દુપટ્ટાએ ઉઘાડું કીધું કમઠાણ.. 8


વાત જાણે એમ હતી કે ગીતાબેનને ત્રણેક દિવસ માટે, એક પ્રસંગમાં હાજરી આપવા પિયર જવાનું થયું. સુનિલભાઈ ઘણા વખતે “સ્વતંત્રતા” મળવાના વિચારે ખુશ હતા, ‘ત્રણ દિવસ હું રાજા. મને જેમ ફાવે તેમ રહીશ. નૉ કટકટ એન્ડ નૉ રોકટોક.’ તેમણે વિચાર્યું.

“આંટી તમે બહારગામ ગયેલા?” લોન્ડ્રીવાળા આસિફનો પ્રશ્ન સાંભળી ગીતાબેન ચોંક્યા. “લે, તને કેવી રીતે ખબર પડી?”

“એ તો… એ તો અંકલ કપડાં દેવા અને લેવા આવેલા માટે.. પણ ડાઘ ન નીકળ્યો.” આસિફે માર્મિક સ્મિત રેલાવતા એ વાતનો ફોડ પાડ્યો જો કે આગળ કશું જાહેર ના કર્યું.

વાત જાણે એમ હતી કે ગીતાબેનને ત્રણેક દિવસ માટે, એક પ્રસંગમાં હાજરી આપવા પિયર જવાનું થયું. સુનિલભાઈ ઘણા વખતે “સ્વતંત્રતા” મળવાના વિચારે ખુશ હતા, ‘ત્રણ દિવસ હું રાજા. મને જેમ ફાવે તેમ રહીશ. નૉ કટકટ એન્ડ નૉ રોકટોક.’ તેમણે વિચાર્યું.

ગીતાબેન તો ગયા પરંતુ ઘરનો સઘળો વહીવટ તેમના પતિદેવ સુનિલભાઈને શિરે આવી પડ્યો. સુનિલભાઈની ખ્યાતિ રાજામાણસ તરીકેની. રાજા માથે મુગટ પહેરે, વહીવટ ઓછો સંભાળે? તેમના ભોજનની વ્યવસ્થા તો પાડોશીઓના ઘરે અને હૉટલમાં થઈ ગઈ. મહાન પ્રશ્ન સવારની ચા બનાવવાનો હતો.

આગલા દિવસે ગીતાબેને, “સાવ સહેલું છે.” કહી સુનિલભાઈને માપસર એક કપ ચા બનાવતાં શીખવી દીધી. કામવાળી ગંગુબાઈનેય જરુરી સુચનાઓ આપી તેઓ નિરાંતજીવે પોતાને પિયર રવાના થયા.

પહેલા દિવસે, પહેલી જ વાર સુનિલભાઈ ચા બનાવવા રસોડામાં ગયા. રસોડું આ અણધાર્યા આગંતુકને જોઈ ચોંક્યું. અનેક કબાટમાં ખાંખાંખોળા કર્યા બાદ સુનિલભાઈ, પત્નીએ શીખવાડ્યા મુજબની માપની તપેલી લઈ બરાબર માપસરની ચા ઉકાળવા મૂકી છાપુ વાંચવા બેઠા. તેવામાં બાજુમાં રહેતા મહેશભાઈ  પાડોશીધર્મ નિભાવવાને નાતે ગરમાગરમ બટાકા પૌંઆ આપવા આવ્યા. રાજી રાજી સુનિલભાઈ વાતોએ વળગ્યા તેમાં ગેસ પર ઉકળતી ચાનો શું વાંક? એય રાજી રાજી થતી ઉભરાઈને પ્લેટફોર્મ પખાળવા દોડી.

મહેશભાઈના પ્રસ્થાન બાદ અચાનક સાંભરી આવેલી ચાના થયેલા હાલબેહાલ જોઈ સુનિલભાઈએ એક દિવસ ચા વગર ચલાવવાનું મુનાસિબ માન્યું. સાફ કરવા માટેનું મસોતું ક્યાંય ન દેખાયું. તેમણે ત્યાં પડેલો ગીતાબેનનો દુપટ્ટો ઢોળાયેલી ચા પર પાથર્યો. કામવાળી  ગંગુબાઈ આવતાં, તેને ઘર સોંપી તેઓ ઓફિસે રવાના થયા.

આગલા દિવસે ગીતાબેનને ટ્રેનમાં બેસાડીને ઘરે આવ્યા બાદ પ્રિય પત્નીના પિયર જવાની ખુશીમાં મોડી સાંજે તેમણે ખાસ મિત્રોને બોલાવી, પાર્ટી કરી હતી.

સોફા પછવાડે ખાલી બોટલો, ગમે ત્યાં વેરાયેલા શિંગદાણા, તૂટેલા ગ્લાસના ટુકડા, ટિપાઈ પર નોધારી સ્થિતિમાં આડા પડેલા બીજા એંઠા ગ્લાસ, વેરણછેરણ સ્થિતિમાં રસોડાના ખુલ્લા ખાના, એક તરફ ફંગોળાયેલ છાપું, પલંગ પર ભીનો ટુવાલ અને જેમતેમ પડેલી ચાદર, સ્વીચ બંધ કર્યા વગર ફરતો પંખો, ગેસ પર બળી ગયેલી ચાની તપેલી, ચારેકોર ઢોળાયેલી ચા, તેને ઢાંકવા પથરાયેલો નવો નક્કોર દુપટ્ટો, ટેબલ પર વિખરાયેલા પૌંઆ, ખુલ્લા કબાટ નીચે પડેલું શર્ટ, મોજા શોધવા માટે વીંખી નખાયેલું ખાનું, મેચ થયા વગરની બે તરફ ઉછળીને પડેલી મોજાની જોડ, ટપકતો વૉશબેઝીનનો નળ, જ્યાં ત્યાં પડેલા સિગારેટના ઠૂંઠા, અડધા ખવાયેલા પિત્ઝાના ખોખાં અને રસોડાની ખાળને બદલે બાથરૂમમાં પડેલી એંઠી પ્લેટો, એક સામટું અધધ કામ આવી પડેલું જોઈ, હેબતાઈ ગયેલી ગંગુબાઈએ ગીતા શેઠાણી પરત ફરે તે પર્યંત કામ પર આવવાનું મોકૂફ રાખ્યું. 

“આ ઘરમાં કોઈકે મંતરજંતર કર્યું છે.” ગંગુબાઈએ સખીમંડળમાં વાત વહેતી કરી.

નાહિંમત થયા વગર સુનિલભાઈએ બીજા દિવસે ચા બનાવવાનું સાવ સહેલું કાર્ય, આમ ચપટી વગાડતાં પાર પાડવાનું બીડું ઝડપી લીધું. ફરી એ જ પ્રમાણે એક કપ ચા ઉકાળવા મૂકી ત્યાં ડૉરબેલ રણકી. સામે ઈડલી લઈને ઊભેલા મીઠું મલકતા ઈડલી જેવા હેમાબેનને જોઈ સુનિલભાઈ ચટણી ચટણી થઈ ગયા.

“આવો આવો. ચા મૂકી જ છે, પીધા વગર નહીં જવાય.” સુનિલભાઈએ આગ્રહપૂર્વક વિનંતી કરી. સવારના પહોરમાં તૈયાર ચા મળે એ લોભ ખાળી નહીં શકતાં, સાખ પાડોશીના અતિ આગ્રહને વશ થયેલ હેમાબેન સુનિલભાઈની વિનંતીને ટાળી ન શક્યા.

“મેરે સામને વાલી ખિડકી મેં… ” ગણગણતા સુનિલભાઈએ ઉકળતી ચામાં બીજા એક કપના માપ મુજબ ચા માટેની પ્રમાણસર સામગ્રી નાખી.  હેમાબેન આવ્યાના હરખમાંને હરખમાં તેમણે ચા વધુ સ્વાદિષ્ટ બનાવવાના ઉપાયરુપે ચામાં આગળ પડતું આદુ નાખ્યું. ચા સાથે ઉકળી રહેલા દુધને એ ન ગમ્યું અને તે ફાટી પડ્યું. હેમાબેનની તો ઠીક પોતાનીયે ચા બગડી.

સુનિલભાઈની તકલીફ સમજી જઈ હેમાબેન, “સોરી, મોડું થાય છે.” કહેતાં રવાના થઈ ગયા. આ તરફ નિત્યક્રમ પતાવી, ચા પીધા વગર સુનિલભાઈ ઓફિસે રવાના થયા. સાંજે આવીને જોયું તો અસ્તવ્યસ્ત ઘર સફાઈ કર્યા વગરનું જેમનું તેમ હતું.

“કેમ છો? કોઈ તકલીફ નથીને? બધું બરાબર?” ફોનમાં પૂછતી વહાલી પત્નીની ચિંતા ટાળી, પતિધર્મ નિભાવતા સુનિલભાઈ બોલ્યા, “અરે બધું ટનાટન. તું તારે મોજ કર. મારી ચિંતા ન કરીશ. જેટલું રોકાવું હોય તેટલું રોકાજે.”

સીંદરી બળે પણ વળ ન છૂટે. ત્રીજી સવારે સુનિલભાઈ રસોડામાં પેઠા. આગલા દિવસના વાસણ સીંકમાં ખડક્યા અને ચા બનાવવા માંડ્યા. પાછલા બે દિવસથી ઘરની સવારની ચા નહોતી મળી. આજે તો પૂરેપૂરું ધ્યાન આપી, દરવાજે વાગતી ડૉરબેલ અવગણી, તેમણે ગેસ આગળ ઉભા રહીને એક કપ ચા મૂકી. પાછલા બે દિવસની ઉણપ સરભર કરવા વળી બીજી તપેલીમાં બીજી એક કપ ચા મૂકી. શું કે માપ એક કપ ચાનું જ આવડતું હતું ને! પહેલી તપેલીયે એક કપ સમાવી શકે તેટલી નાની હતી. છેવટે બે કપ ચા ગટગટાવી તેઓ ન્હાવા ગયા.

ડોરબેલ મારીને થાકેલી કામવાળી ગંગુબાઈ ‘સાહેબ ઘરમાં નથી’ માનીને જતી રહી. આમ ત્રીજે દિવસેય તેની ગેરહાજરી નોંધાઈ. ચોથે દિવસે ગીતાબેન પરત ફરવાના હતા. સુનિલભાઈની ઈજ્જતનો સવાલ હતો. “મને બધું આવડે છે.” તેવી જીભ કચરેલી હતી માટે પત્ની આવે ત્યારે, પોતાને કોઈ તકલીફ નથી પડી એ બતાવવું આવશ્યક હતું. તેમણે ઓફિસમાં રજા પાડી. નીચે જઈ એક રામાને પકડ્યો, મનાવી પટાવી પાંચસોની નોટ આપી ઘર સાફ કરાવ્યું.

“તમારા ઘરમાં કાઈતરી મંતરજંતર થયેલા છે એવું ગંગુબાઈએ કીધું હોતું.”

“ના ભાઈ ના. એવું કાંઈ નથી.” રામાના મગજમાંથી માંડ એ વહેમ કાઢી સુનિલભાઈએ તેને સમજાવ્યો.

ગીતાબેનને એક પ્રસંગમાં હાજરી આપવા પિયર જવાનું થયું. સુનિલભાઈ ખુશ હતા, 'ત્રણ દિવસ હું રાજા. મને જેમ ફાવે તેમ રહીશ. નૉ કટકટ એન્ડ નૉ રોકટોક.' તેમણે વિચાર્યું.

ચાના ડાઘવાળો દુપટ્ટો ઉપરાંત ધોવાયા વગરના કપડાંનો ઢગલો થયેલો. કપડાં ધોવાવાળી ગંગુબાઈ નહોતી આવી. હવે કરવું શું? સુનિલભાઈ હાર માને તેમ નહોતા  કપડાંનું પોટલું ઉપાડી તેઓ લોન્ડ્રીએ જવા નીકળ્યા. ટુવાલો, ચાદરો, નવા નક્કોર નેપકીનોથી માંડીને જે દેખાયું તેનું પોટલું વાળ્યું, સાથેસાથે ચાની વાસથી ગંધાતો દુપટ્ટોય ઉપાડ્યો. પોતાના બનિયન, ચડ્ડી, રુમાલ, મોજાં તો ખરાં જ. તદુપરાંત ઑલરેડી ધોવાઈને સુકવેલા મસોતા, પોતું, ફર્નીચર લૂછવાના ડસ્ટર, બધુંયે ઉપાડ્યું. કપડાં એટલે કપડાં. શું શેના માટે વપરાય તે એમને ક્યાં ખબર હતી. ‘ગીતા આવે તે પહેલાં બધું ચોખ્ખું કરી દઊં. એય જોતી જ રહી જશે.’ સુનિલભાઈ મનોમન પોરસાયા.

અધધ કપડાં લોન્ડ્રીમાં ધોવાં તો આપ્યાં પણ, “અરજન્ટ સાંજે જ ડ્રાયક્લીન કરેલાં જોઈએ છે.” તેવીયે તાકીદ કરી. તેમનો શુભ આશય તો એવો કે, ગીતા આવે તે પહેલાં બધું બરાબર હોય. તેને રોફથી કહી દેવાય કે, “જો મેં બધું કેવું સાચવી લીધું.”

લોન્ડ્રીવાળા આસિફે લોન્ડ્રીમાં પહેલી વાર આ પ્રકારના કપડાં જોઈ માથું ખંજવાળ્યું. ‘સુનિલભાઈ જેવા રાજા માણસ તો ખૂબ દિલદાર. એ કંજુસાઈમાં ન જ માને’ માની આસિફે દિલથી બિલ બનાવ્યું. વીસ રુપિયામાં ખરીદાયેલ મસોતાનો અરજન્ટ ડ્રાયક્લીનીંગ ચાર્જ સાઈઠ રુપિયા હતો પરંતુ એવું બધું જોવાની સુનિલભાઈને ફુરસદ નહોતી.

સાંજે કપડાં પરત લેવા ગયા ત્યારે, “આ ચાના ડાઘ નૈ જાય.” આસિફે સાવ ડ્રાય ચહેરે કહ્યું તે સાંભળી દયામણા ચહેરે લાંબુ લચક બિલ ચૂકવી સુનિલભાઈ ડ્રાયક્લીન થયેલા કપડાં વટથી અને સરસ કામ કર્યાના સંતોષથી ઘરે આવ્યા. ઘર પણ સાફ હતું. વાહ! તેમણે પોતાનો ખભો થાબડ્યો.

બીજી સવારે ગીતાબેનની પધરામણી થઈ. બેગ એક તરફ મૂકી તેઓ જેવા રસોડામાં પેઠા તેમ જ તેમનું મગજ શંકાઓથી ઘેરાયું. ગીતાબેનની નજર દુપટ્ટા પર પડે તે પહેલાં સુનિલભાઈની નજર પોતે ડ્રાયક્લીન કરાવેલા દુપટ્ટા પર લગાવેલા લોન્ડ્રીના લટકતા સફેદ લેબલ પર પડી. “માર્યા ઠાર. ગીતા બધું સમજી જશે, મારી પોલ પકડાઈ જશે.” તેવું સમજી તેમણે ધીમેથી દુપટ્ટો સંતાડી દીધો. કામવાળીના બમણા પગાર અને આખા મહિનાના સાબુના ખર્ચ  કરતાંય વધુ આવેલું લોન્ડ્રીનું બિલ જો ગીતાબેન જોઈ જાય તો તો સુનિલભાઈને ઢીબી ઢીબીને ધોઈ નાખે.

ગીતાબેન શૌચકર્મ પતાવી ચા બનાવવા રોકાયા તે દરમ્યાન બધાં લોન્ડ્રી કરાવેલ કપડાં પર લાગેલા લેબલો સુનિલભાઈએ તાત્કાલિક કાતર ફેરવી કાઢી નાખ્યાં. હવે ડાઘવાળા દુપટ્ટાનું શું કરવું તે અવઢવ હતી. એના ઉપાય તરીકે તેમણે એ દુપટ્ટો ઝટપટ બારી બહાર ફેંકી દીધો. ‘ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.’

બનવાકાળ તે નીચે ગાડીઓ સાફ કરતા રામુ ઉપર પડ્યો. રામુએ ઉપર જોયું, ‘સુનિલભાઈ જેવા રાજામાણસે આગલા દિવસે પાંચસો પકડાવેલા. આ આપવા જઈશ તો બીજુંય ઈનામ મળશે.’ તેવી લાલચે એ દુપટ્ટો પાછો આપવા આવ્યો.

ગીતાબેન બારણું ઉઘાડે તે પહેલાં સુનિલભાઈ ધસી આવ્યા, ‘આ કપડું અમારું નથી, અમારું નથી.’ તેમણે ઈશારા કરી રામુને પાછો વાળવા ચાહ્યો.

“નૈ સાહેબ, તમારા જ છે. મેં કાલે સાફસફાઈ કરી ત્યારે રસોડામાં જોયા હોતા.” રામુ ઇમાનદાર થવા ગયો.

“કોણ છે?” કહેતા ગીતાબેન બહાર આવ્યા.

“અરે, આ દુપટ્ટો તો હું અહીં જ ભૂલી ગયેલી. બેગમાં ખૂબ શોધ્યો. એ મારો જ છે. હું ગયા અઠવાડિયે જ નવો લાવેલી પણ આ આવો ગંદો શી રીતે થઈ ગયો?”

“તત…તારો? પપ… મેં બરાબર ઊભા રહી ધોવડાવ્યો હતો. પપ…”

પછી તો ગંગુબાઈ આવી. “બેન, આ ઘરમાં તો કંઈક વિચિત્ર ઘટનાઓ બને છે. કોઈ કંઈક જંતરમંતર કરે છે આણિ બધું નીચે પાડે છે. હું તો પગાર લેવા આઇવી. હવેથી હું આ ઘરમાં કામ નૈ કરણાર.”

“આ નવેનવો દુપટ્ટો આવો કોણે ધોયો?” ગંગુબાઈ કામ છોડી ગઈ અને હવેથી નહીં આવે તેના આઘાતમાં ગીતાબેને અણછાજતો સવાલ કર્યો.

“મેં નહીં હોં, હું તો આવી જ નહોતી. બહુ બેલ માર્યા. કોઈ બારણું નહીં ખોલ્યા. અંદરથી બધું પડવાના અવાજ આવતા હોતા.” ગંગુબાઈનો જવાબ સાંભળી ગીતાબેને પતિ સામે ડોળા તતડાવ્યા.

“હું ત્રણ દા’ડા શું પિયર ગઈ ને તમે એક કામવાળી બાઈને ન સાંચવી શક્યા? મારો નવેનવો મોંઘા માયલો દુપટ્ટો…” ગીતાબેને પોક મૂકી.

“ઉભરાઈ જશે… ઉભરાઈ જશે.” સુનિલભાઈએ ચા તરફ ગીતાબેનનું ધ્યાન દોર્યું. બીજી કામવાળી શોધવાની ફિકરમાં કામ પતાવી, બેગ ખાલી કરી ગીતાબેન ભારે સાડીઓ લોન્ડ્રીમાં આપવા ગયા ત્યાં હેમાબેન મળ્યા અને તેમના પિયર ગયા પાછળ બની ગયેલી ઘટનાઓનો ઘટસ્ફોટ થયો અને પછી ગીતાબેનના ઘરે આવતાં જ પ્રચંડ વિસ્ફોટ થયો.

“હવે હું એકલી ક્યારેય મારે પિયર નહીં જાઊં.” ગીતાબેને દાંત કચકચાવીને પ્રતિજ્ઞા લીધી.

“હેં?” સુનિલભાઈએ માથે હાથ દઈ દુપટ્ટા પાછળ મોઢું સંતાડી દીધું.

— સુષમા શેઠ.

સુષમા શેઠની કલમે ‘તમને હળવાશના સમ..’ કૉલમ અંતર્ગત લખાયેલા ખડખડાટ હસાવતાં બધા લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.


Leave a Reply to BHARTIBEN GOHIL Cancel reply

8 thoughts on “દુપટ્ટાએ ઉઘાડું કીધું કમઠાણ..