બીજના અંકુરણમાં, અંકુરણના વૃદ્ધિ-વિકાસમાં, બે પાંદડામાંથી બસો પાંદડા સુધીની સફરમાં, પ્રથમવાર કળી બેસવાની ઘટનામાં કે કળી ખીલીને ફૂલ બનવાની પ્રક્રિયામાં ફૂલમાંથી કોઈ જાદુ કરીને ફળ બની જવામાં અને ફરી એ જ ફળમાં ઊંડેઊંડે બીજ હોવાની હકીકતના મૂળમાં રહેલી શક્તિને શું કહીશું?
આજે મન હરખથી ઝૂમી રહ્યું છે, અરે! ફક્ત ઝૂમી નથી રહ્યું, ઘેલું ઘેલું થઈ રહ્યું છે ને પેલું ગીત ગણગણી રહ્યું છે.
“દાડમડીનાં ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
કે ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી…”
વાત જ એવી છે. લીલોતરીના પ્રેમમાં તરબોળ થવાની મજા તો બેજોડ છે જ પણ એનાથી ટેવાઈ ગયેલાં પોતાનાં અસ્તિત્ત્વને સદા ભરપૂર રાખવાની મથામણના ભાગરૂપે એને સતત પોતાની આસપાસ રાખવાના પ્રયત્નો આવું મધુરું ફળ ચખાડશે એની તો કલ્પના જ નહોતી.
માંડીને વાત કરું. માણસ આદિમાનવ હતો ત્યારથી લઈને નદીકિનારે વસતો થયો, સુસંસ્કૃત થયો, આધુનિક થયો અને આજે અતિઆધુનિક યુગમાં જીવી રહ્યો છે ત્યાં લગ એનાં મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલાં છે. એ ગમે તેટલો આધુનિક થાય પણ હવા, પાણી, ખોરાક અને વસવાટ માટે જમીન જેવી એના જીવનનિર્વાહ માટેની પ્રાથમિક જરૂરિયાતો માટે તો એ કુદરત પર આધારિત છે જ પરંતુ એની પંચેન્દ્રિયની સુખાકારી માટે, એની આંતરિક સભરતા માટેય વિશુદ્ધ નિસર્ગની તાતી જરૂરિયાત એને રહેવાની. એટલે જ તો પૃથ્વી પરના કરોડો જીવો પૈકી યંત્ર બની ગયેલો આ જીવ, રજાઓમાં, વૅકેશનમાં નિસર્ગના ખોળે પાછો માનવ બનવા ઊપડે છે. એની આદિમાતા એવી પ્રકૃતિના પાલવમાં રમી, એના અંકે ખૂંદી, બાળક બની નવી ચેતના, નવી ઊર્જા સાથે પાછો ફરે છે. જાણે નવજીવન પામે છે. બહુમાળી બિલ્ડિંગોમાં વસતો અને વાહનોમાં ફરતો માણસ અંતે તો પોતાના ડ્રોઇંગ રૂમ કે કોમ્યુટર સ્ક્રીન પર કુદરતી દૃશ્યો રાખતો હોય છે, એને એ જોવું જ વધુ ગમે છે.
પ્રકૃતિના પંચતત્ત્વમાંથી ઉત્પન્ન થયેલો માણસ પ્રકૃતિ સાથેનાં એનાં જોડાણને ક્યારેય છેદી શકવાનો નથી. જંગલમાં વસતા આરણ્યકો કે ગામડાગામમાં વસતા ગ્રામજનો સુધીનાં લોકો તો વૃક્ષો, પહાડો, નદી, ઋતુઓ, કીટકો, સરીસૃપો, પંખીઓ, પશુઓથી સુપેરે પરિચિત હોવાનાં પણ મારાં જેવી જન્મથી જ શહેરની કલુષિત હવા શ્વાસમાં ભરતી અને ઘરથી શાળા કે ઑફિસના રસ્તે આવતાં વૃક્ષો અને આસપાસનાં પંખીઓ સિવાય વિશેષ કોઈ જાણકારી ન હોય એવી વ્યક્તિને આથી જ આ સહુ પ્રત્યે ખાસ લગાવ પણ ન થઈ શકે.
પણ હા, કોઈ મજાનાં પુસ્તકમાં નદીકિનારા, પર્વતીય પ્રદેશો કે લીલોતરી મઢ્યાં જંગલોનાં લાલિત્યસભર શબ્દચિત્રો વાંચતાં કે આવાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળની મુલાકત લઈ આવેલા કોઈ પ્રકૃતિપ્રેમીના મોઢે રસાળ વર્ણનો સાંભળતાં જીવનમાં ક્યારેક આવી જગ્યાએ જવાની, માત્ર જવાની નહીં, જીવંત પળો માણવાની તીવ્રતમ ઇચ્છા થઈ ઊઠતી. એ તીવ્રતમ ઇચ્છા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફળીભૂત થઈ ત્યારે એવી અનેરી અનુભૂતિ સાંપડી કે જો એનો અનુભવ લેવાનું આ જીવનમાં ચૂકી જવાત તો બીજો ફેરો નક્કી થાત.

બીજના અંકુરણમાં, અંકુરણના વૃદ્ધિ-વિકાસમાં, બે પાંદડામાંથી બસો પાંદડા સુધીની સફરમાં, પ્રથમવાર કળી બેસવાની ઘટનામાં, કળી ખીલીને ફૂલ બનવાની પ્રક્રિયામાં કે ફૂલમાંથી કોઈ જાદુ કરીને ફળ બની જવામાં અને ફરી એ જ ફળમાં ઊંડેઊંડે બીજ હોવાની હકીકતના મૂળમાં રહેલી શક્તિને શું કહીશું? આ આખીય સર્જનપ્રક્રિયા પાછળ રહેલી ચેતનાને નકારી નહીં શકાય. ઝાડની સ્થિર ડાળ આપણને જડ ભાસે પણ એક સવારે જ્યારે એનાં પર કૂંપળ ફૂટે છે ત્યારે ચૈતન્યથી તરબતર અનુભવાય. પ્રકૃતિનાં દરેક ઘટકોમાં ચેતનાનો અનુભવ થાય ત્યારે મન બોલી ઊઠે ‘પ્રકૃતિ એ જ પરમેશ્વર’. કણકણમાં ઈશ્વર વસે છે અને તો પછી આપણી મહાન વૈદિક સંસકૃતિના પાયારૂપ વાક્યો, ‘અહમ્ બ્રહ્માસ્મિ’, ‘તત્ત્વમસિ’ અને સર્વમ્ ઈદમ્ ખલુ બ્રહ્મં’નો સાર નિસર્ગ સાથેની એકાત્ત્મકતામાં વધુ સ્પષ્ટ સમજાય છે. લીલોતરી સાથેની ઘનિષ્ઠતા માત્ર આનંદ નથી આપતી, એ મૌન રહીને જીવનનું ગૂઢ રહસ્ય અનાવૃત્ત કરી આપે છે.
આ લખતાં એ જરાય યાદ નથી આવતું કે ક્યારે હું લીલોતરીના વિશ્વ ભણી દોરી જતી કેડી પર ચાલી નીકળી. આગળ ને આગળ, વધુ આગળ ચાલતાંચાલતાં એક પડાવ પર એવું બન્યું કે ઊગેલાં ને ઊગાડવામાં આવેલાં વૃક્ષો કે જુદાંજુદાં સ્થળોએથી ખરીદેલાં રોપા ઉછેરવાની, એમને ફૂલતાફાલતા જોવાની, એના પર ખીલતાં ફૂલોના વૈભવની, એમની ઘટામાં પક્ષીઓને છુપાતાં, માળા બાંધતાં, બચ્ચાં ઉછેરતાં જોવાની, એને લાગતાં ફળો ખાતાં જોવાની મજા તો માણી છે પણ હજુ સુધી ક્યારેય બીજમાંથી વૃક્ષ ઉછેર્યું નથી એવો વિચાર ઝબક્યો.
બજારમાંથી ખરીદીને ખાવા માટે લાવેલાં દાડમ ખાતાંખાતાં થયું કે બહુ દૂરનું નથી વિચારવું, લાવને આ દાણા જ રોપી જોઉં! પછી તો દાડમના લાલચટ્ટક દાણા સાફ કરી, પાણીથી ધોઈને પેપર ટાવેલ પદ્ધતિથી અંકુરિત કર્યા. પછી રોપા ઉછેર્યા. રોપાના છોડ થયા, છોડમાંથી ક્ષુપ અને ક્ષુપ પર લાલચટ્ટક કળીઓ બેઠી, કળીઓમાંથી ફૂલો ખીલ્યાં. રોજબરોજ થતાં ઝીણાઝીણા બદલાવની આ આખીય પ્રક્રિયા જોવી એક અજબ કૌતુક હતું. હું બાળક બનીને રોજ સવારે આ છોડવાઓ પાસે આવતી અને દાડમના આ છોડવા મને એમની કહાની કહેતા એક પણ શબ્દ બોલ્યા વિના.

શરૂઆતમાં કળીઓ, ફૂલો બનીને ખરી જતી. મને થતું કે શું કારણ હશે? કોઈ પોષકતત્ત્વની ઊણપ હશે કે શું? તડકોછાંયડો વધુઓછો પડતો હશે કે પાણી ઓછું પડતું હશે? પણ મનને ઉદ્વિન કરતા આ સઘળા પ્રશ્નોના જવાબરૂપે એક દિવસે એવું બન્યું કે ફૂલ ખર્યું નહીં ને એમાંથી ધીરેધીરે ફળ બનવાની શરૂઆત થઈ. ફૂલના સાંકડા આકારમાંથી કળાય નહીં એમ ધીમેધીમે ગોળ આકાર નિર્મિત થયો, જે ક્રમિક વિકાસ પામી ગોળ દડા જેવા ફળમાં પરિવર્તિત થયું.
લાલ ફૂલમાંથી ગોળ, લીલું ફળ બન્યું, જેણે મોટું થતાં ફરી પાછો પીળાશ પડતો લાલ રંગ ધારણ કરી લીધો. ઑક્ટોબર-૨૦૧૮થી લઈને જૂન-૨૦૨૧ સુધીના અઢી વર્ષના સમયગાળામાં થોડી જહેમત અને થોડી કાળજીથી સગી આંખે, નરી આંખે એક જીવનચક્ર પરિપૂર્ણ થતું જોવાનો લહાવો મળ્યો એ વાત એક ચમત્કારથી ઓછી નથી, ના, જરાય નહીં. દાડમફળના અનેક દાણા પૈકી એકને વાવીને ઉછેરેલા છોડ પર અનેક દાડમફળો લાગ્યાં છે, જે દાડમફળમાં અનેક દાણા છે. એકના અનેક કરી આપતી ધરતીમાતાની વાત જ્યારે કોઈ ખેડૂત કરે ત્યારે એનો અર્થ તો સમજાતો પણ એ ઉક્તિને આમ નજરોનજર ઘટના બનતાં નિહાળવી એ બાબત પોતાનામાં જ પરમરોમાંચક બીના છે. ત્યારે અહોભાવથી ગદ્ગદ થયેલું મન બોલી ઊઠે છે, “વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે..”
આવી અદ્ભુત ઘટનાના સાક્ષી બનવું એ લીલોતરીએ કરેલી અમીવર્ષા નથી તો બીજું શું છે? જો કે, હજુ આ દાડમફળોને ઝાડવા(ક્ષુપ) પરથી તોડીને મેં ખાધાં નથી કારણ કે આપણી પરંપરા મુજબ જેમ પહેલી રોટલી ગાયની અને બીજી રોટલી કૂતરાની બને, એમ પહેલો ફાલ પક્ષીઓ અને ખિસકોલીઓનો. પછી હું તો મન ભરીભરીને ખાવાની જ છું ને? જાતે ઉછેરેલા ઝાડનું ફળ!
– મયુરિકા લેઉવા-બેંકર
લીલોતરીની કંકોતરી કૉલમ અંતર્ગત પ્રકૃતિપ્રેમના અદ્રુત વિશ્વમાં વિહરવાનો અવસર આપતાં મયુરિકા લેઉવા બેંકરની કલમે લખાયેલા લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.
અત્યંત સુંદર અને અદ્ભુત આલેખન.
આભાર કૌશિકભાઈ.
સુંદર લેખ મયુરિકા. મન અંકુરિત થઈ ગયું.
આભાર સુષમાબેન.
ખૂબ સરસ કલાત્મક અભિવ્યક્તિ
આભાર હરીશભાઈ.
બહુ જ સરસ લેખ.
આભાર સ્વાતિબેન.
Full of emotions and deep observation leads to spiritual inspirations.
Thank you Yuvrajbhai.
તરબોળ!
ખૂબ જ સરસ….મનુષ્ય માં પણ આવું જ છે…જેમ બીજ ને રોપી તેમાંથી ફૂલ બેસે તેમ મનુષ્ય માં પણ બીજ રૂપી સંસ્કાર નું ઘડતર થાય ને જીવન ધન્ય બને.
આભાર દક્ષેશભાઈ.
આભાર શ્રદ્ધાબેન.