સીતાનું હરણ કે હરણની સીતા.. 5


જીવનમાં અમુક ઘટનાઓ એવી બની જાય કે તે બરાબરનો પાઠ ભણાવી જાય છે. બિચારા પત્ની પીડિત મોહનલાલ, તેમના માલદાર સસરાને ખાડામાં ઉતારવા જતાં પોતે તેમાં પડી ગયા. છેવટે તો ધાર્યું ધણીનું થાય. તેમની આ કરૂણ કથની વાંચીને હસતા નહીં, તમને હળવાશના સમ.

woman in accessories resting on ornamental fabric on black background
Photo by Alena Darmel on Pexels.com

મોહનલાલના ઘરમાં સવારની ચા પીવાય તે સાથે જ ચાના નામને સાર્થક કરતો વાઘ ગરજતો હોય તેવી ગર્જનાઓ થાય. સામે બકરીનું બેં… બેં… સંભળાય. જેવી ચા તેવા તે બંને.

“ક્યારે અક્કલ આવશે? તમને કીધું’તું કે ખૂણાવાળી દુકાનેથી પડવાળા ખારી લાવજો તેને બદલે સામેની લારીએથી આવાં સસ્તા તમારા જેવા હાવ હવાયેલા બિસ્કિટ ઉપાડી લાયા. હેંડો જાઓ આ બદલીને બીજા ક્રીમવાળા લાઈ આલો. મારે નાસ્તામાં ખાવા છે. સાથે ચવાણુંય લેતા આવજો.” શરીરે ચડેલા પડ પંપાળતી સરલા હવાતા પહેલાં પોતે ખારી થઈ ગઈ.

“તે તું જાને. સહેજ ખુલ્લી હવામાં બારે આંટો મારીશ તો પછી ક્રીમ પચાવવામાં હારું પડશે અને તારૂં વજન…બ..બ..બેં.” બ્યાંશી બોલતા બોલતા મોહનલાલ સરલાના મોટા તગતગતા ડોળા જોઈ બાકીનું વાક્ય ચા સાથે ગળા હેઠળ ગટગટાવી ગયા. તેઓ પોતાની ચવાયેલા દાતણના કૂચા જેવી મૂછો ચાવવા માંડ્યા.

“ગર..ર ગર..ર…” સરલા કાંઈ બોલી નહોતી તોય મોહનલાલને સંભળાયું.

મોહનલાલને તેમના સસરાની એકની એક દીકરી સરલાનો એટલે કે તેના પૈસાદાર પપ્પાના પૈસાનો મોહ જાગ્યો ત્યારથી બીચારા તેના ભાર તળે દબાયેલા રહેતા. બ્યાંશી કિલોની વજનદાર સરલા શરીરે ભારે ખરી પરંતુ તેના પપ્પાનો કારોબાર વધુ ભારે હોવાથી મોહનલાલ સરલાનો ભાર વહન કરવા રાજી થઈ ગયા અને તેને પરણી ગયા. વળી સસરાએ સમાજમાં નાક ઊંચુ રાખવા જમાઈને મસ્ત ફ્લેટ લઈ આપેલો જો કે એ સરલાને નામે હતો એ જુદી વાત છે. ભારેખમ સરલા તેના નામ જેવી સરળ નહોતી.

“જાઓ આ હાડી લઈ જાવ. બજારમાંથી આવા રીંગણી કલરનું મેચીંગ બ્લાઉઝ લેતા આવજો. જૂનું હવે ટાઇટ પડે છે. ચશ્મા ચડાવીને કલર જોજો પાછા. હારોહાર આ જૂનું પોપટી કલરનું દરજીને આલતા આવજો કે’જો કે ખૂલે એટલું ખોલી નાખે. યાદ રાખજો પાછા. રીંગણી લાવાવવાનું છે અને પોપટી આલવાનું છે. હેંડતા થાવ મારું મોં હું જોયા કરો છો તે.” સરલાએ ખુલ્લા દિલે હુકમ છોડ્યો.

“કામવાળાય ન કરે તેવા કામ મારી પાંહે કરાવે છે તે તું જ જાને અલી. હવાફેર થશે અને આ સોફો બીચારો દબાઈ ગયો છે તેનેય જરી રાહત…” મોહનલાલ મૂછો ચાવતાં બોલ્યા.

પાછા સરલાના મોટા ડોળા તગતગ્યા. “મારે ઘરનું ધ્યાન રાખવાનું હોય વળી મારી ટીવીની સિરીયલો મીસ્સ ન કરાય.” કહી સરલાએ ડ્રાયફ્રૂટવાળો ચેવડો મોટા બાઉલમાં ભરી ટીવી સામેના સોફા પર બેઠક જમાવી.

“હેંડો જાઓ. ટાઇમસર ફેક્ટરીએ પૂગી જાજો પાછા.” જાણે કૂતરાને ભગાવતી હોય તેમ મોહનલાલને તેણે ભગાવ્યા. સિરિયલના રંગમાં ભંગ ન પડવો જોઈએ.

રીંગણી કલરનું રીંગણું લઈ દુકાને ગયેલા મોહનલાલને ગળા સુધી ખાતરી રહેતી કે બીજા દિવસે હડી કાઢીને એ બ્લાઉઝપીસ બદલાવવા જવું પડશે માટે તેઓ દુકાનદારને વિનંતી કરી, પગે પડી આખેઆખો તાકો જ ઉપાડી લાવતા, ”એલા એ, કાપતો નૈ, કાપતો નૈ ભૈશાબ, ઓલી મને કાપી કાઢશે. મારા પૈશા કપાશે તે નફામાં.”

‘લા… હું આમા ક્યાં ભરાણો?’ દર મહિને ઘોડા પર ચડી પંખાઓ લૂછતા મોહનલાલ પંખાને પૂછતા. ઘરખર્ચના નાણા સરલા પાસેથી મેળવતા નિરાશ મોહનલાલ વિચારતા રહેતા, ‘હાળુ કરવું શું?’ ઘરનાં ફુલ ટાઇમ કામ એટલે કે સરલાએ સોંપેલા કામ પતાવી મોહનલાલ સસરાની ફેક્ટરીએ પાર્ટ ટાઇમ જતા. તેમને અપાતો ચોક્કસ પગાર સરલાના બેન્ક ખાતામાં જમા થતો. અડધો દિવસ પત્યા બાદ ફેક્ટરીએ પહોંચતા મોહનલાલનો પગાર તેમના કડક કંજૂસ સસરા દ્વારા, તાકામાંથી બ્લાઉઝપીસને ધારદાર કાતરથી કાપીને છૂટૂં પડાય તેમ બેરહેમીપૂર્વક કાપી નખાતો. મુંઝાયેલા મોહનલાલ પોતાની આપદા ન કોઈને કહી શકતા અને ન સહી શકતા. તેઓ પોતાની વહાલી મૂછો ચાવ્યા કરતા અને પોતે જાણે પત્નીના હાથનું રમકડું હોય તેવી બેહૂદી લાગણીઓથી પીડાયા કરતા.

ઘરના દરેક કબાટની ચાવીઓ સરલા હસ્તક રહેતી. ત્રાસવાદી પત્નીના આતંકમાંથી છૂટવાના ઉપાયો મોહનલાલ શોધ્યા કરતા. તેવામાં એક ગજબનાક આઇડિયા તેમના કટાયેલા મગજમાં ચમક્યો. ‘આફરીન આફરીન’ પોતાના આઇડિયા પર તેઓ ખુદ ચમકીને પછી ચમકતા રહ્યા. ચવાઈને આડીઅવળી થઈ ગયેલી મૂછને તેમણે આંગળીઓથી મઠારી.

શાક લેવાના બહાને ઘર બહાર છૂટેલા મોહનલાલે જાહેર શૌચાલયમાં ભરાઈ, લંબાઈમાં ટૂંકા એવા ખ્યાતનામ કુખ્યાત ભાઈ બટુકબાબલાને ફોન જોડ્યો.

“ઓ મોટા, ઓ ભઈ, પચ્ચી લાખ આલીશ. પેલી વાઘણને કિડનેપ કરી ગમે તાં લઈ જા. પૂરા કરોડ માંગજે એથી ઓછા નહીં. એનો બાપ સૉલિડ પાર્ટી છે. પચ્ચી તારા, બાકીના મારા હમજ્યો? ફોટા, વિગતો પેલો ખૂણામાં કાંદા વેચે છે એ પ્યાજભજ્જીને આપી દઉં છું, હવેથી આપણે કોડવર્ડમાં વાત કરવાની હમજી ગ્યો?”

પ્યાજભજ્જી આ ભૂમિ પર અવતરવાનો હતો ત્યારે વારંવાર બેભાન થઈ જતી તેની માને વારંવાર કાંદો સુંઘાડવો પડતો. ભાનમાં આવતાં જ તે કાંદાના ભજીયા ખાવાની જીદ કરતી.

બટુકબાબલો જનમથી જ બટાકા જેવો નહીં પરંતુ નાની બટાકી જેવો સાવ બટકો રહ્યો. ગમે તેવી ભીડમાં તે નજરે ન ચડે. પોલીસના બે પહોળા ટાંટિયા વચ્ચેથી સરકી જવાની આદતને લીધે ભાઈ બની બેઠો. ફોનમાં બાબલો ગમે તે સમજ્યો પરંતુ બાજુના જાજરૂમાં બેઠેલો મુકોમુંડો બધું સમજી ગયો. મુકાનો કપોળ કલ્પિત બાપ વારંવાર મરી જતો એટલે કે એ મૌખિક રીતે ઉપજાવી કાઢેલા પોતાના બાપને મારી નાખતો અને લોકોની સહાનુભૂતિ મેળવવા તે વારંવાર માથે મુંડન કરાવતો. ઝટપટ હાજત પતાવી, હાથ ધોયા વગર તે પ્યાજભજ્જી પાસે પહોંચી ગયો, “મેરેકુ બટુકબાબલા ભાઈને ભેજા. બોલે તો વો ફોટુ, અતાપતા સબ અપુનકો દેદો.”

“કોડવર્ડ બતા.” પ્યાજભજ્જી ઊવાચ્યો.

“ભેજાફ્રાય.” મુકામુંડાએ આમતેમ નજર ફેરવી પછી બાપને મારવા જેવું જ સૉલિડ ગપ્પુ માર્યું. પ્યાજભજ્જીએ કોડવર્ડની ખરાઈ કરવા બટુકબાબલાને ફોન જોડ્યો.

“ભેજાફ્રાય?” તેણે પૂછ્યું.

“ઓકે.” બટુકબાબલાને એમ કે આ કોડવર્ડ આપી માણસ મોકલવાનો છે. તેણે બિયરબાટલીને પ્યાજભજ્જીને ત્યાં મોકલ્યો. બિયર સાથે કાંદાના ભજીયાની જયાફત ઉડાવી બાટલી પાછો ફર્યો.

ખરો ગોટાળો થયો. સરલાના અપહરણની વિગતો બિયરબાટલી મારફત બટુકબાબલાને મળે તે પહેલાં મુકામુંડાને મળી ગઈ. મુકોમુંડો ઉપડ્યો સરલાને સરનામે. ગોળગોળ ઘૂમી, આગળપાછળ, આડુંઅવળું ઊપરનીચેથી તેણે ઘરનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. તેને એમ કે બટુકબાબલો સરલાને ઉપાડે તે પહેલાં પોતે એ કામ પતાવી દે તો પચ્ચીસ લાખ ચપટી વગાડતાને વચ્ચેથી જ સરકાવી લેવાય. ઘરનો નકશો મોઢે કર્યા બાદ તેણે સરલાનો ઈતિહાસ ભૂગોળ તપાસવા માંડ્યો. ત્રણ દિવસ ટાંપીને બેઠો પણ સરલા પોતાની ટીવી. સિરિયલ છોડીને ઘર બહાર નીકળે તો ને?

નળ રીપેરિંગના બહાને ઘરમાં પેઠેલા મુકામુંડાને ‘સરલા’ નામના અઘરા વિષયનું રસાયણ અને ભૌતિક વિજ્ઞાન સમજાઈ જવાથી, તેના અપહરણનો વિચાર પાતળો પડવા માંડ્યો.

‘યે તો બોત ભારી આઇટમ હય બાબા. બોલે તો યે અપુન કે બાપ કે બદલે અપુનકો ટપકા દેંગી. ઇસકો ઉઠાનેકે બદલે ઉસીકી સાઇડ મેં જાનેકા વો ઇચ બરાબ્બર હોયેંગા. ક્યા જક્કાસ આઇડિયા લગાયા ભીડૂ.’ વિચારી તે જાતેપોતે ખુશ થયો.

હવે તેના ફળદ્રુપ ભેજાનો આઇડિયા એવો હતો કે, સરલાપક્ષે ભળી જઈ તેનું અપહરણ થવાનું છે એ બાબતે તેને ચેતવી દેવી. આમ તેના બાપાના કરોડ બચાવવાના બદલામાં પચ્ચીસ લાખ માંગી લેવા બાકી જે મળે તે ખરું. પોતે ગુનો કરતાં કે પોલીસના હાથે પકડાઈ જવાથીયે બચી જાય. ભવિષ્યમાં બાપને મારી મુંડન કરાવવાની જફા ન રહે.

વિગતોનો કાગળ તે હાથોહાથ બટુકબાબલાને પહોંચાડવા ગયો. “ભેજાફ્રાય” મુંડાએ કોડવર્ડ કહ્યો તે સાંભળી બાબલાને એમ કે પ્યાજભજ્જીએ તેને મોકલ્યો છે. કોડવર્ડ ટનાટન એટલે કે કરેક્ટ હતો.

હવે બટુકબાબલાએ પોતાના ખાસમખાસ બિયરબાટલીને સાધ્યો. તેને બિયરની ખાલી બાટલીઓ ભેગી કરવાનો શોખ હતો. તેમાંને તેમાં એ બિયર ઢીંચી જતો. પરફેક્ટ પ્લાન ઘડાઈ ગયો.

બિયરબાટલી નિર્ધારિત સમયે સૉલિડ પ્લાન મુજબ શાકભાજીની રેંકડી લઈ સરલાના ઘર સામે ઉપસ્થિત થયો. ‘આલુ લે લો, પ્યાજ લે લો.’ સંકેત આપવાને બહાને તેણે બૂમો પાડી. મોહનલાલ શાક લેવાના બહાને આવે અને ‘ઑલ ક્લિયર’નું સિગ્નલ આપે ત્યાં સુધી એકાદ બાટલી ગટગટાવી, બિયરબાટલી તૈયાર રહે પછી બટાટાની ખાલી ગુણ લઈ શાકબકાલુ આપવાના બહાને સરલાને ક્લોરોફોર્મ સુંઘાડી, બેભાન કરી, સરળતાથી દબોચી લઈ, ગુણમાં પૂરી રેકડીમાં ઘાલી, રેકડી પૂરપાટ ભગાવી જાડીનું અપહરણ કરી જાય. આગળ પ્યાજભજ્જી ટ્રકમાં રાહ જોતો હોય.

લેકિન કિંતુ પરંતુ, પામર મનુષ્ય ધારે છે કંઈ અને શક્તિમાન સરલાદેવીઓ કરે છે કંઈ. મુકામુંડાએ ચેતવી દીધા મુજબ સરલા અગાઉથી સુસજ્જ હતી.

જેવો બિયરબાટલી બારણે ડોકાયો કે સરલાએ તેનો કૉલર પકડી અંદર ખેંચ્યો. બીચારાને એવી ફેંટ મારી કે એ ગેંગેંફેંફેં થઈ તમ્મર ખાઈ નીચે પડ્યો. રસોઈયા અને નોકરે, વેલણ અને લાકડી વડે તેને ઢોરમાર મારી અધમૂઓ કરી મૂક્યો. મોઢે ટેપ મારી, હાથપગ બાંધી, ભંગારમાં આપવાની ખાલી બાટલીઓ પડી હતી તે માળિયે ચઢાવી દીધો અને માળિયું વાસી દઈ બહારથી મોટું તાળુ મારી દીધું.

ઘરમાં અગાઉથી પ્લંબર તરીકે હાજર મુકામુંડાએ અવાજ બદલીને બટુકબાબલાને ફોન જોડ્યો, “તેરા કબૂતર અપુનકે પીંજડેમેં કૈદ હૈ, અગર છુડવાના માંગતે હો તો બીગડેડી કે કારખાનેમેં રાતકે તીન બજે એક ખોખા ઔર એક પેટી લેકર આ જાના, તુમારા બેવડા પારસલ મિલ જાયેંગા. લે સુન લે. ગડબડ કિયા તો સરલા તેરી ભી વાટ લગા દેંગી ક્યા?” કહી તેણે બિયરબાટલીનો માળિયા બહાર સંભળાતો અસ્પષ્ટ બબડાટ તેણે બાબલાભાઈને સંભળાવી દીધો.

બટુકબાબલો ગભરાયો. આ બાજુ મોહનલાલ શાકની ઝોળી હલાવતા ઘરમાં પ્રવેશ્યા. સરલાને સલામત જોઈ પોતે અસલામતી અનુભવતા સીધા બાથરૂમમાં પેઠા. મૂછો ચાવતાં ચાવતાં તેમણે બટુકબાબલાને ફોન જોડ્યો, “મોટા ભઈ, ક્યા હુઈ?”

“અબે હુઈ હુઈ મત કર. હુઇજા. તેરી સરલાને હમારે બેવડેકોઈ ચ હુવડાવી દીધા. વો આઇટમ અબ્બી પેટી કે ઉપરસે ખોખા ભી માંગતી. બિયરબાટલી અપુનકા બોત કામકા આદમી. ઊસકે બિગૈર હમ ક્યા કરેંગા?” ભાઈ રડવા જેવો થઈ ગયો.

મોહનલાલ સમજી ગયા. પોતાનો ઘંટ વાગે તે પહેલાં ટીવી સામે ખોડાયેલી ધર્મપત્ની પરત્વે પતિધર્મ બજાવવા બેસી ગયા. ડોળા કાઢી સરલાએ પૂછ્યું, “કંટોડા લાવ્યા?”

“અરે આખી ગુણ લાવ્યો, ખાધા કરજે.”

“હા, તે તમારે આમ ગુણ ભરીને શાક લાવ્યા કરવું, ખોખા અને પેટીઓ તો હામ્મે ચાલીને આવે છે. જુઓ રાત્રે તૈણ વાગે પપ્પાની ફેક્ટરીએ માળિયે મૂઇકી છે તે એક ગુણ મૂકતા આવજો અને હા, પેલો જે ખોખાં, પેટી આલે તે હાચવીને લેતા આવજો પાછા ભુલતા નૈ નકર પોલીસને… હમજી ગ્યા?”

પત્નીને પાકે પાયે સમજી ગયેલા બીચારા મોહનલાલ માળિયાને તાકતા રહ્યા. સરલાએ જોયું, આજે તેઓ મૂછ ચાવવાને બદલે પોતાના માથાના વાળ ખેંચી રહ્યા હતા.

માળિયે ચડાવાયેલો બિયરબાટલી ત્યાં પડેલી ખાલી બાટલીઓ ગણીને બોલ્યો, “બેં… બેં…બેંત્તાલીસ…” સરલાની ગર્જનાઓ ઘરમાં ગૂંજતી રહી, “ગરરર…”

— સુષમા શેઠ

સુષમાબેન શેઠની આ કૉલમ તમને હળવાશના સમ અંતર્ગત પ્રસ્તુત બધા લેખો અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “સીતાનું હરણ કે હરણની સીતા..