આમ ચાલ્યા જવું.. – મયુરિકા લેઉવા બેંકર 6


એની પાસે છે ચૂપચાપ વૃદ્ધિ પામવાનું સત્ય, કાનોકાન ખબર ના પડે તેમ કળીઓ પ્રગટાવવાનું રહસ્ય, કોઈ જ શોરબકોર વિના ફૂલો મહોરાવવાનો કસબ અને એ ફૂલોમાંથી દેખાય નહીં, પકડાય નહીં માત્ર પામી શકાય એવી સુગંધ પ્રસરાવવાની કળા!! કયા મુહૂર્તમાં વેલી વૃક્ષને વીંટળાઈ વળે છે એ સહજીવનની મધુરતા અને કઈ ધન્ય ક્ષણે બીજ ફાટીને ફણગે છે એ સર્જનની સરળતા જેટલું જ જીવન મધુર અને સરળ છે. આ અને આવાં અનેકાનેક સત્યો જણાવવા અને સૌંદર્યો મણાવવા લીલોતરી સદીઓથી ગાય છે સર્જન અને વિસર્જનનાં ગીતો. નિયતિની નિશ્ચિતતાનાં ગીતો. આ ગીતો એને જ સંભળાય છે જે એને ચાહે છે ધરમૂળથી.

ક્યારેક કશું કરવાનું સૂઝતું નથી કે કંઈ કરવાનું ગમતું નથી ત્યારે મારો અંતિમ આધાર હોય છે લીલોતરીનું સાંનિધ્ય, લીલોતરીનો સંસર્ગ અને લીલોતરીનો સહવાસ. દેખીતી ચૂપકીદી પણ અઢળક માનસિક ઘોંઘાટ સાથે જ્યારે હું હીંચકે બેસું છું ત્યારે અનેકો પ્રશ્નો-પરિસ્થિતિઓ સાથે કેવી રીતે કામ પાર પડશે એની વિટંબણાનો ગુંજારવ અચેતન મનમાં બજતો હોય છે. પણ પછી ચેતન ચક્ષુઓ સાથે લીલોતરીના અકળ વિશ્વમાં પ્રવેશું છું ત્યારે એ ચેતના ધીરેધીરે અચેતન મન સુધી પણ પ્રસરે છે. લીલોતરી એના દર્શનમાત્રથી દ્રષ્ટાને મૌન કરી દેતી હોય છે અને જ્યારે દ્રષ્ટા મૌન થાય છે ત્યારે એની અંદર લીલોતરીના શ્રાવકનો આવિર્ભાવ થાય છે. લીલોતરી આપણને કેટકેટલું કહેવા તત્પર હોય છે જો આપણે એને સાંભળવા સજ્જ હોઈએ તો!

કયા મુહૂર્તમાં વેલી વૃક્ષને વીંટળાઈ વળે છે એ સહજીવનની મધુરતા અને કઈ ધન્ય ક્ષણે બીજ ફાટીને ફણગે છે એ સર્જનની સરળતા જેટલું જ જીવન મધુર અને સરળ છે.

એની પાસે છે ચૂપચાપ વૃદ્ધિ પામવાનું સત્ય, કાનોકાન ખબર ના પડે તેમ કળીઓ પ્રગટાવવાનું રહસ્ય, કોઈ જ શોરબકોર વિના ફૂલો મહોરાવવાનો કસબ અને એ ફૂલોમાંથી દેખાય નહીં, પકડાય નહીં માત્ર પામી શકાય એવી સુગંધ પ્રસરાવવાની કળા!! કયા મુહૂર્તમાં વેલી વૃક્ષને વીંટળાઈ વળે છે એ સહજીવનની મધુરતા અને કઈ ધન્ય ક્ષણે બીજ ફાટીને ફણગે છે એ સર્જનની સરળતા જેટલું જ જીવન મધુર અને સરળ છે.

આ અને આવાં અનેકાનેક સત્યો જણાવવા અને સૌંદર્યો મણાવવા લીલોતરી સદીઓથી ગાય છે સર્જન અને વિસર્જનનાં ગીતો. નિયતિની નિશ્ચિતતાનાં ગીતો. આ ગીતો એને જ સંભળાય છે જે એને ચાહે છે ધરમૂળથી. એની નિશ્રામાં રઘવાટ શાંત થાય છે, મારા પ્રશ્નોના ઉત્તરો સાંપડે છે. પણ કેટલીક વખત આ જ લીલોતરી મને ચકિત કરી મૂકે છે, સામે પ્રશ્નો પૂછીને. એને જાણતાં હોવાનો, સમજતાં હોવાનો જરા વિશ્વાસ બેસે કે એનું એવું સ્વરૂપ સામે લાવી ધરી દે કે એની લીલા મારે માટે અકળ બનીને રહી જાય છે.   

અખિલ ધરા પર ઠેરઠેર પથરાયેલી લીલોતરીના અંશરૂપે લીલોતરીનું નાનકડું વિશ્વ ઘરબગીચારૂપે ઊભું કર્યું છે. એમાં ઊછરેલાં અગણિત વેલાવેલી, ઘાસ, રોપા, છોડ, ક્ષુપ, ઝાડ વગેરે પરિવારજનો સરીખા લાગે. એમાં કોઈનો વધારો થાય તોય કળાય અને ઘટાડો થાય તો પણ તરત ધ્યાને આવે. ગયા મહિને આ ઘરબગીચાનો એક સભ્ય ઓછો થઈ ગયો એ પણ કોઈ જાતની જાણ કર્યાં વિના, કશી ફરિયાદ વિના. મન વિક્ષુબ્ધ છે.

જ્યારે એનાં સ્થાન તરફ જોવાઈ જાય છે ત્યારે, જ્યારે એની ફૂલોથી લૂમઝૂમ લચેલી ડાળીઓ સ્મૃતિમાં ઝબકી જાય છે ત્યારે, જ્યારે બહારથી ઘરે પરત ફરતાં ઝાંપાની આડશે રહી કોઈ લાલ ફૂલડાંથી કોઈ સ્વાગત નથી કરતું ત્યારે મન ઘેરા વિષાદમાં ડૂબી જાય છે. કોઈ સ્વજન છોડી જાય ત્યારે જેવી અને જેટલી પીડા થાય એવી જ પીડા આ પાંચ ફીટનું ઝાડવું આપે છે. એ હતું ત્યારે એવી કોઈ વિશેષ લાગણી કે ગાઢ બંધન જેવું નહોતું પણ એનાં ગયાં પછી લાગે છે કશુંક છૂટી ગયું છે. અદ્દલ આપણાં પરિવારજનો, સગાંસંબંધી કે મિત્રોની જેમ, જેની હાજરી વર્તાતી નથી પણ ગેરહાજરી જરૂર અનુભવાય છે, એ હદે કે એ ગેરહાજરી આપણને પીડે. 

અકાળે અવસાન માત્ર માણસોનું જ નથી થતું, ઝાડવાંનું પણ થાય છે. એકદમ સાજુંનરવું, તંદુરસ્ત, નખમાંય રોગ ના હોય એવું પૂર્ણપણે ફૂલેલુંફાલેલું, રોજેરોજ અનેકો લાલચટ્ટક ફૂલગુચ્છ ખીલવતું અને બગીચાની શાન સમું રેડ ઍક્ઝોરાનું ક્ષુપ ફક્ત ત્રણચાર દિવસમાં સુકાઈને લાકડું બની ગયું. ચેતનને આમ જડ થતું નજરોનજર નિહાળવું એ અપૂર્વ ઘટના હતી. ચૈતન્યશક્તિનો વિલય થઈ જવો એ કંઈ નાનીસૂની વાત તો નથી. પહેલાં તો લાગ્યું કે કદાચ મૂળમાં ઊધઈ પેઠી હશે પણ જમીન ખોદીને તપાસ કરી તો કંઈ ના મળ્યું. એક પળ તો ભાસ થયો કે અમારાંથી શી ભૂલ થઈ કે એણે આમ ઇચ્છામૃત્યુ સ્વીકારી લીધું!

હવે, ઝાંપાની બાજુમાં જ ઊભાં રહીને આગંતુકને આવકારતાં આ લાલ ગુચ્છા ફરી પાછાં ક્યારેય અહીં જોવાં નહીં મળે.

એનાં સુકાયાના ઘણા દિવસો સુધી કાપવાનું મન નહોતું થતું, ઊંડે ઊંડે ધરબાયેલી એક આશા એને કાઢી નાખતાં રોકી રાખતી હતી. પણ ચોતરફ ફેલાયેલી હરિયાળી વચાળે પીળાં પડી ગયેલાં ને કથથઈ રંગ પકડી ખરવાં લાગેલાં એને પછી નાછૂટકે દૂર કરવાનું નક્કી કર્યું. ડાળીઓ બધી કાપી લીધી, કહો કે આસાનીથી કપાઈ ગઈ પણ એનું મૂળ ના ઊખડ્યું, કદાચ ઊખાડી ના શકાયું. શું એનામાં હજુ જીજીવિષા શેષ હશે?

પોતાનાં આંગણામાં વાવેલાં કે ઊગેલાં કોઈ છોડ, ક્ષુપ કે વૃક્ષ પ્રત્યે આવી પ્રીતિ, આવો લગાવ ઘણાંએ અનુભવ્યો હશે. એવા યુગમાં માણસજાત જીવી રહી છે જ્યારે એક માણસની બીજા માણસ પ્રત્યેની સંવેદના ક્ષીણ થઈ ચૂકી છે ત્યારે એવું તો કયું તત્ત્વ છે જે કશું ના બોલતાં, ક્યાંય ના જતાં વૃક્ષો સાથે આપણને જોડી રાખે છે?

અને અંતે વૃક્ષપ્રીતિની પરાકાષ્ઠા વર્ણવતું, મને અતિપ્રિય સર્જક શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત માણવું જ રહ્યું.

“આપણે એ દંતકથા જાણવી શું કામ જેમાં ઝાડવું મરે તો ગામ રોતાં
એકાદી ડાળ કોઈ એમનેમ કાપે તો દાદાજી સાનભાન ખોતા

ગામમાં નિશાળ છતાં ભણવામાં ઝાડવું ને ગણવામાં આવતાં’તાં વહેળા
કોઈ વાર પાઠ પછી સોટી સંભળાતી ને માસ્તરના કાન થતાં બહેરા
એમને બિચારાને ગોતવાનાં નદીએથી છોકરાંને ચોપડિયું સોતા
આપણે એ દંતકથા જાણવી શું કામ જેમાં ઝાડવું મરે તો ગામ રોતાં

વૈદરાજ વગડામાં ગોતવા જતા ને તંયે વગડાના જપતાં’તાં જાપ
ઝાડવાં તો ઠીક ક્યાંક વાયરાયે આપી દે હાથ કે ખરપડીને શાપ
ગામનો સુથાર કંઈ કેટલાંયે પૂજે તો લઈ આવે ચારપાંચ મોટાં
બાકી તો ડાળ કોઈ એમનેમ કાપે ને દાદાજી સાનભાન ખોતા
આપણે એ દંતકથા જાણવી શું કામ જેમાં ઝાડવું મરે તો ગામ રોતાં

આજ હવે એ જાણી કરવાનું શું કે બહાર ઝાડવું ઊભું’તું તે સૂતું
એવી શું વારતાઓ સાંભળવી રોજ જેમાં ઝાડવાંનાં નામ હોય હું-તું
આપણી નિશાળ હવે નદીઓથી દૂર અને રહેવામાં ચણતરનાં ખોખાં
આપણે એ દંતકથા જાણવી શું કામ જેમાં ઝાડવું મરે તો ગામ રોતાં…”

  • મયુરિકા લેઉવા-બેંકર

મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “આમ ચાલ્યા જવું.. – મયુરિકા લેઉવા બેંકર