રેવાખંડમાં સદીઓથી અડિંગો જમાવી, પૃથ્વીના ઉદ્ભવ સમયની છેલ્લીછેલ્લી નિશાનીઓ જાળવી રહેલાં જંગલોમાં લીલોતરી રીતસરનું વશીકરણ કરે છે. આ વશીકરણ પણ કેવું? તત્પૂરતા તમને જગતના વર્તમાન દુ:ખોમાંથી મુક્તિ આપી દે. જેના સંમોહનમાં છે આનંદ, આનંદ અને નકરો આનંદ.

– મયુરિકા લેઉવા બેંકર  

મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “દૂધરાજની દાસ્તાન – મયુરિકા લેઉવા બેંકર