પંચ મહાભૂત : પંચથી મોક્ષ સુધી.. 4


પાંચ મહાભૂતથી બનેલો આ માનવ દેહ! આજે વાત એ દરેક તત્વની ખાસિયત વિશે. સાથે સાથે વાત માનવદેહની સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રામાં આ પાંચ તત્વોના સહયોગની.  

पृथिवी वायुराकाशमापो ज्योतिश्च राघव।
स्वभावे सौम्य तिष्ठन्ति शाश्वतं मार्गमाश्रितः।।
                 युध्द कांड, द्वाविश: सर्ग: वाल्मीकि रामायण

અર્થ – પૃથ્વી, વાયુ, આકાશ, જળ અને અગ્નિ – બધા જ પોતાના સ્વભાવમાં સ્થિર રહે છે. કોઈ પોતાના ધર્મને છોડતું નથી, સદા એને આશ્રિત રહે છે. 

પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. પ્રકૃતિના પાંચ મુખ્ય તત્વ – પંચ મહાભૂત. આજે વાત કરવી છે આ સૌના સ્વભાવ વિશે.

પૃથ્વી – પાંચ મહાભૂતોમાંનું એક તત્વ. વેદમાં સ્વર્ગ અને પૃથ્વીનું એકત્ર વર્ણન જોવા મળે છે. ध्यावापृथिवी એવું સંયુક્ત નામ છે. પિતા અને માતા બંને તે જ છે એમ કહેવાયું છે. પિતૃસ્થાન તરીકે સ્વર્ગ અને માતૃસ્થાન તરીકે પૃથ્વી. સ્વર્ગ એ પિતૃ સ્થાને છે એટલે બધાને જન્મ આપનાર એ પરમેશ્વર – દેવતા છે. પૃથ્વીના ઉદરમાં બીજ રૂપે વિકાસ પામે છે, જન્મ લે છે એટલે જ દરેક દેહ મૃણ્મય છે. પૃથ્વી સહિતના દરેક તત્વ તેમાં રહેલા છે એટલે જ પૃથ્વી માતૃસ્થાને છે.

હવે થોડા વધુ ઊંડા ઉતરીએ તો આ સ્વર્ગ અને પૃથ્વીની અનુક્રમે પિતા અને માતા તરીકેની ભૂમિકા વધુ સ્પષ્ટ થશે.

પૃથ એટલે વિસ્તાર પામવું. એ રીતે નામ પડ્યું, પૃથ્વી. પૃથ્વીને માનું સ્થાન આપેલું છે, એટલે જ એનું એક નામ ક્ષમા. પૃથ્વીનો ધર્મ શું છે? અહીં વિસ્તાર પામવું એટલે શું? પૃથ્વી સૌને ધારણ કરે છે. પ્રકૃતિના સૂક્ષ્મ કણથી લઈ વિરાટ સ્વરૂપના સાગર સુધી દરેક જીવને એ ધારણ કરે છે. ઉપરાંત દરેકના વિસ્તરણ પામતા વંશને  એ પોતાનામાં સમાવી  લે છે. અહીં વિસ્તારનો અર્થ છે, પોતાને આધિન રહેલા દરેક જીવના થતા વિસ્તારને સમાવી લેવો. 

મૃત્યુ પછી માનવ દેહનું તેજ – ચૈતન્ય એ પરમેશ્વર પિતામાં ભળી જાય છે. અને પૃથ્વીમાંથી નિર્માણ થયેલો દેહ અંત્યેષ્ટિ સંસ્કાર પછી પાછો પૃથ્વીમાં જ ભળી જાય છે. બીજ રૂપે આત્મા આકાશમાં વિલીન થાય ને દેહ રૂપી ફળ પૃથ્વીમાં! બીજનું સમયાનુસાર અંકુરણ ચાલતું જ રહે છે. કેવી ઉદ્દાત કલ્પના!

પૃથ્વીનું એક વિશેષણ દિતી પણ છે. દિતી એટલે જેનો અંત છે એ. 

અગ્નિ – અગ્નિ શબ્દ મૂળ ધાતુ अज् પરથી આવ્યો છે. अज् શબ્દ ગતિનો સૂચક છે. એ રીતે અગ્નિનો એક અર્થ ગતિમાન એવો પણ થાય છે. अगि गतौ – જે ઉપર તરફ જાય છે તે અગ્નિ. વેદમાં અગ્નિ દેવનું સ્થાન બહુ મહત્વનું છે. પૃથ્વી સ્થાનના પ્રમુખ દેવમાં અગ્નિનો સમાવેશ કરેલો છે. અગ્નિ એટલે? દેદીપ્યમાન આગની જ્વાળા એવો શાબ્દિક અર્થ નીકળે. પણ અગ્નિ એટલે ફક્ત આગની જવાળા જ નહી! યજ્ઞ કાર્યમાં સૌથી મહત્વનો ઘટક હોય તો તે છે અગ્નિ. યજ્ઞમાં અગ્નિ દ્વારા દેવોને આહુતિ અપાય છે તેથી અગ્નિને દેવમુખ પણ કહે છે. યજમાને હોમેલી આહુતિ અગ્નિ જ જે તે દેવને પહોંચાડે છે. પૃથ્વીની નાભિમાં જેનું સ્થાન છે એ અગ્નિ ઘરનો પણ દેવ છે એટલે એનું બીજું નામ ગૃહપતિ અથવા दमुना: પણ છે.

અગ્નિ યજમાને હોમેલી આહુતિ દેવોને પહોંચાડે છે, તેથી તેને હવ્યવાહન પણ કહે છે.

अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजम होतारं रत्नधातमम | (ऋग्वेद १\\)

અમે અગ્નિદેવની ઉપાસના કરીએ છીએ, જે અગ્નિદેવ યજ્ઞના પુરોહિત, ઋત્વિજ અને હોતા છે, જે અગ્નિદેવ દેવસ્વરૂપ છે, અને યજમાનને રત્નોથી વિભૂષિત કરનાર છે.

ઋગ્વેદના પ્રથમ મંડલના પ્રથમ સૂક્તનો પ્રથમ શ્લોક. આ શ્લોકમાં અગ્નિ માટે પાંચ વિશેષણોનો પ્રયોગ થયો છે – પુરોહિત, દેવ, ઋત્વિજ, હોતા અને રત્નધાતમ.

પુરોહિત એટલે ક્રિયાકાંડના જાણકાર અને યજમાનને ક્રિયાકાંડ કરાવનાર બ્રાહ્મણ.
રત્નધાતમ એટલે રત્ન અર્થાત સમૃદ્ધિનો દાતા.
અગ્નિનું દેવ તરીકેનું સંબોધન જ અગ્નિને એના બાહ્ય રૂપથી ઉપર ઉઠાવીને એને આધ્યાત્મિક રૂપ પ્રદાન કરે છે.
યજ્ઞ વિધિના જાણકાર બ્રાહ્મણ ઋત્વિજ કહેવાય.
હોતા એટલે યજ્ઞમાં દેવોનું આવાહન કરનાર ઋગ્વેદના જાણકાર ઋત્વિજ.

અગ્નિ જ ઋત્વિજ, એ જ હોતા, એ જ દેવ અને એ જ પુરોહિત પણ! આ સમજો. અહીં અગ્નિ એના ભૌતિક  સ્વરૂપથી ઉપર ઊઠી પ્રથમ તો દૈવિક સ્વરૂપમાં દેવ તરીકે સ્થાપિત થાય છે. પુરોહિત પણ એ જ એટલે દરેકના અંતરમાં રહેલું અગ્નિનું આધ્યાત્મિક સ્વરૂપ. હોતા અને ઋત્વિજ માટે પણ એનું અધ્યાત્મિક સ્વરૂપ જ દ્રશ્યમાન થાય છે. શરુઆતમાં જે અગન જ્વાળાની પૂજા કરવામાં આવી છે એ જ અગન જ્વાળા ધીરે ધીરે એના ભૌતિક રૂપમાંથી આધ્યાત્મિક રૂપમાં પરિવર્તિત થતી જોવા મળે છે! વેદના શ્લોકનો ગૂઢાર્થ આનાથી વિશેષ કયો હોઈ શકે?

જળ – વેદમાં જળને આપ કહ્યું છે. આપોદેવ એટલે જળ. આપ સૃષ્ટિનું મૂળભૂત તત્વ છે. આપ તત્વના અધિષ્ઠાતા દેવ એટલે આપોદેવ. જળ શરીરને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. શુદ્ધતા એ એનો મૂળભૂત ગુણધર્મ છે. આ શુદ્ધિ ફક્ત શરીરના બાહ્ય આવરણ પૂરતી સીમિત ન રહેતા આપ શરીરની ચેતનાને પણ શુદ્ધ કરે છે એવા ભાવથી આપને દેવ તરીકે કલ્પી એની સ્તુતિ કરવામાં આવી છે. આ સમજીએ. જળ એ એક દેવ કઈ રીતે છે એ સમજીએ.

માનવી અન્ન અને જળ બંને ગ્રહણ કરે છે. આ બંને શરીરસ્થ અગ્નિ દ્વારા જ પચે છે અને જીવનને પચાવવા અને તેજ પ્રગટાવવા જરૂરી બને છે. માત્ર અગ્નિ કે માત્ર જળ જીવન માટે ઉપકારક ન બની શકે. બંનેના સયુંક્ત સ્વરૂપથી જ જીવન ગતિમાન બને. આપ એ રીતે જીવન નિર્વાહનો એક અગત્યનો ઘટક સબિત થાય છે.

જળ મૃદુ છે સાથે સાથે કઠોર પણ. પથ્થરને ઘસી એમાંથી માર્ગ કાઢી શકે એટલું સક્ષમ છે પાણી. પાણી શીખવે છે શીતળ અને નરમ રહેવું. પણ સમય આવ્યે પ્રખર બની પોતાનો માર્ગ જાતે કંડારી શકવાની ક્ષમતા પણ એ જ શીખવી જાય છે.

વાયુ – वातीति वायु: 

જે વહે છે, સદા ગતિમાન છે તે વાયુ. એક રીતે જોઈએ તો વાયુ (હવા) જ છે જે સમગ્ર સુષ્ટિને ગતિમાન રાખે છે. વાયુ એના મૂળભૂત સ્વભાવ અનુસાર વહ્યા કરે છે અને એટલે જ પ્રકૃતિનું જીવન ચાલ્યા કરે છે. ઋગ્વેદમાં વાયુની કલ્પના દેવ તરીકે કરેલી છે. વાયુની સ્તુતિ કરતાં કહ્યું છે :

नमस्ते वायो, त्वमेव प्रत्यक्ष ब्रहमासि, त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि।
વાયુને નમસ્કાર. તમે જ પ્રત્યક્ષ બ્રહ્મ છો, હું તમને જ પ્રત્યક્ષ બ્રહ્મ કહીશ.

વાયુની કલ્પના બ્રહ્મ તરીકે! કઈ રીતે? માનવચેતનાના કેન્દ્રમાં આત્મા છે. આ આત્માને આપણે વ્યક્તિગત પ્રાણ પણ કહી શકીએ. જેમ વ્યક્તિગત પ્રાણ છે એ જ રીતે વૈશ્વિક પ્રાણ પણ છે. મોટા સરોવર સાથે જે રીતે નહેર દ્વારા ખેડૂતનું નાનું ખેતર જોડાયેલું હોય છે તે જ રીતે વૈશ્વિક પ્રાણ સાથે વ્યક્તિગત (વૈયક્તિક) પ્રાણ પણ જોડાયેલો હોય છે. નહેરથી ખેતર જોડાય એટલે બધે જ હરિયાળી વ્યાપી જાય એમ જ વૈશ્વિક પ્રાણ સાથે જોડાણ થાય એટલે માનવીનું જીવન પણ હરિયાળું બની જાય.

આ વૈશ્વિક પ્રાણચેતના એટલે જ વાયુ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે –  

अयं वायुः सर्वेर्षां भूतानां मध्वस्य’| બધા જ મનુષ્યોના (અંતરની) મધ્યમાં હું જ છું.

વાયુ એટલે ધૂળ ઉડાડતો કે ગરમ લૂ વરસાવતો પવન – આ થયો એનો શાબ્દિક અર્થ. ઋગ્વેદના વાયુસૂક્તમાં વાયુને अमृतस्य निधि કહ્યો છે. જેની પાસે અમૃતનો ભંડાર ભરેલો છે તે. વાયુ એટલે પ્રાણનો અધિપતિ દેવ.

આકાશ –  પાંચ મૂળભૂત તત્વોમાંનું છેલ્લું તત્વ એટલે આકાશ. આકાશનો ગુણ છે શબ્દ. શબ્દ અનંત છે. નાસદીય સૂકતમાં સૃષ્ટિની રચના થઈ એ પહેલાંની સ્થિતિનું વર્ણન છે. કહ્યું છે, ન સત્ય હતું, ન અસત્ય, બસ અંધકાર જ અંધકાર હતો. એકાકાર થઈને જે બધે જ વ્યાપ્ત હતો. આ આકાશની અવસ્થા હોઈ શકે! વળી, પૃથ્વી પણ આકાશમાં જ સ્થિત છે!

વિશાળતા એટલી કે એનો પ્રત્યક્ષ અનુભવ કરવો લગભગ અસંભવ. સમગ્ર આકાશને આત્મસાત કરવું એટલે માનવ અવતારની દરેક શક્ય સંકુચિતતામાંથી બહાર આવવું. બહુ મોટો ફેરફાર છે આ! અને એ શક્ય બને છે શબ્દથી! એટલે જ આકાશનો ગુણ છે શબ્દ. મંત્ર, ઋચાઓ, શ્લોકો શબ્દ દેહ ધારણ કરીને જ આપણી પાસે પહોંચ્યા છે ને ?

આ પાંચેય તત્વોને હવે એમના ગુણથી સમજીએ. શરૂઆત કરીએ આકાશથી. એનો ગુણ છે શબ્દ. વાયુ પાસે છે શબ્દ અને સાથે સાથે સ્પર્શ. અગ્નિ પાસે છે એનો પોતાનો એક વધારાનો ગુણ, રૂપ. શબ્દ, સ્પર્શ અને રૂપ આ ત્રણ ગુણથી યુક્ત છે અગ્નિ. પછી આવે જળ. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. આ ચાર ગુણ છે જળના. છેલ્લે છે પૃથ્વી. શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને પાંચમો ગુણ ગંધ.

શબ્દ વિકસે સ્પર્શથી. સ્પર્શને રૂપનો સાથ મળે એટલે એનો વિકાસ થાય અને એ ફેલાય રસ સુધી. આ ચારેયની અનુભૂતિ ગંધ વિના તો અધૂરી જ ને? આ થઈ સૂક્ષ્મથી સ્થૂળ તરફની ગતિ. હવે આ આખી પ્રક્રિયા ઊંધેથી જોઈએ તો? આ પાંચેય ગુણથી સભર એવો  માનવદેહ જયારે પ્રથમ તત્વથી અંતિમ તત્વ સુધીની યાત્રા આરંભ કરે છે ત્યારે એક એક કરીને બધા ગુણો છોડતા જવાનું હોય છે. ગંધ છૂટે એટલે શાંત રસ તરફ ગતિ થાય. રસ પ્રત્યે અણગમો થાય એટલે રૂપ પ્રત્યેની આસક્તિ પણ ધીરે ધીરે ઓછી થતી જાય. રૂપ ન હોય તો સ્પર્શનો વિકાર પણ ઓગળતો જાય અને છેવટે શબ્દ રૂપી બ્રહ્મની વિશાળતામાં વિલીન થઈ શકાય! પૃથ્વી પરનો દેહ આકાશમાં વિલીન થઈ જવાની આ ક્રિયાને એટલે જ મોક્ષ નામ અપાયું હશે, નહીં?

~ અંજલિ ~

ભવિષ્યનું બીજ છે આકાશ પાસે અને એનું અંકુરણ થાય પૃથ્વીના ગર્ભમાં!

– શ્રદ્ધા ભટ્ટ

શ્રદ્ધા ભટ્ટના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘આચમન’ અંતર્ગત ધર્મ અને અધ્યાત્મ વિશેની આપણી પરંપરા અને સમજણને ઊંડાણપૂર્વક પરંતુ બહુ સરળતાથી ચર્ચાની એરણે મુકવાનો પ્રયત્ન છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


Leave a Reply to Hiral VyasCancel reply

4 thoughts on “પંચ મહાભૂત : પંચથી મોક્ષ સુધી..