ટાઇમ એટલે ટાઇમ : ગનુના કરમની કઠણાઈ.. 5


સમયના પાબંદ ગનુએ કેવો બફાટ કર્યો અને તેનો સમય ખોરવી નાખવા નવા શેઠે કેવો પેંતરો રચ્યો તે જાણવા, સમય ગુમાવ્યા વગર વાંચો સુષમા શેઠની કલમે અર્ધસત્ય ઘટના પર આધારિત તદ્દન નવું નજરાણું..

ગનુ ઉઠતાંવેત ઘડિયાળના દર્શન કરે. ટાઇમ જોઈને ઊઠે. સાડા છ થવાને ત્રણ મિનિટ બાકી હોય તો ત્રણ મિનિટ આંખ મીંચીને પડ્યો રહે અને ઘડિયાળ રાત્રિના સાડા દસ બતાવે એટલે ઊંઘ આવતી હોય કે નહીં, પથારીમાં લંબાવી, આંખ મીંચી જ દે. ટાઇમ એટલે ટાઇમ; માટે જ ગનુને સૌ ગનુઘડિયાળ તરીકે ઓળખતા. ગણપતરાવ પાટીલ ઉર્ફ ગનુ એટલે કર્તવ્યનિષ્ઠ, ફરજપરસ્ત, શિસ્તમાં માનનાર અમારો ખાસમખાસ પટાવાળો. પ્રિન્સેસસ્ટ્રીટમાં અમારી છત્રીની મોટી દુકાન. પહોળા લેંઘા ઉપર ઢીલા શર્ટ અને માથે પહેરેલ ગાંધીટોપીમાં સજ્જ ગનુ સમયનો એવો પાબંદ કે તેને જોઈને આપણી ઘડિયાળ મેળવી શકાય. ગનુ દિવસમાં બાર વખત ઘડિયાળ જોવા માટે નજર ઊંચી સિવાય ભાગ્યે જ ઊંચુ જુએ. કોઈનાય ચહેરા જોયા વગર તે નીચી નજરે પોતાનું કામ આટોપ્યા કરે.

નવને બે મિનિટે એ ચંપલ ઉતારી ભગવાનના ફોટા સામે અગરબત્તી સળગાવતો હોય અને નવને બારે સાહેબની કેબિનમાં ઝાપટઝૂપટ કરતો હોય. દસ સાડાદસ સુધીમાં બધાં આવી જાય એટલે ચા કૉફી પાણીબાણી આપી, સૂચનાઓ લઈ કામે વળગે અને બરાબર સાડા અગિયારે એ જાજરુમાં જઈ, બીડી સળગાવી બરાબર તેર મિનિટ માટે બેસે, ઘડિયાળ જોઈને જ વળી. લાગી હોય કે નહીં, હાજતે જવાનું એટલે જવાનું; ટાઇમ ટુ ટાઇમ. બરાબર એકને સાતે શેઠિયાઓના ભાણા પીરસી એ પોતાનું ટીફીન ખોલી જમવા બેસે અને એકને બાવીસે બધાની એંઠી પ્લેટો ઉપાડવા આવી જ જાય.

જો ભૂલેચૂકે પ્લેટમાં કશુંક આરોગવાનું બાકી રહી ગયું હોય તો તે વાનગી જમનારની શરમ રાખ્યા વગર ગનુના ટાઇમને માન આપી પ્લેટ ભેગી ઉપડી જ જાય સમજ્યાને? સૌ તેની આ ટેવથી સુપેરે વાકેફ હતા. શેઠિયાઓય ગનુના ટાઇમ પ્રમાણે ભોજન પતાવી દેતા. જો ભૂલેચૂકે જમવામાં એક મિનિટેય મોડું થાય તો બીચારી પ્લેટ સામસામી દોરડાખેંચની રમત માફક એવી ખેંચાય કે અંદરની વાનગી ઊછળીને ચારેકોર ફેલાઈને ભોંય ચાટતી થઈ જાય.

બપોરે બરાબર ત્રણને પાંચે ગનુને પેશાબ લાગેલી જ હોય. ટચલી આંગળી બતાવી, ગનુ બાથરૂમ જાય એટલે અમારે ઘડિયાળ જોવું જ ન પડે. કાંડા ઘડિયાળને દરરોજ ચાવી આપવી પડતી એ જમાનાની આ વાત છે.

સાંજે બધા ઘરે જવા નીકળી જાય પછી આઠમાં પાંચ કમે એટલે કે બરોબર સાતને પંચાવને ગનુ દુકાનના શટર પાડી દે. વરસાદની મોસમ જામે ત્યારે આ સમયમાં સાધારણ ફેરફાર કરવો પડે કારણ કે ત્યારે ઘરાકી ખૂબ જામેલી હોય. દુકાન વહેલી ખોલવી પડે અને બંધ કરવામાંય ગ્રાહકો હોવાથી સાધારણ મોડું થાય.

હવે આ પરિસ્થિતિમાં ગનુની સ્થિતિ ડામાડોળ થઈ જાય. ગનુને ઘડિયાળના કાંટા સાથે ફરવામાં ફેર પડે એટલે તેનું અકળાયેલું મગજ ટકટક કરતું એલાર્મ વગાડવા માંડે. કોઈક વાર તો એમ થાય કે તે ગ્રાહકને અંદર પૂરી દઈ એના ટાઈમે શટર પાડી દેશે તો કોઈ વાર કટાણું મોઢું કરી પગથિયા ચડતા ગ્રાહકને કહી દે, “કાલે આવજો. કાલ સુધીન વરસાદ નૈ પડવાનો. કાલે બીજા નવા માલ આવસે.”

તો કદીક તેની સહનશીલતા હદ વટાવે ત્યારે કહી દે, “વરસાદ બૌ પડવાનો, છત્રી કામ નૈ લાગવાના, બાજુમાં રેનકોટ મલતા છે, ત્યાં જાઓ.” શટર સાથે સેલ્સના ફિગર ડાઉન કરવામાં ગનુનો મોટો હાથ હતો પરંતુ ગનુ એક પણ નાનકડી છત્રી આમથી તેમ ન થવા દે. હવે આવા જૂના વફાદાર ગનુને શેઠિયાઓ ક્યાંથી ચાવી દઈ પાડી કે પલટાવી શકે?

એકવાર થયું એવું કે, ગનુના શટર પાડવાના સમયે મોટાશેઠના નવાસવા ભાગીદાર પુરૂષોત્તમભાઈ ઉર્ફ પરસોત્તમદાસ જે મદ્રાસથી આવેલા, તેમને નછૂટકે બાથરૂમ જવું પડ્યું. ચાર મિનિટ બાદ શેઠ બાથરૂમ બહાર તો નીકળ્યા પણ દુકાન બહાર ન નીકળી શક્યા. દુકાનનું શટર પાડી દેવાયેલું.

“માર્યા ઠાર!” તેમણે અંદરથી શટર ઠોક્યું, ગનુના નામની બૂમો પાડી પણ કંઈ ન વળ્યું. બહાર મોટા મોટા ખંભાતી તાળા મરાઈ ગયા હતાં જેની ચાવી ગનુ પાસે રહેતી અને આઠમી મિનીટે ગનુ ઘરે જતી બસમાં હતો. બસ ડ્રાઈવર પણ ગનુ ન દેખાય ત્યાં સુધી બસ થોભાવી રાખતો જોકે એવું ભાગ્યે જ થતું. બસ મોડી પડે, ગનુ નહીં.

બાથરૂમ બહાર નીકળવામાં ચાર મિનિટ મોડા પડેલા પરસોત્તમદાસે “બચાવો… બચાવો…”ની રાડો પાડી પણ બહાર મુંબઈનો ગાંડો ધોધમાર વરસાદ શરુ થયો તે સાથે બત્તીઓ થઈ ડૂલ થઈ અને ગભરાયેલા પરસોત્તમદાસના શરીરમાંથી વરસાદ ટપકવા માંડ્યો.

તે વખતે મોબાઈલ તો હતા નહીં. પરસોત્તમદાસની ટેલિફોનની ડાયરી જ્યાં ઉતરેલા તે હોટલની રૂમના ખાનામાં સુરક્ષિત હતી તેથી તેઓ પોતાને અસુરક્ષિત અનુભવવા માંડ્યા. તેમણે પોતાના ઘરે મદ્રાસ ટ્રંક કૉલ જોડ્યો તેમાંય લોચા પડ્યા. કોઈ દિવસ જાતે પોતે પોતાને ફોન નહોતો જોડવાનો આવ્યો તેમાં વળી ગભરાટમાંને ગભરાટમાં ફોનનો નંબર ખોટો જોડાઈ ગયો.

સામે ધર્મપત્ની શીલાને બદલે કોઈ લીલાએ તેમને “પૂરાઈ ગયો છું, તારી મદદની જરૂર છે” કહેવા બદલ ધમકાવી નાખ્યા, “પીધા પછી બફાટ કરે છે તે પૂરાઈ રહે. હું સું કરું? મનેય આખો દિ’ ઘરમાં પૂરીને બારમાં રખડ્યા કરસ, કઊં મનેય લઈ જા પણ ના. લે હવે કર મજ્જા.” કા… કા… કરતી અજાણી સન્નારીને સાંભળી પરસોત્તમદાસને ત્યાં પડેલી પોતાની છત્રી કાગડો થઈ ગયા જેવું ભાસ્યું.

મદ્રાસથી ખાસ મીટીંગ માટે આવેલા પરસોત્તમદાસ મુંઝાયા. તેઓ હૉટેલમાં ઉતરેલા. મુંબઈમાં કોઈ નહીં જે એમની રાહ જુએ. વળી આ કોમર્શિયલ વિસ્તારમાંની ઓફિસો, દુકાનો બંધ થઈ ગઈ હોવાથી બધું સૂમસામ હતું. રહેણાક વિસ્તાર ન હોવાથી આસપાસ કોઈ રહેઠાણ નહોતા કે ન કોઈ વસ્તી અને દુકાનમાં અંધારું ઘોર.

“આ તો ભારે થઈ. ” પરસોત્તમદાસ બબડ્યા. કેટલુંય મથવા છતાં ઘરનો ટેલિફોન નંબર યાદ જ ન આવે. એ તો સિગારેટ પીતા હોવાથી વળી ખિસ્સામાં લાઈટર હતું તેના અજવાળે આમતેમ ફર્યા અને પછી પોચા ગાદલા પર ઊંઘવા ટેવાયેલ બીચારા પરસોત્તમદાસે ઑફિસના ટેબલ પર લંબાવ્યું. છાપાનો હાથપંખો બનાવી, હવા ખાતાં જેમતેમ રાત પસાર કરી તેઓ સવાર પડવાની રાહ જોતા મચ્છર મારતા રહ્યા.

Photo by Jaikishan Patel on Unsplash

ટાઇમ ટુ ટાઇમ નવમાં પાંચે ગનુએ દુકાનનું શટર ઊંચું કર્યું. આ બાજુ અવાજ સાંભળી પરસેવે રેબઝેબ થયેલા પરસોત્તમદાસ સળવળ્યા. ગનુ ગૂંચવાયો. “ચ્યાઇલા!” તેણે કાચની કેબિનમાં અજાણ્યા ઇસમને જોઈ બૂમો પાડી, “ચોર… ચોર…”

ચોળાયેલા કપડા અને વેરવિખેર વાળવાળા પરસોત્તમદાસે દોડતા આવી ગનુના મોઢે પંજો દબાવી તેને બૂમો પાડતો અટકાવ્યો, “ભાઈ હું ચોર નથી. અહીંનો માલિક છું.”

“કાય?” ગનુ ચોંક્યો. “તો અંદર તુમી સું કરતા હોતા?”

“સૂ સૂ કરતા હોતા ગધેડા.” ભાષા પરનો કાબૂ ગુમાવી બેઠેલા પરસોત્તમદાસની કરૂણ કથની ગનુએ નવને બેએ ભગવાનના ફોટા સમક્ષ અગરબત્તી ફેરવતાં ફેરવતાં સાંભળી. “હું આ ક્યાં ફસાયો. બહુ બુમો પાડી પણ સાંભળે કોણ? ભાઈ, હવે મસાલાવાળી ચા લાવ, પીને હોટેલ પર જાઉં.” પરસોત્તમદાસે માલિકીદાવે હુકમ કર્યો. ગનુના સમયપત્રકમાં આવી આજ્ઞા પાલનનો સમાવેશ નહોતો વળી તેણે મોટાશેઠના આ નવા ભાગીદારને જોયા નહોતા કે તેમને ઓળખતોય નહોતો.

“એમ મારાથી દુકાન સોડીને ના જવાય. તુમ્હી જાવા હોય તો જાવ.” શંકાશીલ ગનુએ વાંધો ઉઠાવ્યો.

પરસોત્તમદાસ ગિન્નાયા. તેમણે ઝાપટ મારી ગનુના માથા પરની ગાંધીટોપી હવામાં ઉછાળી અને છત્રી ઉપાડી ગનુને મારવા ધસ્યા. સમયનો પાબંદ ગનુ સમયસૂચકતા વાપરી કાઉન્ટર પાછળ છુપાયો. કોઈએ આમ માથાની ટોપી ઉછાળી હોય તેવો પ્રસંગ ગનુના જીવનમાં પ્રથમ વાર બન્યો. પોતાની જાતને પરસોત્તમદાસની છત્રીના મારથી બચાવવા તેણેય એક છત્રી ખોલીને આડી ધરી દીધી.

“હું તારા મોટાશેઠ કરતાંય મોટો શેઠ, તેનો ભાગીદાર છું. ગઈકાલે કુલ્ફી તો મંગાવી હતી, મારા માટે.” પરસોત્તમદાસ બરાડ્યા. તેમણે છત્રી કાઉન્ટર પર જોરથી પછાડી તેમાં હેન્ડલ છૂટૂં પડી તેમના પગ પર પડ્યું અને એક લેડીઝ ફોલ્ડીંગ છત્રી ઉછળીને ગનુ પર પડી.

“તે મ્હીં નૈ જાણું. મને કંઈ માહિત નૈ. હું દુકાન સોડીને જાવાના નથી. તમે આ છત્રી તોડી તેના પૈસા આપો.” ગનુ મક્કમ હતો.

છેવટે કંટાળીને થાકેલા પરસોત્તમદાસે વરસાદથી બચવા એક છત્રી ઉપાડી જેવો બહાર જઈ ટેક્સી પકડવા પગ ઉપાડ્યો તેવો ગનુ ફરી સામો આવ્યો.

બે હાથે છત્રી ઝાલી લઈ તે બોલ્યો, “મોટા શેઠના ઑર્ડર છે. દરેક માનુસને બિલ તપાસીને જ દુકાનના બહાર છત્રી લઈ જાવા દેવાના. આના બિલ દાખવો.”

પરસોત્તમદાસને એવો તો ગુસ્સો આવ્યો કે છત્રી ઉગામી બરાડ્યા, “આ દુકાનનો હું માલિક છું બેવકૂફ. બિલ નહીં આપું જા. શું કરી લઈશ? ફોન લગાવ, બોલાવ તારા મોટા શેઠિયાને. પૂછ, પૂછ તેને હું કોણ છું.”

“તમને નહીં માલુમ કે તુમ્હી કોણ છે તો મારા શેઠને કેમ માલુમ પડનાર? બધા ચોરલોક આમ જ બોલતા છે.”

“બકવાસ બંધ કર અને ફોન લગાવ.” છેવટે હતાશ થઈ રડી પડેલા પરસોત્તમદાસે હાથ જોડ્યા ત્યારે ચારે બાજુ અસ્તવ્યસ્ત થઈ  વેરાયેલી રંગબેરંગી છત્રીઓ નીરખી ગમગીન બનેલા ગનુએ પોતાના જડ બુધ્ધિતંત્રમાં સુષુપ્ત પડેલી ચેતનાને સમયસર જાગૃત કરી, ફોનનું ચક્કરડું ઘુમાવ્યું.

“અરે ગનુ ઘનચક્કર આ તો મોટા સાહેબ છે. તેમને માટે ટેક્સી બોલાવ, ચાપાણી નાસ્તો કરાવ. દુકાનની ચિંતા ના કર નહીંતર મારી ફજેતી થશે અને મારે ધંધાની ચિંતા કરવાનો વારો આવશે.” મોટાશેઠે પરસોત્તમદાસની હકીકત જાણ્યા બાદ ગનુને જરૂરી સુચનાઓ આપી.

“પણ સાયેબ મારો કેબિન સ્વચ્છ કરવાનો ટાઇમ થૈ ગૈલા છે…” ગનુને વચ્ચેથી અટકાવી સાહેબે કહ્યું, “આજે નથી કરવાની મુરખ, જા.”

શેઠની સુચનાનું અમલ કરવામાં ગનુનું સમયપત્રક ખોરવાયું અને તેનો મૂડ આખો દિવસ બગડેલો રહ્યો પરંતુ પરસોત્તમદાસ એવા બગડ્યા કે ગનુની ખબર લઈ નાખવાનું મનોમન નક્કી કરીને જ બહાર નીકળ્યા.

બીજે દિવસે પુરૂષોત્તમશેઠ કડક કાંજી કરેલા ધોતિયા ઝભ્ભામાં વ્યવસ્થિત તૈયાર થઈ વટ પાડતા દુકાનમાં દાખલ થયા. તેમણે સ્ટાફના મેમ્બરો તરફ અછડતી નજર ફેંકી. સૌએ હાથ જોડી તેમનું અભિવાદન કર્યું. બીચારો શિયાવિયા ગનુ માથા પર ટોપી વ્યવસ્થિત ગોઠવી, કાઉન્ટર પાછળ લપાયો.

“ગનુ અમારો જૂનો ગુમાસ્તો પણ જરા અક્કલનો ઓથમીર છે. કામમાં ચોક્કસ અને સમયનો તો એવો પાબંદ કે ન પૂછો વાત.” મોટાશેઠે આવા ગનુને રાખવા બદલ તેનો પક્ષ મજબૂત કરતી સફાઈ આપી.

“હમમ… ટાઇમ ટુ ટાઇમ બધું એમને? એને કાંડે ઘડિયાળ નથી તો એ ટાઇમ શેમાં જુએ છે?”

“છે ને, આપણી દુકાનમાં આ સામી દિવાલે આ મોટું વૉલક્લોક છે ને.”

“હમમમ…આ ગનુનું ઘડિયાળ ફેરવી ન દઉં તો મારું નામ પરસોત્તમ નહીં.” વિચારી તેમણે ગનુને નાસ્તો લેવા માટે બહાર મોકલવા કહ્યું.

“જા ગનુ, ખાઉગલીના ગરમાગરમ સમોસા સાથે બે પાણીવાળા મસ્ત નારિયળ લેતો આવ.”

“હો શેઠસાહેબ.” કહેતો ગનુ દોડ્યો.

જેવો એ પેલી તરફ ઉપડ્યો તેવા પરસોત્તમદાસ આ તરફ સરક્યા. “આજે ગનુની વાટ લગાવું. ગઈકાલે તેણે મને હેરાન કરી દીધો. હવે જુઓ મજા. એવી વલે કરું ને કે…”

તેમણે સ્ટાફના એક માણસને કહી ઘડિયાળ એક કલાક આગળ કરાવી દીધી. ગનુની ગેરહાજરીમાં સૌને અગત્યની જરુરી સુચનાઓ અપાઈ ગઈ.

ગનુએ નાસ્તો લઈ આવીને ટેવ પ્રમાણે ઘડિયાળ જોઈ. માથું ખંજવાળ્યું, ફરી જોઈ. “ચ્યાઇલા, હે કાય? મલા આટલી વેળ લાયગી?” સાડા અગિયારનો સમય જોતાં જ નાસ્તો ટેબલ પર મૂકી એ બીડી લઈ જાજરુમાં ઘુસ્યો.

“ગનુભાઉ, લાગી કે?” મશ્કરા મોહને મૂછમાં હસતાં પૂછ્યું.

“હો, ટાઇમ થઈ ગયા.” ગનુએ બાથરૂમની સ્ટોપર વાસતાં કહ્યું અને કોમૉડ પર આસન જમાવી બીડી સળગાવી. સૌ એકબીજા સામે જોઈ મલકાતા રહ્યા.

પરસોત્તમદાસના ફરમાન મુજબ ગનુ બહાર નીકળે તે પહેલાં ઘડિયાળ તેના મૂળ સમય પ્રમાણે એક કલાક પાછળ કરી દેવાઈ.

બાથરૂમ બહાર નીકળેલ ગનુએ ટેવ મુજબ ફરી ઘડિયાળ તરફ નજર કરી. “હેં!” તેના ચહેરા પર મુંઝવણ લીંપાઈ ગઈ. તેણે આંખો ચોળી. માથું ખંજવાળ્યું. આમતેમ જોયું. બધાં નીચી ડોકીએ પોત પોતાનું કામ કરતા હતા. ‘ચ્યાઇલા.’ એ મનોમન બબડ્યો. ફરી નજીકથી ઘડિયાળ જોયું. તેને પોતાની ભૂલ સમજાઈ. મોટો કાંટો જોવામાં પોતે ગરબડ કરેલી એવું જાણી તે રોજિંદા કામે વળગ્યો. થોડી વારે ઘડિયાળમાં સાડા અગિયાર થયા. તેની ટેવ મુજબનો ટાઇમ થયો એટલે ફરીવાર જાજરૂમાં જઈ બેઠો. આ વખતે બધા હસવું નહોતા ખાળી શક્યા.

હવે પરસોત્તમદાસે ફરી ફરમાન છોડ્યું, “ઘડિયાળના કાંટા પિસ્તાળીસ મિનિટ પાછળ કરો.” ધંધામાં નાણા રોકવા માટે ખાસ મદ્રાસથી આવેલા ભાગીદાર પરસોત્તમદાસની આજ્ઞા ઉથાપવાનો પ્રશ્ન જ નહોતો.

ગનુએ બહાર નીકળી ઘડિયાળ જોઈ. તેને આખા શરીરે પરસેવો વળી ગયો. સૌ ચૂપચાપ કામ કરતા હતા. બીચારો ગનુ વારાફરતી બધાના મોઢા અને ઘડિયાળને તાકતો રહ્યો. તેને ચક્કર આવતા હોય તેવું લાગ્યું. ખુરશીનો હાથો પકડી લઈ તે દિવાલ પરની મોટી ઘડિયાળને તાકતો રહ્યો. થોડી વારે ફરી વૉલક્લોકમાં સાડા અગિયાર થયા અને ગનુને ક્લૉકરૂમમાં જવાનું તેડું આવ્યું. હવે જો તે ન જાય તો આખા દિવસનું સમયપત્રક ખોરવાઈ જાય.

બધા આતુરતાપૂર્વક ગનુ શું કરશે તે જાણવા તત્પર હતા. “ભાઉ, ટાઇમ થઈ ગયા. જાવ.” ગંભીર સ્વરે મશ્કરા એકાઉન્ટન્ટ કાપડિયા બોલ્યા.
“અગ્ગ આજે કાયતરી ગોંધળ થયા છે. આ ઘડિયાલ લાગે કે બગડી ગયેલા છે. મ્હીં નવિન સેલ નાખ્યા હોતા. જરા તમારી ઘડિયાલ જોઈને બોલા ને આત્તા કેટલા ટાઇમ થયેલા છે?”

“સાડા અગિયાર શાર્પ.” કાપડિયાએ ચોપડા બહાર ડોકું કાઢી કહ્યું. કાચની કેબિનમાંથી શેઠિયાઓ ગનુને જોઈ રહ્યા હતા.

ગનુને થયું પોતાની જ કંઈક ભુલ થઈ લાગે છે. તેણે ચોકસાઈ કરવા સેલ્સમેન પરીખને પૂછ્યું. સાડા અગિયાર સાંભળી એ બાથરૂમમાં પેઠો.

“ગનુ, તને કબજિયાત છે કે ઝાડા થયા છે?” કાપડિયા અને પરીખે એક સામટો સવાલ કર્યો.

“મારે ટાઇમ થાય કે જાવા પડે.” ગનુએ દયામણા ચહેરે જવાબ આપ્યો અને તે અંદર પેઠો.

“હવે તો બાથરૂમ બહારથી બંધ કરી એને પૂરી જ દો.” પરસોત્તમદાસ હસતા હસતા બોલ્યા.

“બીચારો ગનુ. એવું ના કરાય.” મોટાશેઠ પણ હસ્યા.

પછી તો ગનુએ નાસ્તાને ટાઇમે જમી લીધું અને જમવાને ટાઇમે નાસ્તો કર્યો. તેના મગજ સાથે તેનું પાચનતંત્ર પણ ગોટે ચડ્યું. બપોરે ત્રણને પાંચે પેશાબ જવાને બદલે હવે ખરેખર સંડાસ લાગી એટલે તે ફરી જાજરૂમાં જઈ બેઠો. ઉતરેલી કઢી પીવાઈ ગઈ હોય તેવા ચહેરે ગનુ બહાર નીકળ્યો ત્યારે પરસોત્તમદાસનો મિજાજ અને બાકીના સૌને હસતા જોઈ બધું સમજી ગયો.

“આવી મસ્કરી સેઠ?”

“ના ગનુ. આ તો અમસ્તી મજાક. આ લે તારી વફાદારીનું ઈનામ.” કહી મોટાશેઠે ગનુ સામે નવી નક્કોર કાંડાઘડિયાળનું બોક્સ ધર્યું, “તારા લીધે હવે અમનેય બધું ટાઇમ ટુ ટાઇમ કરવાની ટેવ પડી ગઈ છે. લે આ તારું ઈનામ પકડ હવે મારો બાથરૂમ જવાનો ટાઇમ થઈ ગયો. આજે તો તેં બાથરૂમ એવું રોકી રાખ્યું કે હવે એક પછી એક બધાની લાઇન લાગવાની. તારો ટાઇમ સાચવવા અમારેય પંદર મિનિટમાં તો જમી લેવું પડશેને પાછું અને હા હવે કોઈ આ ઘડિયાળને અડકતા નહીં હોં નહીંતર ગનુ બધાના બાર વગાડી દેશે.”

ગનુએ ગીફ્ટબોક્સ ખોલ્યું અને નવી નક્કોર સોનેરી રિસ્ટવૉચ પંપાળી. પહેલી વાર ગનુએ વોલક્લૉક મુજબ પોતાની કાંડાઘડિયાળમાં સમય સેટ કરવા માંડ્યો.

“હવે આને દરરોજ ચાવી આપવાના ટાઇમ કયા રાખવાના?” તેણે પૂછ્યું.

“બાર.” એ સમયે સૌનો એકસામટો જવાબ એ જ હતો.

“હવેથી દુકાનનું શટર પાડતા પહેલાં કોઈ બાથરૂમમાં નથીને એટલું જોઈ લેજે ભાઈ.” પરસોત્તમદાસ બોલ્યા.

“પણ તમે છત્રી તોડ્યા તેના પૈસા આપો. બિલ બનાવવા પડશેને?” ગનુ હજુય ગુંચવાયેલો જ હતો. ત્યાં વળી પેટમાં ચૂંક ઉપડી અને તે ઘડિયાળ સામે જોયા વગર જ જાજરૂ તરફ દોડ્યો. બધાં પોતપોતાના સમયે દુકાન બહાર નીકળી ગયા.

મોટાશેઠે બુમ પાડી, “ગનુ અમે જઈએ છીએ. દુકાનના શટર પાડી દે.”

ત્યારે બાથરૂમમાં બીડી ફૂંકી રહેલ ગનુએ અંદરથી બૂમ પાડી, “શેઠ, મ્હીં હજુન બાથરૂમમાં છું, લાગી છે પણ આવતી નૈ.”

– સુષમા શેઠ.

‘તમને હળવાશના સમ’ કૉલમ અંતર્ગત સુષમાબેન શેઠની કલમે અક્ષરનાદ પર લખાઈ રહેલા
બધાં હાસ્યલેખો અહીં ક્લિક કરીને વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ટાઇમ એટલે ટાઇમ : ગનુના કરમની કઠણાઈ..

  • Shraddha Bhatt

    મજા મજા! ગનુએ જે હસાવ્યા છે! પ્રિન્સેસ સ્ટ્રીટમાં સાચે જ બહુ જાણીતી છત્રીની દુકાન છે. મને તો એ દુકાન અને ત્યાં કરેલી ખરીદી યાદ આવી ગઈ. હાસ્યથી છલોછલ લેખ.

  • Himanshu Patel

    વાહ … તે ખૂબ જ રમુજી વાર્તા છે. મેં office સ્ટાફમાં આ વાર્તાની કડી શેર કરી અને અમને બધાને એક સમાન અનુભવ થયો છે … વાર્તા અને વાર્તાના અંત દરમિયાન અમારા હાસ્યને રોકી શકતા નથી.