નૃત્યનિનાદ ૬ : નાટ્યશાસ્ત્ર – એક અભ્યાસ 13


નૃત્ય કે નાટ્ય શીખવા માટે હજારો વર્ષો પહેલા રચાયેલો પ્રાચીન ગ્રંથ આજે પણ પાઠ્યપુસ્તકની જેમ કેમ ભણાવવામાં આવે છે? એવું શું છે એમાં કે એ કાળને અતિક્રમીને આજે પણ એટલો જ મહત્વનો છે? આ પુસ્તક લલિતકળાના અભ્યાસક્રમમાં આજે પણ સામેલ થાય છે. રાષ્ટ્રીય કક્ષાની કસોટીઓમાં અભ્યાસુઓ આ પુસ્તકના રસદર્શનનું અધ્યયન કરી રહ્યા છે. ચાલો, આજે આપણે એનું વિહંગાવલોકન કરીએ.

નૃત્ય તરફ મને ઉત્કટ પ્રેમ. મારા માતા પિતાએ કદાચ એ પારખી લીધો હશે, ક્યાં તો એમનો એ જ પ્રેમ મને જનીનવારસામાં મળ્યો હશે. નૃત્ય સાથેનો મારો નાતો મને જન્મજન્માંતરનો લાગે. કોઈપણ સંગીતને અનુભવવા સાથે મારું મન તો નૃત્ય જ કરતું હોય! મને એ સમજતા વાર લાગી કે હું સંગીતની અનુભૂતિ નૃત્ય દ્વારા જ કરું છું. મારા માટે નૃત્ય અને ગાયન અભિન્ન છે. આજે પણ તાલની ચૂક ગળાથી થઈ જાય છે, પગથી નહીં. સંગીત એટલે મારા માટે નૃત્યનું સૂરમય સ્વરૂપ!

*નાટ્યશાસ્ત્ર પુસ્તક પ્રથમ વાર ક્યારે જોયું?

નૃત્યની સાધના કરવા મળી એ મારા માટે સુવર્ણકાળ હતો. અમારે પરીક્ષા પણ આપવાની. ત્યારે બાળપણની ઉંમર. પ્રાયોગિક પરીક્ષાની તો હોંશ હતી જ. પછીથી ખબર પડી કે લેખિત પરીક્ષા પણ આપવાની છે. સૈદ્ધાંતિક જાણકારી માટે ખાસ વર્ગો લેવાતા. શરૂઆતમાં તો પારિભાષિક શબ્દોની વ્યાખ્યા ભણ્યા. નૃત્ય વિશે, ઈતિહાસ વિશે ભણ્યા. ગોખીને બધી તૈયારી કરી. વિદ્યાર્થી તરીકે ખાસ કંઈ અઘરું ન લાગ્યું. મઝા આવી. ધીરે ધીરે અભ્યાસક્રમમાં સંદર્ભનો ઉલ્લેખ થયો. વારંવાર ‘અભિનય દર્પણ’ તથા  ‘નાટ્યશાસ્ત્ર’ શબ્દ આવવા માંડ્યો.

એક વખત હિંમત કરીને મારા માનનીય ગુરુ શ્રી તરૂબેન દાસાણીને પૂછ્યું, “અહીં ઉલ્લેખ થયો છે એવા પુસ્તકો મળે ખરાં?” એમણે પ્રેમથી મારી સામે જોયું અને કહ્યું, “પરીક્ષાની તૈયારી માટે આ પુસ્તકની જરૂર નહીં પડે. તે છતાં તારે જોવું હોય તો આપણી શાળા સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી-રાજકોટનું ગ્રંથાલય સમૃદ્ધ છે. તને ત્યાં જરૂર મળી જશે.” એ વખતે તો હજુ હમણાં જ બાળવાર્તાઓથી છોડી નવલિકા વાંચવાનું શરૂ કરેલું, એ ઉંમર હતી.

Aksharnaad Column by Archita Pandya

પુસ્તક શોધ્યું તો દળદાર લાગ્યું. મેં તો  પારિભાષિક શબ્દોની વ્યાખ્યા મને વધારે સમજાય એ માટે આ પુસ્તક હાથમાં લીધું. એ ઉંમરે તો મને કંઈ પણ, એક પણ શબ્દ સમજાયો નહોતો. મને થયું કે હું વાંચુ છું તો ગુજરાતી જ! પણ સમજાતું કેમ નથી? લઈ લીધું પુસ્તક. ઘરે જઈને વાંચીશ એવું માનીને.મને અજ્ઞાનીને થોડાં શબ્દો ધ્યાનમાં આવ્યા પણ ઉકલ્યા નહીં. આટલો મહાન ગ્રંથ મેં હાથમાં લીધો એવા હર્ષ સાથે એક અઠવાડિયું પસાર કર્યું અને પરત પણ કર્યો. જેને વિશારદની પરીક્ષા વખતે ફરી મારી પાસે લઈ આવી. એ વખતે મને જરૂરી લાગ્યા એવા મહત્વના શ્લોકો કંઠસ્થ કરેલાં. એ તૈયારીના પરિણામ રૂપે અમારા વિદ્યાલયમાં પરીક્ષામાં હું પ્રથમ આવી હતી. જેનું મને આજે પણ ખૂબ ગૌરવ છે, ભરત નાટ્યશાસ્ત્ર આજે મહત્વના પુસ્તકાલય સિવાય મળતું પણ નથી. જે પુસ્તકનું મેં દિલથી પઠન કર્યું હતું એ મહાગ્રંથ હતો. આવી ગૌરવભરી વાતનો મને વર્ષો પહેલા અંદાજ નહોતો.

* શું છે આ ગ્રંથમાં?

મૂળ તો આ ગ્રંથ નાટ્યસંવિધાન તથા રસસિદ્ધાંતની મૌલિક સંહિતા છે. આ ગ્રંથના વાક્ય ભરતસૂત્ર કહેવાય છે. ૧૨,૦૦૦ પદ્ય અને થોડું ગદ્યાંશ પણ હતું. જેથી એને દ્વાદશસાહસ્ત્રી સંહિતા પણ કહેવાય છે. કાળક્રમે એનું સંક્ષિપ્તિકરણ થયું. જે છ હજાર પદ્યોનું બનેલું છે. નાટ્યકલાના વિવિધ પક્ષોનું આવું સર્વાંગી વર્ણન અન્ય દેશ કે ભાષામાં મળવું દુર્લભ છે. આ મહાગ્રંથમાં નૃત્ય, સંગીત, અલંકાર શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, રસ શાસ્ત્ર જેવા વિષયો પણ આવરી લેવાયા છે. આ ગ્રંથના રચનાકાર ભરતમુનિ હતા.

મહદંશે આ ગ્રંથના શ્લોકો અનુષ્ટુપ છંદમાં લખાયેલા છે. થોડો ગદ્યાંશ પણ છે.

* ગ્રંથનો રચનાકાળ કયો હશે?  કયા પ્રાંતમાં રચના થઈ હશે?

ભરતમુનિનો જીવનકાળ ૪૦૦ ઈસ પૂર્વે અને ૧૦૦ઈસનો મધ્યભાગ હશે. એવું મનાય છે.  કોઈ કોઈ વિદ્વાન ભરતમુનિ કોઈ એક વ્યક્તિ નહીં પણ સમુદાય હશે એવું માને છે. જેમ સ્મૃતિનો આધાર વૃદ્ધ વસિષ્ઠ અને વૃદ્ધ મનુ હતા એવું કહેવાય છે. જેમ ચાણક્ય નીતિનો આધાર વૃદ્ધ ચાણક્ય કહેવાય છે. તેમ ભરતમુનિ પણ ઉભય સંહિતાના પ્રણેતા કહેવાય છે.

એ સત્ય છે કે પ્રાચીન ભારતમાં આર્યોની એક શાખા ‘ભરત’ નામથી ઓળખાતી હતી. સંસ્કૃત સાહિત્યમાં પણ નાટ્યકર્મીઓને ભરત નામથી સંબોધિત કરાય છે. કોઈ પણ સમુદાયના એક આદિ પુરુષ તો હોય જ છે. તો ભરતમુનિની આ પરંપરા બેહજાર વર્ષો જેટલી પ્રાચીન હોઈ શકે. વિદ્વાનોમાં મતમતાંતર છે પણ તે છતાં ત્રેતાયુગ એટલે કે રામાયણ કાળ વખતે આ શાસ્ત્રની રચના થઈ હશે.

તેમ જ સ્થાન વિશે કલ્પના કરીએ તો નાટ્યશાસ્ત્રનું પ્રણયન હિમાલયમાં, કાશ્મીર પ્રાંતમાં ભારતમાં થયું હોવું જોઈએ.

Aksharnaad Column by Archita Pandya

* નાટયશાસ્ત્રના કથન એટલે સૂત્રો

નાટ્યશાસ્ત્રના શ્લોકને એના સૂત્રો અથવા કારિકા કહેવાય છે. આમ, સૂત્ર, ભાષ્ય, સંગ્રહ, કારિકા તથા નિરુક્ત, બધી શાસ્ત્રીય પદ્ધતિનું દર્શન અહીં જોવા મળે છે. મુખ્યત્વે નાટ્યકલા સંબંધિત અગિયાર વિષયોનું વિવેચન અહીં જોવા મળે છે. જે એકાદશ નાટ્યસંગ્રહના નામથી જાણીતા છે. ભરતમુનિ કહે છે,

रसाभावाह्यभिनयाः धर्मिवृत्तिप्रवृतयः ।
सिद्धिः स्वरास्तथातोद्यं गानं रंऽगरचसंग्रहः ।।

અર્થાત્ રસ, ભાવ, અભિનય, ધર્મ, વૃત્તિ, પ્રવૃત્તિ, સિદ્ધિ, સ્વર, આતોદ્ય (વાદ્ય), ગાન તથા રંગમંડપ; આ અગિયાર નાટ્યસંગ્રહના વિવેચનનો સમાવેશ નાટ્યશાસ્ત્રમાં છે.

* ગ્રંથના દરિયામાં ડૂબકી

આપણે જોયું એમ નાટ્યશાસ્ત્રના ૩૭ અધ્યાયોમાં રંગમંચ, અભિનેતા, અભિનય, નૃત્ય, ગીત, વાદ્ય, દર્શક, દશરૂપક અને રસનિષ્પતિની વાત કરી છે.

नाट्यते अभिनयत्वेन रुप्यते इति नाट्यम्।

તાલ અને લયની સંગતિને અનુબદ્ધ અનુકૃતિને નૃત્ત કહેવાય છે. નૃત્ત સાથે ગાયન તથા હાવભાવ મળે તો એ નૃત્ય કહેવાય છે. અભિનયના પ્રકારો છે આંગિક, વાચિક, આહાર્ય તથા સાત્વિક કે આપણે અભિનય દર્પણને જાણતી વખતે જોઈ ગયા હતા. આંગિક એટલે અંગ, ઉપાંગ તથા પ્રત્યંગના હલનચલનથી થતું નૃત્ય, વાચિક અભિનય એટલે  ઉક્તિ પ્રયુક્તિની યથાવત્ અનુકૃતિ, આહાર્ય એટલે મુખસજ્જા, શણગાર અને મંચસજ્જા. તેમ જ ભાવોનું યથાવત્ પ્રદર્શન એટલે સાત્વિક અભિનય કહેવાય છે.

* નૃત્ય તથા નાટ્ય : સંપૂર્ણ મનોરંજન

નાટ્યવેદની ઉત્પતિનો ઈતિહાસ પણ આપણે આગળ જાણ્યો જ છે. એવું કહેવાય છે કે પહેલાનાં સમયમાં શૂદ્રો વેદોનો અભ્યાસ નહોતા કરી શકતા. છતાં પણ જો એમણે જ્ઞાન મેળવવું હોય તો તેઓ નાટ્યને માણી શકતા. તથા મનોરંજન દ્વારા જ્ઞાન મેળવવાના હકદાર બની શકતા હતા. દરેક લલિતકળાની ખાસિયત છે કે એ મનને આનંદ આપે છે. નૃત્ય કે નાટ્યને ન જાણનાર વ્યક્તિ પણ એને માણી શકે છે.  એવું કોઈ શાસ્ત્ર નથી, કલા નથી કે વિદ્યા નથી કે જેનું પ્રતિનિધિત્વ નાટ્યશાસ્ત્રમાં ન હોય.  નૃસિંહપ્રાસાદ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે.

नाट्यशास्त्रंमिद्ं रम्यं मृगवकां जटाधरम्
अक्षसूत्रं त्रिशूलं च विभ्राणांच त्रिलोचनम्।

પરમ પુરુષ દ્વારા આવિર્ભૂત વેદરાશિના દ્રષ્ટા વિવિધ ઋષિ કહેવાય છે. તેવી જ રીતે  મહાદેવ પ્રોક્ત નાટ્યવેદના દ્ષ્ટા  શિલાલી, કૃશાશ્ચ તથા ભરતમુનિ મનાય છે. શિલાલી તથા કૃશાશ્ચના સંકલનો ઉપલબ્ધ નથી.

* નાટ્યશાસ્ત્રના અધ્યાયની માહિતી

પ્રથમ અધ્યાય નાટ્યોત્પતિ પર લખાયેલો છે. બીજા અધ્યાયને મંડપ વિધાન એવું નામ અપાયું છે. અધ્યાય ત્રણ, ચાર તથા પાંચ, એ નાટ્યારંભની પૂર્વક્રિયા પર આધારિત છે. અધ્યાય છ અને સાત એ ખૂબ અગત્યના કહી શકાય. જેમાં રસ અને ભાવનું વ્યાખ્યાન થયું છે. અધ્યાય આઠ અને નવમાં ઉપાંગ અને અંગ દ્વારા પ્રકલ્પિત અભિનય સ્વરૂપની વ્યાખ્યાનો સમાવેશ થાય છે. એ પછીના ચાર પ્રકરણો એ ગતિ અને કરણોનો અભ્યાસ છે.

અધ્યાય ચૌદ થી સત્તરમાં છંદ અને અલંકારોનું સ્વરૂપ તથા સ્વરવિધાન બતાવ્યું છે.  નાટ્યના ભેદ અને કલેવરનું સાંગોપાંગ વિવરણ અઢારમાં ઓગણીસમાં અધ્યાયમાં છે. અધ્યાય વીસમાં વૃત્તિ વિવેચન, એ પછી નવ અધ્યાયો એટલે કે ઓગણત્રીસ અધ્યાય સુધી વિવિધ પ્રકારના અભિનયોની વિશેષતાની વાત કરી છે. એ પછી ચોત્રીસમા અધ્યાય સુધી ગીત વાદ્યનું વિવરણ કરીને પાંત્રીસમાં પ્રકરણ સુધી ભૂમિકાવિકલ્પની વ્યાખ્યા કરવામાં આવી છે. અંતનો અધ્યાય ઉપસંહારાત્મક છે.

* ભરતનાટ્યશાસ્ત્ર પર અન્ય વિદ્વાનોની વ્યાખ્યા

નાટ્યશાસ્ત્ર પર અનેક વિદ્વાનોએ પોતાની વ્યાખ્યા લખી છે. ભરતસૂત્રોના વ્યાખ્યાતા પોતપોતાના સિદ્ધાંતના પ્રતિષ્ઠાપક આચાર્ય મનાય છે. આવા નાટ્યશાસ્ત્રના ઉલ્લેખનીય વ્યાખ્યાતા રીતિવાદી ભટ્ટ ઉદ્ભટ્ટ, પુષ્ટિવાદી ભટ્ટ લોલ્લક, અનુમતિવાદી શંકુક, મુક્તિવાદી ભટ્ટ નાયક તથા અભિવ્યક્તિવાદી અભિનવ ગુપ્ત છે. અન્યોમાં શ્રીપાદ શિષ્યકૃત ભરતભલ્લક નામની ટીકા સર્વપ્રાચીન ગણાય છે. અભિનવ ગુપ્ત દ્વારા અભિનવભારતી, એ નાટ્યશાસ્ત્ર પર સર્વાધિક પ્રચલિત ભાષ્ય છે.

* કરણ, અંગહાર અને રેચક શું છે?

નવમા સ્વાધ્યાય પછી ભરતનાટ્યશાસ્ત્રમાં  જે વ્રણન થયું છે તે મુજબ જુદા હસ્તનો પ્રયોગ, પાદભેદ, દ્રષ્ટિભેદ, ગતિભેદ વગેરે વિશે સામાન્ય વાત આપણે અગાઉ કરેલી. અભિનય દર્પણ અને નાટ્યશાસ્ત્રમાં સામ્યતા પણ છે, ક્યાંક સંખ્યામાં ફરક કે પછી વિભિન્નતા પણ છે. આ ગ્રંથોમાં નૃત્યમય આકૃતિઓ જોવા મળે છે. કરણ, અંગહાર અને રેચક વિશે વારંવાર ઉલ્લેખ થાય છે. ત્યારે પ્રશ્ન થયો કે આ પારિભાષિક શબ્દો શું સમજાવે છે? એ સમયમાં કરણનું અધ્યયન નૃત્ય  અને નાટ્ય બંનેમાં ઉપયોગી ગણાતું. નાટ્યશાસ્ત્રમાં એકસોઆઠ કરણો વર્ણવાયા છે.

* કરણ એટલે શું?

ભરતમુનિ કહે છે, નૃત્ત અંગહારોથી નિષ્પન્ન થાય છે તથા કરણો પર આશ્રિત હોય છે.

अंङ्गहारविनिष्पन्नं नृत्तन्तु करणाश्रयम्
                  भ. ना. शा. ८१५

એટલે નૃત્તના સંદર્ભમાં કરણ વિશે જાણવું જરૂરી છે. ભરતમુનિના કહેવા મુજબ

हस्तपादसमायोगो नृत्तस्य करणं भवेत्

એટલે કે હાથ-પગના સમાયોગને નૃત્તકરણ કહે છે. અભિનવ ગુપ્ત  કહે છે, રસ વિચ્છેદ વગર હાથ અને પગની ક્રિયાઓ વિલાસપૂર્ણ રીતે રજુ કરાય છે એને નૃત્ત કરણ કહે છે. વ્યવહારમાં આપણે એને નૃત્તકરણ ને બદલે કરણ જ કહીશું.

સ્થિતિ એટલે કે અવસ્થાન અથવા તો ઊભા રહેવાની દશા અને ગતિ એટલે કે પગનું હલનચલન, આની ઉપર કરણનું નિર્માણ થયું છે. શરીરના ઉપરના ભાગ સાથે હસ્તના પ્રયોગ, ગતિ, દ્રષ્ટિના અલગ અલગ પ્રયોગોને ઉપયોગમાં લેવાય છે. આમ, કરણ અંગ ઉપાંગના તથા અભિનયભેદના અલગ અલગ પ્રયોગોથી બને છે.

* અંગહાર એટલે શું?

કરણોના પ્રયોગથી અંગહાર બને છે. અંગહાર એટલે અંગોને સમુચિત પ્રકારે અન્ય સ્થાન પર રાખવું. અંગ નિવૃત્તિ કે અંગોની બનાવટનો હાર એટલે અંગહાર. અંગહાર એ કરણો દ્વારા નિષ્પન્ન થાય છે તથા કરણોનો સુનિશ્ચિત અનુક્રમ હોય છે.

ભરતમુનિ કહે છે કે બે કરણોના યોગથી એક માતૃકા બને છે. માતૃકા એટલે નૃત્ય ઉત્પન્ન કરવા જે કારણભૂત બને છે એ સ્થિતિ. બે, ત્રણ કે ચાર માતૃકાઓથી એક અંગહાર બને. ત્રણ કરણોથી એક કલાપક, ચાર કરણોથી મંડલ, પાંચ કરણોથી વધારે, નવ સુધીના કરણોથી એક સંઘાતક બને છે. આમ, બધાં અંગહારો કરણોથી બને છે.

નૃત્યજ્ઞ તંડુએ કરણો તથા રેચકોથી  અંગહારની જે સંખ્યા બતાવી છે, એ બત્રીસ છે.

*રેચક એટલે શું?

કરણ અને અંગહારો પછી નૃત્તનો મહત્વનો ભાગ છે, એ છે રેચક. કરણ અને અંગહારમાં તો રેચકનો પ્રયોગ થાય જ છે, નૃત્ત કે નૃત્યના  વિભિન્ન પ્રયોગો વખતે રેચકોનો ઉપયોગ થાય છે. સુકુમાર ગતિવાળા કે વાદ્યની પ્રધાનતાવાળા પ્રયોગો પણ રેચકથી યુક્ત હોય છે. રેચક એટલે જ ઘણો મહત્ત્વપૂર્ણ પ્રયોગ છે. રેચક એટલે અંગોનો જુદા જુદા વ્યવસ્થિત રૂપમાં વલન અથવા ચક્કરદાર ઘુમાવ. રેચકમાં અંગો ઉપરની તરફ ઊંચકાઈને ગતિમાં આવે છે.

રેચક ચાર પ્રકારે થાય છે.

પાદરેચક, કટિરેચક, કરરેચક તથા ગ્રીવારેચક.

* નાટ્યશાળા કેવી હોવી જોઈએ?

નૃત્ય અને અભિનયની મહત્વની વાતો કરીને ભરતમુનિએ નાટ્યશાળા, રંગમંચ તથા પ્રેક્ષકગૃહ કેવા હોવા જોઈએ એ પણ વાત કરી છે. ભારતીય રંગમંચનું સાંગોપાંગ વિવેચન ભરતમુનિ પહેલા કે પછી કોઈએ કર્યું નથી. નાટ્યશાસ્ત્રનું પ્રારંભિક તત્વ જ રંગમંડપ છે. જેની વિસ્તૃત છણાવટ અહીં આપી છે.

ભરતમુનિએ ત્રણ પ્રકારના નાટ્યગૃહ બતાવ્યા છે. જે છે ; વિકૃષ્ટ, ચતુરસ્ર તથા ત્ર્યસ્ર. તેમ જ માપ અને પરિમાણની દ્રષ્ટિએ જુઓ તો જ્યેષ્ઠ, મધ્યમ તથા કનિષ્ઠ છે. જેનું માપ હાથ અથવા દંડમાં હોય છે. જે અનુક્રમે ૧૦૮,૬૪ અને ૩૨ હાથ અથવા દંડની એક ભુજા હોય છે. વિકૃષ્ટનો અર્થ છે આયતાકાર (લંબચોરસ), ચતુરસ્રનો અર્થ છે ચોરસ તથા ત્ર્યસ્રનો અર્થ છે ત્રિકોણ. મધ્યમ પ્રકારના નાટ્યગૃહને શ્રેષ્ઠ તથા નેપથ્યગૃહ, મત્તવારિણી, રંગશીર્ષ, રંગપીઠનો ઉલ્લેખ છે. મત્તવારિણી એટલે ગાયકો અને વાદકોનું મંચ પર છત્રીવાળું બેસવાનું સ્થાન. દર્શકોને બેસવાનું સ્થાન સોપાનાકૃતિ બનાવવામાં આવે છે.

*નાટ્યમંડપનો પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ

અગ્નિપુરાણના નગરનિર્માણના પ્રકરણમાં કહ્યું છે કે નાટ્યભવન નગરની દક્ષિણ દિશામાં કરવું જોઈએ. આવા સંકેતો મત્સ્યપુરાણ, હરિવંશ પુયાણ, વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ મળે છે. રાજપ્રાસાદમાં રંગશાળાનું નિર્માણ થતું. મંદિરોમાં પણ રંગમંડપ બનતાં. જૈન ધર્મગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ છે. આદિગ્રંથોમાં મંચવ્યવસ્થાનો ઉલ્લેખ હતો. જે આપણે હવે પછીના પ્રકરણમાં જોઈશું. ભરતમુનિના રસશાસ્ત્ર વિશે પણ જાણીશું.

(ક્રમશઃ)

– અર્ચિતા દીપક પંડ્યા

અર્ચિતા પંડ્યાની કલમે લખાઈ રહેલા સ્તંભ નૃત્ય નિનાદના બધા લેખ આ કડી પર ક્લિક કરીને વાંચી શક્શો.


Leave a Reply to Archita PandyaCancel reply

13 thoughts on “નૃત્યનિનાદ ૬ : નાટ્યશાસ્ત્ર – એક અભ્યાસ