ફોડકીએ કરી હાલત કફોડી.. 20


“તું તો આદુ ખાઈને મારી પાછળ પડી ગઈ છો. ગળ્યું ખાઊં તો ડાયાબિટીસ થાય. તીખું ખાઉં તો એસિડિટી થાય. નિમકથી બ્લડપ્રેશર વધે, ખાટું ખાવાથી પિત્તના ઓડકાર આવે, ભજીયા ખાવાથી કોલેસ્ટ્રોલ વધે અને સમોસાથી ગેસ થાય, આઈસક્રીમથી શરદી થાય અને કોફીથી કબજિયાત થાય તો મારે ખાવું શું?”

સવારમાં ઊઠીને ફ્રીજ ખોલતાં હીનાબેને જોયું, દસમાંથી ત્રણ ગુલાબજાંબુ ઓછાં થઈ ગયેલા. તેમને મીઠાઈ ગણીને રાખવાની ટેવ ખાસ તો પતિ, હરેશને કારણે જ પડેલી. હરેશભાઈને ગળ્યું બહુ ભાવે. અદોદળું શરીર તેમાં વળી ડાયાબિટીસ એટલે હીનાબેન વારંવાર ટોકે.

“ગળ્યું ખાઈ ખાઈને ગાદલા જેવા થઈ ગયા છો. હું ઊંઘી જઉં ત્યારે ઉઠો છો અને ચોરની જેમ જે હોય તે ઝાપટી જાવ છો. હવેથી મીઠાઈઓ બનાવવાનું જ બંધ કરી દઈશ.” હીનાબેને ડારો આપતા કહ્યું.

“તું તો આદુ ખાઈને મારી પાછળ પડી ગઈ છો. ગળ્યું ખાઊં તો ડાયાબિટીસ થાય. તીખું ખાઉં તો એસિડિટી થાય. નિમકથી બ્લડપ્રેશર વધે, ખાટું ખાવાથી પિત્તના ઓડકાર આવે, ભજીયા ખાવાથી કોલેસ્ટ્રોલ વધે અને સમોસાથી ગેસ થાય, આઈસક્રીમથી શરદી થાય અને કોફીથી કબજિયાત થાય તો મારે ખાવું શું? તારી દાનત જ ખોરી છે. મને ભૂખે મારી નાખવો છે? આખો દિવસ કાચા સલાડ લઈને સામી આવી જાય છે તેમાં વળી કડવી મેથીનો ભૂકો ભભરાવે.” હરેશભાઈ મોઢું કટાણું કરીને ઉવાચ્યા.

“લ્યો ચૂપચાપ આ ગરમ કાઢો પીવો. તબિયત માટે ગુણકારી.” હીનાબેને પતિના હાથમાં કપ પકડાવતાં કહ્યું, “તમારા રાઈ ભરેલા મગજમાં ચડેલો વાયુ નીકળી જશે.”

પછવાડેથી વાયુ તો ઠીક, હરેશભાઈને બીજુંય કાંઈક નીકળ્યું હોય તેવું લાગ્યું. સોફા પર બેસતાંવેંત, “આહહ… ઊંહહહ…” તેવા ઊંહકારા તેમના મોઢામાંથી છૂટવા માંડ્યા.

“હવે વળી પાછું શું થયું?” હીનાબેને પૂછ્યું.

“દુ:ખે છે, આહહહ… આ બેઠો તેમાં ઢગરાની જગ્યાએ દુ:ખે છે.” દયામણા ચહેરે બોલતા હરેશભાઈ હમણા રડી પડશે તેવું લાગ્યું. ઊભા થઈ, બાથરૂમમાં જઈ તેમણે દુ:ખતી જગ્યાએ હાથ ફેરવી તપાસ્યું. બેસવાની જગ્યા પર નાનકડી ફોડકી થયેલી.

“હીના, કાંઈ મલમ બલમ છે કે ઘરમાં? ફોડકી થઈ છે.”

“એ તો મટી જશે. આવી નાનકડી એક ફોલ્લી થઈ તેમાં આટલી બૂમાબૂમ શું કરતા હશો ભઇશાબ?” હીનાબેન બોલ્યા.

“પણ એવી જગ્યાએ થઈ છે કે…” હરેશભાઈ ઢીલા અવાજે કરાંજ્યા. પછી તો તેમને બેસવાની તકલીફ વધવા માંડી અને ફોડકીએ મટવાને બદલે પોતાનો ઘેરાવો વધારીને ગૂમડીમાંથી ગૂમડાનું સ્વરૂપ ધારણ કર્યું.

“શેઠાણીબા, ડૉક્ટરને બતાવો. શેઠસાહેબ આજકાલ ઑફિસમાં બેચેનીથી આંટા માર્યા કરે છે. જરા આરામથી બેસવાનું કહીએ તો સૌની સામે ડોળા કાઢી છાછિયું કરે છે. એમની માનસિક હાલત અસ્થિર લાગે છે. મને કેતા’તા ઊભા ઊભા બેસાય તેવી ખુરશી લાવી આપ. લ્યો બોલો.” ઓફિસમાં કામ કરતા સુરેશે ખાનગી રહસ્ય શેઠાણીબા સમક્ષ જાહેર કર્યું, “બેસવા માટે ઊભું સ્ટુલ આપ્યું તો કે’ય, વચ્ચેથી ગોળાકારે કાપી કાઢ. લ્યો બોલો.”

man in checkered dress shirt sitting on a chair
Photo by RODNAE Productions on Pexels.com

ગૂમડાની શારિરીક હાલત સુધરતાં તે વધુ ફાલ્યું. લ્યો બોલો! તેમાંને તેમાં હરેશભાઈની માનસિક હાલત વધુ બગડી ગઈ.

તેમણે અરીસો લઈ ગૂમડાદર્શન કરવા ચાહ્યું પરંતુ વચ્ચે ફાંદ નડી. જાંગીયાય ન પહેરાય તેવી સ્થિતિ આવી ત્યારે તેઓ જંગે ચડ્યા.
“હીનાઆઆઆ… ડૉક્ટરને બતાવવું પડશે.” કહી તેમણે ગૂમડું હળવેકથી પંપાળ્યું.

“કેટલી વાર કીધું કે તેને આમ વારેઘડીએ અડકીને છંછેડો મા. મલમની આખી ટ્યુબ દબાવી દબાવીને નીચોવી નાંખી તોય ગૂમડું તો કીશમીશમાંથી દ્રાક્ષ જેવું થઈ ગયું. જોયું ને કેવું વકરી ગયું છે. હવે ડાયપર પે’રીને ડૉક્ટર પાસે ચાલો.” છંછેડાયેલા હીનાબેને ધર્મપત્નીને છાજે તેવી સુફિયાણી સલાહ આપી.

કયા ડૉક્ટર પાસે જવું એની દસેક મિનિટ ચર્ચા ચાલી. “આઆહહહ… પેન્ટ નહીં પહેરાય. એક દિવસ માટે તારા માસાની લુંગી લાવી આપ અને ચાલતું જ જવાશે માટે બાજુની ગલીવાળા ડૉ.માંકડને જ બતાવી આવીએ.” હરેશભાઈ ઊંહકારા કરતા બોલ્યા.

“ઈ ડૉ.માંકડ તો નવરો બેઠો માખી મારતો હોય છે એના કરતાં ઓલા ડૉ.વાઘમારેને બતાવીએ તો કેમ?” હીનાબેને ફરી શાણપણ બતાવ્યું.

“અરે પણ તું સમજતી નથી, મારાથી ગાડીમાં નૈ બેસાય. કે’તી હો તો બસમાં કે ટ્રેનમાં ઊભો ઊભો આવું.” હરેશભાઈએ હેઠા નહીં બેસી શકવાની નબળાઈ જાહેર કરી.

છેવટે માસાની લુંગી પહેરી બસમાં જવાનું નક્કી થયું. હીનાબેન માસીને ત્યાં લુંગી લેવા ગયા.

“હેં? અલી હીનકી સંભાળજે હરેશકુમાર ક્યાંક ધર્મપરિવર્તન ન કરી બેસે. તું રહી ભોળી. પુરુષજાતનો ભરોસો ન કરાય. જોને તારા માસાને મદરાસમાં એક મદરાસણ ગમી ગઈ’તી. ઈ તો એના બાએ ચોખ્ખું કૈ દીધું કે મારા ઘરમાં કાળીયણને નૈ પેસવા દઊં પછી મને જોવા આવ્યા ને મેં તો ભોળવાઈને હા પાડી દીધી તે આજ સુધી દોરી પર સુકવાતી લુંગીઓ જોઈ જોઈને પસ્તાઊં છું.”

“ના ના માસી.” હીનાબેનની વાત વચ્ચેથી કાપી માસી બોલ્યા, “પેલી જબરી પાછી ઐયો ઐયો કરતી અમારા રિપ્સેશનમાંય ટપકી પડી ને લુંગીઓ ભેટમાં આપી ગઈ ત્યારથી તારા માસાએ પાયજામાનો ત્યાગ કર્યો લે.”

હીનાબેનને પતિદેવની ફોડકી બાબતે અરૂચિકર ફોડ પાડવાનું અનુચિત લાગ્યું.

“આવી છો તો તાજા ગુલાબજાંબુ લેતી જા. આજે જ બનાવ્યા. ડબ્બામાં ભરી દઉં.” માસીએ ભાણીને વહાલથી કહ્યું.

“એ નાઆઆઆ…” હીનાબેને ચીસ પાડી. “ગુલાબજાંબુને લીધે જ આ બધી મોકાણ છે. હવે તો એમને જુલાબ આપવો પડશે.” બોલતા હીનાબેનની નજર સામે હરેશભાઈના પેટમાં ગુલાબજાંબુ ગયા બાદ ચોક્કસ ઠેકાણેથી બહાર નીકળેલ જાંબુ જેવું ગૂમડું તરવર્યું.

છેવટે હરેશભાઈ અને હીનાબેન ડૉક્ટર વાઘમારેના દવાખાને જવા નીકળ્યા. નસીબજોગે ખાલી બસ મળી ગઈ. હીનાબેન હલતી બસમાં આરામથી બેઠા પરંતુ લુંગીમાં સજજ હરેશભાઈ દાંડો ઝાલી ઊભા રહ્યા તે જોઈ કન્ડક્ટરે વિવેક દાખવતાં કહ્યું, “તશરીફ રખીએ જનાબ.”

“નહીં રાખવીઇઇઇ. બેસવું હોય ત્યારે જગા ન હોય. ન બેસવું હોય ત્યારે બેસવાનુ કહે છે. તું કોણ મને કહેવાવાળો? નથી બેસવું જા. બવ દયા આવતી હોય તો આડા પડવાની જગ્યા કરી આપ. આખી ટીકીટ લીધી છે. મારી તશરીફ જાય ભાડમાં. તું થાક્યો હો તો તારી તશરીફ રાખી બેસી જા. તને ઓછા ગુમડા થયા છે?” હરેશભાઈની ફટકાબાજીથી કન્ડક્ટર ડઘાઈ ગયો. “કૈસે કૈસે લોગ આતે હૈં, ભલાઈ કા તો જમાના નહીં રહા.” બબડતો તે આગળ વધ્યો.

દવાખાને પહોંચી નામ નોંધાવી હરેશભાઈ એક તરફ ઊભા રહ્યા. વેઇટિંગ રૂમમાં આઠેક દર્દીઓ બેઠેલા. બે જણા ઊઠ્યા એટલે એકે હરેશભાઈને ખાલી જગ્યા બતાવી બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. હરેશભાઈ ફરી અકળાયા. આંખમાં ઝળઝળીયા ધસી આવતાં તેઓ આડું જોઈ ગયા.

તેમનો વારો આવ્યો. ડૉક્ટરે તેમના ચહેરાનું નિરિક્ષણ કરી પ્રશ્ન કર્યો, “કબજિયાતની તકલીફ છે?”

“ના. પાછળ ગૂમડું થયું છે. મટતું નથી. બહુ દુ:ખે છે સાહેબ.” હરેશભાઈએ દયામણા ચહેરે કહ્યું. પેશન્ટને ઊંધા સુવડાવી તપાસ્યા બાદ ડૉ.વાઘમારેએ ગંભીર ચહેરે કહ્યું, “કન્ડિશન ઇઝ ક્રિટિકલ. દવા કે મલમથી નહીં મટે. એક્સ-રે લઈ, જરુર પડે તો એમઆરઆઇ કરવું પડશે. ડાયાબિટીસનો બ્લડટેસ્ટ કરાવવો પડશે. સું સમજ્યા? લખી આપું છું તે બધ્ધા ટેસ્ટ કરાવી આવો પછી સર્જરીનું નક્કી કરીએ. કદાચ બાયોપ્સી…”

“હેં? બાયોપ્સી?એમઆરઆઇઇઇઇ?” ખર્ચાના ખાડામાં ઉતરવાની શંકાએ હરેશભાઈથી ઇઇઇ.. થઈ ગયું.
“એમાં એવું છે કે ગાંઠ નથી ને? તેની શંકા દૂર કરવી પડે. સું સમજ્યા?” ડૉક્ટરે સપાટ સ્વરે કહ્યું.

વીલા મોઢે હરેશભાઈ-હીનાબેન પરત ફર્યા. “સાલા એક ગૂમડા હમકો અધ્ધર કર દેતા હય.” બબડતા હરેશભાઈએ બીજા દિવસે ડૉક્ટરના આદેશ મુજબ બધાં ટેસ્ટ કરાવ્યા.

બધાં રિપોર્ટ નૉર્મલ આવવાથી તેમણે ડૉક્ટરને હરખાઈને ફોન કરી એ બાબત જણાવ્યું.

“તો કાલે સવારે આવી જાવ, સર્જરી કરી જ દઈએ. સું…?” ડોક્ટર વાક્ય પુરૂં કરે તે પહેલાં હરેશભાઈ બોલી પડ્યા, “સમજ્યા.”

ડૉક્ટરે તાત્કાલિક એપોઇન્ટમેન્ટ આપી દીધી. બીજે દિવસે ફાઇલ, રિપોર્ટ, પાણી, પૈસા અને લુંગી લઈ હીનાબેનના સથવારે હરેશભાઈ ડૉક્ટરને ત્યાં જવા નીકળ્યા.

કમનસીબે બસસ્ટોપ પર લાંબી કતાર હતી. એક બસ આવી. હૂડડડ કરતા આગળ ઊભેલાઓ ધક્કામુક્કી કરી બસમાં ચડી ગયા. હરેશભાઈ પાછળ રહી ગયા. બીજી બસ આવી પરંતુ આખી ભરેલી હોવાથી થોભ્યા વગર પસાર થઈ ગઈ. હીનાબેન મોઢું વકાસીને બસને જતી જોઈ રહ્યા.

“હવે તો ડૉક્ટરની એપોઇન્ટમેન્ટનો ટાઈમ થૈ ગ્યો. મોડા પડીશું તો વાઘમારે સું સમજ્યા સું સમજ્યા કરતો વાઘ જેવો થૈ જશે. હાલો રિક્ષા કરી ટાઇમસર પહોંચી જઈએ. તમે સળિયો પકડીને જરી એક ઢગરા પર અધ્ધર બેસજો બીજું શું. આ દસ મિનિટનો જ તો રસ્તો છે.” હીનાબેને સમસ્યાનો સરળ ઉપાય સુણાવ્યો.

છૂટકો નહોતો. ઊંહકારા ભણતા હરેશભાઈ રિક્ષામાં આડા થઈ એક ઢગરા પર ઊભડક બેઠા. બાજુમાં હીનાબેન ગોઠવાયા. રિક્ષાચાલકને તેમણે સૂચના આપી, “ડૉક્ટરકા એપોઇન્ટમેન્ટ હય. જરા જલદી ચલાવ. હમકો મોડા હોતા હૈ.”

“ફિકર મત કરો. હમ શોર્ટકટ સે લે લુંગા.” બાહોશ રિક્ષાચાલકે સહાનુભૂતિ દર્શાવી. આડા અવળા રસ્તે, નાનકડી ગલીમાંથી તેણે રિક્ષા એવી દોડાવવા માંડી કે તેમાં રસ્તા વચ્ચે આડેધડ ખોદાયેલા ખાડામાં રિક્ષાનું પાછલું પૈડું પડ્યું. રિક્ષા એક ફૂટ ઉછળી તે સાથે અધ્ધર બેઠેલા હરેશભાઈ ઉછળ્યા. તેમના કાબૂ બહાર જતા ઢગરા સીટ પર પટકાયા.

“આહહહ…” તેમના મોઢામાંથી ભયંકર ચીસ વછૂટી, “એ હીના… ગૂમડું ફૂટ્યું…” છોલાયા બાદ રિક્ષાની સીટ પર ગોઠવાએલા સપાટ કૂલા પર હાથ ફેરવતા હરેશભાઈ બોલ્યા.

“હેં? ફૂટી ગયું? રિક્ષાવાલા, રિક્ષા પાછી ખાડામેં ડાલો. હમારા “એ” અધ્ધર ઉછળ્યા પછી સીધા થૈ ગયા. અબ્બી સર્જરી કા જરૂરત નથી. શોર્ટકટ સે રિક્ષા પાછી વાળી લો.”

“દુ:ખ્યું ખરું પણ વાંધો નહીં. ગૂમડું છૂટ્યું ને હુંય છૂટ્યો. હીના, ઘરે તું ડ્રેસિંગ કરી આપજે. ટાઢા પાણીએ ખસ ગઈ. હું મીઠાઈ નહીં ખાઉં, બે દા’ડામાં તો રુઝ આવી જશે. આ ખાડામાં પડ્યા પણ ડૉક્ટરના ખર્ચના ખાડામાંથી બચ્યા. સર્જરીની લપ ટળી.” હરેશભાઈએ આનંદમાં આવી જઈ કહ્યું.

“ખરેખર? હા…શ.” હીનાબેને રિક્ષાચાલકને ભાડા ઉપરાંત બક્ષિસ પકડાવી “થેંક્યુ” કહ્યું.

‘અરે! યે પૈલા ઘરાક ઐસા મિલા જો રિક્ષા કો ખડ્ડા મેં ડાલને કુ બોલતાય.’ રિક્ષાચાલક માથું ખંજવાળતો રહ્યો.

ઘરે પહોંચતાં જ હરેશભાઈએ કહ્યું, “હવે આની ખુશીમાં એકાદ ગુલાબજાંબુ ખવડાવી દે હીના ડાર્લિંગ અને ડૉ. વાઘમારેને ફોન કરીને બધું સમજાવી દે. સું?

– સુષમા શેઠ

સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


20 thoughts on “ફોડકીએ કરી હાલત કફોડી..

  • Meera Joshi

    હાસ્ય નાટક નિહાળતા હોય એ રીતે હાસ્યલેખ વાંચતાં તાદ્દશ્ય થાય છે.. મજા પડી!

  • Brij

    અદ્ભુત સરળ ૈ ીમાં આલેખન . વ્યંગ તરફી પેશકશ. શુભારંભ .નવી દિશા તરફ પ્રયાણ.

  • હર્ષદ દવે

    વેદનાસભર લેખમાં હાસ્યનો હલ્લો થયો. ફોડકીમાંથી ફોડલો થયો અને ફૂટ્યો ત્યાં સુધીમાં પાઠકની આંખમાં હર્ષાશ્રુ આવી જાય એટલું હસાવે તેવી રચના. ગંભીરતાથી હળવાશના સમ, હરેશભાઈ કફોડી હાલતમાં જ ગુમડું ફૂટી જાય તેવી સ્થિતિમાં આવી જાય છે અને તે પહેલાંનો પ્રોગ્રામ કેન્સલ કરે છે ત્યારે સહુ હાશકારો અનુભવે છે. સ-રસ.

  • Himanshu Patel

    Oh my God….. still my smile is not stop. Not smile …. we all all are laughing. (As we are reading story with some loudness in office, where we are refuce the pain of aprisal….)
    Very funny story of one Gujarati, yes the character Hareshbhai …..!
    Written having good grip on language, when we listen this story …. felt like watching it as live play.

  • Sa

    મુ. સુષ્માબેન,

    મઝામાં હશો. અમને પણ મઝામાં રાખવા બદલ ખુબ આભાર.

    થોડાક વખતથી હું તથા મારું કુટુંબ કોરોના ભગવાનની અસીમ કૃપામાં સમર્પિત હતાં. અલબત્ત, ઘરનાં 9 વર્ષથી 90 વર્ષના સદસ્યો એક બીજાને કોરોનની ‘ખો’ આપીને એમની નિશ્રા માંથી સુખરૂપ બહાર નીકળી ગયા. માટેજ આપની સાથેનો સંપર્ક હંગામી ધોરણે સ્થાપી શક્યો ન હતો.

    વચમાં ‘મમતા’ માં પણ આપની એક વાર્તા વાંચી હતી પરંતુ તેને acknowledge કરી શક્યો ન હતો. માફ કરશો. આપ હાસ્ય રસ ઉપરાંતના બાકીના 8 રસો પણ એટલીજ ફાવટથી લખી શકો છો કે જે અપને પ્રથમ હરોળના લેખકમાં મૂકવા માટે સક્ષમ છે.

    હવે આવું ‘ફોડકીની કફોડી હાલત’ પર. —- ત્યારે હરેશભાઇએ ખાવું શું? — હિનાભાભી ના સલાડ, કડવી મેથી અને કાઢો? માસાનો પાયજામા નો ત્યાગ કરીને લૂંગી પહેરવાના નિર્ણયનો શું વાંક? બસ ના કંડક્ટર નો ‘તશરીફ રખીએ’ ના વિવેક નો શું વાંક? અને અંતે રીક્ષા ચાલકના ખાડામાં ઉછાળવાનો કેટલો મોટો ફાયદો? વાહ — ખુબ સુંદર વર્ણન —- આપ તારક મહેતા સાહેબની ખોટ નહીં લાગવા દો તેવી ખાતરી સાથે,

    આપનો ‘પંખો’ —(fan !!)

    સમીર અ . શાહ,
    અમદાવાદ.