એને મૃત્યુ ન કહો : ડૉ. નિમિત્ત ઓઝા; પરિભ્રમણ – હીરલ વ્યાસ 11


આપણે જીવન વિશેનું પુસ્તક વાંચ્યું હશે. સેલ્ફ હેલ્પનું પુસ્તક વાંચ્યું હશે. કવિતાનું પુસ્તક પણ વાંચ્યું હશે. પણ મૃત્યુના સહજ સ્વીકારનું આ પ્રથમ પુસ્તક છે. 

પુસ્તકનું નામ –  એને મૃત્યુ ન કહો

લેખક – ડૉ. નિમિત્ત ઓઝા

લેખક પરિચય – શ્રી નિમિત્ત ઓઝા વ્યવસાયે યુરોલોજિસ્ટ છે. જેટલી કુશળતાપૂર્વક સર્જીકલ નાઈફ ચલાવી શકે છે એટલી જ સફળતાપૂર્વક કલમ પણ ચલાવી જાણે છે. ‘માટીનો માણસ’, ‘ઍક્સપાયરી ડેટ’, ‘આઈ.સી.યુ.’, ‘જિંદગી તને થેંક્યુ’, ‘અજવાળાનો ઑટોગ્રાફ’ અને ‘શ્વાસની સેરેન્ડિપિટી’, ‘અમોર મીઓ’ એમનાં લોકપ્રિય પુસ્તકો છે. તેમની લોકપ્રિય નવલકથાઓ ‘ક્રોમોઝોમ xyz’ અને ‘પપ્પાની ગર્લફ્રેન્ડ’ છે. કુમાર આર્ટસ ફાઉન્ડેશન દ્વારા સાહિત્ય માટે એનાયત થતો નવલકથા માટેનો દર્શક ઍવોર્ડ તેમની નવલકથા ‘ક્રોમોઝોમ xyz’ને પ્રાપ્ત થયેલ છે. હાલમાં દિવ્ય ભાસ્કરમાં ‘અજવાળાનો ઑટોગ્રાફ’ અને ‘મનનો મોનોલોગ’ નામની અઠવાડિક કૉલમ લખે છે.

પુસ્તક વિશે – મૃત્યુ એ આપણા જીવનમાં બનતી એક નિશ્ચિત ઘટના છે. આ ઘટના વિશે આપણે અજાણ નથી અને છતાં આ ઘટના ક્યારે, કેવી રીતે આપણી સાથે બનશે એ વિશે કશું જ જાણતા નથી. સૌથી સારી વાર્તાની ખૂબી છે ‘શૉ, ડૉન્ટ ટેલ’ વાળી વાર્તા. જેમાં ઘટના સુંદર રીતે બતાવવાની એને કહેવાની નહિ. એ વાર્તા વાંચનાર એની રીતે સમજી લે. મૃત્યુ નામની ઘટનાનું પણ આમ જ છે. આપણા જીવનમાં આ ઘટના બની જાય પણ લગભગ આગોતરું કશું જ કહ્યા વગર. જીવન પૂરઝડપે ચાલી રહ્યું હોય અને જાણે કોઈ અચાનક આવીને આપણી જીંદગીને સ્ટેચ્યુ કહી જાય!

Ene Mrityu Na Kaho by Dr Nimit Oza; Paribhraman by Hiral Vyas for Aksharnaad
Ene Mrityu Na Kaho by Dr Nimit Oza; Paribhraman by Hiral Vyas for Aksharnaad

આ પુસ્તકમાં સ્વજનના મત્યુ સમયે શોકાતુર બનવાની જગ્યાએ સ્વજનના જીવનને યાદ કરીને ઉત્સવમાં કેમ પલટાવવું એની વાતો છે. ‘મૃત્યુ એટલે શું?’એ પ્રશ્નનો જુદી-જુદી રીતે ઉત્તર આપવાની કોશિશ કરી છે. જુદી-જુદી સંસ્કૃતિઓમાં મૃત્યુ વિશે કેવી માન્યતઓ કે રિવાજો છે એની પણ વાતો છે. કેટલાક મહાન લોકોના મૃત્યુ વિશેના વિચારો પણ પુસ્તકમાં ટાંકવામાં આવ્યા છે. પુસ્તકમાં ઘણી વાતો સૂફી વાર્તાઓ, ઝેન કથાઓ અને ઉદાહરણોથી સમજાવી છે. અને એટલે જ મૃત્યુનો ડર રાખવાનું કોઈ કારણ નથી એ વાત શીરાની જેમ ગળે ઊતરી જાય છે. 

કહેવાય છે કે જીવન ક્ષણભંગુર છે. અને એની સાબિતિ છે કે આપણે જે ક્ષણમાં જીવીએ છીએ એ ક્ષણ જીવનમાં ફરી આવતી નથી. એટલે જ ભૂતકાળને પકડીને કે ભવિષ્યનું વધારે વિચારીને જીવવા કરતાં આ ‘ક્ષણ’માં જ જીવીએ તો વધુ આનંદપૂર્વક જીવી શકીએ. 

“Forth bubble lives for a second with rainbow colours, then why we can not!” આવી જ વાત આ પુસ્તકના એક પ્રકરણ ‘ધ સોપ બબલ થિયરી’માં પણ કરી છે. આપણા જીવનમાં આપણને જે કંઈ મળ્યું છે એ આપણા કર્મોના આધારે છે. આપણા નસીબને દોષ  દેવા કરતાં ઈશ્વરે આપેલા જીવનનો આભાર માનીને આનંદથી દરેક ક્ષણને જીવીએ તો ઈશ્વરે આપેલું જીવન સાર્થક થાય. 

જીવનની ખરી સાર્થકતા ત્યારે જ છે જ્યારે આપણે આપણી પણ આગળ બીજાને મૂકી શકીએ. આપણે માત્ર આપણા માટે નહીં પણ બીજા માટે પણ જીવીએ. આપણે જ્યારે આપણેને કોઈ ચોક્ક્સ પર્પઝ માટે કે વિઝન માટે આપણી જાતને સમર્પિત કરીએ છીએ એ દિવસે જ આપણે મૃત્યુને હરાવી દઈએ છીએ. આ વાત આપણા જીવન અને મૃત્યુ બન્નેને લાગુ પડે છે. મૃત્યુ પછી પણ અંગદાન કે દેહદાન કરી શકીએ તો આપણું મૃત્યુ પણ સાર્થક નીવડશે. 

આ પુસ્તક મૃત્યુના વિચારો કરવાનો, જીવન વિશે નકારાત્મક અભિગમ કેળવવાની વાત નથી કરતું. આ પુસ્તક મૃત્યુને પણ શ્વાસ લેવા જેટલી જ સહજ અને અનિવાર્ય ઘટના તરીકે લેવાની વાત કરે છે. મૃત્યુ એટલે આ જીવન સાથેનું ઋણાનુબંધન પુરું થવાથી ધીમે રહીને શરીર છોડી જવાની ઘટના છે. મૃત્યુ એટલે સ્ટેજ પર આપણેને સોંપેલું પાત્ર ભજવાઈ જાય એટલે પડદા પાછળ ચાલ્યા જવા જેવું જ છે. પછી નવું પાત્ર અને નવું નાટક. મૃત્યુ એટલે જીવનું શિવમાં ભળી જવું.

પુસ્તકમાં કુલ પાંચ સુંદર કવિતાઓ પણ છે. અને એમાંથી એક ‘ટાઈટલ ટ્રેક’, ‘એને મૃત્યુ ન કહો.’

વડીલ, મુરબ્બી, દાદા-દાદી, પપ્પા-મમ્મી જેવા સંબોધનોથી
છટકીને… સીધું કોઈ પૂર્વજ બની જાય,
તો એને મૃત્યુ ન કહો.
વડીલ થયાનો થાક ઊતારી,
શરીરનો જીર્ણોધ્ધાર કરાવી,
કોઈ ફરી પાછું બાળક બનવા જાય,
તો એને મૃત્યુ ન કહો.

– ડૉ. નિમિત્ત ઓઝા

પુસ્તકમાંથી ગમેલી કેટલીક વાતોઃ

૧. આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં જ પાછા જઈ રહ્યા છીએ.

૨. મૃત્યુ આપણી પાસેથી એટલું જ છીનવે છે જે આપણું નથી.

૩. હે ઈશ્વર, અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને ત્યારે જ અમને મારજે.

૪. માનવ શરીર એ બીજું કશું જ નથી પણ આધ્યાત્મિક ઊર્જાનો એક ટૅમ્પરરી પહેરવેશ છે. 

૫. જે વ્યક્તિ ભરપૂર જીવ્યો કહેવાય એના ગયા પછી એના જીવન પર નવલકથા લખી શકાય, મૃત્યુનોંધ નહીં.

આપણને મૃત્યુનો ભય હોય છે એના કરતાં આપણા મૃત્યુ પછી આપણી પાછળવાળાનું શું એ વિચાર વધારે સતાવે છે. પણ આપણા વગર પણ આ પૃથ્વી ટકી હતી અને ટકી રહેશે. નિયતિએ એના માટેના રસ્તા પણ રાખ્યા જ હશે. મૃત્યુ વિશેની સુંદર સમજણ આપતું સુંદર પુસ્તક.

મળતાં રહીશું નવા પુસ્તકના પાને!

શિવોહમ્ શિવોહમ્!

અન્ય માહિતી – પ્રકાશન વર્ષ ૨૦૨૧, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન – આર. આર. શેઠ, અમદાવાદ, પુસ્તક કિંમત – રુ. ૧૭૫

પુસ્તક ઑનલાઇન ખરીદવા અહીં ક્લિક કરો… https://amzn.to/3O3NITd

– હીરલ વ્યાસ


Leave a Reply to Hiral VyasCancel reply

11 thoughts on “એને મૃત્યુ ન કહો : ડૉ. નિમિત્ત ઓઝા; પરિભ્રમણ – હીરલ વ્યાસ