મારી જૂના ઘરની નાનકડી બારી.. 4


બારી તો બને છે એ બારસાખમાં જડેલા નાનકડા બંધનો ખોલવાથી રચાતી પારદર્શિતાથી અને આ તરફ-પેલી તરફના ભેદ મટાડવાની આવડતથી. સાચે રે! ઘરની અને પપ્પાની વાર્તાઓની દુનિયા અને બહારની સંઘર્ષોથી ભરેલી દુનિયા વચ્ચે તું હંમેશા સેતુ બની રહી છે. સેતુ જ કેમ, તું બારી જ છે. તને બીજા કોઈની ઉપમા શું કામ? બારી એટલે બારી જ, જેમાંથી બીજું વિશ્વ દેખાય, જે પહેલા વિશ્વથી ક્યારેય દૂર ન લાગે.

મારી જૂના ઘરની નાનકડી બાળબારી,

હા, મેં તને જોઈ ત્યારથી તું નાનકડી જ હતી અને કેટલું સારું છે કે છેવટ સુધી તું નાનકી જ રહી. આવું નાના રહેવાનું વરદાન તારી જેમ મને મળ્યું હોત તો કેવી મઝા આવતે! જો કે જ્યાં સુધી તારી સાથે રહેવા મળ્યું, મારું બાળપણ જળવાઈ રહ્યું. એટલે જ તો મમ્મી ઘણી વાર કહેતી હશે ને, ‘ક્યારે મોટી થઈશ?’ (તને એક વાત કહું? હવે તો ક્યારેક દીકરી પણ આવી વાત કરતી હોય છે! એ પણ નાનકી..)

તું નાનકડી જ હતી ને- બે ફૂટ બાય બે ફૂટ- એટલે બહુ નાની! હવે તો બધાના ઘરોમાં જોઉં તો ચાર-ચાર ફૂટના ‘બારા’ જોવા મળે. તું હતી એવી બચ્ચું બારી બીજે ક્યાંય જોઈ નથી. અને મને તું ખાસ એટલે લાગતી કે મારા જ બેડ પાસે હતી ને! સાચું તો એ છે કે તું મને એટલી ગમતી હતી કે મારો બેડ મેં તારી પાસે રાખ્યો હતો. બેડમાં સુઈને તારી તરફ, ખરેખર તો તારી બહાર, તારી પેલે પાર જોવાની મઝા અલગ જ હતી.

સામે દેખાતા લીમડાની લંબાયેલી ડાળ, એના પર ઉડતા પોપટ અને જોરથી આવતા પવન સમયે પેલી ડાળીઓ હાલી ઉઠતી અને આપણને બંનેને  એકાદ પળ તો એવું લાગી આવતું કે હમણાં એ ડાળી ઘરમાં આવી જશે. જો એ ડાળી આપણા ઘર સુધી આવી જાત ને, તો તારામાં લીમડો ઉગ્યો હોય એવું જ લાગતે ને! તારા પર કોઈ સળિયા કે પડદા ન હતા, એટલે તારામાંથી આવતું અજવાળું અને અંધારું કોઈ પણ ટુકડાઓમાં તૂટ્યા વગર આખેઆખું મળતું. અને આખેઆખું મળે એની તો મઝા જ અલગ છે ને દોસ્ત! આખી ચોકલેટ, આખી ચા, આખી યાદો…!

તારી બારસખને કોણીઓ ટેકવી બહાર પસાર થતા વાહનો તો જોયા જ છે પણ કેટલીય સાંજ અને રાત જોઈ છે! તનેય યાદ હશે ને, એ ભરચક વિસ્તારના આપણા ઘરમાં રવિવારની સવાર અને રવિવારની સાંજ અલગ જ રહેતી! ખૂબ જ ટ્રાફિકથી ભરચક રહેતો રસ્તો એ દિવસે જાણે ‘મિનિ વેકેશન’ મનાવતો. સાંજ પણ ગુલાબી થઈ જતી. તારી બારસાખે ચાનો કપ લઈ કેટલીય વાર એવી રવિવારી સાંજો જોઈ છે!

મને યાદ છે, એ પહેલી વખતનો ઉજાગરો. બેડની બાજુના ટેબલ પર રહેલું  ટેપ રેકોર્ડર અને એમાં બર્મનદા અને કિશોરનું અદભુત કમ્પોઝીશન -ચિનગારી કોઈ ભડકે – કેટલીયે વખત રિપીટ કરી કરીને સાંભળ્યું હતું. ત્યારે તારી બહાર જોતા જોતા, બેડમાં પડયા પડયા કેટલા વિચારો આવતા જતા રહેતા હતા.

એક વાર તો તારા માટે એટલી ભાવુક થઈને એમ પણ કહેલું કે જ્યાં પણ કશે જઈશું તો આ બારી સાથે લઈને જઈશું. પણ ત્યારે એ ક્યાં ખબર હતી કે સાથે ફક્ત એક ફ્રેમ કે બારસાખ લઈને જવાય છે, બારી નહિ. બારી તો બને છે એ બારસાખમાં જડેલા નાનકડા બંધનો ખોલવાથી રચાતી પારદર્શિતાથી અને આ તરફ-પેલી તરફના ભેદ મટાડવાની આવડતથી. સાચે રે! ઘરમાં અને વિચારોમાં ઘર બહારની દુનિયા ક્યારે પ્રવેશી કબજો જમાવી લેતી એ તારી સાથે ખબર જ ન પડી!

છાપરાવાળા મકાનમાં ધાબે સુવાનો લહાવો ન મળ્યાનો વસવસો ક્યારેય આવ્યો જ નહિ કારણકે તારી સાથે બહાર દેખાતું રાત્રિનું આકાશ મને ભગવાને મારા નામે કરેલી મિલકત જેવું લાગતું. તારા એ ચોરસ ટુકડામાંથી દેખાતા આકાશને હું હંમેશા એક હાથરૂમાલ જેવું જ સમજતી. તારા બે  ફાટકીયા ખોલ્યા કે આપણો મખમલી હાથરૂમાલ હાજર! કયારેક વાદળી, ક્યારેક કેસરી ક્યારેક ભૂરો, ગ્રે અને સૌથી ગમતો તો કાળો,પણ સાવ કાળો ડીબાંગ ન હતો! એમાં ઘણા તારા દેખાતા.

તને યાદ છે? અડધી રાત્રે જાગીને આપણે સાથે સપ્તર્ષિ જોતા. પાછી સામેની ચાની રેંકડી સવારે સાડાચારે ખુલે અને પહેલી ચા એ ધરતી માતાને અર્પણ કરી રોડ પર રેડે ત્યારે આપણો બંનેનો કેવો હાયકારો નીકળી જતો! ‘અમે પણ ધરતીના માતાના સંતાન છીએ. અમને આપી હોય તોય એટલું જ પુણ્ય મળે!’ પણ હાય રે એ ટાઢી સવારમાં રોડ પર રેલાતી ઉની ઉની ચાના સમ! મોમાં પાણી આવી જાય પણ ચાવાળાને એવું કહેવાયુંય નહિ!

તારી ઘણી બધી વાતો ખાસ હતી પણ તને સૌથી ખાસ બનાવતી વાત તો એ હતી કે તારી ઉપર કે નીચે, ક્યાંય છજ્જું ન હતું. એના એટલા બધા ફાયદા હતા. વરસાદ આવે તો સીધો છજાના ઘૂંઘટ વગર ઘરમાં આવી શકતો. અને મારી પથારીમાં ફરફરતી વાછટથી ભીંજવતો રહેતો. હાથ પણ લંબાવવો ન પડે અને તોય વરસાદની હાજરી સીધી અંદર! વરસાદ પડે ત્યારે એની તીવ્રતા આપણા રૂમની ઉપરના છાપરા પર પડતા વરસાદના અવાજથી સંભળાતી અને તારી સાથે દેખાતી. એટલે તું વરસાદ જોવા માટે મારી આંખ હતી અને છાપરું મારા કાન! તમારા બેય સાથે વરસાદ જાણે દ્રશ્ય શ્રાવ્ય બની જતો. એ પણ સરાઉન્ડ સાઉન્ડ ઈફેક્ટ સાથે!

તારી સાથે વિતાવેલી સૌથી મીઠી યાદ છે રાહ જોવાની! અમસ્તી રાહ જોવાની. કોઈ વ્યક્તિની નહિ પણ રાત થવાની, સાંજ પડવાની, અડધી રાતે ચામાંથી નીકળતી વરાળ જરા ઓછી થાય એની રાહ જોવાની. લોકો પ્રતીક્ષાને બોરિંગ કેમ કહેતા હશે? મને તો ખૂબ મઝા આવતી. કેટલું સારું હતું કે ત્યારે આ ઈન્ટરનેટ કે હાથવગા મોબાઈલ ન હતા એટલે પ્રતીક્ષાની એ અઢળક પળોને કોઈ અભડાવતું નહિ. હા, ક્યારેક મમ્મી કે ફોઈની બૂમ સંભળાઈ જતી પણ એ તો બધું ચાલ્યા કરે!

આપણે સાથે કેટલા તહેવારો માણ્યા છે. ધુળેટીના દિવસે ફેંકાતા એ રંગો ભરેલા ફુગ્ગા કે પછી દિવાળીના દીવાની ઝગમગ! અને ઘરની દરેક બારીએ દીવા મુક્યા પછી, એ કેવું દેખાય છે એ જોવા ઘરથી થોડી દુર જઈ હું એ જોતી. સ્કૂલમાં ચિત્રકામમાં જે ઘર દોરતા, ઉપર ત્રિકોણ છાપરું અને એની વચ્ચે બારી- તું બિલકુલ એવી જ લાગતી! ક્યારેક મને થતું કે પપ્પા પાસેથી સાંભળેલી ઉડતા ઘોડાની વાર્તાનો ઘોડો જો સાચે જ બારીમાંથી મારા રૂમમાં આવે તો? તો કદાચ હું આવવા પણ ન દઉં. એના પગથી તારી નાનકડી બારસાખને કંઈ થાય તો? અને ક્યારેક એમ પણ થતું કે પેલો આપણો ગરબો છે ને…

‘ઉંબરે ઉભી સાંભરું રે બોલ વાલમના..’
એમાં ‘ઉંબરે ઉભી’ ને બદલે ‘બારીએ બેઠી’કરી નાખું, તો કેવું?
પણ પછી બારી માટેનું પણ એક અદ્ભુત ગીત મળ્યું હતું.
‘મેરે સામને વાલી ખિડકી મેં
ઇક ચાંદ કા ટૂકડા રહેતા  હૈ…’

‘પડોસન’ ફિલ્મ જોયા પછી મને એવી ઘણી ઈચ્છા થતી કે આપણા બે માટે કોઈ આવું ગાય તો કેવી મઝા આવે! પણ તને તો ખબર જ છે! આપણા ઘરની સામેનું ઘર એટલું દૂર હતું અને વળી એની બારી પણ પેલા લીમડાના ઝાડની ડાળીઓથી ઢંકાઈ જતી. રોડના સામેના છેડેના એ ઘરમાં કોણ હતું એ ય ખબર પડતી નહિ તો પછી કદાચ ત્યાં કોઈ ગાતું હોય, ને આપણને સંભળાયું ન હોય એવું ય બને ને?

કોણ માનશે કે શહેરના ભરચક વિસ્તારમાં ફક્ત બીજા માળની બારીએથી પણ સૂર્યાસ્ત દેખાય! ફક્ત સૂર્યાસ્ત અને તારાઓ ભરેલી રાત જ નહિ, તડકે લારી ખેંચતા મજુરોને ઘડીક વિસામો લેતાય જોયા છે અને મુશળધાર વરસાદમાં ભાગીને સામેની દુકાનોના ઓટલા કે છાપરા નીચે પહોંચતા વટેમાર્ગુઓને પણ જોયા છે. તારી જ સાથે ડબલડેકર બસની ઘરઘરાટી પણ સાંભળી છે અને રાતના પાછલા પહોરે ટ્રેનની વ્હીસલનો અવાજ પણ સાંભળ્યો છે. વરઘોડાઓમાં હરખભેર નાચતું યૌવન પણ જોયું છે અને ‘રામ નામ સત્ય હૈ’ ની ધૂન સંભળાવતી અંતિમયાત્રાઓ પણ જોઈ છે.

ઘરની અને પપ્પાની વાર્તાઓની દુનિયા અને બહારની સંઘર્ષોથી ભરેલી દુનિયા વચ્ચે તું હંમેશા સેતુ બની રહી છે. સેતુ જ કેમ, તું બારી જ છે. તને બીજા કોઈની ઉપમા શું કામ? બારી એટલે બારી જ, જેમાંથી બીજું વિશ્વ દેખાય, જે પહેલા વિશ્વથી ક્યારેય દૂર ન લાગે.

શું બધા પાસે આવી એક બારી હોતી હશે? જેમાંથી આકાશ દેખાય, ઝાડ દેખાય, સામેની શંકર વિજય હોટલ દેખાય, ત્રિભેટે મળતા ત્રણ રસ્તા દેખાય. એક રસ્તેથી આખા બજારની સુગંધ ઘરમાં આવતી. બીજા રસ્તેથી આવતી વાહનોની વસ્તી, જે ક્યારેય એકલતા ન અનુભવવા દે! મને લાગે કે જે ઘરમાં તારા જેવી બારી હોય ને, એ ઘરમાં એકલતા ક્યારેય પ્રવેશી ન શકે. તું દરવાન હતી, સિલેક્ટેડને જ અંદર જવાની રજા, બાકીના માટે ફાટકીયા બંધ! પણ આપણી વાતોની બારી તો હજુ હવે ખુલી છે! હજુય ઘણા દ્રશ્યો આપણે સાથે બેસી જોવાના માણવાના બાકી છે.

તો મળતા રહીશું.
આપણી જૂની ગળચટ્ટી વાતો વાગોળતા રહીશું.
લિ. બારીએ બેઠેલી
– નેહા

નેહા રાવલની કલમે ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત લખાયેલા આવા જ સુંદર પત્રો વાંચવા અહીં ક્લિક કરો..


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “મારી જૂના ઘરની નાનકડી બારી..

  • DHIRAJLAL GULABBHAI PARMAR

    એકદમ ગળચટ્ટુ, સિદ્ધે સિદ્ધુ ઉતરી જાય એવું.જરા પણ ઝંઝટ જ નહિ.
    વાંચવાની મઝા પડે.
    બારીઓ જેને કમ્પ્યુટર ની ભાષામાં Window કહે છે version Update થયા જ કરે,હજુપણ કઈક નવું આવશે ની આતુરતા.
    સુંદર લેખ.