કેન્યા – ૧ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 9


જેવા સામબુરુ ગેમ રિસર્વમાં દાખલ થયા અને સોમાલી ઓસ્ટ્રીચ જોવા મળ્યાં. નર ઓસ્ટ્રીચ સુંદર કાળા અને સફેદ પીંછાવાળા હોય અને માદા ઓસ્ટ્રીચ બ્રાઉન પીંછાવાળા હતા.

મિત્રો આજે તમને નવી સફર કરાવું. સફરનામામાં આપણે આજે ભારત બહાર જઈશું. કેન્યા, એના વિશે ઘણું સાંભળેલું હતું. એટલું વાંચેલું હતું કે ત્યાં જવું એ લાંબા સમયથી એક સ્વપ્ન બની ગયું હતું. એક દિવસ વાત કરતાં મારા જીવનસફરના સાથી મુકેશે કહ્યું કે મધ્ય ફોટોગ્રાફી પરિષદ (central photography council) માંથી કેન્યાના પ્રવાસનું આયોજન થઇ રહ્યું છે. આપણે તો તૈયાર હતા જ. કેટલા દિવસ અને પ્રવાસ છે એ વિશેની બધી વિગત મંગાવી. યોગ્ય લાગતાં અમે એ પ્રવાસમાં જોડાયા. બધાંના વિઝા સાથે લેવાના હોવાથી અમારા પાસપોર્ટ એમને વહેલાસર મોકલાવી દીધાં હતાં.

પૂર્વ તૈયારી શરુ કરી. જવાનો દિવસ જાણે બહુ દૂર હોય તેવું લાગતું હતું. જે દેશ જોવાનું સ્વપ્ન હોય ત્યાં જવાની ઉતાવળ તો થાય જ ને.

આખરે એ દિવસ આવી ગયો. બીજી સપ્ટેમ્બર બે હજાર છ. આમ ત્રીજીની મધરાતની ફ્લાઈટ હતી પણ અમે બીજીએ ગુજરાતમેલમાં મુંબઈ જવા નીકળ્યા. આખા હિન્દુસ્તાનમાંથી જુદા જુદા લોકો પ્રવાસમાં જોડાયેલાં હતાં એટલે બધાએ મુંબઈના છત્રપતિ શિવાજી હવાઈમથક પર ભેગા થવું તેમ નક્કી કરવામાં આવ્યું હતું. સવારે મુંબઈ પહોંચી મિત્રો સાથે આખો દિવસ પસાર કર્યો. રાતનું જમી લગભગ સાડા દસ વાગે હવાઈમથક જવા નીકળ્યાં.

અમારા પ્રવાસના આયોજકના કહેવા પ્રમાણે અમારે પોણા અગિયાર વાગે ભેગા થવાનું હતું. અમારા પ્રવાસના આયોજક બસંત મિશ્રા બહાર જ મળી ગયાં. એમણે અમને અમારા પાસપોર્ટ અને ટીકીટ આપ્યા. પછી અંદર જઈને અમે બેઠાં. ફ્લાઈટ તો સવારે છ વાગ્યાની હતી. બેઠા બેઠા સમય પસાર કરવાની મથામણમાં આસપાસ જોયું તો સામે થોડાં લોકો અમારાં જેવી જ ફાઈલ લઈને બેઠાં હતાં. એટલે લાગ્યું કે એ લોકો પણ અમારા સાથી પ્રવાસી જ હશે. સામેથી જઈ ઓળખાણ કરી બધાં સાથે વાતો કરતા સમય વીતાવ્યો..

લગભગ સવારમાં પોણા ચાર વાગે બોર્ડીંગ માટે ગયા. સામાન સ્ક્રીનીંગ કરાવી ઈમીગ્રેશનની લાઈનમાં ઉભા રહ્યાં. બધાં વારાફરથી જવા લાગ્યા. બસંતજીએ અમારા છ એક જણાના પાસપોર્ટ અને ટીકીટ કેન્યા એરલાઇન્સના ટેબલ પર આપી અને બોર્ડીંગ પાસ લીધાં. ત્યાં એકાએક ખબર પડી કે સાથે આવેલા બે જણને પાસપોર્ટમાં ઈમિગ્રેશન ચેકની જરૂર નથી એવો સિક્કો નહોતો. એટલે તેઓ ન જઈ શકે. એક જણા તો માંદા હતા પણ આયોજક બસંતજીના પાસપોર્ટમાં જ આ સમસ્યા ઊભી થઇ હતી. બધાં થોડા ટેન્શનમાં આવી ગયાં અને મૂડ પણ બગડ્યો. એમણે બીજાને બધું સોપ્યું અને અંતે બાકીના અમે બધાં આગળ વધ્યા. લગભગ છ વાગ્યાને વીસ મીનીટે અમારું હવાઈ જહાજ ઉપડ્યું. ત્યારે જરા હાશ થઇ કે ચાલો પ્રવાસ તો શરુ થયો. અમારા માટે તો આટલાં બધાની સાથે જવાનો પહેલો અનુભવ હતો. અમે દરેક પ્રવાસ અમારી રીતે બે જણ જ કરતાં એટલે હું જરા વધારે નાસીપાસ થઇ પણ મુકેશ બહુ પોઝીટીવ હતાં. એ સતત મને ધીરજ આપતો રહેતો. છ કલાકની ફ્લાઈટ હતી. આ છ કલાક પસાર કરતાં બહુ કંટાળો આવ્યો. એક તો આખી રાતનો ટેન્શન ભર્યો ઉજાગરો અને ક્યારે પહોંચીશુંની ઉત્સુકતા.

છેવટે ભારતીય સમય લગભગ બારને દસ વાગે નાઈરોબી હવાઈમથક પર ઉતર્યા. બહાર નીકળવામાં બહુ વાર ના લાગી. ક્યાંય કોઈ તકલીફ ન પડી. સામાન આવે તે પહેલા ડોલરમાંથી શીલીંગ કરવ્યા. આપણે જેમ રૂપિયા તેમ ત્યાં કેન્યન શીલીંગનું ચલણ.

સામાન લઇ બહાર આવ્યાં ત્યારે ત્યાંના પ્રવાસ આયોજક પાટિયા સાથે ઉભા જ હતાં. બધાને કોમ્બીમાં બેસાડી એ લોકોની સ્થાનિક ઓફીસના રૂમ પર લઇ ગયા. એક કોમ્બીમાં છ જણા એમ બેસવાનું હતું. કોમ્બી એટલે આપણી મારુતિ વાન કરતા થોડી મોટી અને ઉપરનું છાપરું ખુલે એવી ગાડી. ત્યાં બધાનું સ્વાગત કર્યું. પ્રવાસ અંગે થોડી માહિતી આપી. ચા કોફી અને બિસ્કીટનો નાસ્તો કરાવ્યો. બને એટલી ઝડપથી બધું પતાવી ત્યાંના બાર વાગે ન્યારી આઉટ સ્પાન જવા નીકળ્યા. નાઈરોબીથી લગભગ એકસો પંચોતેર કિલોમીટર, ત્રણેક કલાકની મુસાફરી હતી.

અમારી કોમ્બીનો ડ્રાઈવર લોરેન્સ રસ્તામાં બધું બતાવતો હતો. જાણે ગુજરાતના હાઇવે ઉપર જતા હોઈએ તેવીજ અનુભૂતિ થતી હતી. ફેર માત્ર એજ કે ગુજરાતના રસ્તા વધારે સારા. રસ્તાની બંને બાજુ ફળ વેચવા વાળા ઉભા હોય તો ક્યાંક શેકેલી મકાઈ વાળા ઉભા હોય. વચ્ચે વચ્ચે નાના ગામ આવતા રહેતાં.

Photo Copyright reserved (C) Mukesh Shah

નાઈરોબીથી થીક્કા જવાના રસ્તે આગળ ન્યારી આવે. રસ્તામાં સત્યોતેર હજાર એકર જમીનમાં પાઈનેપલની ખેતી થતી હતી તે જોઈ. આગળ વધતા યાના નામની નદી આવી ત્યાં હાઇડ્રો ઈલેક્ટ્રીક પાવર સ્ટેશન હતું. લગભગ દોઢ વાગે એક નાના તંબુ જેવી દુકાન પાસે ઉભા રહ્યાં. જેને ‘લોકલ ક્યુરીયો શોપ’ કહેતા. આપણી ભાષામાં કહીએ તો હાથ બનાવટની ત્યાંના લોકોની વસ્તુઓનું વેચાણ કેન્દ્ર. વસ્તુઓ ખુબજ મોંઘા ભાવે વેચતા હતા. અમારા ડ્રાઈવરે પણ સુચના આપી હતી કે એ લોકો જે ભાવ કહે તેના અડધા ભાવથી શરૂઆત કરવી. અમને ખબર હતી કે આવી ઘણી દુકાનો આવશે એટલે અડધા કલાકમાં આગળ વધ્યા. અમે લગભગ ત્રણ વાગે હોટલ આઉટસ્પાન પહોચી ગયા. હોટલ ખુબ સુંદર હતી. ફટાફટ જમવા પહોંચી ગયાં. જમવામાં ખુબ સરસ સુપ થી માંડી ડેઝર્ટ સુધી ની ઘણી વસ્તુ હતી.

અમને કહેવામાં આવ્યું હતું કે આઉટસ્પાન થી એક નાની બેકપેકમાં જરૂરી વસ્તુ લઇ ટ્રી ટોપ પર રાત ગાળવા જવાનું હતું જે મુલત્વી રહ્યું એટલે થોડી નિરાશા જન્મી. પણ પછી જેમજેમ ત્યાં ફરતા ગયાં તેમતેમ વાતાવરણનો આનંદ બધાના મગજમાં છવાતો ગયો. મુકેશે અને બીજા બધાએ ત્યાં ઘણી પક્ષીઓની ફોટોગ્રાફી કરી. સાંજે સાડાછ વાગે મુવી શો જોવા ભેગા થવાનું હતું. હોલમાં ગયા ત્યારે ખબર પડીકે પ્રોજેક્ટરમાં ખામી હોવાથી મુવી નહિ જોવાય. અમારી સાથે આવેલા અલ્હાબાદના પ્રોફેસર હિમાંશુ તિવારીએ પોતાના લેપટોપ પર પોતે પાડેલા કેટલાક ફોટા બતાવ્યા. કેટલાકની પ્રિન્ટ બતાવી. પાકિસ્તાન જઈ પડેલા ખુબ સુંદર ફોટાનો આનંદ લઇ જમવા ગયાં.

અશોક દિલવાલે અને એમના પત્ની મંજુ સાથે ઘણી વાતો કરી. જમી અને બધાને મળી રૂમમાં ગયા. મુકેશે તેણે પાડેલા ફોટા ડાઉનલોડ કર્યા. સવારે વહેલા ઉઠવાનું હોવાથી ફટાફટ ઊંઘી ગયાં. સવારે છ વાગે ઊઠી તૈયાર થઇ નાસ્તો કરવા ગયા. એવું કહેવાયું હતું કે નાસ્તાની જગ્યાથી સામે જ માઉન્ટ કેન્યાના શિખર દેખાશે. પરંતુ ખુબ વાદળ હોવાથી એ નજારો ગુમાવ્યો. સાડાસાત થી આઠ દસ સુધીમાં નાસ્તો પતાવી અમારે પોણાનવ વાગે સામબુરુ જવા નીકળવાનું હતું. જે ચાર કલાક નો લગભગ રસ્તો હતો.

હજી નીકળતા હતા અને સમાચાર આવ્યા કે જે લોકો મુંબઈથી આવી નહોતા શક્યા તે આવી રહ્યા છે. એટલે બધાને ગુમાવેલો આનંદ પાછો છવાઈ ગયો. જે માણસને ઓળખતા ના હોઈએ કે કોઈ પરિચય ના હોય પણ પોતાના ગ્રુપમાં હોય અને ના આવી શકે તો જે પ્રકારનું દુઃખ અને તેઓના આવવાના સમાચારથી એક વિશિષ્ટ પ્રકારની આનંદની લાગણી થાય. જે શબ્દમાં મુકવું બહુ અઘરું છે.

સામબુરુ જવાના રસ્તામાં નાના ગામડા આવતાં હતાં. ત્યાં ચર્ચ, મસ્જિદ જોવા મળતાં. એક ગામમાં નાના ઝુંપડા પર લખેલું ‘ Maximum miracle temple’  વાંચીને વિચિત્ર જિજ્ઞાસા થઇ. બાળપણ માં એવું સાભળેલું કે આફ્રિકામાં લોકો કાળા જાદુમાં બહુ માને. પછી વિચાર્યું કે ઉભા રહીશું એટલે ડ્રાઈવરને પુછી લઈશ. ત્યાંતો બીજું ઝુપડું જોયું તેની ઉપર બ્યુટીપાર્લર લખ્યું હતું. રસ્તામાં ચાલુ ગાડીએ સાથે જે નાસ્તો લાવેલા તે ખાધો. મંજુ દિલવાલે પણ સરસ નાસ્તો લાવેલા બધું વહેંચી ને ખાધું.

Photo Copyright reserved (C) Mukesh Shah

રસ્તાની બંને બાજુ કોફી, સુર્યમુખી, મકાઈના સુંદર ખેતર આવ્યા કરતા હતા. અમુક જગ્યાએ ગ્રીન હાઉસ જેવું બનાવી ફૂલની ખેતી હતી. રસ્તો સારો હતો પણ જેમ આગળ વધ્યા તેમ કાચો અને ખાડાવાળો રસ્તો શરુ થઇ ગયો. રસ્તા ઉપર કેટલીક જગ્યાએ હાઇવે પોલીસ પેટ્રોલીંગ જોવા મળ્યું. જ્યાં હાઇવે પોલીસ પેટ્રોલીંગ હોય ત્યાં મોટા ખીલા વાળા બમ્પ જેવું મુક્યું હોય એટલે બધાં વાહન ધીમા થઇ જાય અને રસ્તો એક માર્ગીય થાય. આ બધું જોતાં જોતાં ચાર કલાક ક્યાં પસાર થઇ ગયા તેની ખબર ન પડી.

અમે જેવા સામબુરુ ગેમ રિસર્વમાં દાખલ થયા અને સોમાલી ઓસ્ટ્રીચ જોવા મળ્યાં. મેલ ઓસ્ટ્રીચ સુંદર કાળા અને સફેદ પીંછા વાળા હોય અને ફીમેલ ઓસ્ટ્રીચ બ્રાઉન પીંછા વાળા હતા. સુંદર રીતે દોડતા જોઈ ખુબ આનંદ થયો. હજી દિવસની ગેમ ડ્રાઈવ તો બાકી હતી. અને અમને વિવિધ પ્રાણીઓ દેખાવા લાગ્યા. બબુન્સ, થોમસન ગેઝેલ, જાતજાતના હરણ, ઓરીક્સ જેવા ઘણા પ્રાણી જોયા. હજુ હોટલ પહોંચીએ એ પહેલા તો જીરાફ પણ જોવા મળી ગયા. લગભગ એક વાગે અમે સામબુરુ સોપા લોજ પર પહોંચ્યા.

આગળનું વર્ણન હવે બાકી રાખું ને! જંગલમાં કેવું મંગલ છે તે માટે રાહ જુઓ આવતા હપ્તે સફરનામાની…   

ફોટો કર્ટસી (C) મુકેશ શાહ
– સ્વાતિ શાહ

સ્વાતિ મુકેશ શાહના અક્ષરનાદ પરનો આ સ્તંભ ‘સફરનામું’ અનેકવિધ અદ્રુત વિસ્તારોના પ્રવાસ વિશેની શૃંખલા છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


9 thoughts on “કેન્યા – ૧ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ

  • આરતીસોની

    સ્વાતિબેનખૂબ સરસ.અનુભવો શેર કર્યા. જાણે કેન્યાની સફર માણી લીધી..

  • Chandrashekhar Vaidya

    ફોટોગ્રાફર શ્રી મુકેશ શાહ ની ઉદારતા થી સ્થળો ની તસ્વીરો થી સવિશેષ પ્રસન્નતા .

  • Anila Patel

    વર્ષો પહેલાં કેન્યાની સફર કરીહતી આજે આપની સાથે ફરી માણવાની મજા આવી. આગળ માણવાની આતુરતા સહ.

    • Mita Mehta

      Enjoyed trip, very nice description, eagerly awaiting for your next part.
      Thanks to Swati & AksharNaad for giving such a nice detail

  • Abhinava Shukla

    સ્વાતિ બહેન*

    જ્યારે તમારૂં સફરનામુ વાંચવા મળે છે ત્યારે તમારી સફરનો સહભાગી હોઉં તેવો એહસાસ થાય છે‌. ભાઈ મુકેશની તસવીરો સ્થળ પર પ્રત્યક્ષ હાજર હોવાની પ્રતીતિ કરાવે છે .
    ધન્યવાદ અને સલામ

    અભિનવ શુક્લ

  • Archita Pandya

    અરે વાહ.. તમારા શબ્દોથી માણી કેન્યાની સફર! આનંદ.