લીલોતરી! એવો વિષય, એવું વિશ્વ કે જેના વિષે વિચારતાં મારી સાથે બે ઘટનાઓ બનતી હોય છે, એક તો અંદરથી એટલું બધું ફૂટવા લાગે છે કે શું લખું, કેવું લખું, ક્યાંથી શરૂઆત કરું ને શું રહેવા દઉં એ નક્કી કરવામાં જ એવી ગૂંચવાઈ જાઉં કે લખવાનું પાછળ ઠેલી દઉં અને બસ, લીલોતરીનો રમ્ય નજારો જોયાં કરું. લખવાની ઘડીએ કંઈ જ સૂઝે નહીં, વિચારો એકમેકમાં ભેળસેળ થઈ જાય. આમ, કાં તો બધું છલકાય જાય અને કાં તો કંઈ જ સ્રવે નહીં, એવા બે અંતિમો વચ્ચે હિલ્લોળા લેતી મને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા એક જ માર્ગ દેખાય, લીલોતરીમાં ખોવાઈ જવાનો. એની ગોદમાં પહોંચતાં જાતને એને હવાલે કરી દેવાની હોય અને પછી કશું જ વિકટ કે વિષમ ના રહે, સઘળું સુખમય. ઘડિયાળના કાંટા ચાલે પણ સમય તો જાણે થંભી જાય.

આજકાલ વહેલી સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ ટ્યુઇક… ટ્યુઇક.. કરતો તીણો અવાજ મીઠી નિંદ્રાના પડળ છેદી મગજના ચેતાતંતુઓને રીતસરના ટકોરા મારે છે. ઘરબગીચાની જમણી બાજુએ વિકસીને ઠીકઠીક ઊંચા થઈ ગયેલા અરડૂસીના ક્ષુપ અને એવા જ ઊંચા જાસૂદના ક્ષુપની ટગલી ડાળીઓ એકમેકને આલિંગતી હોય એમ એકરૂપ થઈ ગઈ છે, એ લોકોએ ભેગાં મળીને નાનકડી ઝાડી જેવી રચના ઊભી કરી છે. આ ઘટા એ બુલબુલ, દરજીડો, શક્કરખોરો વગેરે પક્ષીઓનું મનગમતું નિવાસસ્થાન છે. શયનખંડની બારી બહાર પડતી આ ઝાડીમાંથી આવતો આ કલરવ કાને પડે એટલે સવાર અનાયાસે જ મોહક બની જાય. ફિલ્મોમાં અને ટીવીની ઍડ જિંગલ્સમાં જોવા મળતી મોર્નિંગ ઍલાર્મ અને એમાં ઍલાર્મ વાગતાં બજતો કૃત્રિમ કલરવ અને બહાર ડોકું તાણતું વહાલકડું પક્ષી જોવું ખૂબ ગમતું પણ અત્યારે બારી પારથી આવતાં પક્ષીરવે છેડેલી રાગિણી ઘડીક વાર સાંભળતાં એવું લાગે કે જાણે એ ઝીણા રવની લહેરોમાં તમે તણાતાં જાવ છો. મગજ સચેત થતાં કળાય છે, આ તો બુલબુલરાણી. સાંભળવો ગમે એવો મધુર અવાજ કરતી પૃથ્વીને જગાડી રહી હોય અને તમામ સજીવોને કહી રહી હોય કે ધીમે ધીમે જાગો, તમારી ચેતનામાં પાછા ફરો, પ્રભાતનો પ્રથમ પહોર શરૂ થઈ ચૂક્યો છે. બુલબુલનો રવ શમે કે સાડા પાંચ-છ વાગતાં તો મોરલા ટેહુક ટેહુક કરતાં મચી પડે. એકનું સાંભળીને બીજો, પછી ત્રીજો, એમ કરતાંકરતાં આખી ટોળકી જોડાય ને મોરલાઓનો કલશોર અમારી નાનકડી શેરીને ગજવી મૂકે. ક્યાંય દૂર નીલગીરીના ઝાડની ઉપરની ડાળીએ રાતવાસો કરીને જાગી ઊઠેલું આ મયૂરવૃંદ, કલશોર મચાવી અન્ય વિહંગોને જગાડતું હશે કે સવારની ખુશનુમા વાતાવરણમાં પોતાના કંઠથી હાજરી પુરાવતું હશે! કોને ખબર!
ગ્રીષ્મની ધગધગતી બપોર આમ્રકુંજની ઘટામાં છુપાઈને બેઠેલી કોયલના મધમીઠા કુહૂકારથી રળિયાત હોય છે. પણ હમણાં વસંત ચાલે છે, એની જેટલી અસર વનરાજિ પર થાય છે એટલી જ અસર પૃથ્વી પર વસતાં તમામ સજીવો પર થાય છે. આ ઋતુમાં ગાયક કુળનાં વિહંગોના ગળામાં એક વર્ષથી સચવાઈ પડેલી રાગરાગિણીઓ બંધન તોડીને ધસમસતી વહી નીકળે છે અને ઉષાના અજવાસને અને સંધ્યાના ખાલીપાને ભરી દે છે પોતાના સૂરીલા કંઠથી. આખું વર્ષ નવશિખાઉં વિદ્યાર્થીની જેમ ધીમુંઢીલું ગાતાં દૈયડ, શામા, બુલબુલ, વૈયાં વગેરે ગાયક કુળનાં પક્ષીઓ, વસંતના આરંભથી જાણે કુશળ ગાયક બની ગયાં હોય એમ એમનાં ગાનમાં અજબ તાન ભળી જાય, સુરમ્યતા આવીને એમનાં ગળાંમાં બિરાજીત થઈ જતી હોય છે. આ પંખીડાંવ ઘર નજીકનાં વૃક્ષની નીચી ડાળે કે વીજળીના થાંભલા પર નિરાંતે બેસીને મધુર અવાજમાં ગાન શરૂ કરે ત્યારે એના તરફ તમારું ધ્યાન ના જાય તો જ નવાઈ! ને તો તમને અરસિક મનુષ્ય જ ગણવા. બપોરની ગરમી અને સાંજનાં અકળાવી મારતાં વાતાવરણમાં જેની સવાર અને રાત ઠંડી હવાની લહેરખીઓથી પ્રફુલ્લિત બનતી હોય છે એવા ફાગણ-ચૈત્રના દિવસોમાં વહેલી સવારે ભોંભાંખળું થવાનાં ટાણે ઘરબગીચા કે વાડામાંથી મધુર અવાજમાં તી…ઈ…ઈ…ઈ… જેવો ધીમો પણ સ્પષ્ટ અવાજ સંભળાય તો જાણવું કે એ દૈયડ છે. ઉપરથી કાળા અને પેટાળના ભાગે ધોળા –એમ માત્ર બે જ રંગો ધરવાતું આ પરિન્દું બેરંગ જરાય નથી. ઉષાનું અજવાળું ધરિણી પર ફેલાઈ જાય અને એને તમે જોઈ લો તો બધાં કામ પડતાં મૂકીને એનું કર્ણપ્રિય ગાન સાંભળવા અટકી જઈએ એવું મન થઈ જાય. દેખાવે જોવું ગમે એવું આ દૈયડ એટલે કદમાં લગભગ આપણી ઘરચકલી જેવડું નાનકડું, ચપળ પંખી. એક ડાળથી બીજી ડાળ અને ઘાસ કે ખુલ્લી જમીન પર ઠેકડા મારીને ચાલવુંકૂદવું વગેરે એની રીતભાત આકર્ષક અને દમામપૂર્ણ. આ ઋતુ એના પ્રજનનની. એટલે આવું મીઠું-માદક ગાન કરીને માદાને આકર્ષે, બંને મળીને માળો બનાવે અને ઈંડાં મૂકી, સેવી, બચ્ચાંપાલનની પ્રવૃત્તિ આદરે. પણ એની સર્વ શોભા તો ઝાડની ડાળ પર બેસીને સંગીતની સુરાવલિઓ છેડીને રસિક મનના તાર રણઝણાવી મૂકે તેમાં જ.

લીલોતરીની આગોશમાં જીવતાં આ વિહંગો વિજયગુપ્ત મૌર્ય કહે છે એમ ખરેખર પ્રકૃતિનાં લાડકવાયાં છે. લીલોતરીની મંજૂષામાં અનેક કલરવ, કલબલ, કલશોર, કકળાટ, કાગારોળ ઠાંસીઠાંસીને ભર્યાં છે, તમારાં અરસિક મનને રસિક કરવા અને તમારાં રસિક રસતરબોળ કરવા. તો અહીં મળતાં રહીશું અને માણતાં રહીશું લીલોતરીનો ઉત્સવ.
આજની કંકોતરીનો ટહુકો કવિ કાન્તના શબ્દોમાં..
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય
બેસીને કોણ જાણે કહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય
ગાળી નાખે હલાવી રસિક હ્રદય વૃત્તિથી દાબ જાય
– મયુરિકા લેઉવા બેંકર
મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
જયદેવની યાદમાં પહોંચી ગયો…લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે…એમાં જે લાલિત્ય છે તે લીલોતરીના રવમાં છે. આ રવ નીરવપણે ભીતરને સમૃદ્ધ કરે છે અને બાહ્ય સ્વરૂપે સૃષ્ટિનાં સૌંદર્યને…
આભાર..
વાહ સરસ! પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો પરમ આનંદ!
આભાર અર્ચિતાબેન.
Excellent
સરસ…
આ કલરવ સાચે જ માણસ અને પ્રકૃતિને જોડતી કડી છે.
અભિનંદન મયુરિકાબેન.
આભાર ભારતીબેન
Thank you hemhimanshu001