ઓ સાવન રાજા; કહાં સે આયે તુમ? – ભારતીબેન ગોહિલ 4


નવપલ્લવિત થયેલી ધરાને એકાકાર થઈને નિહાળવી એ પણ એક યોગ બની રહે છે. ખેડૂતો માટે તો વાવણીથી માંડીને લણણી સુધીનો શ્રદ્ધાયોગ અને પરિશ્રમયોગ. કદાચ આ યોગ સમયે ઈશ્વર અને માનવ વચ્ચેનું અંતર સૌથી ઓછું હશે.

ભારતીબેન ગોહિલ

ચાક ધૂમ ધૂમ…
ચાક ધૂમ ધૂમ..
ઘોડે જૈસી ચાલ,
હાથી જૈસી દુમ,
ઓ સાવન રાજા
કહાં સે આયે તુમ?

ઉનાળાના આકરા દિવસો જવું જવું થઈ રહ્યા હોય ત્યારે લોકો આકાશ તરફ મીટ માંડીને વરસાદની પ્રતીક્ષા કરી રહ્યાં હોય છે. પ્રતીક્ષાનો અંત આવતા જ પહેલો વરસાદ રૂમઝૂમ કરતો આવી પહોંચે. એ સાથે જ સૂકી ધરામાંથી આવતી ખુશબૂ આપણા ભાવજગતને ન્યાલ કરી દે.

કાળઝાળ ગરમી પછીની ઠંડક, આહલાદક પવન સાથે ઝૂમતાં વૃક્ષો અને પાણીની છાલક.. આ માહોલ આપણને રીતસર બહાર નીકળવા લલચાવે. આંખોથી મન ન ભરાય.. શરીર પર ઝીલવા સાદ કરે. અને ત્યારે આપણે વડીલો બધું જ છોડીને બહાર ભાગવાની જગ્યાએ ઘરની ભીંજાઈ જતી વસ્તુઓ ને યોગ્ય જગ્યાએ મૂકવાના કામમાં પડી જઈએ છીએ!

આવે વખતે આપણે સૌ અનુભવીએ છીએ કે બાળકો કોઈ બારીના ખૂણે કે નાનકડા ટેબલના સહારે છાનાં છાનાં ઊભાં રહી જાય છે. ત્યારે તેની આંખોમાં જે વિસ્મય હોય છે તે જોવાલાયક હોય છે.

વરસાદ તો એની મસ્તીમાં વરસતો હોય છે. ક્યારેક ટપટપ ટીપાં સ્વરૂપે કે ક્યારેક ધોધમાર. ક્યારેક સાવ હળવો ફોરાં સ્વરૂપે કે ક્યારેક દે ધનાધન! પણ બાળકને એની કંઈ પડી ન હોય એમ એ તો તાક્યા કરે છે આભ ભણી. એમ વિચારતું કે “આખરે આ વરસાદને અહીં સુધી આવવા ધક્કો કોણ મારતું હશે?”

જાતે જવાબ ન મળતાં તે વડીલોને પૂછે, “હેં મમ્મા, આ વરસાદ ક્યાંથી આવે?” ને પછી… મમ્મા પણ આપણે સૌએ વર્ષોથી પાકો કરી નાખેલો જવાબ આપી દે. “છેને બેટા, દરિયાનું પાણી તડકામાં તપે, એની વરાળ થાય..વરાળ હલકી હોવાથી ઊંચે ચડેને ત્યાં જઈ ઠરે. એનાં વાદળાં બંધાય..એ વરસાદ થઈ નીચે પડે!” આટલી વાતથી આગળ આપણે કશું વિચારતાં નથી.

માટીમાંથી આવતી ખુશબૂ પ્રથમ વરસાદમાં જ શા માટે આવે છે? વરસાદ સિવાયનું પાણી માટીમાં ભળે ત્યારે કેમ નથી આવતી? વરસાદ આવવાની સાથે જ “ડ્રાઉં ડ્રાઉં” કરી સામૂહિક દેકારો બોલાવતાં પેલાં દેડકાં વરસાદ પહેલા ક્યાં સંતાયેલાં હોય છે? અને હા..વરસાદ અને ગરમાગરમ ભજિયાને આખરે શું સંબંધ છે? આવા પ્રશ્નો આપણને કદી કેમ કનડતા નથી? એ પણ ક્યારેક નવરાશ મળ્યે વિચારવા જેવું તો ખરું.

વરસાદ એટલે ચોમાસુ ને
ચોમાસુ એટલે
પાણી… પૂર…પર્વોની હારમાળા અને
પ્રકૃતિનું નવપલ્લવન.

નાનાં-મોટાં, અમીર-ગરીબ, શિક્ષિત-અશિક્ષિત સૌ કોઈ જેની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હોય એ ચોમાસુ જ હોઈ શકે. એનું કારણ પણ છે. ચોમાસુ માત્ર વરસાદ જ નહીં, સમગ્ર સૃષ્ટિ માટે અનેક ઉપહાર લઈને આવે છે. એ પૈકીની અમૂલ્ય ભેટ એટલે પાણી. ચોમાસામાં પ્રાપ્ત થયેલું  પાણી લાંબા સમય સુધી ડીપવેલ, કૂવા, નદી, નાળા, ડેમ, સરોવર વગેરેનાં માધ્યમથી ઉપયોગમાં લઈ શકાય છે.વરસેલો કે વરસી રહેલો વરસાદ જ્યારે કોઈના કહ્યામાં નથી રહેતો ત્યારે તે પૂરના સ્વરૂપમાં આવી જાય છે. નદીનો નિશ્ચિત પથ છોડી તે મન ફાવે ત્યાં  અને ઢાળ મળે ત્યાં ભાગતો જણાય છે. આ પ્રવાહ નિહાળવો એ પણ અદ્ભુત રોમાંચ અનુભવવા સમાન છે. રોજબરોજના ઘડિયાળના કાંટા પર

ચાલતાં જીવનમાંથી થોડો સમય કાઢી બાળકોને પૂર જોવા લઈ જવા જોઈએ. એમને માટે તો આ જીવનભરનું સંભારણું બની રહે!

ગુજરાતમાં તો ચોમાસુ પૂરની સાથે સાથે પર્વોની હારમાળા લઈને આવે છે. ભીમ અગિયાસથી શરુ થતા પર્વો છેક નવરાત્રી સુધી લંબાય છે. દરેક પર્વમાં વિવિધતા અને વળી અનોખી પરંપરા. આ પર્વો માનવજીવનને ઉત્સાહ, ઉમંગ, આસ્થા, ભક્તિ, સેવા અને મૈત્રી જેવા કંઈ કેટલાયે રંગોથી રંગી દે છે.

નવપલ્લવિત થયેલી ધરાને એકાકાર થઈને નિહાળવી એ પણ એક યોગ બની રહે છે. ખેડૂતો માટે તો વાવણીથી માંડીને લણણી સુધીનો શ્રદ્ધાયોગ અને પરિશ્રમયોગ. કદાચ આ યોગ સમયે ઈશ્વર અને માનવ વચ્ચેનું અંતર સૌથી ઓછું હશે. આવા સમયે ધ્રુવ ભટ્ટે વરસાદ વિશે કહેલું તે યાદ આવે,

“બધી ભાષા ભુલાય જાય એવો વરસાદ,
હવે કેવો વરસાદ કેમ બોલું,
પડતું આકાશ છેક હાથમાં ઝીલાય,
એની સામે શું કાગળિયા ખોલું,
કેવો વરસાદ કેમ બોલું?

અહીં વરસાદ માટે  બધી “ભાષા ભુલાવી દે તેવો” ગણવામાં આવ્યો છે. બધી ભાષા ભૂલવી મતલબ એ એક એવી અનુભૂતિ છે જેનું વર્ણન શક્ય નથી. પણ સાથે સાથે એવું પણ કહેવાય છે કે, “બધું ભૂલાયા પછી જે બાકી રહે છે તે જ તો શિક્ષણ હોય છે!” એ રીતે વરસાદ બાળકને ભાષાશિક્ષણ આપવામાં માધ્યમ બને છે.

Aksharnaad Bhartiben Gohil Article on Rain and kids

બાળકો વરસાદ આવતા જ તેના મિત્રો સાથે “આવ રે વરસાદ..ઘેબરિયો પરસાદ..” ગાય છે ત્યારે આપોઆપ નવા શબ્દો અને લય શીખે છે. આપણી સૌની જાણ બહાર બાળક વરસાદનું શ્રવણ પણ કરે છે. તેના આધારે વરસાદ ધીમો છે કે ઝડપી એ પણ નક્કી કરે છે. પાણી પડ્યા પછી જમીનમાંથી નીકળતી સુગંધ એ પારખે છે…તો વાદળમાંથી વરસતો વરસાદ આંખોથી જુએ છે. જમીન પર પ્રવાહ બની દોડતાં પાણીનું નિરીક્ષણ કરે છે. તેની વિસ્મયભરી આંખોમાં વરસાદના, વીજળીના, મેઘધનુષના, વિવિધ આકાર ધરતાં વાદળાંનાં દ્ગશ્યો કેદ થાય છે. આ દ્ગશ્યો તેને ભવિષ્યમાં ચિત્રકાર કે સર્જક પણ બનાવી દે છે. અહીં આકાશને હથેળીમાં સ્પર્શવાની પણ વાત કરી છે.

એટલે બાળકનું શ્રવણ, કથન, નિરીક્ષણ, સ્પર્શ, અનુકૂલન, અનુકરણ, વર્ણન બધું જ સક્રિય બને છે. અને એટલે જ આનાથી ઉત્તમ ભાષાશિક્ષણ હોઈ જ ન શકે! ધ્રુવ ભટ્ટે અનાયાસે જ ઔપચારિક શિક્ષણને બદલે બિલકુલ સાહજિક શિક્ષણની વાત કરી અનેક દિશાઓ ખોલી આપી છે. તો જ એ કહી શકે કે,

“આકાશ જો હાથમાં ઝાલવા મળતું હોય તો કાગળિયા શું ખોલવા?”

ચાલોને.. આપણે પણ ચોમાસાને ભરપૂર માણીએ. આપણી સુષુપ્ત સંવેદનાઓને નવપલ્લવિત કરીએ. અને સાથે સાથે આપણાં બાળકોની નાજુક હથેળીઓમાં આકાશનો સ્પર્શ કરાવી ને ગાઈએ. ચાક ધૂમ ધૂમ… ચાક ધૂમ ધૂમ… ચાક ધૂમ ધૂમ…!

— ભારતીબેન ગોહિલ

ભારતીબેન ગોહિલના અક્ષરનાદ પરના સ્તંભ ‘અલ્લક દલ્લક’ અંતર્ગત બાળ સાહિત્યનું સુંદર ખેડાણ શરુ થયું છે, સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


Leave a Reply to SushmakshethCancel reply

4 thoughts on “ઓ સાવન રાજા; કહાં સે આયે તુમ? – ભારતીબેન ગોહિલ